એનએસઈએલ પ્રકરણમાં સ્થાપિત હિતોને કારણે ડિફોલ્ટરો આજે પણ નાણાં ચૂકવ્યા વિના છૂટા ફરે છે અને જેન્યુઇન ટ્રેડરોના પૈસા અટવાઈ પડ્યા છે

એક વેપાર સાહસિક તથા તેમના સાહસને ટાર્ગેટ કરીને એનએસઈએલ પ્રકરણના નામે દેશને પણ ગંભીર નુકસાન પહોંચાડાયું

અનેક પડકારો વચ્ચે રહીને પણ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડે એનએસઈએલની કટોકટીમાંથી કેવી રીતે માર્ગ કાઢ્યો છે તેના વિશે આપણે ઘણી વાતો કરી. ‘ધ સન્ડે ગાર્ડિયન’માં પ્રકાશિત જિજ્ઞેશ શાહના ઇન્ટરવ્યૂ પરથી અનેક બાબતો પરનો પડદો ઉઠ્યો છે અને એક રાજકારણીએ સરકારી અમલદારો સાથે મળીને રચેલા કારસાનું પરિણામ શું આવ્યું એ આપણે જોયું છે. ઇન્ટરવ્યૂના છેલ્લા મણકામાં આપણે બાકીની વિગતો જાણીએઃ

પ્રશ્નઃ તમારી કંપનીએ ભારતની બહાર વિસ્તાર કર્યો હતો?

ઉત્તરઃ એફટીઆઇએલમાં અમે ઉત્તરોત્તર વિકાસ કરતા રહ્યા હતા. અમારી સફળતા જોઈને જ દુબઈ સરકારે અમને આમંત્રણ આપ્યું હતું. ત્યાં અમે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના કરી હતી. અમને અનેકવિધ ઍસેટ્સનું એક્સચેન્જ સ્થાપવા માટે સિંગાપોરમાં લાઇસન્સ મળ્યું હતું. એ એક્સચેન્જ સંપૂર્ણપણે એક ભારતીય કંપની (એટલે કે અમારી કંપની)ની માલિકીનું હતું. સિંગાપોર જેવા વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત નાણાકીય કેન્દ્રમાં અમે સિંગાપોર સ્ટૉક એક્સચેન્જ સાથે સ્પર્ધા કરનારું એ એક્સચેન્જ સ્થાપ્યું હતું. સ્થાનિક સરકારે તેના વિવિધ ખાતાં મારફતે સિંગાપોર સ્ટૉક એક્સચેન્જમાં હિસ્સો રાખ્યો હતો. ત્યાંનું ખુલ્લાપણું જુઓ. અમે વિદેશી હોવા છતાં તેમણે અમને સ્પર્ધા માટે આમંત્રણ આપ્યું, કારણ કે તેઓ પોતાના નાણાકીય કેન્દ્રને ધમધમતું રાખવા માગતા હતા. તેનાથી વિપરીત, અહીં ”તોડી પાડવાની” વાતો થતી હતી. અમને આમંત્રણ મળ્યું એ ગૌરવની ઘડી હતી. ભારતીય કંપની – એફટીઆઇએલની 100 ટકા માલિકીનું એ સાહસ હતું.

પ્રશ્નઃ ચિદમ્બરમે તમારી કંપનીના વિસ્તરણમાં ક્યાં ફાચર મારી?

ઉત્તરઃ અમે ઘણું હાંસલ કરી શક્યા હોત, પરંતુ ચિદમ્બરમ દરેક નીતિવિષયક પગલું ભરવામાં ઈરાદાપૂર્વક વિલંબ કરતા હતા. દા.ત. એમસીએક્સમાં અમે ઓપ્શન્સ ટ્રેડિંગની પરવાનગી માગી હતી, સંસ્થાકીય રોકાણકારોના સહભાગ માટે મંજૂરી માગી હતી. આ ઉદ્યોગના વિકાસ માટેની ઘણી માગણીઓ અધૂરી હતી, પરંતુ એકેયને મંજૂરી મળી નહીં. કરન્સી ટ્રેડિંગ માટે પણ અમે અરજી કરી. તેમણે કહ્યું, ”ના, એ તો ફક્ત સ્ટૉક એક્સચેન્જમાં થશે.”

