- જયેશ ચિતલિયા

લેભાગુ કૉર્પોરેટ્સ, રાજકારણીઓ, બિઝનેસમૅન, વગેરે લોકો બૅંકોનાં નાણાંને પોતાના પિતાશ્રીનાં નાણાં સમજીને વાપરે, ઉડાડે, લૂંટાવે અને રિઝર્વ બૅંક તથા સરકાર જોતા રહી જાય…કબ તક ચલેગા?
કૌન બનેગા કરોડપતિના કાર્યક્રમ દરમ્યાન ‘બિગ બી’ રોજ એક સૂચના ખાસ આપતા હતા, આ સૂચના લોકોનાં નાણાંની સુરક્ષાસંબંધી રહેતી. સૂચના રિઝર્વ બૅંકના નામે એક જાગરૂકતા ઝુંબેશના ભાગરૂપે અપાતી હતી. આવી તો અનેક સૂચનાઓ રિઝર્વ બૅંક અન્ય માધ્યમો મારફતે પણ આપે છે છતાં બૅંકોમાં, બૅંકો સાથે સતત છેતરપિંડી થવાની પ્રવૃત્તિ ચાલુ જ રહી છે. હવે ફરક એટલો પડ્યો છે કે આ છેતરપિંડીની પ્રવૃત્તિઓનો પર્દાફાશ થવા લાગ્યો છે. ટેલિવિઝનના બીજા એક કાર્યક્રમ દરમ્યાન પરફ્યુમની એક જાહેરખબર વારંવાર જુદા-જુદા સ્વરૂપે આવતી હોય છે, જેમાં વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીતમાં પુછાય છે, ક્યા ચલ રહા હૈ? (અર્થાત્ શું નવું ચાલી રહ્યું છે?) જવાબમાં કહેવાય છે ફોગ (FOGG) ચલ રહા હૈ! બૅંકોના વિષયમાં વાત ચાલતી હોય અને પુછાય કે ક્યા ચલ રહા હૈ? તો જવાબ એ જ મળે કે ફ્રૉડ (FRAUD) ચલ રહા હૈ!
ફોગ અને ફ્રૉડ એકસમાન બની ગયા હોય એવું લાગે છે. ફોગ સુગંધ માટે છે, જ્યારે ફ્રૉડ ખોટાં-ગેરકાનૂની કામોની દુર્ગંધ છે. બિગ બી – રિઝર્વ બૅંક કેટલી પણ સૂચના આપે, કૌભાંડકારીઓ વધુ ચાલાક, લેભાગુ, વગધારી, રાજકીય સહિત અનેક સ્થાપિત હિતો સાથે સાંઠગાંઠધારી હોય છે. આમાં હવે સતત અને સખત પગલાં-ઉપાયની જરૂર છે, અન્યથા હવે પછી ટેક્નૉલૉજીને કારણે તેના પ્રકાર બદલાશે પણ આ ગરબડ-ગોટાળા-ફ્રૉડ ચાલુ જ રહેશે.
કૉર્પોરેટ ફ્રૉડ અને લૂંટ
બૅંકોમાં થતા ફ્રૉડની સંખ્યા અને તેમાં સંકળાયેલા મૂલ્યનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. સલામતીનાં જેટલાં વધુ પગલાં આવતાં જાય છે તેનાથી વધુ કૌભાંડ અને છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે. આ છેતરપિંડી ખાસ કરીને વ્યક્તિઓ દ્વારા થાય છે, ટુ બી સ્પેસિફિક, કૉર્પોરેટ્સ દ્વારા થાય છે, જેના લેભાગુ પ્રમોટર્સ બૅંકોના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને છેતરપિંડી કરે છે અને દિનદહાડે બૅંકોને ‘લૂંટે’ છે. ભારતીય બૅંકોની, ખાસ કરીને સહકારી અને સરકારી બૅંકોની લૂંટ ચલાવવાની પ્રવૃત્તિ દેશભરમાં ચાલી રહી છે, જેમાં રાજકારણીઓનો પણ ફાળો હોય છે.
