એક્સચેન્જ સામેનાં તમામ ખોટાં પગલાં રદ થઈ રહ્યાં છે અને તેને ફસાવનાર વ્યક્તિ સીબીઆઇની કસ્ટડીની હવા ખાઈ રહી છે
આ બ્લોગના વાંચકો માટે એનએસઈએલનો કેસ જાણીતો છે. 31 જુલાઈ, 2013ના રોજ આ કોમોડિટી સ્પોટ એક્સચેન્જમાં નાણાકીય કટોકટી બહાર આવી. રોકાણકારોની ઘણી જ ચિંતા હોય એમ તત્કાલીન નાણાપ્રધાનથી માંડીને નાના-મોટા નેતાઓ એ કેસની પાછળ પડી ગયા. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાઈ અને તેણે તપાસ શરૂ કરી. એનએસઈએલ કોમોડિટી એક્સચેન્જ હતું, છતાં તેને ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે નાણાકીય આસ્થાપન ગણીને એ કેસમાં મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ્સ ઑફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) કાયદો લાગુ કરવામાં આવ્યો.

કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવનાર માણસ પણ કહી શકે કે એ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ કરવાનું પગલું જ ખોટું હતું. ‘એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો’ એ ઉક્તિની જેમ એનએસઈએલના કેસમાં પહેલું પગલું જ ખોટું ભરવામાં આવ્યું હતું. જો કે, આ કેસમાં રોકાણકારોને નાણાં પાછાં અપાવવાને બદલે એનએસઈએલની સ્થાપક કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ, જેનું નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ છે) અને તેના પ્રમોટર જિજ્ઞેશ શાહના એક્સચેન્જ સામ્રાજ્યને તોડી પાડવાની દાનત હતી. આ પગલું ભરનારા અને ભરાવનારા લોકો વિશે અત્યાર સુધીમાં ઘણું લખાયું છે, પરંતુ 22મી ઑગસ્ટ, 2019ના રોજ મુંબઈ વડી અદાલતે જે આદેશ આપ્યો છે તેની દૃષ્ટિએ ફરી એક વાર એ મુદ્દો લોકો સમક્ષ લાવવો જરૂરી બને છે.

આપણા દેશમાં કાયદો કાયદાનું કામ કરે છે, પરંતુ તેમાં કેટલો વધારે સમય નીકળી જાય છે એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે. 2013ના કેસમાં 2019માં એટલે કે છ વર્ષે અદાલતમાં નિર્ણય આવ્યો કે એનએસઈએલમાં પહેલું પગલું જ ખોટું ભરવામાં આવ્યું હતું. ખરી રીતે જોઈએ તો ન્યાયમાં વિલંબ એ ન્યાય નકારવા સમાન બાબત ગણાય છે, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં ન્યાયતંત્રનો કોઈ દોષ નથી, કારણ કે કેસને પ્રથમ દિવસથી ગૂંચવી નખાયો હતો. એફટીઆઇએલની સામે એટલા બધા કેસ કરવામાં આવ્યા કે તેને કોઈ વાતે ફુરસદ જ ન મળે. એનએસઈએલની નિયમનકાર સંસ્થા ફોરવર્ડ માર્કેટ્સ કમિશન એટલે કે એફએમસીની સામે 6 ઑગસ્ટ, 2013ના રોજ થયેલી મીટિંગના આધારે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કેસમાં ડિફોલ્ટરો પાસે જ નાણાં છે. આમ છતાં તેણે ડિફોલ્ટરોની પાછળ પડીને નાણાં કઢાવવાને બદલે એફટીઆઇએલ પાસેથી એક પછી એક એક્સચેન્જ નીકળી જાય એ માટે તેને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કરી.

