
– શૈલેષ શેઠ
લોકપાલનો ખરડો લોકસભાની બરખાસ્તગીને કારણે રદબાતલ થવા વિશે અગાઉ આપણે વાત કરી. હવે આપણે એક બીજો મુદ્દો જોઈએ. આ મુદ્દો અટલબિહારી વાજપેયી સરકારે નવેમ્બર 2000માં નીમેલા બંધારણના અમલની સમીક્ષા માટેના રાષ્ટ્રીય પંચની ભલામણોને સ્પર્શે છે.
ઉક્ત પંચે માર્ચ, 2002માં પોતાનો વિસ્તૃત અહેવાલ સરકારને સોંપ્યો હતો જેમાં એણે કુલ 239 ભલામણો કરી છે. આ ભલામણો પૈકી 58 ભલામણો બંધારણમાં સુધારા કરવા સંબંધી હતી. 86 ભલામણો ધારાકીય બાબતો સંબંધી હતી અને બાકીની 95 ભલામણો વહીવટી પ્રક્રિયાને સ્પર્શતી હતી. આ ભલામણો ઉપરાંત પંચે રાજકારણ, વહીવટી પ્રક્રિયા, ન્યાયપદ્ધતિ જેવા અનેક મુદ્દાઓ પર અત્યંત ચોટદાર નિરીક્ષણો પણ કર્યાં હતાં અને એ સંબંધે પ્રવર્તતી સાંપ્રત પરિસ્થિતિ પર પ્રકાશ ફેંક્યો હતો.
ભારતીય બંધારણના આમુખનો આરંભ ’વી ધ પીપલ’ શબ્દોથી થાય છે. આ શબ્દોમાં બંધારણના ૠષિતુલ્ય ઘડવૈયાઓની કેવળ નૈતિક અને ઐતિહાસિક આંતરદૃષ્ટિ જ વ્યક્ત નથી થતી, આ શબ્દો એ વાતનું પણ નક્કરપણે પ્રતિપાદન કરે છે કે કોઈ પણ બંધારણીય સત્તાનું ઉગમસ્થાન માત્ર પ્રજા જ હોય છે અને સુશાસનનો એકમેવ માપદંડ પ્રજાની સુખાકારી જ હોઈ શકે.
ચાણક્ય ‘અર્થશાસ્ર’માં કહે છેઃ પ્રજાના આનંદમાં જ રાજાનો આનંદ સમાયેલો છે. પ્રજાની સુખાકારીમાં જ રાજાનું સુખ સમાયેલું છે. રાજાએ પોતાને ગમે એને જ હિતકારી ન ગણવું. પરંતુ (એની) પ્રજા માટે જે હિતકારી હોય એને જ હિતકારી ગણવું.
જો કે, આ પંચે પોતાના અહેવાલમાં નોંધ્યું હતું, એમ કમનસીબે શાસન સાથે સંકળાયેલા સૌ એ વાત ભૂલી ગયા છે કે તેઓ પ્રજાના સેવકો છે, માલિક નહીં. લોકશાહી કેટલી હદે જીવંત અને ધબકતી છે એની લિટમસ ટેસ્ટ શું હોઈ શકે? ઉત્તર સ્પષ્ટ છેઃ રાષ્ટ્રના વહીવટકર્તાઓને પ્રજા પ્રત્યે જવાબદાર બનાવવામાં પ્રાપ્ત થતી સફળતા.
