
આપણે હાલ રમેશ અભિષેકની વાત કરી રહ્યા છીએ. તેમના વિશે પીગુરુસ ડોટ કોમ વેબસાઇટ પર અનેક આઘાતજનક માહિતીઓ પ્રકાશિત થઈ રહી છે એવા સમયે બીજો એક મુદ્દો ધ્યાનમાં આવે છે. મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો આદર્શ બને એવી ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ) અને તેનાં નવ એક્સચેન્જ સાહસોને નુકસાન કરવામાં કંઈ બાકી નહીં રાખનાર માણસ આજે સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવા માટેના ખાતાનો અખત્યાર સંભાળે છે એ વર્તમાન ભારતનું ઘણું મોટું આઘાતજનક આશ્ચર્ય છે. ચાલો, હકીકતમાં શું થયું અને શું થઈ રહ્યું છે તેના વિશે વધુ વાત કરીએ.
રમેશ અભિષેક એક સમયે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ચૅરમૅન હતા. એફટીઆઇએલ ગ્રુપના એક્સચેન્જ – નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)નું નિયમન એફએમસી કરતું હતું, પરંતુ નિયમનકાર તરીકે પોતાની જવાબદારી સ્વીકારવામાં રમેશ અભિષેકે હંમેશાં ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. પછી જ્યારે એ એક્સચેન્જમાં ડિફોલ્ટરો લોકોનાં નાણાં લઈને હાથ ઊંચા કરી ગયા ત્યારે તેમણે ડિફોલ્ટરોની પાછળ પડવાને બદલે એફટીઆઇએલ ગ્રુપને નુકસાન થાય એ રીતે તેની સાથે એનએસઈએલનું મર્જર કરવાની ભલામણ કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયને કરી અને તેનો સ્વીકાર પણ થયો. આ જ અમલદારે એફટીઆઇએલનાં જે બીજાં વેપારી સાહસો હતાં અને જેમને એનએસઈએલ સાથે કોઈ જ સંબંધ ન હતો, એવાં સાહસોમાંથી પણ એફટીઆઇએલને હિસ્સો વેચી દેવાની ફરજ પડે એ રીતે ગ્રુપને નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર જાહેર કર્યું. પરિણામ એ આવ્યું કે પાડાના વાંકે પખાલીને ડામ મળે એવી સ્થિતિ સર્જાઈ અને દેશના વિકાસમાં ઘણી મોટી ભૂમિકા ભજવી શકે એવી મેક ઇન ઇન્ડિયાની સફળ સ્ટોરીને પારાવાર નુકસાન થયું. હવે ભારત સરકાર એવી સ્ટોરી સર્જવા ઝઝૂમી રહી છે, પરંતુ તેને પણ સફળ થવા દેવાતી નથી (જુઓઃ https://www.pgurus.com/how-ramesh-abhishek-failed-to-deliver-on-one-of-gois-best-initiatives-startup-india/).
આ જ રમેશ અભિષેકની સામે એનએસઈએલના ડિફોલ્ટરોએ પોતાની નાણાકીય જવાબદારી સ્વીકારીને તમામ 5,600 કરોડ રૂપિયા પાછા આપી દેવાની બાંયધરી આપી હતી. નવાઈની વાત એ છે કે હવે રમેશ અભિષેક એ બેઠકની મિનટ્સ ઑફ મીટિંગ ગાયબ થઈ ગઈ હોવાનું કહે છે. એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહે એ વખતે એટલે કે ઑગસ્ટ 2013માં કહ્યું હતું કે બધા સાથે મળીને એનએસઈએલની 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટીનો હલ લાવી શકે છે. આમ છતાં કટોકટીના ઉકેલ માટે બધા સાથે આવે તેને બદલે બધા લોકો જાણે એફટીઆઇએલની સામે આવી ગયા. તેને કારણે ડિફોલ્ટરોને બખ્ખાં થઈ ગયાં. મુંબઈ પોલીસે તપાસ કરી ત્યારે અને ઑડિટરોએ ફોરેન્સિક ઑડિટ કર્યાં ત્યારે તમામ 5,600 કરોડ રૂપિયાનો રેલો ડિફોલ્ટરો સુધી પહોંચતો દેખાયો. આથી જ તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી. એફટીઆઇએલે પણ પોતાની પ્રતિબદ્ધતાને અનુલક્ષીને ડિફોલ્ટરો સામે ખટલા ચલાવીને તેમની એટલી સંપત્તિ જપ્ત કરાવી કે એમાંથી લેણદારોના બધા જ પૈસા ચૂકવી શકાય. આજે એ ડિક્રી અદાલતો પાસેથી મળી ગઈ હોવા છતાં તેનો અમલ થયો નથી એ પણ આશ્ચર્યની વાત છે.
