
ભારતમાં નવી સરકારની બીજી મુદત ચાલુ થઈ ગઈ હોવા છતાં હજી જૂની ઘરેડ ચાલે છે. સરકારી બાબુઓના ભ્રષ્ટાચાર સામે આવવા લાગ્યા હોવા છતાં તેમનો વાળ પણ વાંકો થતો નથી એ આશ્ચર્યની વાત છે. હાલમાં આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ એ રમેશ અભિષેક હવે લોકપાલની નજરે ચડ્યા છે. તેમની સામે રીતસરની ફરિયાદ થઈ છે અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની પાસે અહેવાલ મગાવવામાં આવ્યો છે. આ અધિકારી એક દાયકા કરતાં પણ વધુ સમયથી ડબ્બા કંપનીઓ સાથે સંકળાયો હોવાનું હાલમાં એક અહેવાલ પરથી ફલિત થાય છે. નવસર્જનને પ્રોત્સાહન આપવાની જેની પાસેથી અપેક્ષા રખાતી હોય એ માણસ બનાવટી કંપનીઓ સાથે સંકળાયો હોય એ બાબત ખરેખર આઘાતજનક છે. અને એનાથીય વધુ આઘાત આપનારી બાબત એ છે કે તેને કોઈ ઉની આંચ આવી નથી.
સરકારી બાબુઓ સમગ્ર દેશમાં સૌથી વધુ સત્તા ધરાવે છે એ તો સાંભળ્યું હતું, પરંતુ ખોટું કામ કરવા છતાં તેઓ બચી જાય એ બાબત વિશ્વ સામે ભારતની નાલેશી કરનારી છે.
આ રમેશ અભિષેક સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને ડામવા માટે કાર્યરત સંસ્થા લોકપાલની નજરે કેવી રીતે ચડ્યા એ પણ જાણવા જેવું છે. તેમની સામે 63 મૂન્સ ટેક્નૉલૉજીસે ફરિયાદ કરી એ તો એક કારણ છે જ, પણ તેમના વિશે બહાર આવેલાં બીજાં કેટલાંક તથ્યો પણ કારણભૂત છે
ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના આ સચિવે દેશની પ્રગતિના સ્થાને પોતાની ‘પ્રગતિ’ કરી હોવાનું હાલમાં પ્રકાશમાં આવ્યું છે (https://www.pgurus.com/ramesh-abhishek-creates-his-own-make-in-india-via-kolkata/#_ftn1). ગયા ડિસેમ્બરમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારમાં પ્રગટ થયેલા એક સમાચાર (https://timesofindia.indiatimes.com/business/india-business/over-1-lakh-shell-companies-deregistered-this-fiscal-government/articleshow/67285309.cms) મુજબ વર્ષ 2017-18 દરમિયાન 1 લાખ કરતાં વધુ ડબ્બા કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું. રમેશ અભિષેકનો ડબ્બા કંપનીઓ સાથેનો જે સંબંધ બહાર આવ્યો છે તેને જોતાં ચોક્કસપણે કહી શકાય કે કેન્દ્રીય દક્ષતા પંચે સરકારી અમલદારો બાબતે તપાસ શરૂ કરવી જોઈએ.
રમેશ અભિષેકનો ડબ્બા કંપનીઓના દૂષણમાં કેટલા અંદર સુધી ખૂંચી ગયા છે એ જોઈને કહી શકાય કે સમગ્ર સરકારી તંત્રમાં ઊંડે સુધી સડો પેસી ગયો છે.
ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેકની સાથે સંકળાયેલી આવી એક ડબ્બા કંપની છે જગદંબા આયર્ન ઍન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ (JISPL). આ કંપની ફક્ત કાગળ પર છે. તેણે ક્યારેય નફો નોંધાવ્યો નથી અને કરવેરો ભર્યો નથી, પણ તેના નામે વિશાળ રિઝર્વ બોલે છે. આ નામ સાથે ઘણું સામ્ય ધરાવતી બીજી એક કંપની છે જગદંબા સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (JSIPL). નવાઈની વાત તો એ છે કે JSIPL કંપની JISPLમાં શેરધારક છે. હવે જાણવા જેવી વાત એ છે કે JISPLમાં લગભગ 97 ટકા હિસ્સો રમેશ અભિષેકના સંબંધીઓ અથવા તેમની બીજી કંપની એટલે કે JSIPLનો છે.
