દેશમાં સરકારી બૅન્કોનો ઉપયોગ રાજકારણીઓએ પોતાના સ્વાર્થ સાધવા માટે જ કર્યો છે

તસવીર સૌજન્યઃ https://www.cfo-india.in

ભારત મનુષ્યબળ અને કુદરતી સ્રોતોની દૃષ્ટિએ સમૃદ્ધ ગણાય છે, પરંતુ એ સમૃદ્ધિ ક્યાંય નજરે ચડતી નથી. દર વર્ષે બજેટમાં ખાધ રહે છે અને વિદેશી રોકાણને આકર્ષવા માટે પગલાં ભરવામાં આવે છે. એક વર્ગનું કહેવું છે કે દેશમાં કાળાં નાણાંનું સર્જન થાય નહીં અને જનતાની બચતનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો વિદેશી નાણાં પર આધાર રાખવાની જરૂર નથી. દેશની કૉર્પોરેટ્સને હંમેશાં નાણાંની જરૂર પડે છે, પરંતુ તેનો ખર્ચ વધારે હોય છે. મૂડીબજાર પણ વિકસતું નથી. તેનું કારણ એ છે કે લોકોને હજી તેના પર વિશ્વાસ બેસતો નથી. બીજી બાજુ, અનેક પોન્ઝી સ્કીમ્સમાં લોકોનાં નાણાં ડૂબી જાય છે. નાણાં લઈને બેસી ગયેલા ડિફોલ્ટરોનો વાળ વાંકો થતો નથી અને તેને લીધે ખોટું કામ કરનારાઓને બળ મળે છે.

મૂડીબજારની અનેક ગેરરીતિઓમાં બ્રોકર વર્ગની પણ સંડોવણી નજરે ચડી છે. આવું જ એક કૌભાંડ હતું આઇપીઓ કૌભાંડ. આવાં ને આવાં અનેક કૌભાંડો થવા છતાં નિયમનકારી સંસ્થા સેબી સતત ઊંઘતી ઝડપાઈ છે. હાલમાં બે ઘટનાઓમાં તો સિક્યૉરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે સેબીને દંડિત કરવાનો વારો આવ્યો હતો. સેબીએ બે અલગ અલગ કિસ્સાઓમાં અયોગ્ય રીતે કાર્યવાહી કરી હતી. તેની બેદરકારી એટલી ગંભીર સ્વરૂપની હતી કે ટ્રિબ્યુનલે તેને દંડ કરવો પડ્યો હતો.

વર્તમાન યુગમાં ડેટાને બીજું સોનું અને ક્રૂડની ઉપમા આપવામાં આવી રહી છે અને એ કિંમતી વસ્તુની ચોરી થઈ હોવા છતાં એ ગુનાનો સોનું-ક્રૂડની ચોરી જેટલી ગંભીર પણ ગણવામાં આવતી નથી. એનએસઈ અને એમસીએક્સ એ બન્ને એક્સચેન્જોના લાઇવ ડેટા સંશોધનના નામે થર્ડ પાર્ટીને આપીને ઍલ્ગરિધમિક ટ્રેડિંગ સોફ્ટવેર વિકસાવાયું. એમાં પણ કેટલાક ગણ્યાગાંઠ્યા બ્રોકરોને બખ્ખાં થઈ ગયાં અને નુકસાન ખરા રોકાણકારોને થયું. અમેરિકા, સિંગાપોર અને બ્રિટન જેવા દેશોમાં આવા ગુના બદલ આકરી સજા કરવામાં આવે છે. હાલમાં જ બ્રિટિશ ઍરવેઝને ડેટાની ચોરી થવા બદલ 183 મિલ્યન પાઉન્ડનો વિક્રમી દંડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં એમ જોવા જઈએ તો કંપનીનો કોઈ દોષ ન હતો, કારણ કે હેકરોએ તેની વેબસાઇટ પર હુમલો કરીને ડેટા ચોરી કરી લીધો હતો. પૂરતી સલામતી વ્યવસ્થા નહીં કરવાને કારણે બ્રિટિશ ઍરવેઝે આવડો મોટો દંડ ચૂકવવાનો વારો આવ્યો, જ્યારે ભારતમાં તો એનએસઈ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માંથી સામે ચાલીને ડેટા આપવામાં આવ્યો. એ બન્ને કેસમાં ગેરરીતિ થઈ હોવાનું દેખાઈ રહ્યું હોવા છતાં સેબીએ મામૂલી દંડ કર્યો, જેને પછીથી સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે અટકાવી દીધો છે. સેબીએ કૉ-લૉકેશન કેસને ગુનાકીય ગણવાને બદલે ફક્ત કામકાજની ખામી ગણાવ્યો તેને લીધે તેનો કેસ નબળો રહ્યો અને ટ્રિબ્યુનલે તેના અમલની સામે આરોપીઓને રાહત આપી છે.

