જેમણે ‘મેક ઈન ઈન્ડિયા’નું સફળ સર્જન દસ વરસ પહેલાં જ કરી નાખ્યું હતું, તેમને કરાયેલો અન્યાય આજે પણ સવાલ બનીને ઊભો છે!

યહ ક્યા હો રહા હૈ? દેશમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં એક પછી એક ગરબડ-ગોટાળા બહાર આવી રહ્યા છે. કૉર્પોરેટસ જાયન્ટ હોય કે બૅન્કો હોય અથવા નોન-બૅન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ હોય, છેલ્લા કેટલાક સમયથી બધે જ જાણે ગરબડ ચાલતી હોય એ રીતનો માહોલ જોવા મળે છે. ક્યાંક કોઈ વ્યક્તિ, ક્યાંક મૅનેજમેન્ટ પોતે, ક્યાંક અધિકારીઓ, ક્યાંક ઓડિટર્સ સાથેની મિલિભગતનાં કારસ્તાન જોવાયાં છે. ચાલો, પહેલાં કેટલાંક નામાંકિત નામોની અને તેમનાં કારનામાની ઝલક જોઈ લઈએઃ
આઈસીઆઈસીઆઈ બૅન્ક, આઈએલઍન્ડએફએસ, ઝી-એસ્સેલગ્રુપ, એસ્સાર-રુઈયા ગ્રુપ, અનિલ અંબાણી ગ્રુપ, મેહુલ ચોક્સી, નીરવ મોદી, વિજય માલ્યા, મનપસંદ બિવરેજીસ, ડીએચએફએલ (દીવાન હાઉસિંગ ઍન્ડ ફાઇનાન્સ લિ.), ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, વગેરે. આમાં કેટલાંક મ્યુચ્યુઅલ ફંડનાં નામ પણ આંશિક અપરાધી તરીકે આવી શકે, જેમણે આવાં સાહસોમાં ખોટાં રોકાણ કર્યાં, આવી કંપનીઓને તેના શેર સામે ધિરાણ આપ્યાં અને વિશાળ રોકાણકાર વર્ગનાં નાણાં મુસીબતમાં મૂક્યા છે. હાલમાં આ યાદીમાં કાર્વી વેલ્થ મૅનેજમેન્ટ પ્રાઇવેટ કંપનીનું નામ ઉમેરાયું છે, જેના ઉચ્ચ અધિકારીઓ સામે રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપસર પોલીસ ફરિયાદ ફાઇલ થઈ છે.
આ બધા અપરાધીઓનું શું?
વધુ ભૂતકાળમાં જવાની જરૂર નથી, છેલ્લા થોડા વખતના જ કિસ્સાઓ જોઈએ. આઇસીઆઇસીઆઇ બૅન્ક-ચંદા કોચર અને વિડિયોકોન-ધૂત (બૅન્કનાં નાણાં સાથે ગેરરીતિ-પક્ષપાત – ફેવર), પંજાબ નૅશનલ બૅન્ક અને નીરવ મોદી-મેહુલ ચોક્સી (બૅન્કનાં નાણાં પરત કરવામાં છેતરપિંડી અને ડિફોલ્ટ કરીને દેશની બહાર નાસી જવું), એ પહેલાં વિજય માલ્યાએ કંપની ડુબાડી, બૅન્કોના વિલફુલ ડિફોલ્ટર બન્યા, જેમને હવે ભારત લાવવાની કવાયત ચાલુ છે. ગુજરાતની કંપની મનપસંદ બિવરેજીસ, જેના પ્રમોટરની હાલમાં જીએસટી કૌભાંડ કર્યુ હોવાના આરોપસર ધરપકડ થઇ હતી. આ શેરના ભાવ પણ કડડભૂસ થયા હતા. જેટ એરવેઝને ડુબાડનાર ગોયલ સાહેબ, (જે દેશ છોડી જવાના ચક્કરમાં હતા, પરંતુ ઍરપોર્ટ પર રોકી દેવાયા), અનિલ અંબાણીની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સતત સંઘર્ષ કરી રહી છે, તેઓ દેવાના ડુંગર હેઠળ ચગદાઈ ગયેલી સ્થિતિમાં છે. તેમની કંપનીઓના શેરના ભાવ ક્યાં છે એ કહેવાની જરૂર છે? રિલાયન્સ પાવરથી માંડીને આરકોમ સુધીના શેરધારકોને ગયેલી કરોડોની ખોટનું શું? જો કે તાજેતરમાં અનિલ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેમણે અત્યાર સુધીમાં 35,000 કરોડનું દેવું ચૂકવી દીધું છે અને તેમની કંપનીઓ અફવાઓનો વધુ ભોગ બની છે. બીજા ગોયલ સાહેબ ઝી-એસ્સેલ ગ્રુપવાળા. તેમનાં સાહસોમાં પણ અત્યારે તો રોકાણકારોના ભાગે મહદ્ અંશે નાહી નાખવાનું આવ્યું છે યા મૂડીધોવાણ સહન કરવાનું આવ્યું છે. જેટ માટે તો આખરે નાદારી કોર્ટમાં જવાની નોબત આવી છે.
વ્હીસલબ્લોઅરની ભૂમિકા
આ પછી લેટેસ્ટમાં બહાર આવ્યો દીવાન હાઉસિંગ ઍન્ડ ફાઇનાન્સ લિ.નો કિસ્સો, જેની પણ ચર્ચા જોરમાં રહી છે. આ ઉપરાંત ઇન્ડિયાબુલ્સ સામે 98,000 કરોડની જંગી રકમ આડે પાટે ચડાવી દેવાનો આરોપ છે. આ બધાં પોતાના બચાવમાં કંઈક ને કંઈક ખુલાસા જરૂર કરે છે, કરવા પણ પડે. પરંતુ સત્યનું શું? હકીકત તો સૌની સામે છે. આ કંપનીઓનાં કારનામાંને કારણે દેશને, શેરધારકોને, રોકાણકારોને, બૅન્કોને અને મ્યુચ્યુઅલ ફંડ્સને નુકસાન થયું હોવાનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી. આ બધાંમાં ક્યાંક તેમના ઓડિટર્સ પણ જવાબદાર કહી શકાય. આમાંથી અમુક કિસ્સામાં તો વ્હીસલબ્લોઅરે સ્કેમ બહાર પાડયું હતું. આ હકીકતને ધ્યાનમાં રાખીને તો સેબીએ તાજેતરમાં વ્હીસલબ્લોઅર માટે એક કરોડ રૂપિયા સુધીના જંગી ઈનામની જાહેરાત પણ કરી છે. એનાં ચોક્કસ ધોરણો ઘડ્યાં છે. તેમની સલામતી માટે ગુપ્તતાની જોગવાઈ પણ કરી છે.
એનએસઈ કો-લોકેશનનાં કદ અને કરામત
આ બધા વચ્ચે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના મહાકાય કૉ-લૉકેશન સ્કેમને કઈ રીતે ભૂલી શકાય? તેમાં 50થી 60 હજાર કરોડની રકમ સંડોવાઈ હોવાનો આક્ષેપ છે. એક્સચેન્જના અધિકારીઓની કથિત મિલિભગતથી કે પછી બેદરકારી-બેજવાબદારીથી આ સ્કેમ થયું હતું, જેમાં અમુક ગણ્યાગાંઠયા લોકો લાભ લઈ ગયા અને તેમને કારણે લાખો રોકાણકારો અને સેંકડો બ્રોકરો નુકસાનીમાં રહ્યા. સેબીએ આ કેસમાં બહુ દબાણ બાદ ઍક્શન લેવી પડી, પરંતુ કરુણતા એ છે કે સેબીએ આ ઍક્શન દેખાડવા પૂરતી લીધી હોવાનું વધુ લાગે છે. આમાં તો ભૂતપૂર્વ નાણાપ્રધાન (પી. ચિદમ્બરમ)નું નામ પણ સંડોવાયેલું છે. તેમ છતાં, કે પછી તેથી જ, ભાઈઓને જલસા છે. આ કેસમાં એક્સચેન્જને 1000 કરોડની ઉપરની તો પેનલ્ટી થઈ છે. આમાં પણ ઘટસ્ફોટ કરાવનાર વ્હીસલબ્લોઅર છે અને એક્સચેન્જ તથા તેના અધિકારીઓ સામે ઍક્શન લેવા માટે સેબી પર દબાણ લાવનાર જાહેર હિતના અરજદાર છે. હાલ તો આ કેસમાં એક જાહેર હિતની અરજીને કારણે સીબીઆઈ પણ તપાસ કરી રહ્યું છે.