અમે સ્ટૉક એક્સચેન્જના લાઇસન્સ માટે અરજી કરી અને એ મળ્યું પણ ખરું. ત્યારે તેમને લાગ્યું કે અમે સ્ટૉક એક્સચેન્જ ક્ષેત્રે એનએસઈ માટે સ્પર્ધા ઊભી કરશું. એક્સચેન્જ શરૂ કર્યા બાદ અમે કરન્સી ડેરિવેટિવ્ઝમાં પ્રથમ ક્રમાંકે આવી ગયા હતા. અમારા સ્ટૉક એક્સચેન્જ એટલે કે એમસીએક્સ-એસએક્સના ઈક્વિટી સેગમેન્ટ માટે ચિદમ્બરમના કહેવાથી જ સેબીએ અમને લાઇસન્સ આપવાનું ટાળ્યું હતું. અમે અદાલતમાં ચાર વર્ષની લડાઈ બાદ સ્ટૉક એક્સચેન્જ માટે લાઇસન્સ જીત્યા. મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે કે તેઓ નક્કર પગલાં ભરશે.

સેબીના તત્કાલીન ચૅરમૅન સહિતના ચિદમ્બરમના વફાદારોના નેટવર્ક મારફતે થયેલા 50,000 કરોડ રૂપિયાના કૉ-લૉકેશન કૌભાંડ પરથી ચિદમ્બરમની વૃત્તિ દેખાઈ આવે છે, કારણ કે સેબીની કોઈપણ મંજૂરી વગર જ એનએસઈમાં કૉ-લૉકેશન સુવિધા શરૂ કરવામાં આવી હતી. સેબીના ચૅરમૅન તરીકે સી. બી. ભાવેની નિમણૂક સામે પણ પ્રશ્નાર્થ છે. અનેક રાષ્ટ્રીયકૃત બૅન્કોના ચૅરમેનના કિસ્સામાં બન્યું એમ ભાવેની નિમણૂકમાં પણ ચિદમ્બરમની સહી હતી.

પ્રશ્નઃ ભાવેની પસંદગીમાં શું વાંધો હતો?

ઉત્તરઃ સી. બી. ભાવેનો ક્રમ ન હોવા છતાં તેમની પસંદગી થઈ હતી. પસંદગીના ક્રમમાં પ્રથમ ક્રમાંકે યુ. કે. સિંહા હતા, જેઓ અચ્છા અમલદાર હતા. ભાવેનું નામ જ યાદીમાં ન હતું. જો સરકાર તપાસ કરશે તો તેનો છેડો મળી જશે. મને કહેવામાં આવ્યું હતું કે ચિદમ્બરમે સિંહાનું પત્તું કાપીને ભાવેને આગળ કર્યા.

ભાવે એનએસડીએલ (નૅશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ)માં એમડી-સીઈઓ હતા એ વખતે એનએસડીએલ કૌભાંડ થયું હતું. આમ છતાં, તેમને સેબીના ચૅરમૅન બનાવાયા. આ તો એનએસઈએલમાં અંજની સિંહા એમડી-સીઈઓ હોય એ સમયે જ એનએસઈએલની તપાસ થાય એના જેવી વાત થઈ. શું તમે અંજની સિંહાને એફએમસીના ચૅરમૅન બનાવો ખરા? આમ છતાં ભાવેને સેબીના ચૅરમૅન બનાવાયા. આ વળી કેવું? અમારા કરન્સી ડેરિવેટિવ્ઝના કેસમાં કોમ્પિટિશન કમિશનમાં તેમણે જાણીજોઈને કોઈ પગલું ભર્યું નહીં. તેમણે સ્ટૉક એક્સચેન્જ માટેનું અમારું લાઇસન્સ અટકાવી રાખ્યું હતું. આ બધાનો તાળો મેળવવામાં આવે તો સ્પષ્ટ ચિત્ર ઊપસી શકે છે.

સેબીના ચૅરમૅનનો હોદ્દે ચિદમ્બરમનો માણસ, કૃષ્ણન સંયુક્ત સચિવ અને ચિદમ્બરમ પોતે. આવી સ્થિતિને કારણે કૉ-લૉકેશન કૌભાંડ સર્જાયું. આ કેસ આઇએનએક્સ કે બીજા કેસો કરતાં ઘણો મોટો છે. જો કે, મોદી સરકારને કારણે હું કહી શકું કે તેની પાસે એટલી હિંમત છે. આવડા મોટા પ્રમાણમાં કૌભાંડ થયું તેથી તપાસ બાદ વહેલી તકે આકરાં પગલાં ભરવામાં આવવાં જોઈએ. એનએસઈના કૉ-લૉકેશન કૌભાંડમાં અજય શાહ સંડોવાયેલા છે. તેમના પર આવક વેરાનો દરોડો પડ્યો હતો. એનએસઈના સંચાલકો – મૅનેજિંગ ડિરેક્ટર રવિ નારાયણ અને સીઈઓ ચિત્રા પર પણ સીબીઆઇનો દરોડો પડ્યો હતો. તેમણે રાજીનામાં આપી દીધાં છે. આજે સેબી કહે છે કે તેમને સજા કરવામાં આવી છે, પરંતુ એ આંખમાં ધૂળ નાખવા સમાન વાત છે. સેબીનું કહેવું છે કે એ કાર્યપદ્ધતિની ચૂક હતી. આટલા મોટા ગુનાની આટલી ઓછી સજા!

