
પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણનની ત્રિપુટીને મુંબઈ વડી અદાલતે એનએસઈએલ કેસ સંબંધેના એક ખટલામાં મોકલ્યા સમન્સ
પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન. આ ત્રણ નામથી વિચારક્રાંતિના વાચકો અજાણ નથી. પી. ચિદમ્બરમથી તો આ દેશનો કોઈ નાગરિક પણ અજાણ નથી, પરંતુ ઘણા વાચકો એ વાતથી અજાણ છે કે ઉક્ત ત્રણે વ્યક્તિઓની સામે ગંભીર આરોપ લાગેલા છે. તેમણે એક કંપની સમૂહની વિરુદ્ધ કિન્નાખોરી રાખીને-બદઈરાદાપૂર્ણ કાર્યવાહી કરીને ફક્ત એ સમૂહને નહીં, દેશને નુકસાન કર્યું હોવાનો એક મોટો આરોપ તેમની વિરુદ્ધ છે. તેમણે 50,000થી 60,000 કરોડ રૂપિયા મૂલ્યનું એક મેક ઇન ઇન્ડિયા સાહસ બની શક્યું હોત એ કૉર્પોરેટ ગ્રુપની સામે ષડ્યંત્ર રચીને એ ગ્રુપના શેરધારકોથી લઈને દેશના યુવાધનને ભયંકર નુકસાન કર્યું એવો પણ આરોપ તેમની સામે છે. જો કે, હવે કાયદો તેમના સુધી પહોંચી રહ્યો છે. તેમણે પોતાનાં કૃત્યો વિશે ન્યાયાલય સમક્ષ જવાબ આપવો પડશે.
મુંબઈ વડી અદાલતે આ ત્રણે વ્યક્તિઓને હાજર થવા માટે સમન્સ મોકલ્યા છે. પોતાની સામે બદઈરાદાપૂર્વકનાં પગલાંને કારણે પોતાના શેરધારકોને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો 63 મૂન્સ ટેક્નૉલૉજીસે કર્યો છે. આ દાવાની સાથે તેણે ઉક્ત ત્રણે વગદાર માણસોની પાસેથી આ નુકસાની મેળવવા માટે ખટલો માંડ્યો છે. વડી અદાલતે એ જ કેસ સંબંધે સમન્સ મોકલીને 15 ઑક્ટોબર, 2019ના રોજ તેમને અદાલતમાં બોલાવ્યા છે.
આ કેસમાં પરિણામ શું આવશે એ તો સમય જ કહી બતાવશે, પરંતુ એક વાત સ્પષ્ટ થાય છે કે કાયદાએ પોતાની સર્વોપરિતા દાખવી આપી છે. કાયદાની પકડમાંથી કોઈ પણ આરોપી બચી શકે નહીં એ વાતની પ્રતીતિ આ વગદાર ત્રિપુટીને મળેલા સમન્સ દર્શાવે છે. અદાલતે આરોપીઓને વ્યક્તિગત રીતે અથવા પોતાના વકીલ મારફતે અથવા વકાલતનામા અને લેખિત નિવેદન દ્વારા હાજર થવાનું ફરમાન કર્યું છે. જો તેઓ એમ નહીં કરે તો અદાલત તેમની સામે જે આદેશ બહાર પાડશે તેના માટે તેઓ જવાબદાર રહેશે.
કંપનીએ અરજીમાં કહ્યું છે કે તેની પેટા કંપની નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)માં સર્જાયેલી પૅમેન્ટ કટોકટીની પાછળ ષડ્યંત્ર રહેલું છે. આ કટોકટીનાં નાણાંમાંથી એક પાઈ પણ મુખ્ય કંપની, પેટા કંપની કે તેના સ્થાપકોએ લીધી નહીં હોવા છતાં સમગ્ર ગ્રુપની સામે કિન્નાખોરી રાખીને પગલાં ભરવામાં આવ્યાં.
નોંધનીય છે કે એનએસઈએલની પૅમેન્ટ કટોકટી જુલાઈ 2013માં સર્જાઈ હતી.
63 મૂન્સે ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કૃષ્ણનની વિરુદ્ધ સીબીઆઇમાં ફોજદારી ફરિયાદ પણ નોંધાવી છે.
કંપનીના ચૅરમૅન વેંકટ ચારીએ ગત ફેબ્રુઆરીમાં દિલ્હીમાં પત્રકાર પરિષદ ભરીને કહ્યું હતું કે કંપની 10,000 કરોડની નુકસાનીનો દાવો માંડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઉક્ત ત્રિપુટીએ એનએસઈએલની પૅમેન્ટ કટોકટીને વકરાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેને લીધે કંપનીના શેરધારકોને ભરપૂર નુકસાન થવા ઉપરાંત રોજગારીનો પણ નાશ થયો અને અર્થતંત્રને આવક થતી અટકી ગઈ. જો એનએસઈએલની સામે ષડ્યંત્ર રચાયું ન હોત તો એફટીઆઇએલ ગ્રુપનું મૂલ્ય અત્યારે 50,000થી 60,000 કરોડ રૂપિયાનું હોત.
