દેશ સામે નોન પરફોર્મિંગ ઍસેટ્સની વિકરાળ સમસ્યા ઊભી છે ત્યારે અમર સિંહનું નિવેદન ઘણું મહત્ત્વપૂર્ણ બની જાય છે

સત્તા સામે શાણપણ નકામું હોય છે, પરંતુ જ્યારે માણસ સત્તા પરથી ઊતરી જાય ત્યારે તેની ખરી હેસિયત દેખાઈ જાય છે. હાલ ભૂતપૂર્વ નાણાપ્રધાન અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના કેસની વાતો ચાલી રહી છે અને તેમના કિસ્સામાં ઉક્ત વાત સાચી ઠરે છે. ચિદમ્બરમ સત્તા પર હતા ત્યારે તેમના વિરુદ્ધ બોલવાનું ઘણું મુશ્કેલ હતું. તેનું દેખીતું કારણ છે કે તેઓ સત્તાના જોરે અમિત શાહને જેલમાં નખાવી શક્યા હતા. તેમણે અમિત શાહની જેમ સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને રાજ્યસભાના સભ્ય અમર સિંહને પણ થોડા દિવસ માટે જેલમાં મોકલવામાં ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે.
અમર સિંહે પોતે ટ્વીટર પર પોસ્ટ કરેલા વિડિયો (જે હવે યુટ્યુબ પર ઉપલબ્ધ છેઃ https://youtu.be/uSBOlxFG56I) સંદેશ મુજબ તેમણે કૉંગ્રેસને સમર્થન આપ્યું હોવા છતાં તેમને 2011માં જેલમાં અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
સિંહે ડૉ. મનમોહન સિંહને 2008માં વિશ્વાસનો મત જિતાડવા માટે ત્રણ સંસદસભ્યોને લાંચ આપી હોવાનો આરોપ હતો. તેઓ બીમાર હોવાનું તેમના વકીલોએ અદાલતને કહ્યું હોવા છતાં દિલ્હીની અદાલતે તેમને તિહાર જેલમાં અદાલતી કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો. ડાયાબિટીસના દરદી અમર સિંહને એ વખતે કિડનીની ગંભીર તકલીફ હતી. દસ વર્ષ પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર અમર સિંહને ફરી એ જ વ્યાધિ હોવાથી તેઓ આ વિડિયો બનાવતી વખતે હૉસ્પિટલમાં હતા. ટ્વીટર પર વાઇરલ થયેલા વિડિયોમાં તેમણે હવે કહ્યું છે કે તેમની બીમારીની અવગણના કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમને ગણતરીના દિવસ જેલમાં રખાયા બાદ અદાલતે પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા.
આ જ નેતાએ વિડિયોમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ઉદ્દેશીને કહ્યું છે કે દેશમાં અબજો રૂપિયાની નોન પરફોર્મિંગ ઍસેટ્સ બની ગયેલી લોન અપાવવામાં કૉંગ્રેસના નાણાપ્રધાન પી. ચિદમ્બરમની ભૂમિકા હતી. બોલવામાં પણ શરમ આવે એ રીતે ઉદ્યોગપતિઓ ચિદમ્બરમને સાધીને પોતાની લોનો મંજૂર કરાવતા હતા. આ બધી વાતોના પુરાવા પોતાની પાસે હોવાનો તેમણે દાવો કર્યો છે.
અમર સિંહે એવો પડકાર પણ ફેંક્યો છે કે જો પોતાના પિતાજીનો માલ હોય એ રીતે મોટા-મોટા ઉદ્યોગપતિઓમાં પૈસા લૂંટાવનારી વ્યક્તિ પી. ચિદમ્બરમ ન હોય તો રાહુલ ગાંધીએ શ્વેતપત્ર બહાર પાડવું.
તેમણે કહ્યું છે, અત્યારે અર્થતંત્ર ડૂબી રહ્યું છે અને તેના મૂળમાં છે શ્વેત લુંગીધારી ભ્રષ્ટ ચિદમ્બરમ, ચિદમ્બરમ, ચિદમ્બરમ.
પોતે જે બોલી રહ્યા છે તેના પુરાવા પોતાની પાસે છે એવું પણ તેમણે કહ્યું છે. તેમનું કહેવું છે કે પોતાના પિતાજીનો માલ હોય એ રીતે ઉદ્યોગપતિઓમાં પૈસા લૂંટાવનારા પી. ચિદમ્બરમ હવે સીબીઆઇને કાયદાનો પાઠ પઢાવી રહ્યા છે.
આપણે હાલમાં જ એક બ્લોગમાં લખ્યું હતું કે બાપાનો માલ હોય એ રીતે આ દેશના અનેક નેતાઓ વર્ત્યા છે. અમર સિંહના વિડિયોમાં પણ એ જ વાત બહાર આવી છે. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે પી. ચિદમ્બરમે પિતાજીનો માલ હોય એમ મોટા-મોટા ઉદ્યોગપતિઓને લોનો અપાવી.
અત્યારે દેશની આર્થિક સ્થિતિ નબળી છે તેની પાછળ માત્ર દેશી નહીં, વિદેશી પરિબળો પણ જવાબદાર છે. ચીન અને અમેરિકાનું વેપારયુદ્ધ તેમાંનું એક મોટું પરિબળ છે. સાથે જ એ વાત કહેવી રહી કે ભારતમાં નોન પરફોર્મિંગ ઍસેટ્સની સમસ્યા વિકરાળ સમસ્યા છે અને તેને કારણે આપણો ખમતીધર દેશ પણ આર્થિક મુશ્કેલીમાં સપડાયો છે.
પી. ચિદમ્બરમ જેવા નેતાઓને જો ભ્રષ્ટાચાર બદલ સજા થાય તો એમાં ખોટું શું છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ નોંધવું ઘટે કે સત્તાધારી નેતાની ધાક એટલી મોટી હોય છે કે તેમના વિશે રાષ્ટ્રીય કક્ષાના વિપક્ષી નેતાઓ પણ અવાજ ઉઠાવી શકતા નથી.
——————————————
આ આપણા દેશમાંજ શક્ય છે કે દેશના ગૃહપ્રધાન અને નાણાંમંત્રી જેવા હોદ્દા ઉપર રહેલ વ્યક્તિ આ હદ સુધીનો ભ્રષ્ટાચાર કરી શકે અને તેનો વાળ પણ વાંકો ન થાય. આમાં બંધારણ પ્રત્યે વફાદારીના સોગંદ તો ક્યાંય ગુમ થઈ ગયા. આપણે મેરા ભારત મહાનના ખાલી ફાંકાજ મારવાના.
LikeLike