શું એનએસઈએલ કેસમાં રખાયેલી બેદરકારી અને શંકાસ્પદ બદઈરાદો રમેશ અભિષેકને ભારે પડશે?

આખરે રમેશ અભિષેક વિરુદ્ધ કેન્દ્રીય દક્ષતા પંચ (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી)ની તપાસ શરૂ થઈ ગઈ છે. ત્રણ સપ્તાહ પછી પંચ મદ્રાસ વડી અદાલતમાં તેનો અહેવાલ પણ રજૂ કરશે.

ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ ચૅરમૅન અને હાલના ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી પદે કાર્યરત રમેશ અભિષેક વિરુદ્ધ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડે મદ્રાસ વડી અદાલતમાં રિટ અરજી કરી છે. આ સનદી અધિકારીએ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – એફટીઆઇએલ)માં તેની પેટા કંપની નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)નું મર્જર કરવા માટે કરેલી ભલામણ અઘટિત અને બદઈરાદાપૂર્વકની હતી એવું એ અરજીમાં કહીને તેના વિશે સીવીસી દ્વારા તપાસ થવી જોઈએ એવી દાદ માગવામાં આવી છે.

લાઇવમિન્ટ અને ગુજરાતી વ્યાપારમાં પ્રગટ મુજબ મદ્રાસ વડી અદાલતે કેન્દ્રીય દક્ષતા પંચ પાસેથી ત્રણ સપ્તાહની અંદર સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે.

મર્જરની ભલામણ કરવા માટે એ સમયની નિયમનકાર સંસ્થા એફએમસીને કોઈ કારણ ન હતું એવું 63 મૂન્સે કેન્દ્રીય દક્ષતા પંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે.

યાદ રહે, રમેશ અભિષેકની ભલામણના આધારે કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે મર્જરનો આદેશ બહાર પાડ્યો હતો, જેને ગત 30મી એપ્રિલે સર્વોચ્ચ અદાલતે રદ જાહેર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે મર્જરના આદેશને જનહિત સાથે કોઈ લેવાદેવા નથી. તેણે તો એટલે સુધી કહ્યું હતું કે ખાનગી ટ્રેડરોના હિતને જનહિતનો પ્રશ્ન કહી શકાય નહીં.

પંચને કરાયેલી ફરિયાદમાં 63 મૂન્સે કહ્યું છે કે રમેશ અભિષેકે મર્જર કરાવવા સંબંધે સરકારને ગેરમાર્ગે દોરી હતી.

એનએસઈએલ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ તપાસ કરી છે. એ એક્સચેન્જની પૅમેન્ટ કટોકટીમાં બ્રોકરો પણ સંડોવાયેલા હતા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એવું જણાવતો અહેવાલ ઈઓડબ્લ્યુના તત્કાલીન વડા રાજવર્ધન સિંહાએ એફએમસીને મોકલ્યો હતો, પરંતુ રમેશ અભિષેકે તેના સંબંધે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો તેમની વિરુદ્ધ આક્ષેપ છે. વર્ષ 2014માં એ અહેવાલ રમેશ અભિષેકને સુપરત થયો હતો, પરંતુ તેમણે એ દબાવી રાખ્યો હતો એવો આરોપ છે. સેબીએ જ્યારે એનએસઈએલ કેસમાં અદાલતમાં એફિડેવિટ રજૂ કરી ત્યારે એ અહેવાલ પ્રકાશમાં આવ્યો હતો. પોતે અહેવાલ કેમ જાહેર કર્યો નહીં અને કેમ પગલાં લીધાં નહીં એ વિશે રમેશ અભિષેકે કોઈ ખુલાસો કર્યો નથી.

આ સરકારી અમલદાર વિશે આપણે હાલમાં વાત કરી. જેમાં સત્વરે નિવેડો આવી શકતો હતો એ એનએસઈએલ કેસને તેમણે જ વધારે વકરાવ્યો અને 63 મૂન્સ ટેક્નૉલૉજીસ (તત્કાલીન એફટીઆઇએલ)ને નુકસાન થાય એ રીતે તેનો ઉપયોગ કર્યો. એ બદઈરાદાપૂર્વકની ચાલ હતી એમ કહીને 63 મૂન્સ ટેક્નૉલૉજીસે તેમની વિરુદ્ધ નુકસાનીનો 10,000 કરોડ રૂપિયાનો ખટલો પણ માંડ્યો છે.

રમેશ અભિષેકે કેસને હલ કરવાને બદલે ગૂંચવ્યો તેને પગલે એફટીઆઇએલની પાસે પરાણે બધાં એક્સચેન્જોમાંથી હિસ્સો વેચાવી કઢાયો અને દેશની ઓરિજિનલ મેક ઇન ઇન્ડિયા સ્ટોરીને ભરી ન શકાય એટલું નુકસાન થયું એવું જાહેરમાં ચર્ચાય છે.

રમેશ અભિષેકના ચૅરમૅન પદ હેઠળ જ એફએમસીએ એનએસઈએલ કેસની કટોકટી બાદ બ્રોકરો, ડિફોલ્ટરો અને ટ્રેડરો સાથે બેઠક યોજી હતી. એ બેઠકમાં ડિફોલ્ટરોએ પોતાની 5,600 કરોડ ચૂકવવાની જવાબદારી સ્વીકારી લીધી હતી. રમેશ અભિષેકે પોતે તેની જાહેરાત પણ કરી હતી. જો કે, સરકારે નીમેલી સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (એસએઆઇઓ) જ્યારે એ બેઠકની મિનટ્સ માગી ત્યારે તેને કહેવામાં આવ્યું કે એ ફાઇલ ગુમ થઈ ગઈ છે.

નિયમનકાર કટોકટીને હલ કરવાને બદલે વધારે ગૂંચવી નાખે, જેની જવાબદારી છે એવા લોકોની કબૂલાતને લગતી ફાઇલ ખોઈ નાખે, પોલીસે આપેલો અહેવાલ જાહેર કરે નહીં એ બધી બાબતો રમેશ અભિષેકની વિરુદ્ધ ગઈ હોય એવું લાગે છે. આથી જ મદ્રાસ વડી અદાલતે 63 મૂન્સ ટેક્નૉલૉજીસની ફરિયાદને ગંભીરતાથી લઈને સીવીસીને તપાસ કરવાનું કહીને ત્રણ સપ્તાહ બાદ સ્ટેટસ રિપોર્ટ પણ માગ્યો છે. રમેશ અભિષેક હજી પણ સરકારી અમલદાર તરીકે મહત્ત્વનો હોદ્દો ધરાવે છે તેથી કેબિનેટ સેક્રેટરીએ પણ તેમની સામેની ફરિયાદ સબબ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

—————————————–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s