
ચિદમ્બરમ જેવી વ્યક્તિ દેશમાં વર્ષો સુધી નાણાપ્રધાન હતી એને શું કહીશું, દેશની કમનસીબી કે કરુણતા?
બિલાડી પર ઘરમાં ચોરીછૂપીથી ઘૂસીને દૂધ પી જવાનો આરોપ મૂકવામાં આવે ત્યારે જો એ એમ કહે કે આ આરોપ મનુષ્યે બિલાડીઓ પ્રત્યેની ઘૃણાને કારણે મૂક્યો છે, તો શું એ વાત સાચી છે? આ જ રીતે જો કોઈ રાજકીય નેતાની સામે આરોપ ઘડાયા હોય તો શું એ રાજકીય કિન્નાખોરી કહેવાય? હાલમાં બે રાજકીય નેતાઓને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બે અલગ અલગ કેસમાં સમન્સ મોકલ્યા છે અને એ બન્ને નેતાઓ કહે છે કે તેમની સામે રાજકીય કિન્નાખોરી છે. એક નેતા છે પી. ચિદમ્બરમ અને બીજા છે રાજ ઠાકરે. જો કે, ચિદમ્બરમની સામે ઠાકરે ‘બચ્ચું’ કહેવાય છે.
જો માણસ સાચો હોય તો તેણે શું કામ ગભરાવું જોઈએ. કાયદાની સામે રાજકીય કિન્નાખોરી પણ નહીં ચાલે. તમે સત્તાધારી રાજકીય પક્ષની નજીક હોવાનો ગેરલાભ લઈને ભ્રષ્ટાચાર કર્યો હોય અને એ બદલ તમારી સામે તપાસ થાય એમાં રાજકીય કિન્નાખોરી ક્યાં આવી? ખરેખર તો તેમાં હકીકત એ હોય છે કે તમે સત્તાધારી પક્ષ સાથેના તમારા ઘરોબાનો-તમારી વગનો તમે ખોટી રીતે ઉપયોગ કર્યો છે અને ગુનો આચર્યો છે. કોઈ સારો વકીલ હોય તો એને દેશ સામેના ગુના તરીકે પણ પુરવાર કરી શકે. પ્રચલિત ગુજરાતી ભાષામાં જેને ‘બાપાનું રાજ’ કહેવાય છે એવી વૃત્તિથી જ્યારે દેશનું ધન લૂંટી લેવાની ગેરપ્રવૃત્તિ થાય ત્યારે એ ગુનો દેશદ્રોહ જેટલો જ ગંભીર ગણાય.
નેતાઓ દ્વારા રાજકીય ઘરોબાનો દુરુપયોગ
કૉંગ્રેસના પી. ચિદમ્બરમની સામે રાજ ઠાકરે ઘણી નાની રાજકીય હસ્તી કહેવાય. એ બન્ને વચ્ચે સામ્ય એ છે કે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) તેડું મોકલ્યું છે અને તેમણે બન્નેએ સત્તાધારી પક્ષ સાથેના પોતાના ઘરોબાનો દુરુપયોગ કર્યો છે. રાજને 22મી ઑગસ્ટે અને ચિદમ્બરમને 23મીએ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. રાજ ઉપરાંત મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના દીકરા ઉન્મેષને પણ ઈડીએ બોલાવ્યા છે, કારણ કે તેઓ આઇએલએન્ડએફએસ ગ્રુપે જોશીની કંપની કોહીનૂર સીટીએનએલમાં કરેલા રોકાણ સંબંધિત ગેરરીતિમાં સંડોવાયેલા હોવાનું મનાય છે.
પી. ચિદમ્બરમ વિરુદ્ધ એક પછી એક અનેક આરોપ
પી. ચિદમ્બરમને યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ના કાળમાં થયેલા કથિત એવિયેશન સ્કેમ એટલે કે ઉડ્ડયન કૌભાંડ સંબંધે બોલાવાયા છે. આ કેસ મની લૉન્ડરિંગને લગતો છે. ઍર ઇન્ડિયા માટે 111 વિમાનોની ખરીદી સંબંધે થયેલા આ કૌભાંડને લીધે ઍર ઇન્ડિયાની ખોટમાં વધારો થયો હતો. એ ખરીદીના ઓર્ડરને મંજૂરી આપનારા પ્રધાનોના ગ્રુપના વડા ચિદમ્બરમ હતા. એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ માટે ઍર સ્લોટ નક્કી કરવામાં ગેરરીતિ થઈ અને તેને કારણે પણ ઍર ઇન્ડિયાને નુકસાન થયું. આ બન્ને મુદ્દાઓને ધ્યાનમાં રાખતાં કહી શકાય કે આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સને લાભ કરાવવા માટે તથા વિમાનો વેચતી કંપનીને નફો કરાવવા માટે ઍર ઇન્ડિયાની પરવા કર્યા વગર નિર્ણયો લેવાયા, જેને પગલે ભારતની આ ઍરલાઇન્સને પ્રચંડ નુકસાન થયું. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એફઆઇઆર નોંધાવી ચૂકી છે. તેણે કૉર્પોરેટ લોબીસ્ટ દીપક તલવારની ધરપકડ પણ કરી છે. તલવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા તથા તત્કાલીન નાગરી ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલ સાથેના સંબંધનો ઉપયોગ કરીને ત્રણ આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સને લાભ કરાવી આપ્યો હતો. ઈડીએ પ્રફુલ્લ પટેલની પૂછપરછ પણ કરી છે. પ્રફુલ્લ પટેલ રાજકીય વગના દુરુપયોગનું વધુ એક ઉદાહરણ છે.