દરમિયાન, રમેશ અભિષેકે જે મર્જર કરાવવું હતું તેની સામે એફટીઆઇએલે છેક સર્વોચ્ચ અદાલત સુધી લડત ચલાવી અને આખરે સત્યનો વિજય થયો હોય એમ અદાલતે મર્જરનો સરકારી આદેશ રદ ઠેરવ્યો. અદાલતે સમગ્ર કેસની હકીકત જાણ્યા બાદ કહ્યું પણ ખરું કે અમુક ગણ્યાંગાંઠ્યા લોકોના હિતને જનહિત કહી શકાય નહીં. આથી, જનહિતના નામે બહાર પડાયેલો મર્જરનો આદેશ પણ માન્ય રાખી શકાય નહીં. એક રીતે જોવા જઈએ તો સર્વોપરી અદાલતનો આદેશ રમેશ અભિષેકની વિરુદ્ધ બોલાયેલો સ્પષ્ટ ચુકાદો કહી શકાય. આ એક આદેશને જોઈને સરકારે સમજી જવું જોઈતું હતું કે આ અમલદારે ભરેલું પગલું કેટલું ખોટું ઠર્યું છે અને તેને લીધે એક મેક ઇન ઇન્ડિયા સ્ટોરી ખતમ થઈ ગઈ છે તથા સ્ટાર્ટ અપનું જ્વલંત ઉદાહરણ નષ્ટ થઈ ગયું છે. આવું હોવા છતાં રમેશ અભિષેકને ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના સચિવના હોદ્દા પર ચાલુ રખાયા છે.
ભારત સરકારે 16 જાન્યુઆરી 2016ના રોજ સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના શરૂ કરી. તેનો ઉદ્દેશ્ય સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન અને પીઠબળ આપવાનો છે. તેના દ્વારા રોજગારસર્જન કરવાનો પણ છે. રમેશ અભિષેકે એફટીઆઇએલની સામે કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ છે. ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને નાણાં ખાતાના તત્કાલીન સનદી અધિકારી કે. પી. કૃષ્ણનની સાથે મળીને તેમણે એફટીઆઇએલ ગ્રુપની સામેના ષડ્યંત્રને અંજામ આપ્યો. જેની સામે ષડ્યંત્ર અમલમાં મુકાયું એ એફટીઆઇએલ ગ્રુપે 10 લાખ રોજગારનું સર્જન કર્યું હતું અને તેની પ્રગતિનો ગ્રાફ હજી ઉંચો જઈ શકે એમ હતું. રોજગારસર્જનના આ સાહસને રમેશ અભિષેકે સામે ચાલીને બંધ કરાવ્યું. આ માણસ સ્ટાર્ટ અપ ઇન્ડિયાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે એ એક મોટો પ્રશ્ન છે.
પીગુરુસ ડોટ કોમ કહે છે કે રમેશ અભિષેકે સ્ટાર્ટ અપ ઇન્ડિયાને અપાયેલા ભંડોળ વિશે કરેલા દાવા શંકાસ્પદ છે. તેમણે બધાં સ્ટાર્ટ અપ્સને ટેકો આપવાને બદલે પોતાની દીકરી વનીસા અગરવાલની કન્સલ્ટન્સી કંપનીને ટેકો આપ્યો છે.
