પીએમસી બૅન્ક પ્રકરણઃ ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળાં મારવાનો વ્યાયામ

દેશ પર જિસકા ખૂન ન ખૌલા, વહ ખૂન નહીં હૈ પાની હૈ…….અત્યારે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બૅન્કના ગ્રાહકોની સ્થિતિ જોઈને લોહી ઉકળી ઉઠે છે. આ લોહી ઉકળ્યા પછી પણ ગ્રાહકને જેટલી વેદના થઈ રહી છે એટલી વેદના બીજાઓને નહીં થાય, કારણ કે ઘાયલ કી ગત ઘાયલ હી જાને.

પીએમસી બૅન્કમાં સામાન્ય માણસોના પૈસા ફસાયા છે એ મુદ્દો જેટલો મહત્ત્વનો છે એટલો જ મોટો મુદ્દો બધાનો વિશ્વાસ તૂટ્યો અને રિઝર્વ બૅન્ક સહિતના સમગ્ર સરકારી તંત્રની નિષ્ફળતા સામે આવી એ પણ છે.

હજી હાલમાં જ રિઝર્વ બૅન્કે સરકારને 1.76 ટ્રિલ્યન રૂપિયા આપ્યા છે. જો તેની પાછળનો ઉદ્દેશ્ય દેશની આર્થિક સ્થિતિ સુધારવાનો હોય અને દેશ જનતાથી બનતો હોય તો આ જ જનતાને પીએમસી બૅન્કમાંથી છ મહિના સુધી ફક્ત 1,000 રૂપિયા સુધીની રકમ આપવા પાછળ કઈ મજબૂરી છે?

રિયાલ્ટી સેક્ટરની એક કંપનીને વગર વિચાર્યે 2,500 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી આપવામાં આવી એ વખતે રિઝર્વ બૅન્ક ક્યાં હતી એવો સવાલ જાગે એ સ્વાભાવિક છે. આ સવાલનો જવાબ મળવો જ જોઈએ એવી માગણી પણ સ્વાભાવિક છે.

રિઝર્વ બૅન્ક ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળાં મારવાનો આ વ્યાયામ શા માટે કરી રહી છે? પોતાની જીવનભરની મહેનતની કમાણી બૅન્કમાં ભરોસા સાથે મૂકનાર ગ્રાહકને એક-એક રૂપિયા માટે લાચાર કરનારું આ પગલું ભરીને રિઝર્વ બૅન્ક અને સરકાર બન્ને એક વાત પુરવાર કરી રહ્યાં છે કે તેમની પાસે સામાન્ય બુદ્ધિનો સદંતર અભાવ છે.

છ મહિના સુધી ફક્ત એક હજાર રૂપિયા!!! આ વાત બુદ્ધિનું દેવાળું ફૂંકી દેવાયું હોવાનો પુરાવો છે. અને હા, ગ્રાહકોને એક લાખ રૂપિયા સુધીનો ડિપોઝિટ ઇન્સ્યૉરન્સ આપનારા ડિપોઝિટ ઇન્સ્યૉરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરંટી કૉર્પોરેશનનું શું થયું? રિઝર્વ બૅન્કની દૃષ્ટિએ બૅન્ક ભલે બંધ ન થઈ હોય, પરંતુ ડિપોઝિટ ઇન્સ્યૉરન્સ હેઠળ લોકોને એક લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં ક્યાં કોઈ વાંધો છે? એક લાખ રૂપિયાનો ડિપોઝિટ ઇન્સ્યૉરન્સ ધરાવનારને માત્ર એક હજાર રૂપિયા આપવાના? પહેલાં એક લાખ સુધીની ડિપોઝિટો આપી દો અને પછી વહેલામાં વહેલી તકે નિર્ણયો લઈને પ્રામાણિક-મહેનતી માણસોની બધી મૂડી સહીસલામત પાછી મળી રહે એવાં પગલાં ભરો.

નોટબંધી એક વાત હતી. તેમાં લોકોને અગવડ પડી તોપણ તેમણે તેને હસતે મુખે સહન કરી લીધી, કારણ કે તેની પાછળનો ઉદ્દેશ્ય કાળાં નાણાંને ડામવાનો હોવાનું કહેવામાં આવ્યું હતું. પણ પીએમસી કેસની પીડા કોઈ નહીં ભૂલે અને એ પીડાનું પાપ લાગ્યા વગર નહીં રહે. પાપ અને પુણ્યની વાત અહીં કરવા જેવી નથી, પરંતુ જ્યારે લોહી ઉકળે ત્યારે આવા અને આનાથીય વધુ આકરાં વેણ દિલમાંથી નીકળતા હોય છે.

રિઝર્વ બૅન્ક અને સરકારને સવાલ છે કે લોકોના પૈસે તાગડધિન્ના કરનારા લોકોની સામે કાર્યવાહી કરવાની તમારી હિંમત ચાલતી નથી અને સામાન્ય જનતાને આ રીતે કષ્ટ આપવું છે? અત્યાર સુધી શું કરતા હતા? આટલા વખતથી એનપીએની રામાયણ ચાલી રહી છે છતાં હજી સમજણ આવી નથી? હજી જનતાને કેટલો ત્રાસ આપવો છે? હજી ક્યાં સુધી તેમને રિબાવવા છે? હજી ક્યાં સુધી તેમની સહનશક્તિની કસોટી કરવી છે?

