પી. ચિદમ્બરમ હોય, હૂડા હોય કે શરદ પવાર હોય, બધા જ કેસમાં ‘આગ હોય તો જ ધુમાડા થયા હોય’ની સ્થિતિ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 15મી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણના બે મુદ્દાઓને પી. ચિદમ્બરમે વખાણ્યા ત્યારે જ જનતાને સમજાઈ ગયું હતું કે આ ભૂતપૂર્વ નાણાપ્રધાનને પોતાની ધરપકડના ભણકારા સંભળાઈ ગયા છે. જનતા જનાર્દનને સમજાઈ ગયેલી વાત 21મી ઑગસ્ટે સાચી પુરવાર પણ થઈ ગઈ.

આ જ રીતે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દરસિંહ હુડાએ કાશ્મીરને લગતી કલમ 370 રદ કરાવવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું ત્યારે પણ લોકોને લાગ્યું હતું કે હૂડા કોઈક રીતે ક્યાંક બચવા માગી રહ્યા છે. તેમની આ શંકા સોમવારે 26મી ઑગસ્ટે સાચી ઠરી, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) પંચકુલા જમીન સોદા સંબંધે હૂડાની સામે ચાર્જશીટ નોંધાવી. હૂડા ઉપરાંત કૉંગ્રેસના પીઢ નેતા મોતીલાલ વોરા વિરુદ્ધ પણ ચાર્જશીટ ફાઇલ થઈ છે. કૉંગ્રેસે શરૂ કરેલી ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડને કરાયેલી જમીનની ફાળવણીમાં ગેરરીતિ કરી હોવાનો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે.

ઉક્ત બન્ને નેતાઓ સામે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ચંડીગઢની નજીકના પંચકુલા ખાતે હૂડા સરકારે 1992માં ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ને જમીન ફાળવી હતી. એજેએલની સ્થાપના નૅશનલ હેરાલ્ડ અખબારનું પ્રકાશન કરવામાં માટે થઈ હતી. એક સમયે આ જમીન એજેએલને ફાળવાઈ હતી, પરંતુ તેના પર નિર્ધારિત સમયગાળામાં કોઈ બાંધકામ નહીં થતાં અગાઉની ભજનલાલ સરકારે હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી હેઠળ હસ્તગત કરી લીધી હતી. ભૂપિન્દરસિંહ હૂડા 2005માં મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે મોતીલાલ વોરાની ભલામણના આધારે 23 વર્ષ જૂના ભાવે એ જમીન ફરીથી એજેએલને ફાળવી હતી. આમાં વાંધો એ વાતનો છે કે બજારભાવ 64.93 કરોડ રૂપિયા હોવા છતાં તેની ફાળવણી ફક્ત 69.39 લાખ રૂપિયામાં કરવામાં આવી.

આ ફાળવણી સંબંધે સીબીઆઇએ તપાસ કરીને ડિસેમ્બર 2018માં ચાર્જશીટ નોંધાવી હતી અને તેનો ખટલો હાલ પંચકુલાની સીબીઆઇ અદાલતમાં ચાલી રહ્યો છે અને હૂડા તથા વોરા એ કેસમાં જામીન પર મુક્ત થયા છે. હવે ઈડીએ તેમની સામે મોરચો માંડ્યો છે. હૂડા કૉંગ્રેસ છોડી જવાની વેતરણમાં હતા એવા સમયે તેમની સામે ઈડીએ ચાર્જશીટ નોંધાવી છે એ વાતની નોંધ લેવી ઘટે.

બીજી વાત પી. ચિદમ્બરમની છે. તેઓ અત્યારે સીબીઆઇની કસ્ટડીમાં છે અને ઈડી તેમની સામેનો કેસ તૈયાર કરી રહી છે. ઈડીએ સોમવારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે આ નેતા આર્જેન્ટિના, ઑસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ્સ, ફ્રાન્સ, ગ્રીસ, મલયેશિયા, મોનેકો, ફિલિપાઇન્સ, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્પેન અને શ્રીલંકામાં બૅન્ક ખાતાં તથા મિલકતો ધરાવે છે. તેમના બધા વ્યવહારો તેમણે સ્થાપેલી બોગસ કંપનીઓ મારફતે થતા હતા. ઈડીએ એવો આરોપ પણ મૂક્યો છે કે આરોપી આઇએનએક્સ મીડિયા કેસમાં પુરાવા નષ્ટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તથા સાક્ષીઓ પર દબાણ લાવી રહ્યા છે. પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિની ધરપકડ કરાવાની શક્યતા હોવાનું પણ તેણે દર્શાવી આપ્યું છે. મદ્રાસ વડી અદાલતે કાર્તિની ધરપકડ સામે રક્ષણ આપ્યું હોવાથી ઈડીએ તેની સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે.