નાણાપ્રધાનની કબૂલાત
આમ તો તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાજ્યસભામાં જાહેર કર્યું હતું કે છેલ્લા છ મહિનામાં જાહેર ક્ષેત્રની બૅંકો સાથે 95,700 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. એપ્રિલથી સપ્ટેમ્બરના આંકડા મુજબ આ બૅંકોએ છેતરપિંડીના 5,743 કેસો નોંધાવ્યા હતા. આની સામેની ઍક્શનના ભાગરૂપે સરકારે કામકાજ ન કરતી હોય એવી કંપનીઓનાં 3.38 લાખ ઍકાઉન્ટ સ્થગિત કરી દીધાં છે.
ફ્રૉડના કેસોમાં 200 ટકાનો ઉછાળો
એક તાજા અહેવાલ મુજબ સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ એપ્રિલથી નવેમ્બર દરમ્યાન તેમાં (બૅંકમાં) થયેલા કૉર્પોરેટ ફ્રૉડમાં વરસ 2018ની સરખામણીએ 2019માં 200 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. સ્ટેટ બૅંક સાથે થયેલી છેતરપિંડીનો આંકડો આ સમયગાળામાં 26,757 કરોડ રૂપિયા થયો છે. 2018-19માં આ ફ્રૉડનો આંકડો 10,725 કરોડ રૂપિયા હતો. નવાઈની વાત એ છે કે 2017-18માં કૌભાંડની રકમ માત્ર 146 કરોડ રૂપિયા હતી, અર્થાત્ છેલ્લાં બે વરસમાં જ સૌથી વધુ ફ્રૉડ થયા કે નોંધાયા ગણાય. છેલ્લાં ત્રણ વરસનાં આ કૌભાંડની ઘટનાની સંખ્યા જોઈએ તો તે અનુક્રમે 8, 25 અને 48 રહી છે. સ્ટેટ બૅંકે માત્ર 100 કરોડ રૂપિયા કે તેથી વધુ રકમના ફ્રૉડ જ નોંધમાં લઈને આ જાહેરાત કરી છે એ પણ નોંધવું રહ્યું. એટલે કે આનાથી નાની રકમના ફ્રૉડ પણ ઘણાં હોઈ શકે. સ્ટેટ બૅંકે તેની સબસિડિયરી કંપની એસબીઆઈ કાર્ડના આઈપીઓ સંબંધ દસ્તાવેજમાં આ માહિતી આપી છે યા કહો કે તેને આમ કરવાની ફરજ પડી છે. સેબીનાં ડિસ્ક્લોઝર ધોરણો મુજબ આમ કરવું ફરજિયાત છે.
ફ્રૉડનાં જુદાં જુદાં કારણ
આમાંના મોટાભાગના ફ્રૉડ અગાઉનાં વરસોના છે અને છેલ્લા 55 મહિનાની તપાસમાં બહાર આવ્યા છે. રિઝર્વ બૅંકના અહેવાલ મુજબ આ ફ્રૉડનાં કારણ જુદાં-જુદાં છે. કોઈ કેસમાં કંપનીએ જ બૅંક સાથે છેતરપિંડી કરી છે, કોઈ કેસમાં મંદીની અસર હેઠળ કંપનીથી ડિફોલ્ટ થયો છે. ઘણા કેસોમાં ફોરેન્સિક ઑડિટ ચાલુ છે. કેટલાય કિસ્સામાં કંપનીએ જે હેતુસર લોન લીધી છે તેને પછીથી અલગ હેતુસર વાળી દીધી છે. ક્યાંક નાણાં રફેદફે કરાયાં છે. કેટલાક કેસોમાં મની લૉન્ડરિંગના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ થઈ છે અને ચાલી રહી છે.