વ્હાઈટકોલર ક્રાઈમ
દુઃખદ વાત એ છે કે આવાં સ્કેમ બુદ્ધિશાળી વર્ગ (વ્હાઈટ કોલર) અર્થાત્ ઈન્ટેલેક્ચ્યુઅલ લોકો દ્વારા થાય છે અને તેથી વધુ ટેક્નિકલ સ્વરૂપનાં હોય છે, પરિણામે, સામાન્ય માણસોમાં તેની ખાસ ચર્ચા થતી નથી. મિડિયા પણ તેમાં ક્યાંક દબાણને લીધે આંખમિંચામણાં કરે છે. સરકારને આવી મોટી સંસ્થાનું નામ ખરાબ થાય તો દેશના નામનું શું થશે? એવી ચિંતા હોય છે. જો કે, સરકાર એ નથી સમજતી કે આવાં સ્કેમ વિદેશીઓથી છૂપાં રહી શકતાં નથી. ઉલ્ટાનું, યોગ્ય ઍક્શન નહીં લેવાથી દેશની નિયમનકારી સંસ્થાઓનું નામ ખરાબ થાય છે.
સરકાર અને નિયમન સંસ્થાની ઍક્શન સામે સવાલ
ખૈર, જો આ જ ન્યાય અને મૂલ્યો કે નીતિ હોય તો, સવાલ એ ઊઠે છે કે નૅશનલ સ્પોટ એક્સચેન્જના કિસ્સામાં એ સમયની સરકારે – નિયમનકારી સંસ્થાએ આટલી આકરી ઍક્શન કેમ લીધી? એ પણ ખરા અપરાધીઓને બદલે માત્ર એ એક્સચેન્જના એવા સ્થાપક સામે, જેણે દેશમાં અન્ય વધુ ચાર એક્સચેન્જ સ્થાપ્યાં હતાં અને તેમને નવી ઉંચાઈ અપાવી હતી. તેમણે ચાર એક્સચેન્જ વિદેશોમાં પણ સ્થાપીને સફળ બનાવ્યાં હતાં. તેમની સફળતાને લીધે દેશનું નામ રોશન થયું હતું.
જિજ્ઞેશ શાહના નામના આ સાહસિકે અનેક સાહસોને સફળ બનાવ્યાં, છતાં શા માટે તેમની પાસેથી એ લઈ લેવામાં આવ્યાં? એ પણ કોર્ટમાં ચુકાદા આવે તે પહેલાં? આને એ સમયના નિયમનકારની સક્રિયતા કહીએ કે બદઈરાદો? કારણ કે આ નિયમનકાર-ફોરવર્ડ માર્કેટ કમિશનના એ સમયના ચૅરમૅન રમેશ અભિષેક તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમના સાથી હતા. જિજ્ઞેશ શાહ જેને સ્પર્ધામાં હંફાવી અને હરાવી રહ્યા હતા તેવા એનએસઈની રક્ષા કરવા માટે જિજ્ઞેશ શાહનાં સાહસોને બંધ કરાવી દેવાનો કે તેમની પાસેથી લઈ લેવાનો કારસો રચાયો હતો એવી સર્વત્ર ચર્ચા છે. આ ચર્ચા આજે છ વરસ થવા આવ્યાં છે ત્યારે પણ ચાલી રહી છે. એક્સચેન્જ બિઝનેસમાંથી જિજ્ઞેશ શાહની વિદાય બાદ એક્સચેન્જીસની પ્રગતિ કેવી છે એ કહેવાની જરૂર છે ખરી? એ બધાં એક્સચેન્જ વિકાસ માટે ફાંફાં મારી રહ્યાં છે.