ચિદમ્બરમના ષડ્યંત્રને લીધે એનએસઈએલને ઓચિંતું બંધ કરાવી દેવાયું. તેમણે અમારા પર જે વિતાવી છે એ સૌ જાણે છે.

એનએસઈ અગ્રણી સ્ટૉક એક્સચેન્જ છે. તેનું જતન થવું જોઈએ, પરંતુ જેમણે કૉ-લૉકેશન દ્વારા જનતાનો વિશ્વાસઘાત કર્યો તેમને સજા થવી જોઈએ. આર. એચ. પાટીલના સમયે એનએસઈએ અદભુત કાર્ય કર્યું હતું, પરંતુ ઉક્ત નેટવર્કે પાટીલને દૂર કરી દીધા. આથી, આ બધા મુદ્દે ગંભીરપણે ચર્ચા થવી જોઈએ. હું કોઈ તપાસ ઍજન્સી નથી, પરંતુ બધું સામે દેખાઈ રહ્યું છે.

પ્રશ્નઃ શું તમને લાગે છે કે ચિદમ્બરમ ફક્ત નાણાં મંત્રાલય નહીં, આ તમામ ઍજન્સીઓ પર વર્ચસ્ ધરાવતા હતા?

ઉત્તરઃ હા, હું એ જ વાત કરવાનો હતો. મને લાગે છે કે તેમની વગ ઘણી ઉંચી હતી. એક અખબારી અહેવાલ મુજબ પ્રણવ મુખર્જીના કાર્યાલયમાં પણ તેમણે જાસૂસી કરાવી હતી. મારું માનવું છે કે આટલા મોટા ગજાના નેતાના કાર્યાલયમાં જાસૂસી કરાવી શકનાર માણસ બીજું પણ ઘણું કરી શકે છે. તમે જે પૂછ્યું એ વાત પર આવું છું. એનએસઈએલમાં એક અધિકારીને કારણે છેતરપિંડી થઈ. એ અધિકારી અને તેની ટીમના દગાખોર માણસોએ ડિફોલ્ટરોની સાથે મળીને ગરબડ કરી. પણ શું એ આવો પહેલો બનાવ કે પહેલી છેતરપિંડી હતી? નાણાં કોની પાસે ગયાં છે એ પહેલા જ દિવસથી સ્પષ્ટ હતું. બધું જ દીવા જેવું સ્પષ્ટ હતું. ડિફોલ્ટરોએ એફએમસીની સામે કબૂલ્યું હતું. પછી એફએમસીએ શંકાસ્પદ ભૂમિકા ભજવી. ચિદમ્બરમના નેટવર્કમાં કૃષ્ણનની જેમ રમેશ અભિષેક નામના બીજા એક તેમના વફાદાર અધિકારી પણ હતા. તેમણે અભિષેકને સ્પષ્ટ સૂચના આપી કે આ ગ્રુપને ખતમ કરો.

માર્કેટમાં બનેલા બીજા બધા કેસની વાત કરીએ તો, તેમાંથી એકેયમાં કંપનીને ક્યારેય બંધ કરી દેવાઈ ન હતી. પંજાબ નૅશનલ બૅન્ક, આઇસીઆઇસીઆઇ, એ તેનાં ઉદાહરણ છે. શું તમે એ બંધ કર્યાં? શું રિઝર્વ બૅન્કના વરિષ્ઠ અધિકારીઓને જેલમાં નાખવામાં આવ્યા છે? નથી આવ્યા. પણ અહીં તો 14 પેટા કંપનીઓમાંની રોજના માત્ર 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી એક સ્વતંત્ર પેટા કંપનીમાં થયેલી સાવ નાની ત્રુટિને કારણે અચાનક તેને બંધ કરી દેવાઈ. તેમણે અમને બિઝનેસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો. જેઓ ડિફોલ્ટરો હતા તેમને પરોક્ષ રીતે છોડી દેવાયા. તેને કારણે 24 ડિફોલ્ટરોએ હાથ ઉંચા કરી દીધા. એફએમસી નિયમનકાર હતું. તે પગલાં ભરી શક્યું હોત, પરંતુ ચિદમ્બરમે કહ્યું કે એફએમસી નિયમનકાર નથી. જો એફએમસી નિયમનકાર નહોતું તો પછી સરકારે ગેઝેટમાં તેની જાહેરાત કેમ કરી હતી? તો શું સરકારને વેરહાઉસમાંના સ્ટૉક વિશે દર પંદર દિવસે અહેવાલ મળતો હોત?

