આપણી આજની પરિસ્થિતિ માટે શું માત્ર સરકારો જ જવાબદાર છે?

-ડૉ. દિનકર જોષી

દેશનાં ૧૩૫ કરોડ મારાં બંધુભગિનીઓ જોગ,

મુકામ-ભારતવર્ષ

તસવીર સૌજન્યઃ http://www.indianfolk.com

સરકાર ગમે તેની હોય-જવાહરલાલ નહેરુની હોય કે નરેન્દ્ર મોદીની હોય. ૧૯૪૭માં આપણે ૩૦ કરોડ હતા. આજે ૨૦૧૯માં આપણે ૧૩૫ કરોડ છીએ. આપણી અપેક્ષાઓ જે ૧૯૪૭માં હતી એની એ જ આજે ૨૦૧૯માં પણ છે. તે દિવસે આપણે દેશના દરેક નાગરિકને બે ટંક પૂરતો રોટલો મળે, રાત્રે સૂઇ રહેવા માટે છાપરાબંધ ઘર મળે, બાળકોને શિક્ષણ મળે, સાજેમાંદે તબીબી સારવાર મળે, અને વારેતહેવારે શાંતિથી ધર્મસ્થાનકમાં જઇને પ્રાર્થના કરવાનું મળે. બસ ત્યારે પણ એટલું જ માગતા હતા અને આજે પણ એટલું જ માગીએ છીએ.

૭૨ વરસ થયાં અને અનેક સરકારો બદલાઇ છતાં આપણી માગણી તો એની એ જ રહી એવું કેમ બને છે? સરકારો તો આપણે જ ચૂંટી છે. સરકારોના હાથમાં આપણે જાતે જ સત્તાની સોંપણી કરી છે અને આટલું આટલું કામ કરવાનું અને આટલી આટલી અમારી અપેક્ષા છે એવી સ્પષ્ટતા તો એમને સત્તા સ્થાને બેસાડ્યા પહેલાં જ આપણે કરી હોય છે છતાં આવું બનતું નથી. આમ કેમ?

સરકારો એમના પક્ષે અમે આટલું આટલું કર્યું એવા આપણને ચક્કર આવી જાય એવા આંકડા પ્રસાર માધ્યમોમાં રાત દિવસ મૂકે છે. સરકારો એમ માને છે કે એમણે આપણને ભારે સુખી કરી નાખ્યા છે અને ભારે મસમોટાં કામ કર્યાં છે પણ આપણને તો સતત એમ લાગ્યા કરે છે કે હજુ ઘરે ઘરે નાના બાળકને પાવલું દૂધ મળતું નથી. મૂળભૂત અધિકાર, શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર આવા પાર વિનાના અધિકારોનો ખડકલો ધરી દેવા છતાં ગાંધીજી જેને છેવાડાનો માણસ કહેતા એ માણસ તો હજુ ત્યાં જ ઊભો છે. તો પછી જે થઇ શક્યું નથી પણ જે કરવું નિતાંત અનિવાર્ય છે એના માટે જવાબદાર કોણ છે? આપણી આજની પરિસ્થિતિ માટે શું માત્ર સરકારો જ જવાબદાર છે? જે સરકારોને આપણે હોંશે હોંશે સત્તાના સિંહાસને બેસાડી હોય એ માટે શું આપણે ઓછા જવાબદાર કહેવાઇએ? આવો આજે અહીં થોડુંક આત્મપરીક્ષણ પણ કરી લઇએ.

લાંચ-રુશ્વત આપણને કોઇને નથી ગમતા એવું આપણે બધાને કહીએ છીએ પણ આ જ લાંચ-રુશ્વત લેવાનો કે દેવાનો પ્રસંગ આવે છે ત્યારે ધર્મસ્થાનકના પૂજારીથી માંડીને, શૈક્ષણિક ક્ષેત્રે એડમિશન માટે હોય કે પછી સરકારી ક્ષેત્રે કોઇક કામકાજ માટે હોય, આપણે લાંચ રુશવતથી દૂર રહ્યા છીએ ખરાં? આપણે પોતે જ લાંચ આપીએ છીએ અને પોતે જ લઇએ છીએ અને છતાં લાંચ-રુશ્વતનો વિરોધ કરવાની એક પણ તક ચૂકતા નથી. આવી દરેક ઘોષણા વખતે આપણે દોષ તો બીજા સામેવાળાનો જ કાઢીએ છીએ. આપણી પોતાની સામે આપણે જોતા નથી.

સરકારોએ કામ નથી કર્યાં એવું નથી. યથાશક્તિ યથામતિ એમણે કામ કર્યાં જ છે પણ એમની શક્તિ અને એમની મતિની આડે પેલો ભ્રષ્ટાચાર, જેના માટે આપણે મતદારો સુધ્ધાં ઓછા જવાબદાર નથી એના વિશે ક્યારેય વિચાર કર્યો છે ખરો? પરિવારવાદ કે સગાવાદ સામે આપણે ક્યારેય લાલ આંખ કરી છે ખરી? ડૉક્ટરનો દીકરો ડૉક્ટર થાય કે વકીલનો દીકરો વકીલ થાય એનો આપણે સામાજિક સ્વીકાર કરીએ છીએ. આ સ્વીકાર પ્રાકૃતિક છે, એમાં કશું અઘટિત નથી પણ મુખ્ય પ્રધાન કે સંસદનાં પાંચ-દસ પારિવારિક સગાંઓ એક એક ખુરશી ઉપર ગોઠવાઇ જાય એનો વિરોધ તમે શી રીતે કરશો? તમારો અણગમો મતદાનમાં પરિવર્તિત કરીને કેમ પ્રગટ કરતા નથી? અને તમે પોતે શું કરો છો? નાનકડા ટ્રસ્ટથી માંડીને કોઇપણ સંસ્થા કે જેમાં તમે સંકળાયેલા હો એમાં તમે તમારા જ ભાઇ-ભત્રીજાને નથી ગોઠવ્યા? ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ દે એવું આ નથી લાગતું?

