સ્ટાર્ટ અપના નામે સગાવાદને પ્રોત્સાહન

સરકારી યોજનાઓ લોકો માટે હોય છે કે પછી એ યોજનાઓ ઘડનારા સરકારી અમલદારો માટે? આવો સવાલ તમને ક્યારેય થયો છે? થયો જ હશે, અને ન થયો હોય તો હવે પછીનું લખાણ વાંચીને ચોક્કસ થશે.
પાંચમી જુલાઈએ નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં સ્ટાર્ટ અપ્સ માટે કેટલીક આવકાર્ય જોગવાઈઓ કરવામાં આવી, પરંતુ શું તેમને ખબર છે કે ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના જે દાવાઓને કારણે તેમને દેખાતું ગુલાબી ચિત્ર ખરેખર કંઈક જુદું જ છે?
ડિપાર્ટમેન્ટના આંકડાઓ દર્શાવે છે કે તેણે 2016થી અત્યાર સુધીમાં 19,857 સ્ટાર્ટ અપ્સને માન્યતા આપી છે, પરંતુ વાસ્તવિકતા આટલી સરળ નથી. ડિપાર્ટમેન્ટના સચિવ રમેશ અભિષેકે 19,000થી વધુનો આંકડો આપ્યો છે, પરંતુ તેમાંથી ખરેખર કેટલાને ભંડોળ મળ્યું છે અથવા તો કરવેરાનાં એક્ઝેમ્પશન મળ્યાં છે એનો આંકડો જાણીને એમ થશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ મહત્ત્વપૂર્ણ પ્રૉજેક્ટનું મહત્ત્વ સચિવે ઘટાડી દીધું છે.
ગત ત્રણ વર્ષોમાં આ ડિપાર્ટમેન્ટે 200 કરતાં પણ ઓછાં સ્ટાર્ટ અપ્સને નાણાં આપ્યાં છે. જેટલાંને માન્યતા આપવામાં આવી છે તેના એક ટકા જેટલાં જ સ્ટાર્ટ અપ્સને નાણાં આપવામાં આવ્યાં છે. એમાંય પાછું કરવેરાનાં એક્ઝેમ્પશન મેળવનારાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા તો 100 કરતાં પણ ઓછી છે. આ બધું શું દર્શાવે છે?
જો વીસેક હજાર સ્ટાર્ટ અપ્સને માન્યતા આપવામાં આવી હોય તો ભંડોળ અને કરવેરાનાં એક્ઝેમ્પશન મેળવનારાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા આટલી ઓછી કેમ? એ સવાલનો જવાબ ડિપાર્ટમેન્ટે આપવાની જરૂર છે. આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સ્ટાર્ટ અપ્સ માટેનું ભંડોળ સિડબી મારફતે 40 અલગ અલગ વેન્ચર કૅપિટલ ફંડને આપવામાં આવે છે અને એ ફંડ સ્ટાર્ટ અપ્સને ભંડોળ પહોંચાડે છે. આમ, અત્યાર સુધીની સરકારી પ્રથાની જેમ આડતિયાઓને વચ્ચે લાવવામાં આવ્યા છે. સિડબીનું 2,000 કરોડ રૂપિયાનું ભંડોળ આ આડતિયાઓ મારફતે આશરે 200 સ્ટાર્ટ અપ્સને આપવામાં આવ્યું છે. તેનો અર્થ એવો થયો કે દરેક સ્ટાર્ટ અપને લગભગ 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વેન્ચર કૅપિટલ ફંડોએ વચેટિયા તરીકેની સેવા આપીને કેટલું કમિશન રળ્યું એના વિશે કોઈ કહી શકશે ખરું?
રમેશ અભિષેકે ઉક્ત ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે લીધેલા નિર્ણયો વિશે શંકા જવાનું કારણ એ છે કે તેમણે હિતોનો ટકરાવ થતો હોવા છતાં પોતાની દીકરીના સ્ટાર્ટ અપને સલાહકાર સંસ્થા તરીકે આગળ ધર્યું છે. આપણે અગાઉના બ્લોગમાં જોયું એમ, વનીસા અગરવાલ વકીલ છે અને તેમનું સ્ટાર્ટ અપ – થિંકિંગ લીગલ વેન્ચર કૅપિટલ ફંડને, એન્જલ ઇન્વેસ્ટર નેટવર્કને તથા સ્ટાર્ટ અપ્સને માર્ગદર્શન આપે છે. સ્ટાર્ટ અપ્સને ભંડોળ આપવા માટેની સર્વોચ્ચ સત્તા જેમના હાથમાં હોય એવી વ્યક્તિની દીકરી ભંડોળના લાભાર્થીઓને સલાહ આપે એ હિતોના ટકરાવનું સ્પષ્ટ ઉદાહરણ છે.
થિંકિંગ લીગલ વિશે કંપનીની વેબસાઇટ પર અપાયેલી માહિતી પરથી એ ટકરાવ વધુ સ્પષ્ટ થાય છે.
વેબસાઇટ પર કહેવાયું છેઃ ”કંપની (થિંકિંગ લીગલ) અનેક સ્ટાર્ટ અપ્સ અને એન્જલ ઇન્વેસ્ટરોની સાથે કામ કરે છે. અમે સ્ટાર્ટ અપ્સને તેમનો બિઝનેસ સ્થાપવા વિશે તથા તેનું માળખું કેવું હોવું જોઈએ, નિયમનકારી અનુપાલન કેવી રીતે કરવું, ટ્રેડમાર્ક અને પેટન્ટનું રજિસ્ટ્રેશન, ઈસોપ્સની વ્યવસ્થાના માળખા વિશે તથા અધિકારીઓને આપવાના વેતન વિશે સલાહ આપીએ છીએ. અમે સહ-સ્થાપકો, સલાહકારો, કર્મચારીઓ, વેન્ડરો, ડિસ્ટ્રિબ્યુટરો, ગ્રાહકો અને રોકાણકારો સાથેના કોન્ટ્રેક્ટના મુસદ્દા ઘડવામાં સહાય કરીએ છીએ. અમે સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરનારા એન્જલ ઇન્વેસ્ટરો અને એન્જલ ફંડો વતી તકેદારીનાં પગલાં લઈએ છીએ અને શેરધારકોના કરાર તથા શેરના ભરણાના કરાર વિશે વાટાઘાટો કરવામાં મદદ કરીએ છીએ.” (સ્રોતઃ http://thinkinglegal.in/about)
થિંકિંગ લીગલ જેના વિશે માર્ગદર્શન આપે છે એ બધાં કાર્યોને આખરી મંજૂરી આપવાનું કામ રમેશ અભિષેકનું ડિપાર્ટમેન્ટ કરે છે. દેખીતી વાત છે કે ‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’ જેવો આ ઘાટ છે.
હાલમાં સરકારી તંત્રમાં હજી મોટો હોદ્દો મેળવવાની કોશિશ કરી રહેલા રમેશ અભિષેકે કેવી રીતે સ્ટાર્ટ અપ્સ માટેની યોજનામાં દીકરીને લાભ કરાવ્યો એના વિશે વધુ માહિતી અપેક્ષિત છે.
(સંદર્ભઃ https://www.pgurus.com/dpiit-currency-printing-start-up-for-ramesh-abhishek-family/)
——————————————-