સઘળી સત્તા અને અધિકારોનો જન્મસ્રોત કેવળ પ્રજા જ છે
પંચે અહેવાલની શરૂઆતમાં જ આ શબ્દોમાં દેશની સાંપ્રત પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતોઃ સઘળી સત્તા અને અધિકારોનો જન્મસ્રોત કેવળ પ્રજા જ છે અને સઘળી જાહેર સંસ્થાઓ કેવળ પ્રજાના હિત માટે જ સર્જાયેલી છે. સરકાર અને સરકારી કાર્યશૈલીના બંધારણની આ મૂળભૂત જોગવાઈ પ્રત્યેના વિરોધમાં જ (શાસનની) ઘોર નિષ્ફળતા રહેલી છે. બંધારણની પ્રસ્તાવનામાં જે વ્યક્તિગત ગૌરવને અંકિત કરવામાં આવ્યું છે તે આજે પણ યથાવત્ છે. (પરંતુ) આ બંધારણીય શ્રદ્ધાની અવહેલનામાંથી જ વર્તમાન સઘળાં દૂષણો સર્જાયાં છે. (પરિણામે) સૌપ્રથમ તો એ આવશ્યક છે કે દેશના નાગરિકને કેન્દ્રસ્થાને મૂકવામાં આવે અને એટલું જ નહીં, શાસનના કોઈ પણ રૂપમાં એ અગ્રતાક્રમે છે એ બાબત પણ પ્રદર્શિત થવી જોઈએ.
વહીવટી બિનકાર્યક્ષમતા અને બેફિકરાઈ અંગે વેધક નિરીક્ષણો કરતાં પંચે કહ્યું હતું: નેતૃત્વની કટોકટી, ભ્રષ્ટાચાર, અસંવેદનશીલતા અને શુદ્ર વહીવટને કારણે (સમાજમાં) કાયદાકીય વ્યવસ્થાથી પર એવી સમાંતર વ્યવસ્થા, સમાતંર અર્થતંત્ર અને સમાંતર સરકાર સુદ્ધાંએ જન્મ લીધો છે. સરકારી તુમારશાહીને કારણે પોતાના રોજિંદા જીવનમાં સામાન્ય પ્રજાએ એટલી હદે હાલાકી ભોગવવી પડે છે કે વધુ ને વધુ (ત્રસ્ત) લોકો આ સમાંતર વ્યવસ્થાને શરણે જઈ રહ્યા છે.’
એક વખત પ્રજા ચૂંટીને સંસદમાં મોકલી આપે પછી પાંચ વર્ષ સુધી ખુરશી પર બેસી રહેવાનો અબાધિત અધિકાર ખુદને મળ્યો છે એવું માનતા અને મનાવતા પ્રજાના પ્રતિનિધિઓને પણ પંચે સ્પષ્ટ શબ્દોમાં ટપાર્યા હતા. પંચની ટિપ્પણી અક્ષરસઃ પ્રસ્તુત છેઃ સંસદસભ્યો સિઝરની પત્ની જેવા, એટલે કે શંકાથી પર હોવા જોઈએ અને તેમણે સ્વેચ્છાએ જ સંસદીય ઑમ્બડ્ઝમૅન દ્વારા પોતાની જાતને જાહેર ચકાસણી માટે આગળ ધરી દેવી જોઈએ.
જો સરકારી કે ખાનગી ક્ષેત્રના કે અન્ય ઉચ્ચ અધિકારીઓની કામગીરીની વાર્ષિક સમીક્ષા થતી હોય, જો સઘળાં મંત્રાલયો અને (સરકારી) ખાતાંની કામગીરીનું કૅબિનેટ સેક્રેટરીઝ દ્વારા મૂલ્યાંકન થતું હોય અને જો કોઈ પણ ક્ષેત્રના કર્મચારીઓની કામગીરીની સમયાંતરે સમીક્ષા થતી હોય તો સંસદસભ્યો કે ધારાસભ્યોને આ પ્રકારના પરફોર્મન્સ ઑડિટથી શા માટે મુક્ત રાખવા જોઈએ? છેવટે તો, સાંસદો કે ધારાસભ્યો પ્રજાની સેવા કરવા માટે ચૂંટાય છે; પ્રજા પર રાજ કરવા માટે નહીં.