એફએમસીને 2011થી કોમોડિટી માર્કેટ્સની નિયમનકારી ઍજન્સી બનાવવામાં આવી હતી, પરંતુ તેણે પોતાની ભૂમિકા મર્યાદિત હોવાનું સતત કહ્યે રાખ્યું. આમ છતાં જ્યારે એનએસઈએલ કેસ બાબતે કાર્યવાહી કરવાની વાત આવી ત્યારે તેણે એફટીઆઇએલને દેશમાં કોઈ પણ એક્સચેન્જ ચલાવવા માટે અપાત્ર જાહેર કરી દીધી. તેનું પરિણામ એ આવ્યું કે એફટીઆઇએલે દેશ-વિદેશમાં ઊભાં કરેલાં બધાં એક્સચેન્જોમાંથી પોતાનો હિસ્સો વેચી દેવો પડ્યો. આ જ એફએમસીની ભલામણને પગલે કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે એફટીઆઇએલ અને એનએસઈએલનું મર્જર કરી દેવાનો આદેશ બહાર પાડ્યો હતો.
આ કટોકટીની કણેકણની માહિતી આપનારા પુસ્તક ‘ધ ટાર્ગેટ’માં કહેવાયું છે કે 6 ઑગસ્ટની મીટિંગમાં ડિફોલ્ટરોએ પોતાની ચૂકવણીની જવાબદારી સ્વીકારી લીધી હતી, પરંતુ પછીથી બ્રોકર્સે આખી વાત બદલાવી કાઢી અને એનએસઈએલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ વિરુદ્ધ ગેરવહીવટનો આક્ષેપ કર્યો. એફએમસીએ પણ પોતાનો સૂર બદલી કાઢ્યો અને ડિફોલ્ટિંગ બ્રોકર્સ તથા ડિફોલ્ટિંગ વેચાણકર્તાઓને સાણસામાં લેવાને બદલે એફટીઆઇએલ પરની ખોટી તવાઈ વધુ ઉગ્ર બનાવી દીધી.
એનએસઈએલ કેસ બાબતે તપાસ કરી ચૂકેલી આર્થિક બાબતોના ખાતાના તત્કાલીન સચિવ અરવિંદ માયારામની સમિતિના અહેવાલ મુજબ રિઝર્વ બૅન્કે સમિતિને કહ્યું હતું કે એનએસઈએલનું કામકાજ રિઝર્વ બૅન્ક ઍક્ટની કલમ 45-1(બીબી) મુજબ ડિપોઝિટ સ્કીમ ગણી શકાય નહીં અને એનએસઈએલ ખરીદદારોને ચૂકવણી કરવા બંધાયેલું નથી. આમ છતાં એ સમિતિની ભલામણોના આધારે એનએસઈએલ સામે એમપીઆઇડી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. અહીં જણાવવું રહ્યું કે ધ ટાર્ગેટ પુસ્તક મુજબ અરવિંદ માયારામ સમિતિની નિમણૂક તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કહેવાથી થઈ હતી. સમિતિના અહેવાલ તથા તેણે કાઢેલા નિષ્કર્ષ પાછળ તેમનો જ હાથ હતો. એ કાવતરું ચિદમ્બરમે ઘડ્યું હતું તથા તેમના વફાદાર કે. પી. કૃષ્ણન (નાણાં ખાતાના સચિવ) અને રમેશ અભિષેક (એફએમસીના ચેરમેન).

ઉપર જોયું એમ એનએસઈએલ કેસમાં ત્રણ મોટાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. 1) એફટીઆઇએલ અને એનએસઈએલનું મર્જર, 2) એફટીઆઇએલ એક્સચેન્જો ચલાવવા માટે અપાત્ર અને 3) એનએસઈએલ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ કરવો.
