
જિજ્ઞેશ શાહ એટલે શૂન્યમાંથી અદભુત સર્જન કરનાર સાહસિક, સ્થાપિત હિતો સામે લડનાર સાહસવીર-સત્યવીર અને એ લડતમાં જીત મેળવી પુનઃ નવસર્જન તરફ વળી જનાર ઉદ્યમી.
વૈશ્વિક સ્તરે ઈનોવેટર અને એક્સચેન્જ મૅન તરીકે વિખ્યાત બનેલા જિજ્ઞેશ શાહના સર્જન, વિસર્જન અને નવસર્જનની દાસ્તાન અહીં રજૂ કરી છેઃ
આ રજૂઆત કે વાત માત્ર એક સાહસિકની પ્રશસ્તિની નથી, બલ્કે એક સત્યની છે, જેના માટે તેણે માત્ર કાયદા અને સિદ્ધાંતના સથવારે લડાઈ કરી અને દેશના ટોચના-વગદાર રાજકીય નેતાઓ તેમ જ સ્થાપિત હિતો સામે જીત મેળવી.
એ સાહસિક, જેણે દરેક બિઝનેસ શરૂ કરતી વખતે વિચારોમાં સતત નવીનતા રાખી, લક્ષ્ય કાયમ ઉંચું રાખ્યું, માત્ર પોતાના માટે નહીં, દેશ માટે. ભારતનું નામ વિશ્વમાં ઉંચું બને, નોખું બને અને દેશ લીડર તરીકે સ્થપાય એ જ તેમનું મિશન રહ્યું. તેથી જ આ સાહસિકની દાસ્તાન નવા સાહસિકો માટે, નવી પેઢી માટે અને સમગ્ર વેપારજગત માટે પથદર્શક અને પ્રેરણારૂપ બની છે. આ યાત્રા આજે પણ ચાલી રહી છે.
‘સત્યમેવ જયતે’ કહેતા બધા હોય છે, પણ એ સત્યને જિતાડવા માટે લડવું પડતું હોય છે. જિજ્ઞેશ શાહે પોતાના સત્ય માટે જબરદસ્ત લડાઈ કરી, ‘વન વર્સીસ વર્લ્ડ’ જેવી લડાઈ કરી અને વિજય મેળવીને કહ્યું, ‘સત્યમેવ જયતે’.
****

તમે હાલમાં દેશમાં એવી ચર્ચા સાંભળી હશે કે આપણું શેરબજાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોને કારણે નહીં, પણ દેશવાસીઓના જોરે ચાલવું જોઈએ. આપણે ત્યાં બોન્ડ માર્કેટનો વિકાસ કરવાની જરૂર છે એવું પણ તમે સાંભળ્યું હશે. ‘મેક ઇન ઇન્ડિયા’ વિશે તો હવે દેશનાં બાળકો પણ જાણે છે. આ બધા મુદ્દાઓની હજી હમણાં વાતો થઈ રહી છે, પરંતુ એવું વિઝન વર્ષો પહેલાં દેશમાં એક વ્યક્તિએ રાખ્યું હતું અને તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.
વાત થઈ રહી છે દેશ માટે જે હિતકારક હોય એવાં પગલાં ભરવાની. ઉપરોક્ત વિઝન લઈને ચાલી હોય એવી એક વ્યક્તિ છે જિજ્ઞેશ શાહ. આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલી એવી એકેય વ્યક્તિ નહીં હોય, જેને જિજ્ઞેશ શાહનો પરિચય નથી. અત્યારે તેમનું નામ યાદ આવવાનું કારણ ઉપર કહ્યું એ જ છે. તેમણે વર્ષો પહેલાં જે ધ્યેય સાથે કારકિર્દી ઘડી હતી તેના વિશે હજી હવે દેશમાં વાતો થઈ રહી છે.
એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ જે દેશમાં હતું અને કોમોડિટીના વેપારમાં જે દેશ વિશ્વભરમાં પ્રખ્યાત હોય ત્યાં ટ્રેડિંગમાં સુધારાઓ કરવાની જરૂર હતી એવા સમયે જિજ્ઞેશ શાહે વિદેશથી ટેક્નૉલૉજીનો અભ્યાસ કરીને દેશમાં ટ્રેડિંગ સોફ્ટવેર (ઓડિન) વિકસાવ્યું. વેપાર સાહસિક હોવાના નાતે તેમણે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ) નામની કંપની સ્થાપી. તેમને દેશનું પ્રથમ ક્રમાંકિત સોફ્ટવેર વિકસાવ્યાથી સંતોષ ન થયો અને તેમણે અત્યાધુનિક સમયનું દેશનું પ્રથમ ઈલેક્ટ્રોનિક કોમોડિટી વાયદા બજાર (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ – એમસીએક્સ) શરૂ કર્યું. વાયદા બજારને હંમેશાં હાજર બજારનો સાથ જરૂરી હોય છે. આથી તેમણે કોમોડિટી હાજર બજાર (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ – એનએસઈએલ) પણ શરૂ કર્યું. કોમોડિટી બજારને વેરહાઉસીસ વગર ચાલે નહીં તેથી તેમણે નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન (એનબીએચસી)ની સ્થાપના કરી. આ નવી માર્કેટ અને તેના કામકાજ વિશેનું જ્ઞાન વધે અને એક્સચેન્જોને પ્રશિક્ષિત કુશળ માણસો મળે એ માટે તેમણે એફટી નોલેજ મૅનેજમેન્ટ કંપની (એફટીકેએમસી) સ્થાપી. આર્થિક ક્ષેત્રની કંપની હોવાના નાતે તેને અર્થ સાથે સંબંધ હતો જ. આથી તેમણે એનિથિંગ ઓન મોબાઇલનું ટૂંકું સ્વરૂપ ધરાવતી એટમ ટેક્નૉલૉજી કંપનીની રચના કરી. માર્કેટ હોય તો માર્કેટ ઇન્ફર્મેશન પણ હોય. આથી તેમણે ટિકરપ્લાન્ટ નામે માર્કેટ ડેટા કંપની સ્થાપી. આર્થિક સંશોધન માટે તક્ષશિલા એકેડેમીઆ ઑફ ઈકોનોમિક રિસર્ચ (ટીએઈઆર)નું સર્જન કર્યું. નવસર્જન કરનાર માણસ હંમેશાં કંઈક નવું કરે. આથી તેમણે ઈલેક્ટ્રિસિટીના ટ્રેડિંગ માટે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (આઇઈએક્સ)ની સ્થાપના કરી. શાહે માત્ર ભારતમાં નહીં, સિંગાપોર, દુબઈ, બોત્સ્વાના, બહેરિન અને મોરિશિયસમાં પણ એક્સચેન્જો સ્થાપ્યાં. વેપાર સાહસિક કોને કહેવાય! એ બધા દેશોમાં ચુસ્ત નિયમનકારી વાતાવરણમાં પણ તેમણે સફળતાપૂર્વક એક્સચેન્જો સ્થાપ્યાં. કરન્સી ટ્રેડિંગમાં કામગીરી શરૂ કર્યા બાદ તેમણે સ્ટૉક એક્સચેન્જમાં પણ પદાર્પણ કર્યું. એ એક્સચેન્જનું નામ હતું એમસીએક્સ-એસએક્સ. અહીં તેમણે શરૂઆતથી જ મોટા પ્રતિસ્પર્ધીને હંફાવી દીધા હતા.
જિજ્ઞેશ શાહ અનેક રીતે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે, કારણ કે તેમણે ઈલેક્ટ્રોનિક એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરી અને 40 વર્ષની ઉંમર પહેલાં જ નવસર્જન અને વેપારી સૂઝબૂઝને લીધે અબજોપતિઓની યાદીમાં સ્થાન મેળવ્યું. જો કે, સંપત્તિસર્જન કરતાં પણ દેશ માટે કંઈક કરી ચૂકવાની ભાવનાને કારણે યુવાનોએ તેમનામાંથી પ્રેરણા લેવા જેવું છે.
