રોજગાર સર્જન ને આર્થિક સ્વનિર્ભરતા એ જ મારું લક્ષ્ય…

અનેક કટોકટીભર્યા કાયદાકીય યુદ્ધમાંથી ઝડપભેર ઝળહળતા વિજય સાથે બહાર આવી રહેલા પ્રથમ કક્ષાના વેપાર સાહસિક જિજ્ઞેશ શાહ હવે શું કરવા ઈચ્છે છે – શું છે એમની અનેકવિધ યોજના?

વ્યાપાર-વિશ્વ

– જયેશ ચિતલિયા (સૌજન્યઃ ચિત્રલેખા)

શૂન્યમાંથી અદભુત સર્જન કરનારા વેપાર સાહસિક અને એ સર્જનનું વિસર્જન કરનારા અતિ વગદાર એવાં રાજકીય હિતો સામે લડનારા સાહસવીરના જીવનમાં હવે નવસર્જનનો સમય શરૂ થયો છે. કાયદાની અદાલતમાં ન્યાય માટે સતત છ વરસ સુધી લડી રહેલા જિજ્ઞેશ શાહ એમની સામેના અને એમની કંપનીઓ સામેના કેસોમાં સતત વિજય મેળવતા ગયા છે. એમને રાજકીય ષડ્યંત્ર અને હરીફો દ્વારા કઈ રીતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા એ હકીકત પણ વ્યાપક સ્વરૂપે જાહેર થઈ ગઈ છે. એમને ટાર્ગેટ બનાવવાનો જેમના પર આક્ષેપ થયો છે એ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ આજે ખુદ ઘણા ગંભીર આરોપ હેઠળ જેલમાં છે અને એમની સામે અનેક સરકારી એજન્સીઓની તપાસ પણ ચાલી રહી છે.

2013ના જુલાઈ મહિનાના અંતે એનએસઈએલ એટલે કે ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ – નવું નામ 63 મૂન્સ ટેક્નોલોજીસ)ની પેટા કંપની છે. એમાં પેમેન્ટ કટોકટી સર્જાઈ હતી અને તેની પાછળ પી. ચિદમ્બરમ અને તેમના મળતિયા કહેવાતા અધિકારીઓ – કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક દ્વારા રચાયેલું ષડ્યંત્ર કારણભૂત હતું એવું સત્ય હવે બહાર આવવા લાગ્યું છે.

ચિત્રલેખામાં અત્યાર સુધી પ્રગટ થયેલા અહેવાલોમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે એક સમયે વિશ્વના છ ખંડમાં વિવિધ એસેટ્સનાં 10 એક્સચેન્જોનું સર્જન કરનાર શાહના સામ્રાજ્યને નુકસાન પહોંચાડવામાં કહેવાતા રાજકીય ષડ્યંત્રે કંઈ બાકી રાખ્યું નથી. આમ છતાં જિજ્ઞેશ શાહ કહે છે કે દેશના ન્યાયતંત્રમાં મેં વિશ્વાસ રાખ્યો. હું હંમેશાં મારા વિરોધીઓ-કાવતરાખોરો સામે લડ્યો છું. કોઈ છટકબારી નથી શોધી. મારી લડાઈમાં પણ કાયમ પારદર્શકતા રહી છે. 

એવા આત્મવિશ્વાસ સાથે આગળ વધેલા શાહને હાલમાં અદાલતમાં ત્રણ મોટા કેસમાં વિજય મળ્યા છે.

સત્ય અને ન્યાય માટેની લડાઈ સતત જીતતા ગયેલા જિજ્ઞેશ શાહ હવે નવા લક્ષ્ય અને વિઝન સાથે આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે. આ વિષયમાં, ચિત્રલેખાની એમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ…

પોતાની તરફેણમાં ન્યાય તોળાયો હોવા છતાં એ એનએસઈએલની કટોકટીમાં નાણાં ગુમાવનારા પ્રામાણિક ટ્રેડરોને પૈસા પાછા અપાવવા માટે પહેલાં જેટલા જ પ્રતિબદ્ધ છે.

જિજ્ઞેશ શાહ કહે છે કે એમણે સ્થાપેલી 63 મૂન્સ ટેક્નોલૉજીસે એનએસઈએલના ડિફોલ્ટર્સ પાસેથી રિકવરી કરાવવામાં કોઈ કચાશ રાખી નથી. પરિણામે ડિફોલ્ટર્સની કુલ 8,000 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચ હેઠળ છે અને એમાંથી આશરે 3,300 કરોડની મિલકત બાબતે  ડિક્રી અને આબિઁટેશન એવૉર્ડ મળ્યા છે અને રૂપિયા 1,000 કરોડના આર્બિટ્રેશન એવૉર્ડ પાઇપલાઇનમાં છે. એનો અર્થ એવો થયો કે જો સરકારી તંત્ર સાથ-સહકાર આપશે અને તેની ઈચ્છાશક્તિ હશે તો સંભવતઃ ઓછામાં ઓછાં સમયમાં એનએસઈએલના પ્રામાણિક ટ્રેડર્સને તેમનાં નાણાં પરત મળી શકશે.  