રમેશ અભિષેક એફએમસીમાં હતા ત્યારે વનીસા સેબીમાં કન્સલ્ટન્ટ હતી અને હવે તેઓ ડીપીઆઇઆઇટીમાં છે ત્યારે વનીસાની કંપની સ્ટાર્ટ અપ્સને કન્સલ્ટન્સી સર્વિસીસ પૂરી પાડે છે. સીબીઆઇએ આ બાબતે તપાસ કરવી જોઈએ એવું પીગુરુસ ડોટ કોમનું કહેવું છે.
લોકપાલે તાજેતરમાં રમેશ અભિષેક વિરુદ્ધની કેન્દ્રીય દક્ષતા પંચની તપાસ વિશે સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. એ અહેવાલ લોકપાલને સોંપવામાં આવે અને તેમાંથી શું બહાર આવે છે એ તો સમય કહેશે, પરંતુ આ સનદી અધિકારીએ ઓરિજિનલ સ્ટાર્ટ અપને અને ઓરિજિનલ મેક ઇન ઇન્ડિયા સ્ટોરીને ખતમ કરી નાખી એ ખરું છે અને હજી પણ સરકાર તેમની સામે કોઈ પગલું ભરી રહી નથી એ મોટું આઘાતજનક આશ્ચર્ય છે.
સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહનના નામે બખડજંતર
ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપ્યાના ઘણા મોટા દાવા કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. પીગુરુસ ડોટ કોમ પર આ હકીકતને ઉજાગર કરવામાં આવી છે. વેબસાઇટ જણાવે છે કે સ્ટાર્ટ અપ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર 28 જૂન, 2019ના રોજ સુધીમાં 20,113 સ્ટાર્ટ અપ્સને માન્યતા આપવામાં આવી હતી અને સિડબીના ભંડોળમાંથી 218ને ફંડ આપવામાં આવ્યું હતું. આમ સિડબી મારફતે ભંડોળ મેળવનારાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા ફક્ત 1.08 ટકા છે. ઉક્ત તારીખ સુધીમાં કરવેરાનું એક્ઝેમ્પશન મેળવનાર સ્ટાર્ટ અપ્સની સંખ્યા 94 છે, જે માન્યતા મેળવનારાં સ્ટાર્ટ અપ્સના ફક્ત 0.46 ટકા છે. આટલી ઓછી ટકાવારીને કઈ રીતે સફળતા ગણાવી શકાય એ મોટો સવાલ છે.
28 જૂન, 2019ના રોજ સુધીનું સ્ટાર્ટ અપ ઇન્ડિયાનું નબળું સ્કોરબોર્ડ
માન્યતા મેળવનારાં સ્ટાર્ટ અપ્સ | 20,113 |
સિડબીના ફંડ ઑફ ફંડ્સમાંથી નાણાં મેળવનારાં સ્ટાર્ટ અપ્સ | 218 |
નાણાં મેળવનારાં સ્ટાર્ટ અપ્સનું પ્રમાણ | 1.08 ટકા |
ટૅક્સ એક્ઝેમ્પશન મેળવનારાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા | 94 |
ટૅક્સ એક્ઝેમ્પશન મેળવનારાં સ્ટાર્ટ અપ્સની ટકાવારી | 0.46 ટકા |
આથી જ ઘણું મોડું થાય તેની પહેલાં રમેશ અભિષેકની પાસેથી ખુલાસો માગવાની જરૂર ઊભી થઈ છે. સોશિયલ મીડિયામાં અનેક સ્ટાર્ટ અપ્સના લોકોએ ફરિયાદો કરી છે કે તેમને એન્જલ ટૅક્સની સમસ્યા સતાવી રહી છે. સ્ટાર્ટ અપ્સની યોજના ફક્ત વાતો કરવા પૂરતી હોવાનું એક જણે કહ્યું છે, જ્યારે અન્ય એક જણે સ્ટાર્ટ અપ્સને થતી સતામણીનો મુદ્દો ઉખેળ્યો છે. એકે રમેશ અભિષેક સામે ટ્વીટર પર સવાલ ઉઠાવ્યા તો તેમને બ્લોક કરી દેવાયા. આમ, ખરા અર્થમાં સ્ટાર્ટ અપ્સને હજી યોગ્ય સ્ટાર્ટિંગ મળ્યું નથી એવું જણાય છે.
———–