
ચિદમ્બરમ આપણા દેશના હોવા છતાં દેશ માટે દુશ્મન હોય એ રીતે વર્ત્યા છે એવી શંકા જગાવતા અહેવાલ સતત બહાર આવી રહ્યા છે. અત્યાર સુધી તેમની વગ તેમનાં કાળાં કારનામાને દબાવી રાખવામાં ચાલતી રહી હતી, પણ કહે છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે….
ચિદમ્બરમનાં અને તેમનાં મળતિયાઓનાં પગલાં રાષ્ટ્રવિરોધી હતાં એ હવે સામે આવવા લાગ્યું છે. મોદી સરકારે નોટબંધી શા માટે લાવવી પડી એ સવાલના જવાબ પણ મળે છે.
ચિદમ્બરમની હરકત પાકિસ્તાનના બદમાશ વર્ગને કઈ રીતે ફાયદો કરાવતી હતી તેનો પર્દાફાશ પણ થઈ રહ્યો છે. અહીં આપણે તેની ઝલક જોઈએ, જેમાં ચિદમ્બરમનાં કાળાં કામ ખુલ્લાં પડે છેઃ
ગયા વખતના બ્લોગમાં આપણે જોયું કે એનએસઈએલ ટ્રેડરોને ચૂકવણી કરવા બંધાયેલું નથી, એવું રિઝર્વ બૅન્કે કહ્યું હોવા છતાં આર્થિક બાબતોના તત્કાલીન સચિવ અરવિંદ માયારામની સમિતિની ભલામણોના આધારે એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ કરવામાં આવ્યો. એ વાતને છ વર્ષ થવા આવ્યાં ત્યારે મુંબઈ વડી અદાલતે એમપીઆઇડી કાયદો લાગુ પડતો નહીં હોવાનું કહીને સત્યને સમર્થન આપ્યું છે.
માયારામ સમિતિની નિમણૂક તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કહેવાથી થઈ હતી. હવે મજાની વાત એ છે કે જેમાં ખોટું પગલું ભરવામાં આવ્યું હતું એવા એનએસઈએલ કેસમાં સત્ય પ્રગટ થયું છે અને જે સત્યને દબાવીને રાખવામાં આવ્યું હતું એ સત્ય પ્રગટ થતાં પી. ચિદમ્બરમ અત્યારે સીબીઆઇની કસ્ટડીમાં છે. આ જ ચિદમ્બરમને લગતાં અનેક તથ્યો અત્યારે વિવિધ પ્રસાર માધ્યમોમાં બહાર આવી રહ્યાં છે અને તેમના અનેક ગોરખધંધા વિશે લોકો રોષપૂર્વક વાતો કરી રહ્યા છે.
પી. ચિદમ્બરમ અને અરવિંદ માયારામને લગતો એક કિસ્સો અત્યારે યુટ્યુબ પર ચર્ચાસ્પદ બની ગયો છે. યુટ્યુબ પર ઇન્ડિયા સ્પીક્સ નામની ન્યૂઝ ચૅનલ ચલાવનારા સંદીપ દેવ નામની વ્યક્તિએ અપલોડ કરેલા વિડિયોને હજારોની સંખ્યામાં લાઇક મળી રહી છે અને એ વિડિયો એટલી જ મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે. એ વિડિયોમાંની મોટાભાગની માહિતી ધરાવતો અહેવાલ પીગુરુસ ડોટ કોમ વેબસાઇટ પર છેક 13 જાન્યુઆરી, 2019ના રોજ અહેવાલ પ્રગટ થયો હતો.
ચિદમ્બરમ પકડાયા છે તેથી બધા કિસ્સા બહાર આવી રહ્યા છે એવું નથી. તેમને સીબીઆઇએ ધરપકડ માટે હાથ પણ લગાડ્યો ન હતો ત્યારે પીગુરુસ પર આ સ્કેમ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એ કિસ્સામાં જેનું નામ સંડોવાયેલું હતું એવી બ્રિટનની ડે લા રુ નામની કંપની વિશે સ્થાનિક સીરિયસ ફ્રોડ ઑફિસે તપાસ શરૂ કરી હોવાનો અહેવાલ હજી ગયા જ મહિને ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’, ‘ધ ગાર્ડિયન’ અને ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ જેવાં વિવિધ પ્રસાર માધ્યમોમાં પ્રગટ થયો હતો.
ભારતમાં થયેલા કરન્સી સ્કેમની વિગતો એટલી જટિલ છે કે તેની વાત ક્યાંથી શરૂ કરવી એ જ સમજાતું નથી. એનએસઈએલથી શરૂ થયેલી વાત આજે બ્રિટનની ડે લા રુ સુધી પહોંચી છે તેનું એકમાત્ર કારણ ચિદમ્બરમ છે. એનએસઈએલમાં તેમણે કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ છે અને એ સત્ય ધીમેધીમે પ્રગટ થઈ રહ્યું છે. અરવિંદ માયારામ, ચિદમ્બરમ, ડે લા રુ અને કરન્સી સ્કેમ એ બધાં એકદમ નિકટથી સંડોવાયેલાં છે અને આજની તારીખે એ બધા જ ચર્ચામાં છે.