બંધારણના અમલ માટેના રાષ્ટ્રીય પંચે કહ્યું તો ખરું કે સાંસદો અને ધારાસભ્યોને પ્રજાની સેવા કરવા માટે ચૂંટવામાં આવે છે, પ્રજા પર રાજ કરવા માટે નહીં, પરંતુ કમિશનની આ સ્પષ્ટ વાત હોવા છતાં સરકારે તેના પ્રત્યે ઉદાસીન અને બેપરવાહીભર્યું વલણ દર્શાવ્યું હતું. તેને પરિણામે દેશમાં રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી ગઈ.
સમાજમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને એનાં ગંભીર પરિણામો આપણે સૌ ભોગવી રહ્યા છીએ. એ યાદ રહે કે ભ્રષ્ટાચારથી સામાજિક સ્થિરતા અને સલામતી જોખમાય છે, આર્થિક સામાજિક અને રાજકીય વિકાસ રૂંધાય છે અને લોકશાહી તથા નૈતિકતાનાં મૂલ્યોને હાનિ પહોંચે છે. એ પણ યાદ રહે કે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ એ બન્ને જોડિયા સંતાનો છે અને એકમેકના પૂરક છે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ વચ્ચે હંમેશા સમપ્રમાણ સંબંધ હોય છે. ‘હિન્દુ’ના 16 ડિસેમ્બર 1947ના અંકમાં ગાંધીજીએ લખ્યું હતું, ”પોતાની વિચારસરણી કે પક્ષના ભેદભાવ વિના દેશની આગળ પડતી વ્યક્તિઓની ફરજ છે કે તેઓ દેશના ગૌરવનું રક્ષણ કરે. જો દેશમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર વધતાં રહેશે તો ગૌરવનું રક્ષણ નહીં થઈ શકે. ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર એક સાથે જ વધે છે. મને વિશ્વાસપાત્ર વર્તુળો તરફથી જાણવા મળ્યું છે કે આપણા દેશમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. શું દરેક વ્યક્તિ કેવળ પોતાનો જ વિચાર કરશે સમગ્ર દેશનો વિચાર નહીં કરે?”
ગાંધીજીએ પણ દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી
પોતાની હત્યાના ગણતરીના દિવસો પહેલાં ગાંધીજીએ દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચાર પ્રત્યે ઉપરોક્ત શબ્દોમાં પોતાની વ્યથા, ચિંતા અને ચેતવણી વ્યક્ત કર્યાં હતાં એ આપણે ધ્યાનમાં લેવું જોઇએ. ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે ભ્રષ્ટાચાર એ અનેક સામ્રાજ્યોનો વિનાશ કર્યો છે. રોમન સામ્રાજ્યનું પતન હોય કે ફ્રાન્સની ક્રાંતિ હોય, રશિયાની ઓક્ટોબર ક્રાંતિ હોય કે ચીનની ચિઆંગ ક્રાઈ-શેક સરકારનું પતન હોય, એ બધાની પાછળ ભ્રષ્ટાચાર અને સગાવાદ મુખ્ય કારણો રહ્યાં છે. વિખ્યાત ઇતિહાસકાર લેખક અને ફિલસૂફ એડવર્ડ ગિબને જ્યારે પોતાનું શકવર્તી પુસ્તક – ‘ધ હિસ્ટરી ઑફ ધ ડિક્લાઇન એન્ડ ફૉલ ઑફ ધ રોમન એમ્પાયર’ પૂરું કર્યું ત્યારે તેમને રોમન સામ્રાજ્યના પતનનાં કારણોને એક જ શબ્દમાં વ્યક્ત કરવાનું કહેવામાં આવ્યું હતું. પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું, ”ભ્રષ્ટાચાર”. ભ્રષ્ટાચારથી ખરડાયેલા ભારતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં લોકપાલની આવશ્યકતાને મૂલવવી જરૂરી છે. લોકપાલ કોઈ જાદુઈ છડી નથી, જેનાથી ભ્રષ્ટાચાર સમૂળગો નિર્મૂળ થઈ જાય; પરંતુ એ પણ નિર્વિવાદ હકીકત છે કે જે દેશોમાં લોકપાલની અસરકારક વ્યવસ્થા અમલમાં છે ત્યાં ભ્રષ્ટાચારનું પ્રમાણ સાવ નહીંવત્ છે. વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ કેટલું છે એના પર બાજનજર રાખતી અને સમયાંતરે સર્વેક્ષણ હાથ ધરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા – ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 2010માં જ્યારે પોતાનો અહેવાલ જાહેર કર્યો ત્યારે ભારત 87મા સ્થાને હતું. એ ધ્યાનમાં રાખવું ઘટે કે ભારત નિમ્ન ક્રમાંકે હતું. તેનો અર્થ એ જ થતો હતો કે તેમાં ભ્રષ્ટાચાર ઘણો વધારે હતો.