શાહના કાર્યનો નિકટથી અભ્યાસ કર્યા પછી જણાય છે કે ભારતને વૈશ્વિક નકશા પર સ્થાન અપાવવું તથા તમામ ભારતવાસીઓને સમૃદ્ધ બનાવવાનું તેમનું મુખ્ય ધ્યેય હતું. તેમનાં વેપાર સાહસોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 લાખ રોજગારનું સર્જન થયું હતું. તેમની રાહબરી હેઠળ કેટલાય લોકોએ સ્વયં રોજગાર પણ શરૂ કર્યા હતા. દેશને મદદરૂપ થવાની ભાવના હોય ત્યાં દેશની તિજોરીને દગો આપવાની વૃત્તિ હોય જ નહીં. તેમના ગ્રુપે આવક વેરો, સ્ટેમ્પ ડ્યુટી, ટ્રાન્ઝેક્શન ટૅક્સ, વગેરે વિવિધ કરવેરાની ચૂકવણીના સ્વરૂપે પણ યોગદાન આપ્યું. તેમના કોમોડિટી એક્સચેન્જને લીધે ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ ખૂલ્યો હતો. તેમણે ભાવસંશોધન એટલી હદ સુધી વિકસાવ્યું કે ભારત સોનાના વિદેશી ભાવ સ્વીકારે એ સ્થિતિમાંથી સોનાના ભાવ દેશમાં જ નિર્ધારિત થાય એ સ્થિતિ આવી ગઈ.
પર્યાવરણને નુકસાન ન થાય એવી તેમની ખાસ દરકાર રહેતી. આથી જ તેમની કંપનીએ ઊભી કરેલી ઈમારતોમાં પર્યાવરણને સાનુકૂળ વસ્તુઓનો ઉપયોગ થતો.
ભારત પહેલેથી જ કોમોડિટી વેપારમાં અગ્રણી રહ્યું છે. શાહે સ્થાપેલા એમસીએક્સે એ પરંપરાને આગળ વધારી હતી. એમસીએક્સ તેમના નેતૃત્વ હેઠળ દેશનું પ્રથમ ક્રમાંકિત અને વિશ્વનું બીજા ક્રમાંકનું કોમોડિટી વાયદા બજાર બન્યું હતું. એટલું જ નહીં, એમસીએક્સ દેશનું પ્રથમ લિસ્ટેડ એક્સચેન્જ પણ તેમની દૂરંદેશીને કારણે જ બન્યું. તેમણે ક્યારેય સરકાર પાસેથી કોઈ સબસિડી કે સહાય લીધી ન હતી તથા કરવેરામાં છૂટછાટો માગી ન હતી.
પોતાના દરેક સાહસમાં ઉત્તમ માણસો કાર્યરત હોય એ માટે તેમણે સંબંધિત ક્ષેત્રમાં અત્યંત નિપુણ હોય એવા લોકોને જવાબદારીઓ સોંપી. શાહે પોતાની કંપનીના શેરધારકોને પણ હંમેશાં શ્રેષ્ઠ વળતર આપવાનો સિલસિલો રાખ્યો હતો અને હજી સુધી એ ચાલ્યો આવે છે.
અત્યારે મેક ઇન ઇન્ડિયાનું મિશન ચાલી રહ્યું છે, પરંતુ જિજ્ઞેશ શાહે બે દાયકા પહેલાં જ મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ બની રહે એવાં સાહસો રચ્યાં હતાં.
જો કે, જેઓ પોતાના સમયથી આગળ હોય તેમને સમકાલીન લોકો સમજી શકતા નથી અને સ્થાપિત હિતો ઘણી વાર તેમની વિરુદ્ધ મેદાને પડતા હોય છે. આવું જ કંઈક દેશમાં આર્થિક ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા જિજ્ઞેશ શાહ સાથે પણ બન્યું. ખરેખર શું બન્યું તેના વિશે વાત કરીશું આગામી કડીમાં.
—————————-
આ આપણા દેશની સૌથી મોટી કમનસીબી છે કે આપણે મેરા ભારત મહાનની બાંગો પોકારીએ છીએ અને આ વાતને ચરિતાર્થ કરવાની જેનામાં આવડત છે, જે સમયથી બહુ આગળનું વિચારી શકે છે અને જે સાહસ કરીને અને અકલ્પનિય જોખમ લઈને નવા નવા ધંધાકીય એકમો શરૂ કરે છે સને જેને સફળતાના એવરેસ્ટ શિખર ઉપર પહોંચાડે છે તેની કદર તો નથી કરી શકતા પરંતુ તેને પછાડવાની એક પણ તક છોડતા નથી. એમ કહેવાય છે કે જેવી પ્રજા એવો રાજા, એજ પ્રમાણે અત્યાર સુધી આપણને આવાજ શાસકો મળ્યા છે. હજી પણ મોડું નથી થયું, હજી પણ જો લાગતા વળગતા આવા સાહસિક અને જીનીયસને જો યોગ્ય સહકાર આપે તો તે હજી પણ ચમત્કાર સર્જી શકે છે.
LikeLike
Bravo Ginius
LikeLike