દેશ બદલ રહા હૈ, મગર હમ…?

  • જયેશ ચિતલિયા

તાજેતરમાં જમ્મુકાશ્મીરની આઝાદી માટે આપણી સરકારે જે ઐતિહાસિક કદમ ભર્યું તેની સરાહના ખૂબ થઈ; દેશવિદેશમાં વસતા ભારતીયોએ  તેને એક નવી અને મહત્ત્વની આઝાદી પણ ગણાવી. કલમ 370 અને 35 એનાં બંધનોમાંથી જમ્મુકાશ્મીરલદાખની આઝાદીનો દિવસ પાંચ ઑગસ્ટ 2019નો હતો, જ્યારે દેશનો સ્વાતંત્ર્ય દિન 15 ઑગસ્ટે ઉજવાયો. હાલ દેશમાં જે માહોલ છે તેને ધ્યાનમાં રાખતાં ક્યાંક અને ક્યારેક ચોક્કસ એવું લાગે કે દેશ બદલ રહા હૈ, પરંતુ  શું આપણે બદલાઈ રહ્યા છીએ? ચાલો વિચારીએ અને ખરેખર બદલાઈએ...

આપણા દેશની વસ્તીમાં હાલ પચાસ ટકાથી વધુ લોકો એવા છે, જેમની ઉંમર 25 થી 35 વચ્ચેની છે તેમણે તો શું, જેઓ હાલ 60 કે 70ના વરિષ્ઠ નાગરિક  થઈ ગયા છે, તેમણે પણ આઝાદીની લડતને જોઈ નથી કે તેમાં ભાગ પણ લીધો નથી. આમ હાલની મોટાભાગની પ્રજાએ દેશની આઝાદી માટેના સંઘર્ષને જોયા નથી. તેમ છતાં પરંપરા મુજબ આપણે આજે વધુ એક આઝાદી દિન ઉજવીએ, ધ્વજવંદન કરીએ, દેશના નામે વંદે માતરમ, જન ગણ મન અધિનાયક… ગાઈએ. લાઉડસ્પીકર પર દેશભક્તિનાં ગીતો સાંભળીએ, હાઉસિંગ સોસાયટીઝમાં, શાળાઓમાં, મંત્રાલયોમાં, સરકારી સંસ્થાઓની કચેરીઓમાં તિરંગો લહેરાય, વિવિધ મનોરંજન-સ્પર્ધાના  કાર્યક્રમો યોજાય. જો કે, આમ કરવું પણ જોઈએ, પરંતુ પછી આખું વરસ શું કરીએ? શું આને જ વરસો સુધી દેશપ્રેમ ગણીને ચલાવતાં રહીશું?

યુવા પેઢી બદલી શકે દેશને

છેલ્લાં કેટલાંક વરસોથી આપણને સાંભળવા મળી રહ્યું છે કે દેશ બદલ રહા હૈ, ક્યાંક-કેટલુંક સાચું પણ લાગે છે, ખરેખર આપણે બદલાવાની જરૂર છે. આપણી યુવા પેઢી આ બદલાવમાં બહુ મોટી આશા છે, કારણ કે આમાંથી મોટાભાગના લોકોને ધાર્મિક કટ્ટરતામાં રસ નથી, તેમને જાત-નાત, ગરીબી-અમીરી, ઉંચ-નીચમાં રસ નથી, તેમને મંદિર કે મસ્જિદના નામે રમાતા રાજકારણમાં રસ નથી. તેમને જીવનમાં રસ છે, તેમને દોસ્તીમાં-પ્રેમમાં રસ છે. જો કે, તેમને ગેરમાર્ગે દોરનારો વર્ગ પણ બહુ  મોટો છે, જે ચાલાકીપૂર્વક તેમની સંવેદનાને ઢંઢોળે છે અને ઘણીવાર સફળ થઈ જાય છે. હવે આ યુવા વર્ગે બદલાવમાં એ કરવાનું છે કે સ્થાપિત હિતોના હાથે ગેરમાર્ગે દોરાવાનું નથી. યુવા વર્ગે  વધુ સાવચેત એ માટે રહેવાનું છે કે તેમને ગેરમાર્ગે દોરનારા પણ શિક્ષિત લોકો -બુદ્ધિજીવીઓ (ઈન્ટેલેક્ચ્યુઅલ્સ) છે. ઘણીવાર તો એવું લાગે કે આપણને દેશની બહાર કરતાં દેશની અંદરના દુશ્મનોથી વધુ સાવચેત રહેવાની આવશ્યકતા છે.

રાષ્ટ્રપ્રેમ-દેશ સેવાની નવી  વ્યાખ્યા

આઝાદીના સમયનાં  સંઘર્ષ,  સંજોગ, દેશપ્રેમ, દેશ સેવા કે દેશાભિમાનની વ્યાખ્યા હવે જુદી ગણાય, હવે કંઈ દેશને કોઈ અન્ય દેશોની  ગુલામીમાંથી  મુક્ત  કરવાની જરૂર રહી નથી, સંજોગો બદલાતા  દેશપ્રેમ, દેશ સેવાની વ્યાખ્યા પણ બદલાય અર્થાત્ આપણે દેશ માટે  નવું વિચારવાની-નવું કરવાની જરૂર છે.

ગુલામી પણ દૂર થવી જોઈએ

હવે આપણી ખુદની માનસિકતાની ગુલામીમાંથી મુક્ત થવાનો સમય છે.  હવે આપણા જ લોકો દેશને ખાઈ રહ્યા છે. તેની સામે થવાનો સમય છે.  આજે પણ કાળાં નાણાં, કરપ્શન, જાત-પાતની સમસ્યા, નિરક્ષરતા, ગરીબી, બેકારી, વગેરે જેવી સમસ્યાઓ આપણી ગુલામી બનીને બેઠી છે. આ ગુલામીમાંથી દેશને મુક્ત કરીને સમર્થ બનાવવાનો છે. આવો માહોલ દેશમાં તૈયાર થઈ રહ્યો હોવાનું ક્યાંક-ક્યાંક લાગવાનું શરૂ થયું છે. છેલ્લાં અમુક વરસોમાં દેશમાં જે બન્યું છે તેમાં ઘણું ખોટું અને અયોગ્ય થયું છે, પણ સાથે-સાથે ઘણું સારું અને યોગ્ય પણ થયું છે. હવે જે સારું અને સાચું છે તેને આગળ વધારવાનું છે. દેશની સરકાર સામે વિરોધ પક્ષ ભલે નબળાં હોય યા ન પણ હોય, પરંતુ જો સરકાર કોઈપણ સ્તરે ખોટું કરતી હોય તો પ્રજા સરકાર સામે અવાજ ઉઠાવવા શક્તિમાન બને એવા બદલાવની જરૂર છે.

હવે લડવાની જવાબદારી આપણી

જે ફાઈનાન્શિયલ પ્લાનિંગની બાબતમાં એક પાયાનું  કાયમી વિધાન છે, ‘ઈટ ઇઝ ઈઝી ટુ મેક મની, બટ ઈટ ઈઝ ડિફિકલ્ટ ટુ મૅનેજ મની.’ આઝાદી મળી ગયા બાદ તેને સાચવવાની જવાબદારી બધાની રહે છે. તેનો સદુપયોગ થાય એ જોવાની જવાબદારી પણ સૌની રહે છે અને જરૂર પડે તો અન્યાય સામે લડવાની જવાબદારી  પણ સૌની રહે છે. સવાલ માત્ર આઝાદી પૂરતો રહેતો નથી, દેશ સમૃદ્ધ પણ થવો જોઈએ, વિકાસમાં પણ આગળ વધવો જોઈએ. જો આપણે દેશની મહાકાય સમસ્યાઓમાં ગરીબી, મોંઘવારી, બેકારી, નિરક્ષરતા, અસમાનતા, કરપ્શન, ધર્મના નામે થતા વિવાદો, કામચોરી, કરચોરી, કાળાંબજાર, અંધશ્રદ્ધાનો પ્રસાર, સામાજિક દૂષણો, શોષણો, વગેરેને ગણતા હોઇએ તો એની સામે લડવાની જવાબદારી માત્ર સરકારની નથી, આપણી પણ છે, આપણે આ દિશામાં સક્રિય થઈએ તો એ બદલાવ કહેવાય.

આપણે શું કરી શકીએ?

