– શૈલેષ પી. શેઠ

ભષ્ટાચારઃ શું આપણે સૌ જવાબદાર નથી?
(અગાઉના લેખમાં આપણે સ્વતંત્ર ભારતના જાહેર જીવનમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના ઈતિહાસ પર એક નજર નાખી. હવે આગળ વાંચો.)
એને યોગાનુયોગ કહો કે સંજોગોની અનિવાર્ય નીપજ કહો, પરંતુ સ્વતંત્ર ભારતના જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનાં મૂળિયાં જો નહેરુના વડા પ્રધાન તરીકેના સમયગાળા દરમ્યાન નખાયાં હોય તો એ પણ એક હકીકત છે કે લોકપાલની સ્થાપના માટેની માગણીનાં બીજ પણ ત્યારે જ વવાયાં હતાં.
દેશ સ્વતંત્ર થયો ત્યારે પ્રજા એવી આશામાં રાચતી હતી કે એક જવાબદાર સરકાર નિષ્ઠાપૂર્વક અને સમર્પિતભાવે દેશની સેવા કરશે. પરંતુ કમનસીબે, એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડને કારણે આ આશા ઠગારી નીવડી.
જાણે પ્રજાના (કહેવાતા) સેવકો પ્રજાને કહી રહ્યા હોય. આ પરિસ્થિતિથી સમગ્ર દેશ હચમચી ઊઠ્યો. જાહેર (સરકારી) વહીવટમાં વધતા જતા ભ્રષ્ટાચારને પગલે 1960ના દાયકાની શરૂઆતમાં દેશમાં ઑમ્બડ્ઝમૅન જેવા અધિકારીની નિમણૂક માટેની માગ ઊઠી.
લોકપાલની ભારતીય સંકલ્પનાનાં મૂળ ઑમ્બડ્ઝમૅનના હોદ્દામાં રહેલા છે જેણે સ્કેન્ડેનેવિયન અને અન્ય દેશોમાં ભ્રષ્ટાચાર તથા અન્ય વહીવટી ગેરરીતિઓને અંકુશમાં રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
સન 1809માં સ્વીડનમાં ઑમ્બડ્ઝમૅનની સંકલ્પનાએ જન્મ લીધો. મૂળે ‘ઑમ્બડ્ઝમૅન’ એક સ્વીડીશ શબ્દ છે જેનો અર્થ થાય છે – વહીવટી અને ન્યાયિક પ્રક્રિયા સામેની ફરિયાદોની તપાસ કરવા માટે કાયદા દ્વારા નિમાયેલો અધિકારી.
પારંપરિક રીતે, ઑમ્બડ્ઝમૅનની નિમણૂક સઘળા રાજકીય પક્ષોની સર્વસંમતિના આધારે થતી હોય છે. પરંતુ ઑમ્બડ્ઝમૅનની નિમણૂક સંસદ કરતી હોવા છતાં એ રાજ્યનાં ત્રણેય અંગો – સંસદ, ન્યાયતંત્ર અને વહીવટીતંત્રથી સ્વતંત્ર રહીને કાર્ય કરે છે.
અગાઉ કહ્યું તેમ એક પછી એક બહાર આવી રહેલાં કૌભાંડની સામે દેશભરમાં વિરોધ જાગ્યો અને ઑમ્બડ્ઝમૅનની સ્થાપના માટેની માગણી ઊઠી. આ સંજોગોમાં ભીંતસરસી થઈ ગયેલી નહેરુના વડપણ હેઠળની કૉંગ્રેસી સરકાર માટે ભ્રષ્ટાચારને નાથવા માટે ઑમ્બડ્ઝમૅન જેવી અસરકારક યંત્રણા ઊભી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્ચો નહોતો.
1962માં યોજાયેલી ત્રીજી અખિલ ભારતીય કાયદા પરિષદમાં ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવા માટે ઑમ્બડ્ઝમૅન જેવા હોદ્દાનું નિર્માણ કરવા માટે વિચારવિમર્શ થયો હતો. ખુદ નહેરુએ એની ભલામણ કરી હતી. પૂર્વ ચૂંટણી નિયામક જી.વી.જી. કૃષ્ણમૂર્તિએ તાજેતરમાં કરેલા ઘટસ્ફોટ મુજબ તત્કાલીન ઍટર્ની જનરલ એમ. સી. સેતલવાડની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ પરિષદમાં રાજકીય અને વહીવટી ક્ષેત્રે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવા માટે ઑમ્બડ્ઝમૅનની સ્થાપના માટેનો ઠરાવ સંપૂર્ણ સહમતીથી પસાર કરવામાં આવ્યો હતો. જો કે, એ પછી ટૂંક સમયમાં જ ભારત- ચીન યુદ્ધ થયું અને આ અંગેનો ખરડો લોકસભામાં રજૂ થઈ શક્યો નહીં.
1966માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને મોરારજી દેસાઈના વડપણ હેઠળ વહીવટી સુધારા આયોગની સ્થાપના કરી હતી. આ આયોગે પહેલી વાર કેન્દ્રે સ્તરે લોકપાલ અને રાજ્ય સ્તરે લોકાયુક્તની સ્થાપના કરવાની ભલામણ કરી. આ ભલામણોને પગલે 1968માં ચોથી લોકસભામાં લોકપાલ અંગેનો ખરડો પ્રથમ વાર રજૂ થયો જે 1969માં લોકસભાએ પસાર કર્યો. જો કે, રાજ્યસભા આ ખરડાને મંજૂરી આપે એ પહેલાં જ લોકસભા બરખાસ્ત થઈ અને આ ખરડાનું અકાળે મરણ થયું!
ત્યારબાદ લોકપાલ અંગેના ખરડાને 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005 અને છેલ્લે 2008માં પુનઃજીવિત કરવાના પ્રયત્નો થયા, પરંતુ લોકસભામાં રજૂ થાય એ પછી એમાં સુધારા લાવવાના કે અન્ય બહાને એને સંસદીય સમિતિ કે ગૃહ મંત્રાલયની ખાતાકીય સમિતિને સોંપવામાં આવતો. છેવટે સરકાર એ મુદ્દે અંતિમ નિર્ણય લે એ પહેલાં તો સંસદ બરખાસ્ત થઈ જતી અને ખરડો રદ થઈ જતો.
—————-