30 એપ્રિલ, 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે ઉક્ત મર્જર રદ કરવાનો આદેશ આપ્યો અને 22 ઑગસ્ટ, 2019ના રોજ મુંબઈ વડી અદાલતે એમપીઆઇડી કાયદો લાગુ પાડવાનો નિર્ણય ખોટો ઠેરવ્યો. એફટીઆઇએલને અપાત્ર ઠેરવવાનું પગલું પણ મનસ્વી હતું. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ પાડ્યો, પણ તેની જ તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ કેસમાં બ્રોકરોએ લોકોને ગેરમાર્ગે દોરીને ટ્રેડિંગ કરાવ્યું હતું. એ અહેવાલ એફએમસીના તત્કાલીન ચેરમેન રમેશ અભિષેક પાસે ગયો હતો, પરંતુ તેમણે તેને દબાવીને રાખ્યો. એફએમસીનું સેબીમાં મર્જર થયા બાદ સરકારની સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (એસએફઆઇઓ) એ અહેવાલ પ્રકાશમાં લાવ્યો. ડિફોલ્ટરોએ પોતાની જવાબદારી સ્વીકારી હતી એ મીટિંગની મિનટ્સ પણ રમેશ અભિષેકની રાહબરી હેઠળની નિયમનકાર સંસ્થાએ ખોઈ નાખી છે.
આમ, આ કેસમાં ભરાયેલાં ત્રણેય મોટાં પગલાં ખોટાં પુરવાર થયાં છે. વડી અદાલતના 22 ઑગસ્ટ, 2019ના આદેશમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે એનએસઈએલ કોમોડિટીનાં ખરીદી-વેચાણ માટેનું ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ હતું. આથી તેને એમપીઆઇડી લાગુ કરી શકાય નહીં.
નોંધનીય છે કે આર્થિક ગુના શાખાએ 4 ઑગસ્ટ, 2014ના રોજ નોંધાવેલી ચાર્જશીટમાં પણ એનએસઈએલને સ્પોટ એક્સચેન્જ કહેવામાં આવ્યું હતું.
વડી અદાલતે એમ પણ કહ્યું છે કે આર્થિક ગુના શાખાએ આ કેસનાં નાણાં પોતાની બીજી કંપનીઓ તથા પરિવારના સભ્યો તરફ વાળી દેનારા ડિફોલ્ટરો તરફ ધ્યાન આપ્યું જ નથી એ બાબત આશ્ચર્યજનક છે. નાણાં રોકનારાઓએ ઊહાપોહ મચાવ્યો એટલે તપાસકારોએ એનએસઈએલને ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ગણાય કે નહીં તેનો વિચાર કર્યા વગર જ એમપીઆઇડી કાયદો લાગુ કરી દીધો અને તેના આધારે કાર્યવાહી શરૂ કરી દીધી.
એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે મર્જર બાબતે અને ઑગસ્ટમાં વડી અદાલતે એમપીઆઇડી બાબતે એફટીઆઇએલની તરફેણમાં ચુકાદો આપ્યો, પરંતુ ત્યાર સુધીમાં કંપનીને પ્રચંડ નુકસાન થઈ ચૂક્યું છે. કાળનું ચક્ર એવું ફર્યું છે કે એફટીઆઇએલની સામેનું દરેક પગલું ખોટું પુરવાર થઈ રહ્યું છે અને તેની સામેના ષડ્યંત્ર માટે જેમને જવાબદાર ગણાવાયા છે એ પી. ચિદમ્બરમ હવે સીબીઆઇની કસ્ટડીમાં છે.
આ પ્રકરણમાં જાણવા જેવી વધુ વાતો આપણે ચાલુ રાખશું.
—————————
સૌથી મોટું આશ્ચર્ય અને દુઃખ એ વાતનું છે કે આટલું બધું સત્ય બહાર આવી ગયું અને બધું જગજાહેર થઈ ગયું છતાં વર્તમાન સરકારના લાગતા વળગતા નેતાઓ તાત્કાલિક યોગ્ય પગલાં કેમ ભરતા નથી. એવી તે શું લાચારી છે કે હજી પણ ચંડાળ ચોકડીનું વર્ચસ્વ સરકારી કામકાજમાં એટલુંજ છે ?
LikeLike