
કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા લેખ મિટે ના રે ભાઈ….કવિ પ્રદીપનું લખેલું આ ગીત ઘણું જ પ્રખ્યાત છે. બુધવારે પી. ચિદમ્બરમની ધરપકડ થઈ ત્યારે કર્મ કોઈને છોડતું નથી એવા ટ્વીટર પર ફરતા સંદેશાઓ વાંચતાં આ ગીત યાદ આવ્યું. સંદેશાઓમાં પી. ચિદમ્બરમે કરાવેલી અમિત શાહની ધરપકડને લગતો સંદેશ પણ સામેલ હતો. આ કિસ્સામાં અમિત શાહે લીધેલા બદલાનો મુદ્દો ભલે ઉછાળાયો હોય, હકીકત તો એ છે કે તેમાં લોકશાહીના વિજયનો મુદ્દો મુખ્ય છે. આ દેશની પ્રજાએ જોયું કે અનેક નેતાઓ ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપેલા છે અને તેઓ દેશને નુકસાન કરી રહ્યા છે, ત્યારે જનતાએ એકીઅવાજે સત્તાપરિવર્તન કરાવી નાખ્યું. બ્રિટિશ શાસકો પણ માનતા કે તેમના સૂરજનો ક્યારેય અસ્ત થવાનો નથી, પરંતુ અસ્ત થયો. આ જ રીતે અનેક ભૂતપૂર્વ શાસકો પોતાને અજિંક્ય માનવા લાગ્યા હતા. તેમના ભ્રમને જનતાએ તોડી નાખ્યા અને લોકશાહીની શક્તિ બતાવી આપી.
પી. ચિદમ્બરમ બીજાઓના કેસ લડ્યા અને જીત્યા, પરંતુ જ્યારે તેમનું કર્મ પોકારતું આવ્યું ત્યારે બચી શક્યા નહીં. તેમણે લાપતા થયા બાદ ફરી પ્રગટ થઈને કહ્યું કે તેઓ ખરેખર તો ન્યાય મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આમ છતાં લોકોને તેમના પર વિશ્વાસ બેઠો નથી. કાયદાની દુહાઈ આપનારા નેતાઓને આ વખતે અદાલતોના વલણમાં અજુગતું લાગ્યું અને તેઓ તેની સામે આક્ષેપો કરવા લાગ્યા. ખરી રીતે તો ભાજપના નેતા સુબ્રહ્મણ્યન સ્વામીએ છેક એપ્રિલ 2012માં ઍરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમનો ભાંડો ફોડ્યો હતો. દેખીતી વાત છે, એ વખતે અમિત શાહ ગૃહપ્રધાન ન હતા અને ભાજપની સરકાર પણ ન હતી. આમ, રાજકીય કિન્નાખોરીને અંજામ આપવાનો મુદ્દો ઊભો થતો નથી. ઍરસેલ-મેક્સિસ કેસમાં જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) ડિસેમ્બર 2014માં ચિદમ્બરમના ઘરે અને કાર્તિ ચિદમ્બરમની કંપનીઓ પર દરોડા પાડ્યા ત્યારે આઇએનએક્સ મીડિયા સ્કેમ ખૂલ્લું પડ્યું. ઈડીના તપાસનીશ અધિકારી રાજેશ્વર સિંહે ચિદમ્બરમની ગેરકાનૂની સંપત્તિઓ પરથી પર્દાફાશ કર્યો હતો, જેની વિગતો બુધવારના બ્લોગમાં અપાયેલી અને અહીં ફરી રજૂ કરાયેલી લિંક પર ઉપલબ્ધ છેઃ https://www.pgurus.com/चिदंबरा-रहस्य-चिदंबरम-और/
દેશના ગૃહપ્રધાન અને નાણાપ્રધાન રહી ચૂકેલી આ વ્યક્તિને મે 2018 બાદ દરેક સુનાવણી વખતે ધરપકડ સામે રક્ષણ મળી જતું હતું. છેલ્લે જ્યારે ન્યાયમૂર્તિ સુનીલ ગૌડની નિવૃત્તિનો દિવસ નજીક આવ્યો ત્યારે તેમણે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી. ચિદમ્બરમ ન્યાયતંત્ર અને સરકારી અમલદાર તંત્ર પર વર્ચસ્ ધરાવતા હોવાનું સૌ જાણે છે, છતાં કર્મના સિદ્ધાંત પ્રમાણે દરેકે પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. આ જ વ્યક્તિએ કોઈ પણ વાંક-ગુના વગર જિજ્ઞેશ શાહને જેલમાં મોકલાવવામાં ભૂમિકા ભજવી હતી એવું ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં કહેવાયું છે. આજે એ જ વ્યક્તિ પોતાના બચાવમાં કહે છે કે પોતાને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પી. ચિદમ્બરમે એનએસઈને મદદરૂપ થવા માટે જિજ્ઞેશ શાહના એક્સચેન્જ સામ્રાજ્યને તોડી પાડ્યું હોવાનું પણ કહેવાયું છે. આજે જ્યારે આ ભૂતપૂર્વ નાણાપ્રધાન સામેના બીજા આરોપો બહાર આવ્યા છે ત્યારે લોકોને એ જૂની વાતો યાદ આવી રહી છે.
આઇએનએક્સ મીડિયા કેસમાં સહ આરોપી ઇન્દ્રાણી મુખર્જી તાજના સાક્ષી બન્યા ત્યારે ચિદમ્બરમ વિશે વિગતો બહાર આવી. ઇન્દ્રાણી મુખર્જી પોતાની દીકરીની હત્યાના કેસમાં જેલમાં જશે અને સરકાર તેમની પાસે ચિદમ્બરના વિરોધમાં નિવેદનો કરાવી શકશે એવું તો કોઈનેય ખબર ન હતી. આથી, ભાજપે રાજકીય કિન્નાખોરી રાખી હોય એવો સવાલ આવતો નથી. ચિદમ્બરમે જે અપરાધ કર્યો હોવાનો આરોપ છે એ જ આરોપસર તેમની સામે કાર્યવાહી થવા લાગી છે.
ટૂંકમાં, પોતાને કંઈ થવાનું નથી એમ માનીને ભ્રષ્ટાચારની માળાજાળ રચનારા નેતાઓએ હવે સમજી લેવાની જરૂર છે કે આખરે પાપ છાપરે ચડીને પોકારતું હોય છે અને લોકશાહીમાં પ્રજા જ રાજા છે. પોતાને રાજા સમજી લેવાની ભૂલ કરનારા રાજકીય નેતાઓ પછી જેલમાં ગયાના અનેક દાખલા છે.
લોકશાહીનો વિજય હજો!
———————