નોંધનીય છે કે આ જ નેતા અને યુપીએ કાળના ભૂતપૂર્વ નાણાપ્રધાન સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઍરસેલ-મેક્સિસ કેસ અને આઇએનએક્સ મીડિયા કેસમાં પણ તપાસ કરી રહ્યું છે.
બોડી બામણીના ખેતર જેવો ઘાટ
દેશની અત્યારની જે આર્થિક કમજોરી છે તેની પાછળ યુપીએ સરકારના કાર્યકાળમાં લેવાયેલાં અનેક પગલાં જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. નોંધનીય છે કે 2014 પહેલાંનાં 10 વર્ષમાં યુપીએની સરકાર હતી અને તેમાંથી મોટાભાગનાં વર્ષોમાં નાણાપ્રધાન તરીકે પી. ચિદમ્બરમ હતા. જાણકારો કહી રહ્યા છે કે દેશની આઝાદીનાં કુલ 60 વર્ષોમાં બૅન્કોએ આપેલી કુલ લોન આશરે 18 લાખ કરોડ રૂપિયા હતી. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીનું નામ લઈને ભારતમાં આડેધડ લોનો અપાવા લાગી. દેશમાં સૌ કોઈ જાણે છે કે રાજકીય નેતાઓના કહેવાથી બૅન્કો લોનો આપતી આવી છે અને માફ કરતી આવી છે. 2008માં કુલ લોનનું પ્રમાણ જે 18 લાખ કરોડ રૂપિયા હતું એ 2014 સુધીમાં ત્રણ ગણું થઈને 54 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. દેશમાં છેલ્લાં પાંચ વર્ષોમાં હજી 5-10 લાખ કરોડ રૂપિયાની બૅન્કોની નોન પરફોર્મિંગ ઍસેટ્સ જતી કરવામાં આવી છે. બીજા 10 લાખ કરોડ પણ પાણીમાં જવાની તૈયારીમાં છે.
અત્યાર સુધીમાં બહાર આવેલી માહિતી મુજબ વિડિયોકોન કંપનીને મોઝેમ્બિક ઓઇલ ફીલ્ડ માટે 40,000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી, જે અત્યાર સુધીમાં નોન પરફોર્મિંગ ઍસેટ બની ગઈ છે. વિડિયોકોનને લોન આપવા માટે કયા રાજકીય નેતાએ દબાણ કર્યું હતું એ જોવાનું છે. આઇસીઆઇસીઆઇ બૅન્કના ચંદા કોચરના પતિ દીપક કોચરને લાભ થાય એ માટે લોન આપવામાં આવી હોવાનું કહેવાય છે, પણ એ તો ફક્ત એક કેસ થયો. બીજી અનેક બૅન્કોએ પણ મોટા પ્રમાણમાં એવી લોનો આપી હતી, જે સમય જતાં નોન પરફોર્મિંગ ઍસેટ્સ બની ગઈ. આ બધી લોનોને માફ કરવાનું શક્ય નહીં હોવાથી ઇન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઇબીસી) નામનું ગતકડું તૈયાર કરાયું. આ કોડ તૈયાર થઈ જવાને લીધે લોનોની સામે હેરકટ લઈને પતાવટ થવા લાગી. આઇબીસી પણ યુપીએના કાર્યકાળમાં જ ઘડાયો હતો. 18 લાખ કરોડના 54 લાખ કરોડ રૂપિયા થઈ ગયેલી લોનો એટલે બીજું કંઈ નહીં, પણ દેશની પ્રજા સાથે થયેલો વિશ્વાસઘાત. પોતપોતાના મળતિયાઓને લોનો અપાવવામાં આવી અને પછી આઇબીસી ઘડીને લોનોની સામે હેરકટ લઈને માંડવાળ કરવામાં આવી. આ ચાલાકી દ્વારા સમગ્ર નાણાકીય તંત્રને ઢીલુંઢફ કરી દેવાયું અને કૌભાંડીઓ નિર્દોષ નાગરિકોના પ્રજા લઈને મોજમજા કરવા લાગ્યા. જો ખરેખર એ બધા પૈસાનો સદુપયોગ થયો હોત તો અત્યારે દેશમાં બેરોજગારીની સમસ્યા સર્જાઈ ન હોત. એ પૈસો કંપનીઓની કામગીરી સુધારવા માટે વપરાયો હોત અને મોટાપાયે રોજગારસર્જન થયું હોત. એ પૈસો યોગ્ય રીતે વપરાયો હોત તો તેમાંથી બૅન્કોને વ્યાજ સાથે સંપૂર્ણ લોન પાછી મળી ગઈ હોત અને દેશમાં નાણાંની પ્રવાહિતાની વિકરાળ સમસ્યા સર્જાઈ ન હોત. અત્યારે તો એવું છે કે જેમણે બેરોજગારી સર્જવામાં મોટી ભૂમિકા ભજવી એ જ લોકો એ સમસ્યાના નામે બૂમરાણ મચાવે છે.