એન્ટિ ફ્રૉડ અવેરનેસ વીક
ગયા મહિને જ બૅંક ફ્રૉડના કિસ્સાની તપાસના ભાગરૂપ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ દેશનાં 16 રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ સહિત) 200 સ્થળોએ વ્યાપક દરોડાની કારવાઈ ચલાવી હતી, જેમાં 1,000 ઑફિસર્સ કામે લાગ્યા હતા. સીબીઆઈએ 42 નવા કેસો રજિસ્ટર કર્યા હતા, જેમાં 7,000 કરોડની રકમ છેતરપિંડી સંબંધી સંડોવાયેલી છે. ઓછામાં ઓછા ચાર કેસોમાં 1,000 કરોડ રૂપિયાની રકમ રફેદફે કરાઈ છે. અહીં એ નોંધવું જરૂરી છે કે 17થી 23 નવેમ્બર દરમિયાન એન્ટિ ફ્રૉડ અવેરનેસ વીક હતું, જેમાં આ વ્યાપક કારવાઈ થઈ હતી. બૅંકિંગ ઉદ્યોગ છેલ્લાં કેટલાંય વરસોથી છેતરપિંડી, ગોટાળા-ગરબડ, લોન ડિફોલ્ટ, વગેરે બાબતોમાં અટવાયેલી છે.
રકમની દૃષ્ટિએ કૌભાંડોમાં જબ્બર વૃદ્ધિ
ચોંકાવનારી એક બાબત પર નજર કરીએ તો, સરકાર ભારત સંચાર નિગમ લિ. અને મહાનગર ટેલિફોન નિગમ લિ.ના મર્જર પર જેટલી રકમ સરકાર ખર્ચવાની છે લગભગ તેટલી જ રકમના છેતરપિંડીના કેસો નાણાકીય વરસ 2019માં બન્યા છે. આ કેસોની સંખ્યા 6,800 જેટલી અને તેની રકમ 71,500 કરોડ રૂપિયા જેટલી છે. આ રકમની સરખામણી બીજી બાબત સાથે પણ કરીએ તો સરકાર જે રાહત પૅકેજ અથવા મૂડી સપોર્ટ બૅંકોને કરી રહી છે તે રકમ પણ લગભગ સમાન સ્તરે છે. ફ્રૉડની સંખ્યાની દૃષ્ટિએ 15 ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ રકમની દૃષ્ટિએ વૃદ્ધિ 80 ટકા છે. 100 કરોડ રૂપિયાથી વધુ રકમના ફ્રૉડ કેસનું પ્રમાણ 73 ટકા છે. આમાં વળી મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા લેભાગુઓ બૅંકોના 13,000 કરોડ જેટલી તોતિંગ રકમ ચાઉં કરી ગયા છે.
કૌભાંડની કરુણતા
એક વાત ખાસ નોંધવા જેવી છે કે બધા જ ફ્રૉડ લૅટેસ્ટ નથી. જૂના કેસો પણ છે. ખાસ કરીને દરેક ફ્રૉડને ડિટેક્ટ કરવામાં બે વરસ જેવો સમય લાગી જાય છે. આને બૅંકિંગ સિસ્ટમની ભયંકર નબળાઈ પણ કહી શકાય. અહીં ફ્રૉડ બની ગયા બાદ તેને જાણવા-સમજવામાં જ ઓછામાં ઓછાં બે વરસ લાગી જાય છે. પછી તેને સમજવામાં બીજાં અમુક વરસ, તેને સાબિત કરવામાં વધુ વરસ… ક્રમ ચાલતો રહે છે. રકમ રિકવર કરવામાં કોઈ વરસની મર્યાદા છે કે કેમ એ સવાલ છે.
ભારતીય બૅંકિંગ ઉદ્યોગ અને રિઝર્વ બૅંક સામે આ બહુ મોટો પડકાર છે. આમાં સૌથી મોટી ક્ષતિ રિઝર્વ બૅંકના પક્ષે ગણી શકાય. મોટાભાગના બૅંક ફ્રૉડ કેસમાં રાજકીય વગ-સાંઠગાંઠની મુખ્ય ભૂમિકા હોય છે, તો વળી કેટલાક કેસોમાં બૅંક અધિકારી પણ સામેલ હોય જ છે.