એફએમસી નિયમનકાર હતું એ પુરવાર કરતા અનેક દાખલા છે. રમેશ અભિષેક તેના ચૅરમૅન હતા. તેમણે ઘણી ચાલબાજી કરી. ચિદમ્બરમનું નેટવર્ક એટલું બધું શક્તિશાળી હતું કે અનેક મંત્રાલયોમાં તેમની પહોંચ હતી.

ચિદમ્બરમ પોતાનું કહ્યું કરાવતા. તેમણે મુખ્ય ઍજન્સીઓમાં પોતાના માણસો ગોઠવ્યા હતા. બજારમાં થતી પૅ-આઉટની એ નિષ્ફળતા હતી. નિયમનકારને તેના માટે જવાબદાર ઠેરવવાની જરૂર હતી, કારણ કે તેની બેદરકારીને લીધે જ ડિફોલ્ટરો આબાદ છટકી ગયા.

નાણાં ક્યાં ગયાં હતાં એ ખબર હતી. 4 ઑગસ્ટ, 2013ના રોજ દરેક ડિફોલ્ટરે નાણાં ચૂકવવાની તૈયારી દર્શાવી. આમ છતાં તેમની પાસેથી નાણાં કઢાવવા માટે કોઈ પગલું ભરવામાં આવ્યું નહીં. મેં તમને પીએનબીની વાત કરી. એટલું જ નહીં, એનએસડીએલમાં પણ કટોકટી સર્જાઈ હતી. એનએસઈમાં અને બીએસઈમાં પણ સમસ્યાઓ સર્જાઈ ચૂકી હતી. અનેક કટોકટીઓ થવા છતાં શું તેમણે એ એક્સચેન્જો બંધ કર્યાં, શું તેમણે પ્રમોટરને ખતમ કરવાની માગણી કરી? અમારા કેસમાં કહ્યું, ”જિજ્ઞેશ શાહના બિઝનેસને બંધ કરાવો.”

તેમણે પત્રકારો સમક્ષ પણ નિવેદન કર્યું કે એનએસઈએલ અનરેગ્યુલેટેડ એક્સચેન્જ હતું. નાણાપ્રધાન કટોકટીનો હલ લાવવાને બદલે આવી વાત કરે એ નવાઈની વાત છે. પોતાની જવાબદારી સ્વીકારનાર ડિફોલ્ટરો વિરુદ્ધ પણ નિયમનકારે કંઈ ન કર્યું. તેમની પાછળ પડવાને બદલે એક્સચેન્જના એ પ્રમોટરની પાછળ પડી ગયા, જે એક્સચેન્જના એમડી કે સીઈઓ પણ ન હતા.

પોલીસમાં સૌથી પહેલી ફરિયાદ અમે જ કરી હતી. નિયમનકારને પણ અમે જ સૌપ્રથમ ફરિયાદ કરી. અમે તેમને બધી જ વિગતો આપી. ચિદમ્બરમના નેટવર્કે એવું કંઈ ન કર્યું. તેમણે તો ફક્ત એટલું કર્યું કે અમને તમામ એક્સચેન્જ સાહસોમાંથી પરાણે બહાર ધકેલી દીધા.

એક વ્યક્તિ તરીકે મેં અને ગ્રુપ તરીકે અમારા સમૂહે ઘણું ગુમાવી દીધું. એટલું જ નહીં, આ દેશે અમારા કરતાં અસંખ્ય ગણું ગુમાવ્યું.

——————————————-

One thought on “એનએસઈએલ પ્રકરણમાં સ્થાપિત હિતોને કારણે ડિફોલ્ટરો આજે પણ નાણાં ચૂકવ્યા વિના છૂટા ફરે છે અને જેન્યુઇન ટ્રેડરોના પૈસા અટવાઈ પડ્યા છે

  1. આજના સરકારી તંત્રમાં હજી આજે પણ ચિદમ્બરમના હિતેચ્છુઓ લાગે છે જેને કારણે આજે પણ આ પ્રકરણમાં સામેલ એક પણ શકમંદ સામે યોગ્ય પગલાં લેવામાં આવેલ નથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s