સૌપ્રથમ આપણે જાતને એ સવાલ કરવો જોઈએ કે શું હું આમાંની કોઈપણ સમસ્યા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર છું? એકેક સમસ્યાનું નામ નજર સામે મૂકી દિલથી અને ઊંડાણથી આ સવાલ થવો જોઈએ. શું હું કોઈ એવું કાર્ય કરું છું, જેને લીધે દેશમાં ઉપરમાંની કોઈ પણ સમસ્યા વધે છે, તેને વેગ મળે છે? આ માટે આપણી જાતની ઉલટતપાસ સુદ્ધાં કરવી જોઇએ. બહુ અઘરું છે આ કામ,પણ કરવા જેવું ખરું.

પ્રજામાં નવી આઝાદીની આગ જરૂરી

જો આ તમામ સવાલ જાતને કર્યા પછી જવાબમાં જ્યાં આપણે જવાબદાર નીકળીએ ત્યાં આપણે જ તેમાંથી મુક્ત થવાની અને આપણા તરફથી દેશ-સમાજને મુક્ત કરવાની ભૂમિકા ભજવવાની રહેશે અને જો જવાબ એવો આવે કે આપણે આ સમસ્યા માટે ક્યાંય જવાબદાર બનતા નથી, તો આપણે એક ઊંડો સંતોષ જરૂર લઈ શકીએ. જો કે, એ પછી આપણે જાતને બીજો સવાલ કરવાનો થાય કે આ સમસ્યાઓના સર્જનમાં હું કોઈ ભૂમિકા ભજવતો ભલે નથી, પણ આ સમસ્યાઓના ઉપાય માટે કે તેને ડામવા માટે શું હું કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપી રહ્યો છું ખરો? મારા જીવનમાં ક્યાંક પણ એવી કોઈ પ્રવૃત્તિ છે, જે આ સમસ્યાના ઉપાય માટે કામ કરતી હોય? હું ભલે એક સામાન્ય માનવી તરીકે આ બધાની સામે કોઈ ઉગ્ર લડત ચલાવી શકું નહીં, પણ કમસે કમ હું મારા જીવનને એવું તો જરૂર બનાવી શકું કે મારી આસપાસ એકાદ જણની પણ ગરીબી ઓછી કરી શકું, મારી આસપાસ એકાદ-બે વ્યક્તિઓને શિક્ષિત કરી શકું, કેટલાક લોકોને અંધશ્રદ્ધાનો ભોગ બનતા રોકી શકું, જાતિવાદ કે ધર્મવાદમાં  તણાતાં અટકાવી શકું, એકાદ-બે જણને નોકરી માટે સહાય કરી શકું, કોઈનું શોષણ અટકાવી શકું,  સમાજના કમ સે કમ એક-બે દૂષણ ડામી શકું. મોટી-મોટી વાતો કરવાને બદલે નાનાં-નાનાં નક્કર વ્યવહારુ કામ કરી શકું. જેમ શ્રી રામને વિશાળ સેતુ બાંધવા માટે સહયોગ આપવામાં ખિસકોલી જેવો નાનો જીવ પણ પોતાનો ફાળો આપી શકે છે, તેમ આપણે એક આમ આદમી તરીકે નાનું-નાનું પણ ઘણું પ્રદાન કરી શકીએ છીએ. કચરો નહીં ફેંકીને જેમ માર્ગને સ્વચ્છ રાખી શકાય તેમ પડેલો કચરો દૂર કરીને પણ શહેર સ્વચ્છ બનાવી શકાય. 15મી ઑગસ્ટ ઉજવવા સાથે  આવું કંઈક ઉજવવું વધુ સાર્થક બની શકે, કેમ કે એ દેશ સેવા-સમાજ સેવા અને માનવ સેવા પણ ગણાય. યાદ રાખો, દેશ માત્ર નેતાઓથી કે સરકારથી ચાલતો નથી, બલકે વાસ્તવમાં દેશ ચાલે છે તેની પ્રજાના ખમીરથી, મહેનતથી, ધગશથી, સપનાંથી, સંઘર્ષોથી અને આ પ્રજામાં દેશનો સામાન્ય નાગરિકોનો બહુ મોટો ફાળો હોય છે, જે તેના અધિકાર વાપરીને શાસનને ઉથલાવી પણ શકે છે અને સ્થાપી પણ શકે છે. આ બદલાવ આપણી પ્રજામાં આવે તો આપણે ગર્વથી કહી શકીએ કે દેશ બદલ રહા હૈ…

————————-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s