એમસીએક્સના કેસમાં પણ ડેટા બાબતે થયેલી ગેરરીતિ પર ઑડિટર ટી. આર. ચઢ્ઢાએ પ્રકાશ પાડ્યો હોવા છતાં તેમાં કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. ઉલટાનું, આવ ભાવ હરખા આપણે બેઉ સરખાની જેમ એનએસઈ અને એમસીએક્સનું મર્જર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ કામમાં પી. ચિદમ્બરમના મળતિયા સનદી અમલદારો સક્રિય હોવાનું કહેવાય છે. વ્હીસલબ્લોઅરની ફરિયાદમાં રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણનનાં નામ લેવાયાં છે.

આવી સ્થિતિમાં પી. ચિદમ્બરમની સાંઠગાંઠ ધરાવતા લોકોની બાબતે સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે છે. એ સત્ય બહાર લાવીને કાનૂનને તેનું કામ કરવા દેવાશે તો રોકાણકારોને મૂડીબજારમાં વધુ વિશ્વાસ બેસશે. વિદેશી રોકાણકારો પણ તેનાથી પ્રભાવિત થઈને રોકાણ કરવા પ્રેરાશે.

દેશમાં સરકારી બૅન્કોનો ઉપયોગ રાજકારણીઓએ પોતાના સ્વાર્થ સાધવા માટે જ કર્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પી. ચિદમ્બરમ કેન્દ્રીય નાણાપ્રધાન હતા એ સમયગાળામાં આ બૅન્કોની લોન એસેટ્સ ગણતરીને રોકાણકારોને પાણીના ભાવે આપી દેવાઈ હોવાનો આક્ષેપ થયો છે. એ લોન સસ્તા ભાવે લીધા બાદ તગડી કમાણી કરીને બીજાઓને વેચી દેવાઈ હતી. એ લોન એસેટ્સના વેચાણ બાબતે હજી સુધી કોઈ ફોરેન્સિક ઑડિટ કરવામાં આવ્યું નથી. આ બૅન્કોના અધિકારીઓ પર દબાણ લાવીને મોટી મોટી લોનો મંજૂર કરાવાઈ અને પછી જેમણે ડિફોલ્ટ કર્યો તેમને લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરી આપવામાં આવ્યું અને પરિસ્થિતિ વણસી ગઈ. પરિણામે, નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની અત્યંત ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. આ જ રીતે સતત ખેડૂતોની લોન માફ કરાવીને વગદાર લોકોને જ તેનો લાભ પહોંચાડવામાં આવ્યો હોવાનું જાણકારો કહે છે. તેને કારણે બૅન્કો માટે આમદની અઠન્ની ઔર ખર્ચા રૂપૈયા જેવી હાલત થઈ ગઈ.

મોદી સરકાર દેશમાં ગેરરીતિઓને અટકાવીને તથા દોષિતોની સાન ઠેકાણે લાવીને ક્યારે રોકાણકારોને આશ્વસ્ત કરી શકશે એ સવાલ ઊભો છે. આશા રાખીએ કે જલદી જ તેનો ઉત્તર મળશે.

————-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s