એનએસઈ અને એનએસઈએલ
ઉપરના કેસોમાં રોકાણકારોને અને સરકારને (બૅન્કોને) ગયેલા નુકસાનની રકમનો આંકડો માંડવામાં આવે તો એ એનએસઈએલના રૂ।. 5,600 કરોડના આંકડા કરતાં અનેકગણો મોટો થાય. આ 5,600 કરોડ જિજ્ઞેશ શાહ કે તેમની કંપની પાસે ગયા નથી, ડિફોલ્ટર્સ ઓહિયા કરીને બેઠા છે. એનએસઈ કૉ-લૉકેશન અને એનએસઈએલ ક્રાઈસિસની તુલના કરવામાં આવે તો ક્યાં એનએસઈના 50,000-60,000 કરોડ અને એનએસઈએલના 5,600 કરોડ. એનએસઈએલના ડિફોલ્ટર્સ પાસેથી નાણાંની રિકવરી થઈ શકે છે.
કૉર્પોરેટ્સ કૌભાંડોના આંકડાની માંડણી કરીએ તો ક્યાં પહોંચે? તેમ છતાં નિયમન સંસ્થા વાતો માત્ર કૉર્પોરેટ ગવર્નન્સની કરે અને કૉર્પોરેટ અપરાધીઓ સામે ઍક્શન લેવાની આવે ત્યાં ઢીલું પડી જાય. કારણ કે તેમાં મોટાં માથાં છે, મોટા હાથ છે.
સત્યની લડાઈ ચાલુ છે
આમાં એનએસઈએલ-એફટી સિવાયની તમામ કંપનીઓએ અને તેમના પ્રમોટર્સે ઈરાદાપૂર્વક ગરબડ કરી હોવાનું કહી શકાય એમ છે, અદાલતે-કાનૂને તેમને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા છે. આ કેસો નાદારીમાં પણ ગયા છે. આમાંથી કેટલાં નાણાંની રિકવરી થશે એ પણ નક્કી નથી. જ્યારે આની સામે એનએસઈએલના કેસમાં આજે પણ નાણાંની રિકવરી સંભવ છે. અમુક એસેટ્સના લિલામ દ્વારા રિકવરી કરવા માટેની ડિક્રી પણ આવી ગઈ છે. લિલામ માટે અદાલતના આદેશની રાહ જોવાઈ રહી છે. ઉપરાંત, આ કેસમાં હકીકતમાં રોકાણકારો નામના હતા. તેઓ ખરેખર તો ટ્રેડર્સ હતા. તેમ છતાં તે એક્સચેન્જની પૅમેન્ટ ક્રાઈસિસ માટે ઍક્શન મેક ઈન ઈન્ડિયાના સફળ સર્જક સમાન સ્થાપક-પ્રમોટરની સામે જ લેવાઈ છે. આને ન્યાય કઈ રીતે કહેવાય? આમાં વિશ્વાસ ક્યાંથી બેસે? અલબત્ત, આ સાહસિક આજે પણ ન્યાય અને સત્ય માટે લડત ચલાવી રહ્યા છે અને આ સત્યને આધારે તાજેતરમાં જ તેમણે સુપ્રીમ કોર્ટમાંથી એક જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે અને તેને તેમણે સત્યમેવ જયતે કહ્યો છે. આ લડાઈ હજી ચાલુ છે, કેમ કે તેમાં સત્ય છે અને અન્ય સાહસિકો માટે બહુ બધી પ્રેરણા છે.
————————–