
દેશની અદાલતોમાં ન્યાયની દેવીની પ્રતિમા હોય છે. આપણે ત્યાં કહેવત છે કે ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં. આથી જ ન્યાયની દેવીના મંદિરમાં અંધેર નહીં હોવાથી પી. ચિદમ્બરમે આજે અપરાધના બોજ હેઠળ ભાગતાં ફરવાનો વારો આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે તેઓ લાપતા થયાને 24 કલાક વીતી ગયા છે અને કોઈ પણ ન્યાય મંદિરમાં તેમને ધરપકડથી બચાવવા માટેનો આદેશ આવ્યો નથી. આમ, કાં તો તેમણે કાયદાના શાસનની સામે શરણાગતિ સ્વીકારવી પડશે અથવા તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા સીબીઆઇ એ બન્ને એજન્સીઓમાંથી કોઈ પણ એજન્સી તેમને શોધીને તેમની ધરપકડ કરશે. આશ્ચર્યની વાત એ છે, અને મંગળવારે ચિદમ્બરમ લાપતા થયા ત્યારથી લોકો કહી રહ્યા છે કે નૈતિકતાની વાતો કરનારા નેતા આજે પોતે જ કાયદાથી ભાગતા ફરી રહ્યા છે. હવે 23મી ઑગસ્ટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સમક્ષ સુનાવણી થાય ત્યાં સુધીનો ઘટનાક્રમ ઘણો જ રોચક બની જવાનો છે. દિલ્હી વડી અદાલતે જેમને આઇએનએક્સ મીડિયા કેસમાં થયેલા મની લૉન્ડરિંગના સૂત્રધાર ગણાવ્યા છે એવા કૉંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન-ગૃહપ્રધાનની ધરપકડ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) કોઈ કચાશ નહીં રાખે એ સ્પષ્ટ છે.

જો કે, દેશનો અને તેને લીધે વિચારક્રાંતિ બ્લોગનો સવાલ છે ત્યાં સુધી કહી દેવું ઘટે કે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ આવી રીતે ભાગેડુ બની જાય એ અત્યંત કમનસીબ બાબત છે. પોતે કંઈ ખોટું કર્યું નથી એવું કહેવાનું અને દર્શાવવાનું જેનામાં નૈતિક બળ હોય એ માણસ આવી રીતે લાપતા થઈ જાય નહીં.
દિલ્હી વડી અદાલતના ન્યાયમૂર્તિ સુનીલ ગૌડે મંગળવારે આગોતરા જામીનની અરજી ફગાવી દેતાં કહ્યું હતું, ”કેસની પ્રથમદર્શી વિગતો પ્રમાણે અરજદાર સૂત્રધાર છે. તેમની પૂછપરછમાં કાનૂની અવરોધો નાખીને કાયદાપાલન એજન્સીઓને બિનઅસરકારક બનાવી શકાય નહીં. ગુનાની ગંભીરતા અને અરજદારે આપેલા ઉડાઉ જવાબને જોતાં આગોતરા જામીન આપી શકાય નહીં. અરજદાર સામેની કાનૂની કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે એવું કહેવું પાયાવિહોણી બાબત છે. અરજદાર સંસદના સભ્ય છે એ કારણ તેમને આગોતરા જામીન આપવા માટે વાજબી નથી. ગુનેગારોનું કોઈ પણ સ્ટેટસ હોય, તેમને ખુલ્લા પાડવા જ જોઈએ.”

ન્યાયમૂર્તિ ગૌડે દેશની જનતાના મનની વાત કરી છે એમ ચોક્કસ કહી શકાય. આ સાથે જ એમ પણ કહેવું ઘટે કે ટ્વીટર પરના સંદેશાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જનતાએ ભ્રષ્ટાચારના આરોપી પ્રત્યે ભરપૂર રોષ વ્યક્ત કર્યો છે.
દેશનું રક્ષણ કરવાની જવાબદારી જેમના શિરે હોય એવા કેન્દ્રીય ગૃહપ્રધાનના હોદ્દા પર રહી ચૂકેલો માણસ આવી રીતે દેશદ્રોહ કહી શકાય એવી પ્રવૃત્તિમાં આરોપી ગણાય એ દેશની લોકશાહી પરનું મોટું કલંક કહેવાય. આથી પ્રજાનો રોષ વાજબી છે. જો કે, જનતાએ ફક્ત ટ્વીટર પર બે-ચાર શબ્દો લખીને કે સંદેશાઓ રીટ્વીટ કરીને સંતોષ માનવાથી નહીં ચાલે. લોકશાહીને બચાવવી હોય તો દેશમાં એક નૈતિક બળ ઊભું થવું જોઈએ, જેથી આજ પછી કોઈ સત્તાધારીને સત્તાનો દુરુપયોગ કરવાની હિંમત ન થાય.

આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે પી. ચિદમ્બરમે દેશના નાણાકીય ક્ષેત્રે પ્રચંડ મોટું નુકસાન કર્યું છે. વિદેશી રોકાણ લાવવા માટેની મંજૂરી અપાવવા માટે તેમણે લાંચ લીધી અને એ લાંચ બનાવટી કંપનીઓ મારફતે લેવામાં આવી. એ બધી કંપનીઓ તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમે ઊભી કરેલી હતી. સીબીઆઇ અને ઈડી ઍરસેલ મેક્સિસ, આઇએનએક્સ મીડિયા, ડિયાજિઓ સ્કોટલૅન્ડ, કટારા હોલ્ડિંગ્સ, વગેરે જેવી અનેક કંપનીઓ સંબંધે તપાસ કરી ચૂકી છે અને હવે ચિદમ્બરમની પૂછપરછ કરીને વધુ માહિતી ભેગી કરવામાં આવશે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાર્તિએ અનેક બનાવટી કંપનીઓ દેશ-વિદેશમાં ઊભી કરી છે. તેમાંની એક કંપનીમાં 300 કરોડ રૂપિયા જેટલી રકમ જમા કરવામાં આવી હતી. તેમાંની એક કંપનીને બ્રિટિશ વર્જિન આઇલૅન્ડમાંની એક કંપની પાસેથી લાંચ મળી હતી. બ્રિટિશ વર્જિન આઇલૅન્ડની એ કંપનીનું નામ પનામા પૅપર્સમાં પણ બહાર આવ્યું હતું. આમ, લોકોનાં નાણાં ડૂબાડનારી દેશ-વિદેશની કંપનીઓનું આખું નેટવર્ક છે અને તેમાં આ પિતા-પુત્રે સાથ આપ્યો છે. બનાવટી કંપનીઓમાં જમા થયેલી રકમમાંથી તેમણે મલયેશિયા, સ્પેન, બ્રિટન, વગેરે સ્થળોએ બેનામી મિલકતો ખરીદી છે. આ કંપનીઓના ડિરેક્ટરોએ પોતપોતાનાં શેરહોલ્ડિંગ કાર્તિની દીકરીને આપવા માટેનું વસિયતનામું બનાવ્યું છે અને તેના એક્ઝિક્યુટર તરીકે કાર્તિનું જ નામ છે.

ઈડીએ જણાવ્યા મુજબ કાર્તિએ સ્પેનમાં ટેનિસ ક્લબ તથા બ્રિટનમાં કોટેજીસ ખરીદ્યાં છે. આ ખરીદી આઇએનએક્સ મીડિયા કેસનાં નાણાંથી ખરીદાયેલી છે. ઈડીએ તેના સહિત અનેક સંપત્તિઓ અને બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ ટાંચમાં લીધી છે.
ભાજપના નેતા સુબ્રહ્મણ્ય સ્વામી અનેક વખત કહી ચૂક્યા છે કે ચિદમ્બરમ પરિવાર અખૂટ સંપત્તિનો માલિક છે. વિવિધ સંદેશાઓ પર નજર કરીએ તો તેમની અનેક મિલકતો વિશે જાણીને ભ્રષ્ટાચારથી ઊબકા આવવા લાગે છે. તેઓ ચેન્નઈમાં 12 ઘર, 40 મૉલ, 16 સિનેમા થિયેટર અને 3 કાર્યાલય, તામિલનાડુમાં 3,000 એકર જમીન, દેશભરમાં 500 વાસન આય હૉસ્પિટલમાં રોકાણ, રાજસ્થાનમાં 2,000 એમ્બ્યુલન્સ, બ્રિટનમાં 8,800 એકર જમીન, આફ્રિકામાં 30 વાઇન યાર્ડ અને ઘોડાર, શ્રીલંકામાં 37 રિસોર્ટ્સ, થાઇલૅન્ડમાં 16 પ્લોટ, વગેરેનો સમાવેશ થાય છે. તેમની સંપત્તિ વિશે વધુ જાણકારી આ લિંક પરથી મળી શકે છેઃ https://www.pgurus.com/चिदंबरा-रहस्य-चिदंबरम-और/
કૌભાંડો દ્વારા દેશનું નુકસાન કરનારી દરેક વ્યક્તિ સુધી કાયદાનું શાસન પહોંચે અને જનતાને ચોખ્ખી લોકશાહી મળે એવી આશા જરાપણ અસ્થાને નથી એટલું આ તબક્કે ચોક્કસ કહી શકાય.
——————–