
રાજકારણીઓ આટલા બધા પેધી ગયા છે એવું આપણે ગયા વખતના બ્લોગમાં કહ્યું હતું. આમ કહેવા પાછળનું કારણ એ છે કે જનતાની સેવાના નામે જાતે મેવા ખાવા જવાનું છે એવું માનીને જ મોટાભાગના લોકો રાજકારણમાં જતા હોય છે. તેમની આવી સમજની પાછળ ભારતીયોની માનસિકતા જવાબદાર હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.
લાંચ હોય કે દહેજ હોય, તેમાં લેનારની જેટલો જ દોષી આપનાર પણ હોય છે. પોતાનું કામ સરળતાથી પતી જાય એ માટે નાની-મોટી ગિફ્ટ આપવાની પ્રથા કાળક્રમે પ્રચંડ માત્રામાં લાંચ લેવાની સિસ્ટમ બની જાય છે. આપણા પારિવારિક સ્તરથી જ આ લાંચ શરૂ થતી હોય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ નાના બાળકને કંઈક કરવા માટે કે કંઈક નહીં કરવા માટે અપાતી લાલચ હોય છે. ”તું ગીત ગા તો તને ચોકલેટ આપીશ”, ”તું સારા માર્ક્સ લાવીશ તો તને સાયકલ લાવી આપીશ”, ”તું કજિયા નહીં કરે તો તને બહાર ફરવા લઈ જઈશ”. એવાં બધાં વિધાનો શું સૂચવે છે? બાળકને નાનપણમથી જ આવી લાલચો આપી-આપીને બગાડવામાં આવે છે. પછીથી જ્યારે એ કંઈ પણ લીધા વિના કામ કરવા તૈયાર ન થાય ત્યારે એ જ માતાપિતા બળાપો કાઢતાં હોય છે કે છોકરો બહુ બગડી ગયો છે.

પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે લોકો રાજકારણીઓને લાંચ-રુશ્વત આપવા લાગી જાય છે
પોતાના જીવનમાં શાંતિ થાય એ માટે બાળકની આદતો બગાડવાનું કામ જે રીતે થાય છે. પછીથી બાળક મોટું થઈને એ જ વાતનું અનુકરણ કરે છે. તેના મનમાં ગ્રંથિ બંધાઈ જાય છે કે પોતાનું કામ કરાવવું હોય તો સામેવાળાને કંઈક આપવું જ પડે છે. એ જ રીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે લોકો રાજકારણીઓને લાંચ-રુશ્વત આપવા લાગી જાય છે.
ટ્રેનમાં જગ્યા ન હોય તો ટીટીઈને લાંચ આપવી, રસ્તા પર બાંકડો લગાવવો હોય તો પાલિકાના અધિકારીઓને લાંચ આપવી, શાળામાં પ્રવેશ જોઈતો હોય તો તેના સંચાલકોને લાંચ આપવી, સરકારી કાર્યાલયમાં પોતાની ફાઇલ પર જલદી નિર્ણય આવે એ માટે ત્યાંના અધિકારીઓને લાંચ આપવી, પોતાને કોન્ટ્રેક્ટ મળે એ માટે સંબંધિત ખાતાના પ્રધાનને લાંચ આપવી એ બધી પ્રવૃત્તિનો જનક દેશનો નાગરિક જ હોય છે. જો આપનાર હોય તો જ લેનાર પેદા થાય એ સ્પષ્ટ વાત છે.

જનતાના સેવક કે રાજા?
બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે ત્યાં રાજાશાહી નહીં હોવા છતાં સત્તાધારીઓને રાજા જેટલું જ માન આપવામાં આવે છે. કોઈ વ્યક્તિને માન આપવામાં આવે એ સહજ છે, પરંતુ વધુપડતું માન આપવામાં આવે અને માથે ચડાવી દેવાય એ બીજી વાત છે. આપણે ત્યાં તો સામાન્ય પંચાયતના પ્રમુખને પણ રાજા જેટલું માન આપવાની પ્રથા પડી ગઈ છે. એક બાજુ આપણે કહે છીએ કે રાજકારણીઓ અને સરકારી કર્મચારીઓ તો જનતાના સેવક હોય છે અને બીજી બાજુ આપણે જ તેમને રાજાનો દરજ્જો આપીને તેમને માથે ચડાવી દઈએ છીએ.
કોઈ નગરસેવક પણ મત માગવા આવે તો તેની પાછળ ચમચાઓની ફોજ હોય અને જાણે સ્વર્ગમાંથી કોઈ ઊતરી આવ્યું હોય એમ નાગરિકો તેને વધુપડતું માન આપીને માથે ચડાવી દેતા હોય છે. એ જ રાજકારણીને પછીથી અમુક ઉદઘાટનો માટે કે પોતાના પ્રસંગો માટે બોલાવીને લોકો ફુલાતા હોય છે.
ટૂંકમાં, આ દેશમાં પ્રજાનો સેવક ગણાવો અને મનાવો જોઈએ એ માણસ સાથે પ્રજાના શાસક જેવો વ્યવહાર થાય છે અને પછીથી તેની આદત બગાડીને પછીથી ફરિયાદ કરાય છે કે રાજકારણીઓ તો બધા ભ્રષ્ટ છે અને રાજકારણ તો સાવ ગંદું છે.
ગુલામીની માનસિકતા હજી ગઈ નથી!
દેશને આઝાદી મળ્યાને 72 વર્ષ થઈ જવા છતાં લોકોની ગુલામીની માનસિકતા આજે પણ ગઈ નથી. તેનું પરિણામ એ આવ્યું કે આજની તારીખે શાસન સાથે સંકળાયેલા સૌ એ વાત ભૂલી ગયા છે કે તેઓ પ્રજાના સેવકો છે, માલિક નહીં. દેશની લોકશાહીમાં જનપ્રતિનિધિઓ પ્રજાની સેવા કરવા માટે ચૂંટાય છે; પ્રજા પર રાજ કરવા માટે નહીં.

