જિજ્ઞેશ શાહ વિરુદ્ધ શું થયું? કોણે કર્યું? શું કામ કર્યું? સર્જન-વિસર્જન અને નવસર્જનની દાસ્તાન (ભાગ – 3)

જિજ્ઞેશ શાહ સ્થાપિત એફટીઆઇએલ કંપની હવે એનએસઈએલ કેસની છાયામાંથી લગભગ બહાર આવી ચૂકી છે. ભારતના પ્રથમ હરોળના આંત્રપ્રેન્યોર તરીકે શાહ વિખ્યાત છે. તેમણે કારકિર્દીમાં ક્યાંથી શરૂઆત કરી અને કેટલી મહેનતથી પ્રગતિ કરી અને તેમના માર્ગમાં કેવી રીતે અવરોધો નખાયા તેની વિગતો અહીં રજૂ કરાઈ છે. ચાલો, આપણે હાલમાં ‘ધ સન્ડે ગાર્ડિયન’માં પ્રકાશિત તેમના ઇન્ટરવ્યૂને આગળ વધારીએઃ
પ્રશ્નઃ તમારી કારકિર્દીના પ્રારંભ વિશે જણાવો. તમે કઈ રીતે સ્ટૉક એક્સચેન્જના બિઝનેસમાં આવ્યા?
ઉત્તરઃ પ્રથમ પેઢીના સર્જક તરીકેની આ યાત્રાનો પ્રારંભ 1990માં થયો. એ વખતે હું અને મારા બે સહયોગીઓ – દેવાંગ નેરાલા અને ઘનશ્યામ રોહિરા બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ)માં કામ કરતા હતા. એ અરસામાં સ્ટૉક એક્સચેન્જોમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ થતો ન હતો. દેશમાં 23 સ્ટૉક એક્સચેન્જો હતાં. દેશમાં સ્ટૉક એક્સચેન્જો આર્થિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે એ માટે બજારમાં ઘણા સુધારાવધારા કરવાની જરૂર હતી.
બીએસઈ એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ છે. આથી ભારતીયો માટે સ્ટૉક એક્સચેન્જ કોઈ નવી વસ્તુ ન હતી. 1990 અને 1995ની વચ્ચેનો ગાળો ભારતીય શેરબજારનો સુવર્ણયુગ કહી શકાય. જો કે, એ જ વખતે તેમાં સિક્યૉરિટીઝ કૌભાંડ જેવું ભયંકર પ્રકરણ સર્જાયું. એ ઘટના 1992માં બની હતી. અમે એ વખતે ટેક્નૉલૉજી ટીમ તરીકે ત્યાં કામ કરી રહ્યા હતા. અમે ઈલેક્ટ્રોનિક અને ટેલીકોમના એન્જિનિયરો હતા. આથી અમે માર્કેટના કામકાજને સુધારવા માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરાવવા ઇચ્છુક હતા.
અમે મુંબઈથી શરૂઆત કરી અને પછી બીજાં વિદેશોનાં અગ્રણી સ્ટૉક અને કોમોડિટી બજારોમાં ગયા. પાંચ વર્ષ સુધી અમે ત્યાં કામ કર્યું. એ સમયગાળામાં અમે અભ્યાસાર્થે લંડન, ન્યૂ યોર્ક, હોંગકોંગ, ટોકિયો અને સિંગાપોરનાં મોટાં સ્ટૉક એક્સચેન્જોમાં ગયા. એન્જિનિયરિંગનો અનુભવ અને સ્ટૉક માર્કેટનું જ્ઞાન બન્ને ભેગા થવાથી મને લાગ્યું કે ભારત પણ ટોકિયો અને લંડન વચ્ચેનું વૈશ્વિક ટ્રેડિંગ કેન્દ્ર બની શકે છે; તેને પૂર્વનું મેનહટ્ટન બનાવી શકાય છે. અમે ઑટોમેશન દ્વારા એ દિશામાં આગળ વધ્યા.