જાણવા મળ્યું છે કે કોલકાતાની ખોખા કંપનીઓએ 2008, 2009 અને 2014માં ઉંચા પ્રીમિયમે JSIPLમાં શેર ખરીદ્યા. 31 માર્ચ, 2009ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ખોખા કંપનીઓને પ્રતિ શેર 3,000 રૂપિયાના પ્રીમિયમે વધુ શેરની ફાળવણી કરવામાં આવી હતી. JSIPLને ખોખા કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા મળ્યા, જેનું રોકાણ JISPLમાં કરવામાં આવ્યું હતું. આ રોકાણ 2008, 2009 અને 2014માં કરાયું હતું. તેમનાં નાણાં JSIPLમાં ટ્રાન્સફર થયા બાદ ખોખા કંપનીઓ તેમાંથી હટી ગઈ. ટેક્નિકલ ભાષામાં તેને ‘પ્રીમિયમ સ્ટ્રિપિંગ’ કહેવાય છે. આ રીતે JSIPL અને JISPL વચ્ચે નાણાં ફરી ગયાં અને એક ચક્ર પૂરું થઈ ગયું. નાણાંની આ હેરાફેરી માટે કેટલીક કોલકાતા ખોખા કંપનીઓનો ઉપયોગ કરીને તેમને હટાવી દેવાઈ. આમ, નકામી કંપનીઓના શેર ઉંચા ભાવે ખરીદાયા અને રમેશ અભિષેકે ઉક્ત બન્ને કંપનીઓ એટલે કે JSIPL અને JISPLમાં અનુક્રમે 9.67 કરોડ અને 9.18 કરોડ મળીને કુલ 18.85 કરોડ રૂપિયા ઊભા કર્યા. આ બધું કેવી રીતે કરવામાં આવ્યું તેની વિગતો કંપનીના ઑડિટરે 2008, 2009 અને 2014માં નોંધાવેલા ઑડિટર્સ રિપોર્ટ (https://www.scribd.com/document/418508931/CA-Report-of-JISPL#from_embed) પરથી જાણી શકાય છે.
અત્યાર સુધીમાં આપણે જાણી ગયા છીએ કે પ્રચલિત નામ ભલે રમેશ અભિષેક હોય, તેઓ મૂળ અગરવાલ સમાજના છે અને તેમની મૂળ અટક અગરવાલ છે. ઉપર જે કંપનીઓની વાત કરી તેના અન્ય મુખ્ય શેરધારકોનાં નામ પરથી પણ કનેક્શન ખબર પડે છે. JISPLમાં વિજયશંકર અગરવાલા, મનીષકુમાર અગરવાલ, મંજુદેવી અગરવાલા અને JSIPL એ શેરધારકો હતા. બન્ને કંપનીઓ વચ્ચે નાણાં ફરી ગયા પછી JSIPLમાં વિજયશંકર અગરવાલા, મનીષકુમાર અગરવાલ, સુશીલાદેવી, JISPL તથા અન્યો શેરધારક હતા.
JSIPLમાં રોકાણ કરનારી કોલકાતા ખોખા કંપનીઓમાં વર્ષ 2008માં બદ્રીનાથ કૉમર્સ પ્રા. લિ, ભગવતી મર્ચન્ટ્સ પ્રા. લિ, બાલગોપાલ ડીલર્સ પ્રા. લિ. અને ગણપતિ સ્ટૉક પ્રા. લિનો સમાવેશ થતો હતો. 2009માં વધુ ઉંચા પ્રીમિયમે શેર ફાળવાયા અને શેરધારકો આ પ્રમાણે હતાઃ પરમપિતા ડીલકોમ પ્રા. લિ, બદ્રીનાથ કૉમર્સ પ્રા. લિ, ભગવતી મર્ચન્ટ્સ પ્રા. લિ, અંજનીપુત્ર વિનિમય પ્રા. લિ, વૈભવ વિનિમય પ્રા. લિ, ગણગૌર પ્રોપર્ટીઝ પ્રા. લિ, વિંધ્યવાસિની વિનકોમ પ્રા. લિ. અને અર્ચ ટ્રેડર્સ પ્રા. લિ. આમાંથી અમુક કંપનીઓને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ અત્યાર સુધીમાં ડબ્બા કંપની તરીકે યાદીમાંથી રદબાતલ કરી ચૂકી છે.
આ બધા ગોરખધંધા એટલી ચાલાકીથી ચાલતા હોય છે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો અભ્યાસ કરી ચૂકેલી વ્યક્તિ જ તેને સમજી શકે. જો કે, સામાન્ય માણસ તેમાંથી એટલું ચોક્કસપણે જાણી શકે છે કે બનાવટી કંપનીઓ રચીને ગરબડ કરવામાં આવી છે.
——————–