
શેરબજારમાં બીજા બધા કોઈ એક કંપનીના શેર વેચી રહ્યા હોય, પણ જો તમને કંપનીના અંદરના માણસ તરીકે એ શેરના ભાવ વધવાની તમને પાક્કી ખબર હોય તો તમે એ શેર વેચો ખરા? દેખીતી વાત છે કે તમે એ શેર વેચવાને બદલે વધુ પ્રમાણમાં ખરીદવા લાગો. આથી જ શેરબજારના નિયમોમાં ઇનસાઇડર ટ્રેડિંગને ગુનો ગણવામાં આવે છે.
ઉપર જણાવ્યું એ મુજબનો જ એક કિસ્સો હાલમાં બની ગયો, પરંતુ સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ તેના તરફ આંખ આડા કાન કર્યા હોવાની શંકા જાય એવી પરિસ્થિતિ નિર્માઈ છે.
દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)નો સ્ટૉક મોટાં મોટાં મ્યુચ્યુઅલ ફંડો વેચી રહ્યાં હતાં એવા સમયે એક્સચેન્જના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સ્થાન ધરાવતા અમિત ગોએલા જેમાં હિત ધરાવે છે એ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ એમસીએક્સના શેરની મોટાપાયે ખરીદી કરી હતી. ગણતરીનાં સપ્તાહમાં એમસીએક્સનો સ્ટૉક 50 ટકા જેટલો ઉછળ્યો, પરંતુ સેબીનું ધ્યાન હજી હિતોના આ ટકરાવ તરફ ગયું નહીં હોવાથી આશ્ચર્ય થાય છે.

વિવિધ ક્ષેત્રોનાં કારનામાં ખુલ્લાં પાડતી વેબસાઇટ https://www.pgurus.comના એક અહેવાલ (https://www.pgurus.com/trading-in-mcx-shares-will-sebi-investigate-indias-la-rajat-gupta-case/) મુજબ અમિત ગોએલા એમસીએક્સના ડિરેક્ટર હોવા ઉપરાંત અગ્રણી સ્ટૉક ટ્રેડર અને ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાની કંપની રેર એન્ટરપ્રાઇઝીસમાં મુખ્ય ભાગીદાર પણ છે. તેઓ ઝુનઝુનવાલાની કંપની રેર શેર્સ ઍન્ડ સ્ટૉક પ્રા. લિ.ના પણ ડિરેક્ટર છે (https://www.moneycontrol.com/news/business/markets/wizardsdalal-street-amit-goela-partner-at-rare-enterprises-929775.html).
આ એ જ ગોએલા છે, જેમણે પોતે એક વખત કહ્યું હતું કે પોતે રાકેશ ઝુનઝુનવાલાને ટાઇટનના શેર ખરીદવામાં મદદરૂપ થયા હતા. તેમણે ઝુનઝુનવાલાનો એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે તેમને રેર એન્ટરપ્રાઇઝીસમાં ભાગીદાર પણ બનાવવામાં આવ્યા. દેખીતી વાત છે કે આ કંપનીના ભાગીદાર તરીકે તેઓ તેનો નફો વધારવા પ્રયત્નશીલ રહે. જો કે, સમસ્યા ઊભી થવાનું કારણ એ છે કે તેઓ એમસીએક્સના ડિરેક્ટર પણ છે અને એ હકીકતને ધ્યાનમાં લેતાં તેમનાં હિતોનો સ્પષ્ટપણે ટકરાવ થઈ રહ્યો છે.
શું રિટેલ રોકાણકારો સાથે આ અન્યાય નથી?
https://www.pgurus.com વેબસાઇટે ઉક્ત મુદ્દો એ બાબતને ધ્યાનમાં રાખીને ઉખેળ્યો છે કે એમસીએક્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કરેલા ફાઇલિંગ મુજબ ઝુનઝુનવાલાએ રેર એન્ટરપ્રાઇઝીસની સાથે મળીને એમસીએક્સમાં પોતાનો હિસ્સો 3.8 ટકાથી વધારીને 4.8 ટકા કરી દીધો છે (https://www.thehindubusinessline.com/markets/stock-markets/rakesh-jhunjhunwala-hikes-stake-in-mcx-to-48/article29776892.ece). એ જ અરસામાં મ્યુચ્યુઅલ ફંડોમાં મોટા પ્રમાણમાં આ સ્ટૉકની વેચવાલી કાઢી હતી. પીગુરુસે સવાલ ઉઠાવ્યો છે કે શું રિટેલ રોકાણકારો સાથે આ અન્યાય નથી? તેણે એમ પણ કહ્યું છે કે જો આ બાબત સામાન્ય માણસના ધ્યાનમાં આવી હોય તો સેબીના ધ્યાનમાં આવ્યા વગર કેમ રહી ગઈ? વળી, જો નિયમનકાર તરીકે તેણે આ વાતની નોંધ લીધી હોય તો તેના સંબંધે કોઈ કડક કાર્યવાહી કેમ કરી નથી?