1995માં અમે એફટીઆઇએલ (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – હાલનું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ)ની સ્થાપના કરી. પહેલા જ દિવસથી અમે નક્કી કરી લીધું હતું કે અમે પ્રૉજેક્ટ કંપની બનીશું. અમે બૌદ્ધિક સંપદા (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી – આઇપી) રચવામાં માનતા હતા. આજે એ જ વાતને લોકો બિરદાવી રહ્યા છે.
અમે ત્રણ વર્ષમાં ‘ઓડિન’ નામની પહેલી બૌદ્ધિક સંપદાનું સર્જન કર્યું. આજે પણ એ પ્રૉડક્ટ ખ્યાતનામ છે. વિશ્વની કોઈ સોફ્ટવેર પ્રૉડક્ટ આટલી સફળ બની શકી નથી. 1998માં લૉન્ચિંગ થયા બાદ આજ સુધી ઓડિન પ્રથમ ક્રમાંકે છે. ટ્રેડિંગ માટેનું આ અસરદાર સોફ્ટવેર છે. ઓડિનનો પ્રારંભ થયો એ વખતે સન માઇક્રોસિસ્ટમ્સ, આઇબીએમ, ટીસીએસ તથા બીજી કેટલીક વૈશ્વિક કંપનીઓ તેની સ્પર્ધક હતી. અમારા ધ્યાનમાં આવ્યું કે એ કંપનીઓ ભારતના ખૂણાખાંચરા સુધી પહોંચી શકી ન હતી. એન્જિનિયરિંગ ક્ષેત્રના બૅકગ્રાઉન્ડ તથા વૈશ્વિક સ્તરના જ્ઞાન અને સંબંધિત ક્ષેત્રની જાણકારીને લીધે અમે એવાં બજારો સુધી પહોંચી શક્યા જ્યાં બીજું કોઈ પહોંચ્યું ન હતું. પહેલા જ વર્ષે અમે અવ્વલ ક્રમાંકે આવી ગયા હતા.
ખરા અર્થમાં મોટા પાયે રોજગારસર્જન કરવા માટે અમારે માત્ર મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ સુધી સીમિત ન રહેતાં સમગ્ર દેશમાં કામ કરવું જરૂરી હતું. એ જ વખતે યુપીએ સરકાર વચ્ચે આવી. તેણે એનએસઈને ઈજારાશાહી બનવા દીધું હતું અને પહેલેથી જ તેની તરફેણ કરી હતી. આમ છતાં, કેટલાક દૂરંદેશી અમલદારોને અમારામાં રહેલી ક્ષમતા નજરે આવી અને તેમણે ઓનલાઇન કોમોડિટી વાયદા બજાર સ્થાપવા માટે એમસીએક્સ તથા અન્ય ચાર એન્ટિટીઝને પરવાનગી આપી. એનએસઈ એવું એક્સચેન્જ સ્થાપવામાં નિષ્ફળ ગયું હતું.
નવાઈની વાત તો એ છે કે એનએસઈના સંચાલકોએ કંપની પણ સ્થાપી ન હતી. તેમને પ્રધાનો તથા અમલદારોનો સાથ મળ્યો હોવાથી તેમને બીજી કોઈ વાતની પડી ન હતી. જો કે, સરકારમાંના જે લોકો દેશના વિકાસ માટે કામ કરવા માગતા હતા તેમને એક્સચેન્જોની ધીમી વૃદ્ધિથી અસંતોષ હતો. આથી તેમણે સ્પર્ધકો લાવવાનું નક્કી કર્યું.
અમે ઈલેક્ટ્રોનિક કોમોડિટી વાયદા બજાર માટે અરજી કરી અને અમને પરવાનગી મળી. અમે એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) સ્થાપ્યું અને એનએસઈએ એનસીડેક્સ (નૅશનલ કોમોડિટી ઍન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ)ની સ્થાપના કરી. ઉપરાંત, એક અમદાવાદમાં અને બીજું ઇન્દોરમાં એમ બે બીજાં એક્સચેન્જો શરૂ થયાં. લોકોને લાગ્યું હતું કે અમે એક વર્ષ પણ ટકી નહીં શકીએ. એનએસઈની પાસે નાણાકીય સામર્થ્ય ઉપરાંત રાજકીય અને અમલદારશાહીમાં વગ હતી. તેઓ સ્પર્ધકને કચડી નાખે અને પોતાનો બિઝનેસ વધારી શકે એવી તેમની પકડ હતી.
