લોકપાલના ખરડાને વારંવાર રદબાતલ કરાવવા માટે રાજકીય પક્ષોએ બંધારણીય જોગવાઈનો દુરુપયોગ કર્યો

  • શૈલેષ પી. શેઠ
તસવીર સૌજન્યઃ http://www.dailyexcelsior.com

લોકપાલના ખરડા અંગેનો પ્રથમ મુદ્દો કોઈ પણ ખરડાના રદબાતલ થવા અંગેની બંધારણીય જોગવાઈને સ્પર્શે છે. કાયદાના ઘડતર માટેની પ્રક્રિયા અંગેની વિસ્તૃત જોગવાઈઓ ભારતીય બંધારણની કલમ 107થી 117માં સમાવિષ્ટ છે. સંસદનાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) જ્યાં સુધી કોઈ પણ ખરડાને પસાર ન કરે અને એને રાષ્ટ્રપતિની મંજૂરી ન મળે ત્યાં સુધી એ ખરડો સંસદ સમક્ષ પેન્ડિંગ છે એમ કહેવાય છે. કોઈ કારણોવશાત્ જો લોકસભા બરખાસ્ત થઈ જાય તો સંસદનાં બંને ગૃહોની મંજૂરીની રાહ જોતો કોઈ પણ ખરડો આપમેળે રદબાતલ થઈ જાય એવી જોગવાઈ બંધારણની કલમ 107માં રહેલી છે. રાજકીય પક્ષોએ આ બંધારણીય જોગવાઈનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે. કેવળ ‘લોકપાલ બિલ’ની વાત કરીએ તો લોકસભામાં 1968 પછી અલગ અલગ રૂપે રજૂ થયેલા આ ખરડાને રાજકીય પક્ષો આ બંધારણીય જોગવાઈનો લાભ લઈને છ વખત રદબાતલ કરાવવામાં સફળ રહ્યા છે.

જોકે ‘લોકપાલ ખરડો’ જ નહીં. સ્વતંત્રતા પછીના 55 વર્ષમાં અન્ય અનેક ખરડાનું આ પ્રમાણે ‘અકાળ મૃત્યુ’ થયું છે. તાજેતરમાં જાહેર થયેલા પાર્લામેન્ટરી સ્ટેટિસ્ટિક્સ હેન્ડબુકના આંકડા મુજબ 9મી લોકસભા સુધીના 39 વર્ષના સમયગાળા (1952થી 1991) દરમ્યાન લોકસભા બરખાસ્ત થવાને કારણે કુલ 202 ખરડા રદબાતલ થયા છે. 10મી લોકસભાથી 14મી લોકસભા (1991થી 2009) દરમ્યાન આ પ્રમાણે રદબાતલ થયેલા ખરડાની માહિતી ઉપલબ્ધ નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 1920ના દાયકાની શરૂઆતમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ અસેમ્બલીના સમયગાળા દરમ્યાન આ પ્રકારના કારણથી ખરડાના રદબાતલ થઈ જવાની કોઈ જોગવાઈ અમલમાં નહોતી. આ મતલબની જોગવાઈ સૌ પ્રથમ 1924માં ઘડવામાં આવી. ત્યારબાદ, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ, 1935ના સેક્શન 30માં આ સંબંધી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હતી, જે દેશ સ્વતંત્ર થયો એ પછી ઘડવામાં આવેલા બંધારણમાં કલમ 107 હેઠળ લગભગ યથાવત્ રાખવામાં આવી.

એ એક કડવું સત્ય છે કે આ જોગવાઈને કારણે દેશનું પારાવાર અહિત થયું છે. આ બાબતથી સામાન્ય પ્રજા તો લગભગ અજાણ જ છે. સંસદમાં અને સંસદની બહાર સઘન ચર્ચા-વિચારણા પછી જે ખરડો ઘડવામાં આવ્યો હોય એને લોકસભાની બરખાસ્તીને કારણે રદબાતલ થઈ જવા દેવો એ કેવળ અતાર્કિક જ નહીં, અનુચિત પણ છે.

બંધારણની આ જોગવાઈ ગંભીર વિચારણા માગી લે છે અને સંસદની અસરકારતાનો માર્ગ મોકળો થાય એ માટે આ જોગવાઈને રદ કરવાની આવશ્યકતા છે.

ડૉ. વી. કે. અગ્નિહોત્રીએ ઑકટોબર 2009માં જીનિવામાં ઍસોસિયેશન ઑફ સેક્રેટરીઝ જનરલ ઑફ પાર્લામેન્ટ્સની પરિષદમાં લોકસભાના વિસર્જનની ધારાસભા પર અને અન્ય બિઝનેસ પર થનારી અસરના વિષય પર એક મનનીય પેપર રજૂ કર્યું હતું. તેઓ લખે છે, ‘સામાન્યપણે, (સંસદનાં) બંને ગૃહો વચ્ચે અસરકારક રીતે સહકાર સાધીને કોઈ પણ સરકાર પોતાની ધારાકીય જવાબદારીઓનો અગ્રતાક્રમ નક્કી કરી શકે છે અને લોકસભા બરખાસ્ત થાય તો પણ વધુમાં વધુ ધારાકીય કાર્ય સંપન્ન કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો સરકાર કોઈ ખરડાના પસાર થવા અંગે ગંભીર અને મક્કમ હોય તો લોકસભાની બરખાસ્તને કારણે ખરડાના રદબાતલ થવા અંગેની બંધારણીય જોગવાઈ (સરકારની) ઈચ્છાને આડે આવે એવી શક્યતા નહીવત્ છે. લોકસભાની બરખાસ્તીને કારણે રાજકીય અસ્થિરતા અને ધારાકીય અરાજકતા સર્જાય છે તથા એને કારણે સુશાસન માટે અનિવાર્ય એવી જાહેર હિતની નીતિના ઘડતરની પ્રક્રિયા ખોરંભે ચઢે છે. (તેથી જ) ભારતીય બંધારણના દૂરંદેશી ઘડવૈયાઓએ ધારાકીય સાતત્વ જળવાઈ રહે એ હેતુથી લોકસભા બરખાસ્ત થઈ જાય તો પણ રાજ્યસભામાં રજુ થયેલા ખરડાને રાજ્યસભા ઉગારી લે એવી વૈકલ્પિક જોગવાઈ કરી છેઃ આ વૈકલ્પિક યંત્રણાને જાહેર હિતમાં વધુ ને વધુ સક્ષમ અને અસરકારક બનાવવાની તાતી આવશ્યકતા છે. બંધારણીય અને સંસદીય કાર્યપ્રણાલી તથા ખરડાના પસાર થવા અંગેની પ્રક્રિયા સંબંધી કોઈ પણ સરકારે કેવળ રાજકીય કુનેહ જ નહીં, બંધારણીય નૈતિકતા, દૂરંદેશીપૂર્ણ વિચારશક્તિ અને પ્રજાના હિત માટેનું ઉત્તરદાયિત્વ દર્શાવવા જ રહ્યા.’’

———————————————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s