સત્ય માટે લડવું તો પડે…

પોતાના પક્ષે સત્યનો વિજય થઈ રહ્યો છે એ વિશે જિજ્ઞેશભાઈ કહે છે કે સત્યમેવ જયતે કહેતા બધા હોય છે, પરંતુ એ સત્યને જિતાડવા માટે લડવું પડતું હોય છે. અમારા ઈરાદામાં ખોટ ક્યારેય નહોતી. અમારા પ્રતિસ્પર્ધીને ફાવવા દેવા માટે વગદાર લોકોએ કાવતરું ઘડ્યું, પરંતુ હું પહેલાંની જેમ જ ભારતના વિકાસ અને ભારતવાસીઓના ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ છું. અમારી સામે ભયંકર મોટું ષડ્યંત્ર હોવા છતાં અમે ક્યારેય રિકવરી તરફથી ધ્યાન દૂર કર્યું નથી…

જે થયું એ ભૂલી શકાય એવું નહીં હોવા છતાં ખરા અર્થમાં દેશના પ્રથમ પંક્તિના વેપાર સાહસિક તરીકે જિજ્ઞેશ શાહ હજી પણ નવસર્જન કરવા માટે એટલા જ ઉત્સુક છે, જેટલા છ વર્ષ પહેલાં હતા.

એ કહે છે કે જનકલ્યાણ માટેનાં સામાજિક પ્રકલ્પોને વેપારી ધોરણે પાર પાડી શકાય છે. આથી જ હું સોશિયલ બિઝનેસને કેન્દ્રસ્થાને રાખવા ઈચ્છું છું. જે રીતે અમૂલ ગ્રુપ બિઝનેસની સાથે સાથે લોકહિતને આવરી લે છે એ જ રીતે હું સોશિયલ સેક્ટરના ઉદ્યમોને જનતાભિમુખ બનાવવાની સાથે સાથે લાભદાયક પણ બનાવવાનું લક્ષ્ય ધરાવું છું. હું માનું છે કે આપણા દેશમાં વિવિધ ક્ષેત્રે વિકાસની અઢળક તક છે. વર્તમાન નરેન્દ્ર મોદી સરકારની નવી દિશા અને નવાં ધ્યેય આવકાર્ય છે. આથી જ એને લીધે ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાની આશા રાખી શકાય એવું જિજ્ઞેશભાઈ માને છે.

લક્ષ્ય છે દેશના 50 કરોડ યુવાનો…

ઇનોવેટર અને આંત્રપ્રેન્યોર તરીકે પોતાને કયા ક્ષેત્રમાં વિકાસની સાથે સાથે પ્રજાના હિતની સંભાવના દેખાય છે એ વિશે વાત કરતાં જિજ્ઞેશ શાહ કહે છે કે આપણા દેશમાં  સ્ટાર્ટ-અપ ઈકો-સિસ્ટમમાં વિપુલ તક રહેલી છે. એક્સચેન્જ બિઝનેસ કરતાં એકસો ગણી વધુ સંભાવના સ્ટાર્ટ-અપના ક્ષેત્રમાં છે. મારા મતે આગામી દાયકામાં  ઈકો-સિસ્ટમ હેઠળ દર વર્ષે એક કરોડ એટલે કે દસ વર્ષે દસ કરોડ રોજગારનું સર્જન થઈ શકે છે. મારું લક્ષ્ય દેશના 35થી 50 કરોડ યુવાન છે. 10 વરસમાં દસ કરોડ રોજગાર સર્જન થઈ શકે એવી સંભાવના ધરાવતા આપણા દેશ માટે મને અઢળક આશા છે અને આ લક્ષ્યને સામે તેમ જ સાથે રાખીને કામ કરવાની દૃઢ ઈચ્છા છે. વધુ મહત્ત્વની વાત એ પણ ખરી કે આપણા દેશમાં વેપારી સૂઝ-આવડતનું પ્રમાણ પણ ઊંચું છે, જેથી આંત્રપ્રેન્યોરશિપ-વેપાર સાહસિકતા માટે બહુ મોટો અવકાશ છે. અમારું લક્ષ્ય સાહસિકતાને પ્રોત્સાહન  આપવાનું રહેશે.