વાજપેયીની વિકાસલક્ષી સરકારે 2003માં અમને કામકાજ શરૂ કરવાની મંજૂરી આપી. ત્રણ એક્સચેન્જોને લાઇસન્સ મળ્યાં. 2004ની ચૂંટણીમાં વિકાસની ગાડી પાટા પરથી ઊતરી ગઈ. જો કે, વાજપેયીના સમયગાળામાં ઊભો થયેલો જુસ્સો વધુ કેટલાંક વર્ષ ટકી રહ્યો.
અમારા સાહસને તોડી પાડવા માટેનો પદ્ધતિસરનો પ્રયાસ યુપીએની પ્રથમ મુદતની સરકારે શરૂ કરી દીધો હતો. એનએસઈ પોતાના વસીલાને લીધે બહુરાષ્ટ્રીય કંપનીની જેમ વર્તી રહ્યું હતું. સેટિંગ કરાવી આપનારા લોકો માટે સ્વર્ગ સમાન દિલ્હીમાં તેમનું ઊપજતું હતું. તેમાં સૌથી વધુ જાણીતી અને વગદાર વ્યક્તિ હતી અજય શાહ. એમ તો શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત હતા, પણ તેઓ બીજાં પણ કામ કરતા હતા એ એનએસઈ કો-લોકેશન કૌભાંડ બહાર આવ્યા પછી ખબર પડી.
એ કૌભાંડ માટે જવાબદાર લોકોને હજી સજા થઈ નથી. જો કે, હવે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કાર્યવાહી થશે એવી આશા છે. ટૂંકમાં, એમ કહી શકાય કે દિલ્હીમાં બેઠેલા તેમના સાથીઓ, કૉંગ્રેસમાં ચાલતી તેમની વગ અને અધૂરામાં પૂરું, ચિદમ્બરમના આશીર્વાદ, એ બધાને લીધે તેમને ભાવતું મળી ગયું હતું.
એનએસઈને એવું લાગતું હતું કે સ્થાપિત હિતોની આ ટોળકીને લીધે તેઓ અમને માત આપી શકશે. અમને ભારતમાં રહેલી સંભાવનાઓની જાણ હતી. આથી અમે અંતરિયાળ ભારત પર વધુ લક્ષ આપ્યું. અમે રોજગારસર્જન પર ધ્યાન આપ્યું. ચિદમ્બરમ એનએસઈને સાથ આપતા હતા તેથી તેમણે રાજકીય દબાણની મદદથી અમને હાનિ પહોંચાડવા માટે જેટલું થઈ શકે એટલું બધું જ કર્યું. તેમાં બે નિયમનકારોનું મર્જર કરવાનું કૃત્ય પણ સામેલ હતું.
એનએસઈને ફક્ત અમારી સ્પર્ધાનું જ જોખમ લાગતું હતું. રાજકીય અને અમલદારી દબાણની સામે અમે ત્રણ વર્ષ સુધી ઝીંક ઝીલી. 2006 સુધીમાં અમે ભારતનું પ્રથમ ક્રમાંકિત એક્સચેન્જ બનીને તેમને પાછળ રાખી દીધા. તેનું કારણ એક જ હતું – અમે દેશભરમાં ફેલાવો કર્યો હતો, લોકોએ અમારો સ્વીકાર કર્યો હતો, અમારું કામકાજ વિસ્તર્યું હતું અને બ્રાન્ડ વિકસી હતી. (આ મુલાકાતના બીજા અંશો આગામી કડીમાં).
————————
આ સાહસોની યોગ્ય કદર હજી સુધી લાગતા વળગતાઓએ નથી કરી પરંતુ હવે મોડે મોડે થાય તો પણ ઘણું.
LikeLike