યુપીએ સરકાર ભ્રષ્ટાચારને નાથવામાં સરિયામ નિષ્ફળ ગઈ હતી
યુપીએ સરકાર જ્યારે મે 2004માં સત્તા પર આવી ત્યારે તેણે રાષ્ટ્રીય લઘુતમ સમાન કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ યોજના હેઠળ યુપીએ સરકારે પ્રજાને વચન આપ્યું હતું કે તેમને સદાય ભ્રષ્ટાચારમુક્ત ભારત અને ઉત્તરદાયિત્વપૂર્ણ સરકાર તથા એક જવાબદાર અને સહાનુભૂતિપૂર્ણ વહીવટ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. ભ્રષ્ટાચારમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ એ મુદ્દે યુપીએ સરકાર સરિયામ નિષ્ફળ ગઈ હતી એવી પ્રજાના માનસપટ પર પડેલી સ્પષ્ટ છાપ અકારણ કે ખોટી ન હતી. સરકારે ભ્રષ્ટાચારની સામે લડવા માટેની ભલામણો કરવા નિમેલા પ્રધાનોના જૂથ દ્વારા જે ચર્ચા વિચારણા થઇ હતી તેનો અહેવાલ પણ જાહેર કર્યો ન હતો. યુપીએ સરકારની આ ચેષ્ટામાં પારદર્શકતાનો અભાવ વર્તાય છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં પણ યુપીએ સરકારે સદા ઠાગાઠૈયા કર્યા હતા. તેનું એક જ ઉદાહરણ પૂરતું છે. સંસદમાં એ પ્રશ્નો પુછાયા હતા કે દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાથવા માટે સરકાર શું કોઈ કાયદો ઘડવાનું વિચારી રહી છે? જો વિચારી રહી હોય તો એની વિગતો શું છે? અને આ કાયદો કેટલા સમયમાં ઘડીને અમલમાં મુકાશે? આ પ્રશ્નોના ઉત્તરમાં તત્કાલીન કાયદા પ્રધાને 9 ડિસેમ્બર, 2010ના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે આ સંબંધી માહિતી એકઠી કરવામાં આવી રહી છે અને ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે. વાસ્તવમાં પ્રજાની નાડ પારખવામાં થાપ ખાઈ ગયેલી સરકાર મોંઘવારી, ફુગાવો, ભ્રષ્ટાચાર એ બધાને નાથવામાં સરિયામ નિષ્ફળ ગઈ હતી. તેણે સામાન્ય પ્રજાના આરોગ્યની દેખભાળ માટેની વ્યવસ્થા અને ગૌરવપૂર્વક જીવવાના અધિકાર જેવા સંવેદનશીલ મુદ્દે પણ કોઈ પણ નિર્ણાયક પગલું લીધું ન હતું. ખાસ કરીને ભ્રષ્ટાચાર સામે લડવામાં સરકારની ઉદાસીનતા ઉડીને આંખે વળગે છે. (વધુ આવતા વખતે)
————————————-