અહીં જણાવવું રહ્યું કે એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ની જેમ એમસીએક્સમાં પણ ડેટા શેરિંગનું કૌભાંડ થયું હોવાની આશંકા છે અને તેના સંબંધે તપાસ ચાલી રહી છે. ઉપરાંત, એમસીએક્સના બોર્ડના સભ્ય મધુ જયકુમાર પણ ઝુનઝુનવાલા સાથે સંકળાયેલા છે (https://www.aptech-worldwide.com/pages/investor-relations/investorrelations_board-of-directors.html). તેઓ એપટેક લિમિટેડના પણ બોર્ડ મેમ્બર છે. ઝુનઝુનવાલા એપટેકના ચૅરમૅન અને મુખ્ય પ્રમોટર હોવા ઉપરાંત તેમાં 24 ટકા હિસ્સો ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલાની રેર એન્ટરપ્રાઇઝીસ આજની તારીખે એમસીએક્સના 24.5 લાખ શેર ધરાવે છે.
એમસીએક્સના સ્ટૉકનો ભાવ જૂનના 780 રૂપિયાથી વધીને 4 નવેમ્બરે 1,219 રૂપિયા થઈ ગયો હતો. ઘણા ઓછા ગાળામાં થયેલો આ 56 ટકાનો વધારો છે. પીગુરુસને જાણવા મળ્યું છે કે સેબીના અધિકારીઓનું આ બાબતે ધ્યાન ગયું છે, પરંતુ તેમાં કાર્યવાહી આગળ વધી નથી.
સેબીનો કાયદો શું કહે છે?
સ્ટૉક એક્સચેન્જ હોય કે કોમોડિટી એક્સચેન્જ હોય, તેમણે જાતે જ ધારાધોરણોનું પાલન કરવામાં ચોકસાઈ રાખવાની હોય છે. ટ્રેડર કે ઇન્વેસ્ટર સાથે સંકળાયેલા ડિરેક્ટર ઇનસાઇડર ટ્રેડિંગ માટે કારણભૂત બની શકે છે. આથી જ બ્રોકરોને બીએસઈમાં હોદ્દેદાર બનવા દેવાતા ન હતા. બીએસઈના બોર્ડમાં બ્રોકરો અને મોટા ટ્રેડરોનું વર્ચસ્ ન રહે એ માટે સેબીએ ઘણાં આકરાં પગલાં લીધાં હતાં. જો એવું જ છે તો પછી એમસીએક્સના કિસ્સામાં કેમ આવું થઈ રહ્યું નથી?
સેબીના કાયદામાં સ્પષ્ટપણે કહેવાયું છે કે ડિરેક્ટરો કંપનીના શેરમાં વ્યવહાર કરે ત્યારે તેના વિશે પૂરતી જાહેરાત થવી જરૂરી છે. ઇનસાઇડર ટ્રેડિંગને લગતા સેબીના નિયમોમાં કહેવાયું છે કે કંપનીના કોઈ પણ ડિરેક્ટર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે અન્ય કંપની સાથે સંકળાયેલા હોય એ કંપનીના શેરના ટ્રેડિંગમાં સહભાગી થઈ શકે નહીં. વળી, એ સંબંધે પૂરતી જાહેરાત થવી ઘટે. ઝુનઝુનવાલા અને રેર એન્ટરપ્રાઇઝીસે એમસીએક્સના શેરની મોટા પાયે ખરીદી કરી, પણ શું એમસીએક્સે તેના વિશે જનતાને જાણ કરી?
પીગુરુસે મોકલેલા ઈ-મેઇલનો એમસીએક્સ, રેર એન્ટરપ્રાઇઝીસ, ગોએલા કે સેબીએ જવાબ આપ્યો નથી. તેમની પાસેથી જવાબ મળે એ જનહિતમાં જરૂરી છે.
આવતી કડીમાં આપણે આ મુદ્દે થોડા વધુ ઊંડાણમાં ઊતરીશું.
—————————–