લેખકઃ શૈલેષ શેઠ

ગયા વખતની પોસ્ટમાં આપણે 1948ના કૃષ્ણમેનનના બહુચર્ચિત જીપ કૌભાંડની વાત કરી હતી. આઝાદ ભારતમાં પંડિત નહેરુનાં 17 વર્ષનાં શાસન દરમિયાન જીપ કૌભાંડ (1948), મુદગલ કેસ (1951), મુન્દ્રા ડીલ્સ (1957-58), કે. ડી. માલવિયા કૌભાંડ (1960), ધર્મતેજા લોન કૌભાંડ, (1960), સાયકલ કૌભાંડ (1961) અને પંજાબના મુખ્ય પ્રધાન પ્રતાપસિંહ કૈંરોને સંડોવતું કૌભાંડ (1963) જેવાં મોટાં કૌભાંડો થયાં.
સાવ ટૂંકા સમયગાળામાં એક પછી એક કૌભાંડના પર્દાફાશનો સામનો કરી રહેલા નહેરુનો ભ્રષ્ટાચાર પ્રત્યે શો અભિગમ હતો? પંજાબના બિનસામ્યવાદી વિપક્ષો દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ પ્રતાપસિંહ કૈરોં વિરુદ્ધ જ્યારે આરોપનામું રજૂ કરવામાં આવ્યું ત્યારે નહેરુએ આ પ્રતિભાવ આપ્યો હતોઃ “સુપ્રીમ કોર્ટનો કોઈ હકીકત આધારિત પ્રશ્ન પર વિપરીત ચુકાદો હોય તો શું કેવળ એ કારણથી મુખ્ય પ્રધાને રાજીનામું ધરી દેવું જોઈએ કે નહીં એ પ્રશ્ન અહીં ઉદ્ભવે છે. પ્રધાનો સામૂહિકપણે ધારાસભાને જવાબદાર હોય છે. પરિણામે, આ સમગ્ર મુદ્દો ધારાસભાને સ્પર્શે છે, તેથી નિયમ પ્રમાણે જ્યાં સુધી બહુમતી દ્વારા ધારાસભા કોઈ પ્રધાનને હટાવવાનો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી કોઈ પણ પ્રધાનને (હોદ્દા પરથી) હટાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.”
નિર્વિવાદપણે, નહેરુના વડા પ્રધાન તરીકેના સમયગાળા દરમિયાન સ્વતંત્ર ભારતના જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનાં મૂળિયા નખાયાં. ભ્રષ્ટાચાર પ્રત્યેની નહેરુની સહિષ્ણુતા(?)એ આ સમસ્યાને લગભગ કાયમી અને કાયદેસર રૂપ આપ્યું. નહેરુની બળૂકી પુત્રી (સ્વ.) ઈન્દિરા ગાંધીએ દેશના વડા પ્રધાન અને પક્ષના પ્રેસિડેન્ટ આ બંને હોદ્દા પર રહીને ભ્રષ્ટાચારને એક સંસ્થાકીય રૂપ આપ્યું. આ બન્ને હોદ્દા સ્વહસ્તક હોવાથી ઈન્દિરા ગાંધી પક્ષના નાણાભંડોળ પર સંપૂર્ણ કાબૂ ધરાવતા હતાં. જેમાંથી છેવટે રાજકારણમાં નાણાંની શક્તિ (મની પાવર)નો ઉદય થયો.
નહેરુ પછી સ્વ. ઈન્દિરા ગાંધી, સ્વ. રાજીવ ગાંધી અને સ્વ. નરસિંહ રાવના વડા પ્રધાન તરીકેના સમયગાળા દરમિયાન પણ અનેક કૌભાંડો ગાજ્યાં. આનો અર્થ એ નથી કે કૉંગ્રેસ સિવાય અન્ય પક્ષ (મુખ્યત્વે બીજેપી) જ્યારે સત્તા પર રહ્યો છે ત્યારે કોઈ કૌભાંડ નથી થયાં, પણ સ્વતંત્રતા પછીના છ દાયકામાં મોટે ભાગે કૉંગ્રેસ પક્ષ અથવા એનું વર્ચસ્વ ધરાવતી ગઠબંધન સરકાર જ સત્તા પર હોવાથી એ સમયગાળા દરમિયાન થયેલા કૌભાંડોની સંખ્યા અને એનો વ્યાપ્ત ઊડીને આંખે વળગે છે, જો કે, એક બાબત દીવા જેવી સ્પષ્ટ છે, જ્યારે પણ કેન્દ્ર સ્તરે કે રાજ્ય સ્તરે કોઈ કૌભાંડનો પર્દાફાશ થાય અને શાસક પક્ષને – કૉંગ્રેસ કે અન્ય પક્ષ – ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરવાનો આવે ત્યારે એનો અભિગમ બહુધા નહેરુના અભિગમ જેવો જ રહ્યો છે. જાહેર જીવનમાં પ્રામાણિકતા માટે જે દેશમાં આટલી હદે ઉદાસીનતા પ્રવર્તતી હોય, સત્ય માટે જ્યાં કોઈ પ્રકારની ખેવના ન હોય એ દેશમાં સરકારી તંત્ર ભ્રષ્ટ અધિકારીઓથી, રાજકીય ક્ષેત્ર લાંચિયા અને સત્તાપિપાસુ રાજકારણીઓથી અને વ્યાપાર- ઉદ્યોગ ધુતારા અને છળકપટી લોકોથી ખદબદે એમાં શી નવાઈ? જ્યારે સત્તાસ્થાને બિરાજેલા જ ભ્રષ્ટ હોય અથવા સીધી યા આડકતરી રીતે ભ્રષ્ટાચારને અનુમોદન આપતાં હોય ત્યારે પ્રજામાં ભ્રષ્ટાચાર પ્રત્યે કોઈ ચીડ કે વિરોધની અપેક્ષા રાખી શકાય ખરી? પરિસ્થિતિ વણસતી જ ગઈ છે અને સ્વતંત્રતા પછીના છ દાયકામાં ભ્રષ્ટાચાર પ્રત્યે પ્રજામાં એટલી હદે ઉદાસીનતા વ્યાપી ગઈ છે કે એણે હવે આ (ભ્રષ્ટ) વ્યવસ્થા સાથે જ જીવવાનું શીખી લીધું છે. વ્યક્તિ અને સમાજને ટકાવી રાખતાં મૂલ્યો અને વ્યવસ્થા (સિસ્ટમ) વચ્ચેના મૂળભૂત સંગ્રામને કારણે ભારતીય રાજકારણ અત્યંત કમજોર પડ્યું છે. કાયદા અને નીતિમત્તાને અવગણીને અન્યને લાભ કરાવી શકવાની વ્યક્તિની ક્ષમતા પરથી જ એની કિંમત અંકાય છે. આ સઘળું આપણને કોઠે પડી ગયું છે અને તેથી જ ભારતીય સમાજમાં ભ્રષ્ટાચાર તરફ કોઈ સૂગની નજરે નથી જોતું. પારદર્શિતા, સહાનુભૂતિ, ઉત્તરદાયિત્ય, જાહેર જીવનમાં સચ્ચાઈ કે પ્રામાણિકતા અને સુશાસન કેવળ સૂત્રો બનીને જ રહી ગયાં છે. રાજકીય નેતાગીરીની ભ્રષ્ટાચાર સામે કોઈ પણ મક્કમ અને સૈદ્ધાંતિક વલણ અખત્યાર કરવાની નિષ્ફળતાને કારણે સમગ્ર વ્યવસ્થામાં જ એટલી હદે સડો પેઠો છે કે નક્કી કરવું અઘરું થઈ પડે કે આ વ્યવસ્થા જીવંત છે કે મરી પરવારી છે? આપણને પણ આ સડો સદી ગયો છે. એ કમનસીબી છે કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં આજે રાજકારણીઓનાં ટોળેટોળાં છે, પરંતુ દેશની પ્રજાને સબળ અને સાચું નેતૃત્વ પૂરું પાડી શકે એવો સમ ખાવા પૂરતો પણ એકેય રાજપુરુષ શોધ્યો જડતો નથી. જ્યોર્જ ઑરવેલના શબ્દોમાં કહીએ તો “હવામાં ગાબડાં” (Holes in the air) જેવા પોકળ નેતાઓ જ પ્રજાને મળ્યા છે.
રાજકીય ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટાચાર, સામાજિક દંભ, સ્થાપિત હિતોની વિસ્તરતી જાળ, પરિવર્તનોની વાત કરનારના આચારમાં દેખાતો ભેદ, સત્તાના પ્રલોભનમાં સત્યને અપાતો દેશવટો – વિચાર કરીએ તો મન ચકરાવે ચડી જાય એવા સંજોગો સ્વતંત્રતા પછીના છ દાયકામાં દેશમાં ઊભા થયા છે. ઘણા લાંબા સમય સુધી આ દેશ, બ્રિટિશ લેખક ઈ. એમ. ફોર્સ્ટરના શબ્દોમાં કહીએ તો પ્રજાના “અજાગૃત હૃદય” (‘Unawakensd Heart’)નો ભોગ બનતો રહ્યો છે. આ પ્રજા પાયાનાં પરિવર્તનો ઝંખી રહી છે, પરંતુ એ પરિવર્તનો લાવે કોણ? સભાનતા. કેવળ સભાનતા જ દેશમાં પાયાનાં પરિવર્તનો લાવી શકે. અણ્ણા હજારેએ પ્રજામાં આ સભાનતા આણી છે અને એના “અજાગૃત હૃદય”ને ઢંઢોળી ઢંઢોળીને જગાડ્યા છે. આ સભાનતા વીજળીના તારમાં ફરતી વીજળીની માફક દેશ આખામાં ફરી વળે એ માટે એક આઘાત કે આંચકો અનિવાર્ય હતો. પ્રજા જેને ઝંખી રહી છે એ પરિવર્તનોના અણ્ણા વાહક છે અને એણે જગાડેલી સભાનતાથી જ કદાચ દેશમાં પરિવર્તન આવશે. ઈતિહાસે જેની નોંધ લેવી જ પડશે એવા અણ્ણાના આ પ્રદાન અને બલિદાન માટે વર્તમાન પેઢી જ નહીં, આવનારી પેઢીઓ પણ ૠણી રહેશે. અણ્ણાનાં આ પ્રદાન અને બલિદાન એળે ન જાય એ જોવાની જવાબદારી સર્વથા આપણી છે. (લોકપાલ અને સિવિલ સોસાયટીના સંકલ્પના તથા જનલોકપાલ બિલના અમુક મહત્ત્વના મુદ્દા વિશે હવે પછી).
—————-