પિતાશ્રીના પૈસાની જેમ બૅંક લૂંટાય છે
બૅંકો તેની સાથે થઈ ગયેલા ફ્રૉડની જાણ રિઝર્વ બૅંકને કરવામાં પણ લાંબો સમય લઈ લે છે. પોતાની આબરૂ બચાવવા કે બ્રાન્ડ-શાખ નીચે ન ઉતરી જાય એ વિચારીને બૅંકો આ બાબત છુપાવવાની કોશિશ કરે છે. રિઝર્વ બૅંકે ફ્રૉડની જાણ કરવામાં વિલંબ કરનાર બૅંકોને 123 કરોડનો દંડ કર્યો છે. આવા 76 કેસો છે. કિંગફિશરનો કેસ જૂનો અને જાણીતો છે. કેટલાય ફ્રૉડ ઇન્ટરનેટ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત પણ નોંધાયા છે. ઘણા કેસોમાં બૅંક મૅનેજર અને કૉર્પોરેટ વચ્ચે સાંઠગાંઠ રચાઈ હોવાથી કૌભાંડ આકાર પામે છે.
કૉર્પોરેટ્સ બૅંકોનાં નાણાંને જાહેર નાણાં સમજીને વાપરે છે, જાણે કે એ તેમના પિતાશ્રીના હોય. કોને આપ્યા તે તમે રહી ગયા!!! આ બધું વરસોથી ચાલતું આવ્યું છે, પરંતુ જ્યારથી રિઝર્વ બૅંકે એનપીએ (નોન-પર્ફોર્મિંગ ઍસેટ)નાં ધોરણો કડક કર્યાં ત્યારથી બૅંકોના હાડપિંજર બહાર આવવા લાગ્યાં છે. આ ધોરણો સમયાંતરે વધુ કડક થતા રહ્યાં છે અને હવે બૅંકોનું શુદ્ધિકરણ પુરજોશમાં છે. જો કે, સમય ઘણો ગયો અને હજી જશે. આશા છે કે લાંબા ગાળે પરિણામ મળશે. બૅંકોના મર્જરમાં પણ ક્યાંક આનો ઉપાય છુપાયેલો છે. બૅંકોના સુપરવિઝનમાં પણ કડકાઈ આવી રહી છે અને ઍક્શનમાં ઝડપ પણ આવી રહી છે, છતાં દિલ્હી હજી બહુ દૂર છે.
પિડાય છે આખરે ગ્રાહકો–પ્રજા
તાજેતરમાં પીએમસી કૉ-ઓપરેટિવ બૅંકે આંખો ઉઘાડી છે. અલબત્ત, હજી તો ઘણી બૅંકોનાં હાડપિંજર ઢંકાયેલાં છે, જે બહાર લાવવાં પડશે. ક્યાંક તો રિઝર્વ બૅંક પણ બહુ અવ્યવહારુ સાબિત થઈ છે. તેણે બહુ જલદી ઍક્શન લઈને બૅંકોને સુધારાની તક ન આપી. એક તો પોતે પહેલેથી ધ્યાન ન આપ્યું અને પછી બૅંક સામે ઍક્શન લેવામાં તેના ખાતાધારકોના હિતનો વિચાર ન કર્યો. જાણે તમે આવી બૅંકમાં ખાતું રાખ્યું, નાણાં રાખ્યાં એ તમારો અપરાધ, હવે ભોગવો. શું રિઝર્વ બૅંકની નબળાઈની જવાબદારી કોઈની નહીં? રિઝર્વ બૅંક નિયમનકાર તરીકે ભૂલો કાઢે, એ પણ મોડે મોડે અને સહન કરવાનું આવે ખાતાધારકોએ. અને હા, સરકારે જે સહાય કરવી પડે એ તો પ્રજાએ ભરેલા ટૅક્સનાં નાણાંમાંથી જ આવતી હોય છે.
——————