આગામી દિવસોમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર પણ કોઈક કાનૂની કેસ સંબંધે સકંજામાં આવી શકે છે. તેનું કારણ એ છે કે મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઓપરેટિવ બૅન્ક સંબંધિત 1,000 કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધે શરદ પવાર, તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તથા બીજા 70 લોકો સામે એફઆઇઆર નોંધાવવાનો મુંબઈ પોલીસને ગત 22મી ઑગસ્ટે આદેશ આપ્યો હતો. તેને પગલે મુંબઈના એમઆરએ માર્ગ પોલીસે એફઆઇઆર નોંધાવી છે, પરંતુ તેમાં શરદ પવાર કે અજિત પવારનો નામોલ્લેખ કરવામાં આવ્યો નથી.

નિયમોનું ઉલ્લંઘન કરીને આ બૅન્કે ખાંડનાં કારખાનાં માટે લોન આપી હતી અને તેને પગલે બૅન્કને 25,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું ફરિયાદી સુરિન્દર અરોરાએ કહ્યું છે. તેમણે આ બાબતે વડી અદાલતમાં ફોજદારી જનહિતની અરજી નોંધાવી છે. ફરિયાદમાં અજિત પવાર ઉપરાંત રાષ્ટ્રવાદી પક્ષના ભૂતપૂર્વ નેતા – વિજયસિંહ મોહિતે-પાટીલ અને ભૂતપૂર્વ સાંસદ તથા બૅન્કના ભૂતપૂર્વ ડિરેક્ટર આનંદરાવ અડસૂળનાં નામ પણ આપવામાં આવ્યાં છે. બૅન્કમાં 2002થી 2017 સુધીના ગાળામાં સતત છેતરપિંડી થતી રહી છે અને બૅન્કના ડિરેક્ટરોએ પોતાના લોભને સંતોષવા બૅન્કિંગના નિયમો તથા રિઝર્વ બૅન્કનાં ધોરણોનો ભંગ કરીને બૅન્કને તો નુકસાન કર્યું જ છે, સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રને પણ નુકસાન કર્યું છે.

અહીં જણાવવું રહ્યું કે મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્ક સતત ખોટમાં રહી છે અને તેમાં દાળમાં કાળું હોવાની શંકા વર્ષોથી થતી આવી છે. આમ છતાં, મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની સરકાર હોવાથી એ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થતી ન હતી.

હાલમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઑફિસમાં નવ કલાક સુધી પૂછપરછનો સામનો કરીને આવ્યા છે. આઇએલઍન્ડએફએસના કથિત પૅમેન્ટ ડિફોલ્ટ કેસમાં ચાલી રહેલી મની લૉન્ડરિંગની તપાસ સબબ રાજને સમન્સ મોકલવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના શિવસેનાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના દીકરા ઉન્મેષ જોશીની સાથે મળીને રાજ ઠાકરેએ કોહીનૂર મિલની જગ્યાએ કોહીનૂર સીટીએનએલ કંપની સ્થાપી હતી. આઇએલઍન્ડએફએસે તેમાં 450 કરોડ રૂપિયા મૂલ્યની લોન ઈક્વિટી રોકી હતી. એ લોનમાં ગેરરીતિ થઈ હોવાની શંકાને પગલે ઉન્મેષ અને રાજ બન્નેની પૂછપરછ કરવામાં આવી છે.

ઉક્ત દરેક કેસમાં અત્યારે ઘણા લોકોને રાજકીય કિન્નાખોરી દેખાતી હશે, પરંતુ દરેકમાં સંડોવાયેલા નેતાઓ વિશે જનતા પહેલેથી સાશંક રહી છે. તેમાંય પી. ચિદમ્બરમ અને શરદ પવાર તો આ દેશના સૌથી વધુ શ્રીમંત રાજકારણીઓ હોવાનું ‘બચ્ચાં-બચ્ચાં જાનતા હૈ’ની સ્થિતિ રહી છે.

રાજકારણીઓ આટલા બધા પેધી ગયા છે તેની પાછળ ભારતીયોની માનસિકતા અને તેમનું વલણ કઈ રીતે જવાબદાર છે તેના વિશે આપણે આવતી કડીમાં વાત કરીશું.

———————–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s