પીગુરુસ ડોટ કોમના ગત જાન્યુઆરીના અહેવાલ મુજબ પી. ચિદમ્બરમ, અરવિંદ માયારામ અને અશોક ચાવલા એ ત્રણે વ્યક્તિઓ કરન્સી સ્કેમમાં સંડોવાયેલી છે. તેમણે ત્રણેએ બ્રિટનની ડે લા રુ પાસેથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપર એટલે કે ભારતની કરન્સી નોટ છાપવા માટેનો કાગળ ખરીદવા માટે કરાર કર્યો હતો. અશોક ચાવલાનું નામ આવ્યું છે તો તેનો પણ ખુલાસો કરી દઈએ. કરન્સી સ્કેમ ઉપરાંત એરસેલ-મેક્સિસ કેસ (જેમાં ચિદમ્બરમ સંડોવાયેલા છે)માં પણ અશોક ચાવલા સંડોવાયેલા છે. ચાવલાની સામે એરસેલ-મેક્સિસ કેસમાં ચાર્જશીટ નોંધાવાયેલી છે.
ઉક્ત વેબસાઇટ મુજબ (https://www.pgurus.com/de-la-rue-currency-scam-how-pc-and-a-few-officials-compromised-national-security/) 2005માં અરવિંદ માયારામ નાણાં મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અશોક ચાવલા અતિરિક્ત સચિવ હતા. કોઈ પણ સ્કેમ પ્લાનિંગ સાથે જ થતું હોય છે. આવા જ પ્લાનિંગ પ્રમાણે ઉક્ત ત્રિપુટીએ સિક્યૉરિટી પ્રિન્ટિંગ ઍન્ડ મિન્ટિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઇએલ)ની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. તેના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે અરવિંદ માયારામ અને ચેરમેન તરીકે અશોક ચાવલાની નિમણૂક કરવામાં આવી હતી. સરકારી અમલદારોને આ રીતે કોઈ કંપની સ્થાપીને તેના ઉચ્ચાધિકારી બનાવવામાં આવે એ જ આશ્ચર્યજનક બાબત છે. આશ્ચર્યમાં ઉમેરો કરનારી બાબત એ પણ છે કે તેમની નિમણૂક કેબિનેટની અપોઇન્ટમેન્ટ કમિટીની મંજૂરી વગર જ કરવામાં આવી હતી. ચાવલા અને માયારામે ભારતીય રિઝર્વ બૅન્ક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડને કહ્યું કે તેણે એસપીએમસીઆઇએલની મદદથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપરના સપ્લાયરની શોધ કરવી.
ડે લા રુ કંપનીએ 2010માં જાહેર કર્યું કે તેના અમુક કર્મચારીઓએ સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપરની ગુણવત્તા બાબતે જુઠાણું ચલાવ્યું હતું અને તેની અસર ભારત સરકારને આ પૅપર આપવાના કોન્ટ્રેક્ટ પર પડી હતી. કંપનીએ પોતે જ એકરાર કર્યા બાદ ભારત સરકારે ડે લા રુ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી. આ પગલું ચિદમ્બરમે ગૃહ મંત્રાલયની સાથે સલાહમસલત કર્યા બાદ ભર્યું હતું. એ ઘટનાના તુરંત બાદ પ્રણવ મુખર્જીને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા, પરંતુ ભારતને વચ્ચે-વચ્ચે ડે લા રુ પાસેથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપર મળતું હતું. વર્ષ 2011-12 સુધીમાં ભારત સરકારે નવા સપ્લાયર માટે ઈ-ટેન્ડર જારી કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. 1 ઑગસ્ટ, 2012 સુધીમાં માયારામ ચિદમ્બરમની આગેવાની હેઠળ આર્થિક બાબતોના સચિવ બની ગયા હતા.
આમાં ગરબડ ક્યાં આવી?
અરવિંદ માયારામ સારી રીતે જાણતા હતા કે ડે લા રુને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આમ છતાં તેમણે ડે લા રુ પાસેથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપર લેવાનું ચાલુ રાખ્યું. ચલણી નોટોમાં મુકાતા તારની પેટન્ટ ડે લા રુ પાસે હોવાથી તેની ખરીદી પણ તેની પાસેથી કરવામાં આવી.
સરકારે નીમેલી શીલભદ્ર બેનર્જી કમિટીએ નોટોનાં ફીચર બદલવા માટે ઈ-ટેન્ડર બહાર પાડવા કહ્યું હતું અને એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. માયારામે બ્લેકલિસ્ટેડ કંપની પાસેથી સપ્લાય કરાવવા માટે ગૃહ મંત્રાલયની પાસેથી ત્રણ વર્ષની મંજૂરી માગી. ચિદમ્બરમ તો કહે છે કે તેમને કહ્યા વગર જ ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મગાઈ હતી. નાણાં મંત્રાલય અગાઉ દર વખતે ડે લા રુ બાબતે નાણાપ્રધાનની મંજૂરી લીધા બાદ જ આગળ વધતું હતું.