સોશિયલ સેક્ટરઃ નવી દૃષ્ટિ

સોશિયલ સેક્ટર વિશે એ કહે છે કે સમગ્ર વિશ્વ સામે હાલ જળસમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભી છે. વર્ષોથી કહેવાતું આવ્યું છે કે આગામી વિશ્વયુદ્ધ પણ પાણીના મુદ્દે થશે. આથી જળસંરક્ષણને નવી દૃષ્ટિએ નિહાળવાની જરૂર છે. જળ હોય કે પર્યાવરણ હોય કે બીજા સામાજિક ઉદ્દેશ્ય હોય, આપણે એ બધાં કાર્ય બિઝનેસની જેમ વિકસાવીને રાષ્ટ્રના હિતમાં કદમ ઉઠાવી શકીએ. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં જે સોશિયલ સ્ટૉક એક્સચેન્જની વાત કરી છે એ આજના સમયની તાતી જરૂરત છે. આવાં એક્સચેન્જ સામાજિક પ્રવૃત્તિઓને નવેસરથી અને નવા અભિગમ સાથે જરૂર વેગ આપી શકે. માત્ર દાન કે અનુદાનના સહારે લાંબા ગાળાનાં સાતત્યપૂર્ણ (સસ્ટેઈનેબલ) કાર્યો કરવાનું ઘણું વિકટ હોય છે.

અનેકવિધ નવા આઇડિયાથી થઈ શકે પ્રગતિ

પોતે એક  ફર્સ્ટ જનરેશન આંત્રપ્રેન્યોર રહ્યા હોવાથી અને બે દાયકા જેટલા સમયમાં એમણે કરેલાં સાહસોને ધ્યાનમાં રાખતાં જિજ્ઞેશ શાહ નવોદિત આંત્રપ્રેન્યોર્સને માર્ગદર્શન આપવાનો જબરદસ્ત આત્મવિશ્વાસ ધરાવે છે. એમને પરંપરાગત કે ઉધાર વિચારો અને આઈડિયામાં રસ નથી, પણ ઓરિજિનલ થિન્કિંગ અને ઈનોવેશનમાં વિશેષ રુચિ છે. સ્ટાર્ટ-અપને અને આંત્રપ્રેન્યોરશિપને માત્ર ફાઇનાન્સ કે ટેક્નોલૉજી પૂરતાં સીમિત રાખવાને બદલે કૃષિ, જેનેટિક્સ, રોબોટિક્સ, વગેરે ક્ષેત્રે ફેલાવવા ઈચ્છે છે.

એક્સચેન્જ ક્ષેત્રે દેશ-વિદેશમાં સંખ્યાબંધ માન-અકરામ પ્રાપ્ત કરી ચૂકેલા શાહે ડિજિટલ પૅમેન્ટ સિસ્ટમ, મેક ઈન ઈન્ડિયા, સ્કિલ્ડ ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયાની વિભાવનાને આજથી વર્ષો પહેલાં આવરી લીધી હતી અને એ માટેની સમગ્ર ઈકોસિસ્ટમ પણ ઊભી કરી હતી. આ માર્ગે એમણે દસ લાખ રોજગાર ઉપરાંત અનેક સ્વરોજગાર પણ ઊભા કર્યા હતા.

એ ન ભૂલો કે ભારત છે ભવ્ય ટ્રેડિંગ સેન્ટર…

ભારતમાં રહેલી વેપાર તક વિશે વાત કરતાં એ કહે છે કે આપણો દેશ હોંગકોંગ, સિંગાપોર અને દુબઈ કરતાં પણ 100 ગણું મોટું ટ્રેડિંગ સેન્ટર બનવાની સંભાવના ધરાવે છે. અલબત્ત, આમાં સરકાર અને વહીવટી તંત્રનો મજબૂત સહયોગ મળવો જોઈએ. ભારત કેટલીય કૉમોડિટીઝમાં પ્રાઈસ સેટર (ભાવ નિર્ધારણ) કેન્દ્ર બની શકે છે, અર્થાત અહીં વિશ્વની અનેક કૉમોડિટીઝના ભાવ નક્કી થઈ શકે છે. એક સદી પહેલાં ભારત આવી શક્તિ ધરાવતું  હતું. આપણી પાસે સવા સો વરસથી જૂનું સ્ટૉક એક્સચેન્જ છે. કરન્સીમાં આપણે આગળ રહી શકીએ છીએ. કપાસ, સોના-ચાંદી સહિત ઘણી આઈટમમાં આપણે પ્રાઈસ સેટર બની શકીએ છીએ.

હવે પછી શું?

જિજ્ઞેશ શાહની હવે પછીની ભૂમિકા આંત્રપ્રેન્યોરશિપની જાળવણી  કરવાની અને એને પ્રેરણા-પ્રોત્સાહન આપવાની છે. એ જે.એસ. ઇનોવેશન લૅબ મારફત યુવા વર્ગ માટે કોચ અને મેન્ટર તરીકે કાર્ય કરશે.  ભારતને વૈશ્વિક આગેવાન બનાવવાનું જિજ્ઞેશ શાહનું સપનું છ વર્ષના સંઘર્ષ બાદ પણ અકબંધ છે.

એ ફરી એક વાર કહે છે કે ભારત પાસે અખૂટ શક્તિ છે. યોગ્ય નીતિઓ દ્વારા અને દેશના યુવાધન મારફતે એનો ઉપયોગ કરીએ તો ફરીથી આ દેશને સમૃદ્ધ અચૂક બનાવી શકાય. 

——————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s