પ્રજાની યાદશક્તિ ઘણી ઓછી હોય છે એ વાતનો ગેરફાયદો રાજકારણીઓ ઉઠાવતા હોય છે. અત્યાર સુધીમાં કેટકેટલાંય કૌભાંડો બહાર આવ્યાં, પરંતુ જનતાએ હંમેશાં થોડા દિવસ તેની ચર્ચા કરી અને પછી તેને ભુલાવી દીધી. અખબારોમાં થોડા દિવસ જોરશોરથી ઊહાપોહ મચ્યા બાદ બધું રાબેતા મુજબ થઈ જાય. નાગરિકોએ ક્યારેય જાગૃત જનતા તરીકેની જવાબદારી નિભાવી નથી. થોડા દિવસ બળાપો કાઢ્યા બાદ ફરી પોતાના રોજિંદા જીવનમાં જોતરાઈ જવાની બધાને આદત પડી ગઈ છે. એક રાષ્ટ્રીય નૈતિક બળ ઊભું નહીં થવાને કારણે બધા રાજકારણીઓને ભાવતું મળી જાય છે. વળી, રાજકારણીઓ ત્યારે જ કૌભાંડો કરી શકે, જ્યારે લોકો તેમને પૈસા આપવા માટે તૈયાર હોય. અહીં ઉપર કહેલો મુદ્દો ફરી ઉપસ્થિત થાય છે. રાજકારણીઓને પૈસા આપનારાઓ રાજકારણીઓ હોતા નથી. તેઓ તો જનતામાંથી જ હોય છે. દા.ત. રાજકારણીઓને લાંચ આપીને કે બીજા લાભ આપીને પોતાના માટે કૉર્પોરેટ્સે લોનો લીધી અને પછી એ બધી લોનો નોન પરફોર્મિંગ ઍસેટ્સ બની ગઈ. આવા કેસમાં રાજકારણીઓ જેટલી જ દોષિત કૉર્પોરેટ્સ પણ છે.
અન્યાય કરવાવાળા જેટલી જ જવાબદાર અન્યાય સહન કરવાવાળી વ્યક્તિ પણ હોય છે
આઇએનએક્સ કેસમાં પી. ચિદમ્બરમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઇ માટે દોષિત છે એ જ રીતે ઇન્દ્રાણી તથા પીટર મુખર્જી પણ દોષિત છે. ચિદમ્બરમ રાજકારણી છે અને ઇન્દ્રાણી તથા પીટર મુખર્જી સામાન્ય નાગરિકો કહો તો નાગરિકો અને કૉર્પોરેટ કહો તો કૉર્પોરેટ છે. આમ, કૉર્પોરેટ્સ પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે. વળી, અત્યાર સુધી અનેક કૌભાંડો બહાર આવવા છતાં નહીં જાગેલી પ્રજા પણ જવાબદાર છે. અન્યાય કરવાવાળા જેટલી જ જવાબદાર અન્યાય સહન કરવાવાળી વ્યક્તિ પણ હોય છે.
એકંદરે ભારતની જનતાએ હવે જાગવાની અને પોતાના અધિકારો પ્રત્યે સભાન થઈને જાગૃત નાગરિકો તરીકેના કર્તવ્યનું પાલન કરવાની જવાબદારી છે.
નેતાઓ અને અભિનેતાઓની પાછળ ગાંડા થઈને ફરવાનું બંધ કરીને પોતાનું મૂલ્ય સમજવાની દરેક નાગરિકે જરૂર છે. લોકશાહીમાં જનતા જ પ્રથમ ક્રમે આવે છે. આથી તેણે પોતાના અધિકારો અને કર્તવ્યો નિભાવવાની ખાસ આવશ્યકતા છે. ‘યહ પબ્લિક હૈ યહ સબ જાનતી હૈ…’ એવું ગીત સાંભળવામાં સારું લાગે છે, પણ અહીં કહી દેવું ઘટે કે અગર સબ જાનતી હૈ તો ક્યોં કોઈ કારવાઈ નહીં કરતી? ક્યોં અપની આવાજ નહીં ઉઠાતી? ક્યોં અન્યાય સહ લેતી હૈ? ક્યોં પ્રજા કે સેવકોં કો રાજા બનાકર સર પે બિઠાતી હૈ ઔર ફિર ઉનકે હી બોજ તલે દબ જાતી હૈ?
————————————-