૧૯૪૭માં તમારા પિતા કે પિતામહે તમને તમારી માતૃભાષા શીખવી હતી. આ માતૃભાષાને વહાલસોઇ અને પરમ પૂજ્ય કરવા માટે એમણે તમને તૈયાર કર્યા હતા. દેશમાં સહુ કોઇ પોતપોતાની માતૃભાષા જાણતું હતું. આ પછી તમે શું કર્યું? પિતા કે પિતામહ પાસેથી જે માતૃભાષા શીખ્યા હતા એનો વારસો તમે તમારાં સંતાનોને ગૌરવભેર સોંપ્યો ખરો? તમે એટલે કે વર્તમાન પેઢી અને તમારાં સંતાનો એટલે કે આવતી કાલ માટે તૈયાર થઇ રહેલી પેઢી આ બંને માતૃભાષા ભૂલવાનું અભિમાન લઇ રહ્યાં છે. આને માટે સરકાર જવાબદાર ખરી પણ આ જવાબદારી સરકાર પક્ષે ઓછી કહેવાય. આ મૂળભૂત જવાબદારી સરકાર પક્ષે ઓછી કહેવાય. આ મૂળભૂત જવાબદારી મારી અને તમારી છે. આ જવાબદારી આપણે ચૂકી ગયા છીએ. કોઇ પણ સરકારને દોષ દેતાં પહેલાં પાછું વાળીને જુઓ તો ખરા કે આમાં તમારી ક્યાં ચૂક થઇ છે? ૧૯૪૭ પહેલાં હિંદુસ્તાન બ્રિટાનિકાનું સંસ્થાન હતું. આજે એ સંસ્થાન નથી પણ બ્રિટાનિકાનું સ્થાન તો આપણે સહુએ અકબંધ જ રહેવા દીધું છે.

એક નાનકડી વાર્તા સાંભળશો?

એક હતું ગામ ગામના દરબાર લીલા લહેર કરે. રોજ સવારે આ બાપુની દાઢી કરવા માટે ગામનો એક ઘાંયજો આવે. બાપુએ એક દિવસ વાતવાતમાં ઘાંયજાને પૂછ્યું-“અલ્યા એય, ગામમાં મારી પ્રજા બધી સુખી તો છેને? ઘાંયજાએ પોતાની હૈયા વરાળ ઠાલવી – “બાપુ, ગામમાં તો લોકોને ભારે દખ છે. નાના બચ્ચાંને પાવળું દૂધેય મળતું નથી. કારભારીને બોલાવ્યો અને એને ધમકાવ્યો. “અલ્યા એય, ગામના છોકરાઓને પાવળું દૂધેય ન મળે એવો અંધેર વહીવટ મારા રાજમાં નહીં ચાલે. હું તને કાઢી મૂકીશ.” કારભારીએ હળવેકથી બાપુને પૂછ્યું,”બાપુ આવું આપને કોણે કહ્યું?” બાપુએ ઘાયજાનું નામ આપ્યું એટલે કારભારી સમજી ગયા. એણે તાબડતોબ એક દૂઝણી ગાય પેલા ઘાંયજાને ઘેર ભેટ મોકલી દીધી. ઘાંયજાને ઘરે તો બોઘડા મોઢે દૂધ ભેગું થયું. ઘાંયજો રાજીનો રેડ! બીજે દિવસે ઘાંયજો બાપુની દાઢી કરવા ગયો ત્યારે બાપુએ ફરી વાર એનો એ જ સવાલ પૂછ્યો. આ વખતે ઘાંયજાએ ખુશખુશાલ ચહેરે કહ્યું-” બાપુ, ગામમાં તો લીલાલહેર છે. ઘરે ઘરે દૂધનાં બોઘડાં ભરાયાં છે. “

બસ, આ ઘાંયજાનું સુખ અને આ ઘાંયજાનું દુ:ખ તમારા અને મારા એટલે કે આપણા સહુનાં સુખ દુ:ખ છે? બાપુની દાઢી કરનારા ઘાંયજાઓ આજેય ઓછા નથી અને ઘાંયજાને ઘરે દૂઝણી ગાય મોકલી દેનારા કારભારીઓ પણ કંઇ ઓછા નથી. જરૂર છે માત્ર સ્વયંશિસ્તની, સ્વયં સમજદારીની, સ્વયં સાંસ્કૃતિક ચેતનાની. જ્યાં સુધી આ બધું અંદરથી સળવળશે નહીં ત્યાં સુધી હું કે તમે, તે કે આપણે છીએ ત્યાં જ રહીશું. માત્ર સરકાર બદલ્યે બધું નહીં બદલાઇ જાય. થોડુંક કામ આપણે પણ કરવું પડશે.

——————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s