સરકાર બદલાતાં પરિસ્થિતિ બદલાઇ
2014માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની સરકાર આવી અને બ્લેકલિસ્ટેડ ડે લા રુ પાસેથી પૅપર ખરીદવાનું ચાલુ છે એ બાબતે નવા ગૃહપ્રધાન રાજનાથ સિંહનું ધ્યાન દોરવામાં આવ્યું. તેમણે 2015 સુધીમાં એ કોન્ટ્રેક્ટ રદ કરી નાખ્યો અને બીજેથી પૅપર મગાવવાનું શરૂ થયું. નોંધનીય છે કે 2015નો ભાવ 2005ના ભાવ કરતાં ઘણો ઓછો હતો.
માયારામે આ સ્કેમમાં ભૂમિકા ભજવી હોવાની જાણ વડા પ્રધાનના કાર્યાલયને કરવામાં આવી અને એ કાર્યાલયે મુખ્ય દક્ષતા પંચના કાર્યાલય દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો. તત્કાલીન આયુક્ત રાજીવના કાર્યાલયે નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના ખાતા પાસેથી ફાઇલો મગાવી. આ ખાતું જેટલીના વડપણ હેઠળ હોવા છતાં તેણે ફાઇલો મોકલવામાં ઢીલ કરી. એ બાબતની જાણ વડા પ્રધાનને થયા બાદ આયુક્તને ફાઇલો મળી. ફાઇલો મળવા સુધીમાં આયુક્તની બદલી થઈને કે. વી. ચૌધરી નવા દક્ષતા આયુક્ત બન્યા. પીગુરુસ કહે છે કે ચૌધરી પણ પી. ચિદમ્બરમની નજીકના માણસ ગણાય છે.
પીગુરુસ પર ઉક્ત અહેવાલ પ્રગટ થયો ત્યાં સુધીની માહિતી પ્રમાણે કેન્દ્રીય દક્ષતા પંચ તથા સીબીઆઇએ માયારામ સામે આરોપો ઘડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
કઈ મોટી સમસ્યા સર્જાઈ?
આ સમગ્ર પ્રકરણમાં એક સમસ્યા એ હતી કે બ્લેકલિસ્ટ કરાયેલી કંપની પાસેથી સિક્યૉરિટી પ્રિન્ટિંગ પૅપર લેવાનું ચાલુ રખાયું. તેનાથી મોટી સમસ્યા એ હતી કે આ જ કંપની પાકિસ્તાનને પણ પૅપર સપ્લાય કરતી હતી. તેનું પરિણામ એ આવ્યું કે ભારતની ચલણી નોટોની ડુપ્લિકેટ બનાવવાનું પાકિસ્તાન માટે આસાન બની ગયું.
હવે પીગુરુસના ઉક્ત અહેવાલના આધારે કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે કાળાં નાણાંની સમસ્યાને નાથવા માટે 500 અને 1,000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી ત્યારે સમાન નંબર ધરાવતી અનેક નોટો મળી આવી હતી. એ બધી નોટો પાકિસ્તાને બનાવેલી નકલી નોટ હોવાની પૂરેપૂરી શક્યતા છે. મોટા પ્રમાણમાં કાળું નાણું બાળી નખાયું અને નદી-નાળાં-દરિયામાં ફેંકી દેવાયું હોવા છતાં મોટાભાગની ચલણી નોટો કેવી રીતે જમા થઈ ગઈ એવી વાતો કરવામાં આવી રહી છે. તેમાં પણ એ જ મુદ્દો સામે આવે છે કે પાકિસ્તાનમાંથી આવેલી બનાવટી નોટો બૅન્કોમાં જમા થઈ હતી.
પીગુરુસનું કહેવું છે કે દેશની સલામતી સાથે બાંધછોડ કરવા બદલ સરકારે પી. ચિદમ્બરમ અને તેમના મળતિયા સરકારી અમલદારો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
ભારતમાં ડે લા રુએ જે રીતે ગરબડ કરી તેવા જ પ્રકારની ગરબડ સાઉથ સુદાનમાં થઈ હોવાથી બ્રિટનની સિરીયસ ફ્રોડ ઑફિસે ડે લા રુની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. આપણે અગાઉ જોયું એમ, સીરિયસ ફ્રોડ ઑફિસે 2010માં પણ તપાસ કરી હતી. હકીકતમાં છેલ્લાં 12 વર્ષોમાં આ ઑફિસે ડે લા રુની સામે આ ત્રીજી વખત તપાસ શરૂ કરી છે. 2007માં તપાસ થયા બાદ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ડે લા રુનું પ્રકરણ ઘણું મોટું છે. જો કે, અત્યારે દેશમાં પી. ચિદમ્બરમનાં કારનામાં વિશે જેટલી વાતો થાય એટલી ઓછી છે.
—————
Very informative article.
LikeLike