સમગ્ર જગતમાં નાણાકીય સ્થિતિ નબળી બની અને અર્થતંત્રો નબળાં પડ્યાં ત્યારે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ કરી રહેલું અર્થતંત્ર બન્યું હતું. આમ છતાં દેશની નાણાકીય સિસ્ટમમાં થયેલાં અનેક કૌભાંડોને લીધે આજની તારીખે દેશના અર્થતંત્રની મજબૂતી અને સ્થિરતા સામે સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિમાં અત્યારે દેશના નાગરિકોનો નાણાકીય સિસ્ટમમાંથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. એ વિશ્વાસને ફરી સ્થાપિત કરવાની જરૂર ઊભી થઈ છે તેને અનુલક્ષીને આપણે આજથી તેની ચર્ચા શરૂ કરી છે.

વર્તમાન સમયની ભારતની સૌથી મોટી સમસ્યા નાણાકીય ક્ષેત્રની છે અને તેનો હલ લાવવા માટે દેશવાસીઓએ નરેન્દ્ર મોદી સરકાર પાસેથી આશા રાખી છે. સરકાર જાણે છે કે જનતાએ પોતાને કનડતી સમસ્યાઓના હલ લાવવા માટે જ ભરીભરીને મત આપ્યા છે અને તેથી જ તે એ પણ જાણે છે કે કોઇક રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવો અત્યંત આવશ્યક છે.
હાલમાં પ્રગટ થયેલા એક સમાચારે લોકોની આ આશાને બળ આપ્યું છે. આઇએનએક્સ મીડિયા કેસમાં વિશેષ અદાલતે ઇન્દ્રાણી મુખર્જીને તાજના સાક્ષી બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સંડોવતા આ કેસમાં મુખર્જી તાજના સાક્ષી બની જતાં હવે અનેક ભાંડા ફૂટવાની શક્યતા નિર્માણ થઈ છે.
બીજી બાજુ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) પણ નાણાકીય ક્ષેત્રની અનેક સમસ્યાનું મૂળ ગણાતા પી. ચિદમ્બરમના નેટવર્કમાંના ચાર અમલદારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની મંજૂરી માગી રહ્યું છે. આ બન્ને ઘટનાઓ નિર્દેશ કરી રહી છે કે નાણાકીય કૌભાંડોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા લોકો પર આગામી દિવસોમાં તવાઈ આવવાની છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી મુદત દરમિયાન કહ્યું હતું કે “દિલ્હીમાં લાગવગ અને ઓળખાણોનો લાભ લઈને કૌભાંડો આચરનારાઓ હવે સુખેથી સૂઈ નહીં શકે.” એ વિધાનને અનુલક્ષીને ઉક્ત બન્ને ઘટનાઓ અર્થસૂચક બને છે.
જાણકારો તો કહે છે કે કાર્તિ ચિદમ્બરમ માટે આઇએનએક્સ મીડિયામાં સંકળાયેલી 10 લાખ ડૉલરની રકમ ઘણી નાની કહેવાય. જો કે, જ્યાં સુધી કાયદાનો સવાલ છે ત્યાં સુધી 1,000 ડૉલર અને 10 લાખ ડૉલર વચ્ચે કોઈ ફરક હોતો નથી. આમ છતાં, નાણાં મંત્રાલયમાં બેઠેલા વગદાર અમલદારોએ સીબીઆઇની વિનંતીને હજી સુધી ગાંઠી નથી. તેનું એક કારણ આપણે વાત કર્યા પ્રમાણે એ છે કે જો એકની સંડોવણી બહાર આવશે તો બીજા પણ અનેક તેમાં તણાઈ જશે અને તેની સાથે સાથે તેમના રાજકારણી મિત્રોનાં ભોપાળાં પણ બહાર આવશે. આવી સ્થિતિમાં મોદી સરકારે કડક હાથ કામ લેવું જરૂરી બન્યું છે.
પી. ચિદમ્બરમના નેટવર્કનો ભાગ ગણાતા ચાર અધિકારીઓની સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે હજી વિલંબ થશે તો કેન્દ્રીય દક્ષતા પંચ (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી) અને ગૃહ મંત્રાલય એ બાબતને ગંભીરતાથી લેશે અને આખરે એ મંજૂરી લેવામાં આવશે, કારણ કે વડા પ્રધાને આપેલા વચનનું મૂલ્ય દિવસે ને દિવસે ઘસાઈ રહ્યું છે.
કહેવાય છે કે પી. ચિદમ્બરમની સાથે સંકળાયેલા અમલદારોએ ઘણા આર્થિક તથા અન્ય લાભ મેળવ્યા છે. નાણાકીય સિસ્ટમમાં ક્યાંય પણ ગોટાળા થાય ત્યારે તેને કૌભાંડ ગણવાને બદલે કામકાજની ખામી ગણાવવામાં આવે છે, પછી એ હર્ષદ મહેતાનું કૌભાંડ હોય કે પછી એનએસઈનું કૉ-લૉકેશન કૌભાંડ હોય. સેબીએ હાલમાં કૉ-લૉકેશન કેસમાં પણ કૌભાંડ નહીં, પણ કામકાજની ખામી રહી ગઈ હોવાનું કહ્યું છે.
સ્ટૉક એક્સચેન્જનો લાઇવ ડેટા અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે અને એ કોઈને આપી દેવાય નહીં, છતાં એનએસઈએ રિસર્ચના નામે એ ડેટા થર્ડ પાર્ટીને આપ્યો, જેણે ઍલ્ગરિધમિક ટ્રેડિંગ માટે સોફ્ટવેર વિકસાવીને ગણ્યાગાંઠ્યા બ્રોકરોને લાભ કરાવ્યો. અમુક લોકોના સ્વાર્થને લીધે મોટાભાગના રોકાણકારોને તથા બજારની વિશ્વસનીયતાને નુકસાન કરાવવામાં આવ્યું તેને લગતી વિગતો વ્હીસલબ્લોઅરે સેબીને મોકલાવી હોવા છતાં એ સમયના સેબીના વડા યુ. કે. સિંહાએ તેને સુધારી લેવા માટે કોઈ પગલું ભર્યું નહીં. છેલ્લે સેબીએ હાલમાં જે કાર્યવાહી કરી તેની સામે સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે વચગાળાની રાહત આપી દીધી અને હવે એ કેસ વિશે ક્યાંય વાત પણ થઈ રહી નથી.
પી. ચિદમ્બરમ વર્ષો સુધી વગદાર સ્થિતિમાં રહ્યા છે. તેમનો ઉલ્લેખ આવ્યા બાદ વાત જલદી પૂરી થતી નથી. આથી જ આપણે આ વિષયમાં આવતા વખતે આગળ વધીશું.
———————