જેણે લોન મંજૂર કરી તેની સાથે તમે શું કરવાના? જેણે આટલાં વર્ષો બૅન્કનું ઑડિટ કર્યું અને છતાં કોઈ ગંભીર બાબતની જાણ કરી નહીં તેની સાથે તમે શું કરવાના? બૅન્કના નિયમનકાર તરીકેની રિઝર્વ બૅન્કની જવાબદારીનું શું? પ્રજાએ ભરીભરીને મત આપ્યા એ વિશ્વાસનું શું આ જ વળતર આપવાનું? આ સવાલના અનેક જવાબ હોઈ શકે છે, પણ એક હજાર રૂપિયા તો ન જ હોય! છ મહિના સુધી માત્ર એક હજાર રૂપિયા આપવાની બેવકૂફીભરી બેહૂદી વાત કરી કોણે? રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસની અને વર્તમાન સરકારની તમામ સૂફિયાણી વાતો આ એક પગલાને કારણે નિરર્થક સાબિત થાય છે.

કોઈકે પરસેવાની સંપૂર્ણ કમાણી આ બૅન્કમાં મૂકી દીધી હતી, તો કોઈકે સંતાનોનાં લગ્ન કે શિક્ષણ માટેની મૂડી રાખી હતી, કોઈકની ઈએમઆઇ આ બૅન્કના ખાતામાંથી ચૂકવાતી હતી, તો કોઈક તેના રોજિંદા ખર્ચ માટે પણ આ બૅન્કમાંથી પૈસા કાઢતું હતું. રોજના ઉદરનિર્વાહથી માંડીને બીજી અનેક બાબતોમાં લોકો રાતોરાત લાચાર થઈ ગયા. મોટી લોન લેનારી કંપનીએ તો હાથ ઉંચા કરી દીધા છે, પણ તેના પાપનો ભોગ સામાન્ય ગ્રાહકોને શું કામ બનાવાય છે?

નાણાકીય વર્ષ 2018-19 માટે 100 કરોડ રૂપિયાનો નફો જાહેર કરવાનું બૅન્કનું પગલું લોકોની આંખમાં ધૂળ નાખવા સમાન કહેવાય, કારણ કે તેણે નાદાર થયેલી કંપનીને અપાયેલી લોનને એનપીએ ગણી નહીં. આ રીતે બૅન્કના તમામ સંચાલકો દોષિત ગણાય.

રિઝર્વ બૅન્કે પીએમસીના કામકાજ પર છ મહિના સુધી બંધી મૂકવાનો નિર્ણય રાતોરાત લીધો એવું જાણવા મળ્યું છે કારણ કે તેના પાછલા દિવસે જ સંચાલકોએ વરિષ્ઠ અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં પણ આ વાતનો કોઈ અણસાર મળ્યો ન હતો.

જો નિયમનકાર આ રીતે સતત નિષ્ફળ જાય તો દેશે રિઝર્વ બૅન્કનો આવડો મોટો હાથી શું કામ પાળ્યો છે? આવતા મહિને મહારાષ્ટ્રમાં મતદાન છે. ઉમેદવારો પીએમસીના ગ્રાહકોની સામે આંખમાં આંખ પરોવીને જોઈ શકશે ખરા? શું તેમને મત માગતી વખતે શરમ નહીં આવે? રાજકીય પક્ષો સામેનો જનતાનો ગુસ્સો આ ઘટનાને કારણે ચરમસીમાએ પહોંચી ગયો છે. લોકોના નિઃસાસાની ઝાળ લાગ્યા વગર નહીં રહે.

છેલ્લાં સિત્તેર વર્ષની સરકારના નામનું તો લોકોએ નાહી જ નાખ્યું છે. હવે જો નવી સરકાર ખરેખર ‘સબ કા સાથ સબ કા વિકાસ’ ઈચ્છતી હોય તો તેણે એનપીએના પ્રશ્નનો કાયમી તોડ લાવવો જરૂરી છે. જરૂર પડ્યે પારદર્શક રીતે લોકો સાથે સંવાદ સાધવામાં આવશે તો જનતા ચોક્કસપણે થોડી અગવડ સહન કરવા તૈયાર થઈ જશે, પણ જો આ જ રીતે રાતોરાત અણઘડ નિર્ણય લઈને લોકોને પીડવામાં આવશે તો તેનું પરિણામ શું આવશે એ વિશે કંઈ કહી શકાય નહીં.

———————————

One thought on “પીએમસી બૅન્ક પ્રકરણઃ ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળાં મારવાનો વ્યાયામ

  1. સર્વ પ્રથમ R B I એ દેશ ની બધિબેંકો ના સ્વયં સંચાલિત A T M નો તાબો પોતાને હસ્તગત લઈ લેવાની..internal transfer બેંકોની. ઝડપી થાશે.બેંકો જે atm નો ખર્ચ વધારી વધારી ને બતાવે છે એ ઓછો થાય જાય..સરકારી હોસ્પિટલમાં બસ ડેપો.સ્ટેશન.કાર્યાલય. ઇવન મન્દિર ચર્ચ.ગુરુદ્વારા મસ્જિદ જેવા જાહેર સ્થળોએ atm મુકવા….નાના area મા 5 atm હોય છે એના બદલે.ચોક્કસ અંતર ઉપર. atm. મુકવા…..બેંકો ની શાખાઓ ની બહાર એજ બેન્ક ની atm મુકવાની કોઈ ઝરૂર નથી…સારા એવા પોશ area માં..atm મુકવાનું ભાડું સરેરાસજ 1 લાખ દર મહિને આવે છે વિજળી નો ખોટો વપરાશ 24 કલ્લાક.જ્યાં.. વોચમેન છે ત્યાં પણ. કઈ ઝરૂર નથી..atm ના મેન door પર id code થી દરવાજો ખુલે ને atm નો વાપર કરનાર ની બધી detail સ્ટોર થાય.ને atm ની process ઝડપી ને સુરક્ષિત બને..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s