આ માણસને આટલી બધી રાહત કઈ રીતે મળી જાય છે?
ચિદમ્બરમ જેવી વ્યક્તિ દેશમાં વર્ષો સુધી નાણાપ્રધાન હતી એને શું કહીશું, દેશની કમનસીબી કે કરુણતા?
વગદાર રાજકીય નેતાઓ, નેતાઓના પરિવારો અને તેમના મળતિયાઓ સતત એક યા બીજા માર્ગે દેશને ખોતરતા રહ્યા છે. ચિદમ્બરમ સામે એક પછી એક આક્ષેપો અને આરોપો થતા ગયા છે. દેશમાં ચોરે ને ચૌટે લોકો કહી રહ્યા છે કે તેમણે પોતાના અને સ્થાપિત હિતોના સ્વાર્થ માટે પ્રજાના અબજો રૂપિયાની પરોક્ષ લૂંટ ચલાવી. આમ છતાં આજે પણ આ વ્યક્તિ બિન્ધાસ્તપણે દેશમાં સરકારી અમલદારો સાથેની સાંઠગાંઠને લીધે પોતાનું રાજ ચલાવતી હોવાનું મનાય છે. તેમની સામે કોઈ અદાલત ઍક્શન લેતી નથી. તેમની સામે ઘણા કેસો ચાલે છે અને માત્ર તારીખો પડ્યા કરે છે.
જેમને દેશની જરાપણ પડી નથી એવી આ પ્રકારની વ્યક્તિઓ વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી કરતાં પણ બદતર ગણાય એવું કહેવામાં શું કોઈ અતિશયોક્તિ લાગે છે?
નવાઈની વાત તો એ છે કે મોદી સરકારનાં પાંચ વર્ષથી વધુ સમયના શાસનમાં પણ આ માણસને કોઈ હાથ લગાવી શક્યું નથી. તેમની ગેરરીતિઓના કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે, છતાં ભાઈના પેટનું પાણી હાલતું નથી. સરકારમાં ન હોવા છતાં તેમની કેટલી વગ છે એ બાબત આના પરથી પુરવાર થાય છે. કોઈ કેબિનેટ પ્રધાન, એ પણ નાણાપ્રધાન, પર આટલા બધા આરોપો ઘડાવાની ઘટના પણ સંભવતઃ આપણા દેશમાં પહેલી હશે.
રાષ્ટ્રના અર્થતંત્રને સૌથી મોટી બ્રેક મારનાર કહી શકાય, કે દેશની તિજોરીની લૂંટ કરી હોવાનો ગંભીર આક્ષેપ થાય એવી આ વ્યક્તિ સામે પ્રજામાં ચણભણાટ છે, અંદરખાનેથી ઘણી કાનાફૂસી થઈ રહી છે, પરંતુ કોઈ આક્રોશ પ્રગટ થતો નથી તેનો શું અર્થ કરવો?
એકાદ નાની કંપનીને પણ નવડાવી નાખનારને સજા થાય, પણ દેશના અર્થંતંત્રને પાછળ ધકેલી દેનાર અને બજારોની દશા બેસાડી દેનારને કંઈ ના થાય? શું પી. ચિદમ્બરમ આપણા દેશમાં કાયદાથી પર છે? આટલા બધાં આક્ષેપો-કેસો-તપાસ છતાં આ માણસનો વાળેય વાંકો થતો નથી!
તા.ક. દિલ્હીની વડી અદાલતે આઇએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરતાં તેમણે હવે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી છે. 15મી ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણના બે મુદ્દાઓ બાબતે ચિદમ્બરમે વખાણ કર્યાં ત્યારથી દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે આ લુંગીધારી નેતાના દિવસો હવે ભરાઈ ગયા છે. દિલ્હી વડી અદાલતનો 20મી ઑગસ્ટનો નિર્ણય એ વાતનો અંગુલિનિર્દેશ કરે છે. હવે સર્વોપરી અદાલત ગંભીર આરોપોના આ કેસમાં ચિદમ્બરમને ધરપકડ સામે રક્ષણ આપે છે કે કેમ એ જોવું રહ્યું. તેમના વતી તેમના જ પક્ષના ધારાશાસ્ત્રી અને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે અરજી કરી છે.
—————————–