આ જ પત્રકાર પરિષદમાં ગ્રુપના સ્થાપક જિજ્ઞેશ શાહે કહ્યું હતું કે આ ત્રણેએ ભેગા આવવું હોય તો ભેગા અને એકલા આવવું હોય તો એકલા, હું તેમની સાથે એનએસઈએલ કટોકટી સંબંધે જાહેર ચર્ચા કરવા તૈયાર છું. પૅમેન્ટ કટોકટી વાસ્તવમાં એક ષડ્યંત્ર હતી. અમુક છુટાછવાયા મુદ્દાઓને ભેગા કરીને કટોકટીને કૌભાંડ તરીકે ચીતરવામાં આવી.
એનએસઈએલ પૅમેન્ટ કટોકટીમાં તર્કના આધારે કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી. સરકારે નીમેલી સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (એસએફઆઇઓ)ના અહેવાલમાં આ કેસમાં બ્રોકરો, ડિફોલ્ટરો અને ટ્રેડરોની ભૂમિકા વિશે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હોવા છતાં તેમની વિરુદ્ધ નક્કર કાર્યવાહી થઈ હોવાનું જણાતું નથી. રમેશ અભિષેક એ કટોકટી વખતે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ચૅરમૅન હતા. તેમને બ્રોકરો અને ટ્રેડરોની ભૂમિકા વિશે ખબર હોવા છતાં તેમણે પક્ષપાતી ધોરણ અપનાવીને માત્ર એનએસઈએલ તથા પૅરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીસ વિરુદ્ધ કાર્યવાહી કરી.
ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કૃષ્ણન એ ત્રણે જણાએ એફટીઆઇએલને કારણે ઊભી થયેલી સ્પર્ધાથી એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ને બચાવી લેવા માટે તથા તેનાં હિતસંબંધોને સાચવી લેવા માટે કિન્નાખોરી રાખી હોવાનો આક્ષેપ હોવાથી હવે સીબીઆઇ આ બાબતે શું તપાસ કરે છે અને શું અહેવાલ આપે છે તેના પર પણ અત્યારે નાણાકીય ક્ષેત્રના લોકોની નજર છે.
આ કેસમાં ઘણી મોટી સંખ્યામાં લોકો રસ લે એ સ્વાભાવિક છે, કારણ કે નાણાકીય ક્ષેત્રની અત્યાર સુધીની અનેક કટોકટીઓથી એ અલગ તરી આવે છે. તેમાં પાડાના વાંકે પખાલીને ડામ આપવાની નીતિ અપનાવવામાં આવી હોવાનું કહેવાતું આવ્યું છે. એક ખાનગી કંપનીનાં હિતોને સાચવવા માટે સરકારી તંત્રની ત્રણ વગદાર વ્યક્તિઓએ સામ-દામ-દંડ-ભેદ અપનાવીને દેશની વેપાર સાહસિકતાની કેડ ભાંગી નાખવાનો ભદ્દો પ્રયાસ કર્યો હોય એવો આ કેસ છે.
આ જ ચિદમ્બરમ છે, જેમની સામે આઇએનએક્સ મીડિયા કેસમાં પણ આરોપો ઘડાયા છે અને તેનો ખટલો દિલ્હીની અદાલતમાં ચાલી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે તેમને ધરપકડ સામે સતત 26 વખત રક્ષણ મળ્યું છે. તેમના દીકરા કાર્તિ સામે પણ એ જ કેસમાં આરોપો મુકાય છે અને તેમને પણ ધરપકડ સામે 26 વખત રક્ષણ મળ્યું છે.
63 મૂન્સ અને આઇએનએક્સ મીડિયા બન્ને કેસ પરથી જોઈ શકાય છે કે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યાનો ચિદમ્બરમ વિરુદ્ધ આક્ષેપ છે. જનતાની સેવા કરવાનું નામ લઈને રાજકારણમાં આવેલા અને સનદી અધિકારી બનેલા લોકો અંગત સ્વાર્થ માટે સમગ્ર સરકારી તંત્રનો ઉપયોગ કરવા લાગે એ અત્યંત ગંભીર બાબત છે. ન્યાય આપવામાં વિલંબ થાય એ ન્યાય નકારવા જેવી બાબત કાનૂની પુસ્તકમાં લખેલી છે. એટલું જ નહીં, ન્યાયમાં વિલંબ થવાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે અને પ્રામાણિક માણસો નિરાશાની ગર્તમાં ધકેલાય છે. આ એક કૉર્પોરેટ ગ્રુપ કે એક મીડિયા કેસનો નહીં, પણ દેશને થઈ રહેલા પ્રચંડ નુકસાનનો મુદ્દો છે. આથી, કાયદાનો અમલ કડક બને અને વહેલામાં વહેલી તકે ન્યાય તોળાય એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય.
——————–