
છેલ્લા થોડા સમયથી આપણે આ બ્લોગમાં નાણાકીય ક્ષેત્રના જે મુદ્દાઓ છેડ્યા છે તેમાં એક વ્યક્તિનું નામ હંમેશાં કેન્દ્રમાં આવી જાય છે. હાલ તેઓ કેન્દ્ર સરકારમાં નથી, પરંતુ સમગ્ર નાણાકીય તંત્રમાં તેમની આણ પ્રવર્તતી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. સાથે જ અમલદારશાહીની વાત આવે તેમાં પણ તેઓ કોઈક રીતે કેન્દ્રમાં આવી જાય છે. આના પરથી એવો સવાલ ઉઠી શકે કે શું સમગ્ર દેશનું નાણાકીય તંત્ર અને અમલદારો આ વ્યક્તિના તાબા હેઠળ છે?

આ માણસને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ સામે 26 વખત અદાલતે રક્ષણ આપ્યું છે અને આ દેશના નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ ગણી શકાય એવા એનએસઈ કૉ-લૉકેશન કેસની સાથે તેમના છેડા કેવી રીતે અડે છે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. હાલમાં ફર્સ્ટપોસ્ટ વેબસાઇટ પરનો એક અહેવાલ https://www.firstpost.com/india/cvc-seeks-sanction-to-prosecute-ex-niti-aayog-ceo-former-msme-secretary-serving-ias-officer-in-inx-media-case-6851181.html) ફરી એક વખત લોકોને વિચારતાં કરી મૂકે એવો છે.
જી હા, અત્યાર સુધી જેમણે આ બ્લોગ સતત વાંચ્યો છે તેમને ખબર પડી ગઈ હશે કે અહીં વાત થઈ રહી છે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની. ઉક્ત અહેવાલ મુજબ કેન્દ્રીય દક્ષતા પંચે (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી) નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના ડિપાર્ટમેન્ટને એવા ત્રણ સનદી અધિકારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે મંજૂરી આપવાનું કહ્યું છે, જેઓ આઇએનએક્સ મીડિયાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું મનાય છે.
નોંધવું ઘટે કે આ જ કેસમાં પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને દિલ્હીની અદાલતે 26 વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ થવા સામે રક્ષણ આપ્યું છે. સીવીસીએ નીતિ આયોગના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સિંધુશ્રી ખુલ્લર, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અનુપ કે. પૂજારી તથા હિમાચલ પ્રદેશના હાલના વડા સચિવ પ્રબોધ સક્સેનાની સામે કામ ચલાવવા મંજૂરી માગી છે. તેણે વિનંતીપત્ર 13મી મેએ મોકલ્યો હતો. ખુલ્લર અને પૂજારી બન્ને નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે સક્સેના હજી સરકારીતંત્રમાં છે.
રેકર્ડ પરથી જાણવા મળે છે કે ખુલ્લર 11 એપ્રિલ, 2004થી 11 સપ્ટેમ્બર 2008 સુધી આર્થિક બાબતોના ખાતામાં અતિરિક્ત સચિવ હતા, પૂજારી 29 સપ્ટેમ્બર 2006થી 30 સપ્ટેમ્બર 2010 સુધી સંયુક્ત સચિવ હતા અને સક્સેના 2 એપ્રિલ, 2008થી 13 જુલાઈ, 2010 સુધી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરના હોદ્દા પર હતા.
ફર્સ્ટપોસ્ટ કહે છે કે સીવીસીએ જે સમયગાળામાં આઇએનએક્સ મીડિયાનો ભ્રષ્ટાચાર થયો એ ગાળામાં આર્થિક બાબતોના ખાતામાં અંડર સેક્રેટરી તરીકે કામ કરી ગયેલા રવીન્દ્ર પ્રસાદની સામે પણ કાનૂની કાર્યવાહી કરવા માટે મંજૂરી માગી છે.
ઉક્ત વેબસાઇટ પરના અહેવાલ મુજબ ઉપરોક્ત ચાર અધિકારીઓએ આઇએનએક્સ મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) દ્વારા અપાયેલી મંજૂરીમાં જે ભૂમિકા ભજવી હતી તે બાબતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) તપાસ કરી રહી છે.
એફઆઇપીબી આર્થિક બાબતોના ખાતા હેઠળ કામ કરે છે. તેણે 18 મે, 2007ના રોજ મળેલી તેની બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગમાં આઇએનએક્સ મીડિયા પ્રા. લિ.ની દરખાસ્ત વિશે વિચારણા કરી હતી. આ કંપનીમાં 4.6 કરોડ રૂપિયાના રોકાણ માટેની દરખાસ્ત હતી અને તેના માટે મંજૂરી અપાઈ હતી, પરંતુ મંજૂરીનું ઉલ્લંઘન કરીને આઇએનએક્સ ન્યૂઝ પ્રા. લિ.માં 26 ટકાનું રોકાણ લવાયું હતું. ખરી રીતે તેના માટે નવેસરથી મંજૂરી લેવાની જરૂર હતી, પરંતુ એમ કરાયું નહીં.
આવક વેરા ખાતાએ આ બાબતે ફેબ્રુઆરી 2008માં એફઆઇપીબી પાસે ખુલાસો માગ્યો અને આઇએનએક્સ મીડિયાને નોટિસ મોકલી. સીબીઆઇનો આરોપ છે કે આઇએનએક્સ મીડિયાએ પોતાના બચાવ માટે કાર્તિ ચિદમ્બરમની મદદ માગી હતી. એ આખા પ્રકરણમાં પી. ચિદમ્બરમે નાણાપ્રધાન તરીકે સાથ આપ્યો હતો. સીબીઆઇના કેસ મુજબ એફઆઇપીબીના અમલદારો પાસે લાગવગનો લાભ અપાવવા બદલ કાર્તિ ચિદમ્બરમને કટકી પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે સીબીઆઇએ ભલે પી. ચિદમ્બરમનું નામ એફઆઇઆરમાં લખ્યું ન હોય, સરકારે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે.
આર્થિક બાબતોના ખાતાના સનદી અધિકારીઓ આ રીતે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું ઉક્ત અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે. આ જ ખાતાના અધિકારી કે. પી. કૃષ્ણને વેપાર સાહસિક જિજ્ઞેશ શાહના એફટીઆઇએલ ગ્રુપને ખતમ કરી દેવામાં પોતાનાથી થાય એટલા પ્રયત્ન કર્યા હોવાનું ધ ટાર્ગેટ પુસ્તકમાં લખાયેલું છે. તેમની સાથે સંકળાયેલા રમેશ અભિષેક વિશે હાલમાં જ આપણે વાત કરી ગયા છીએ. કૃષ્ણન, અભિષેક અને પી. ચિદમ્બરમની સામે જિજ્ઞેશ શાહ સ્થાપિત કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીસે 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડેલો છે. શાહે તેમને એનએસઈએલ પ્રકરણ સંબંધે જાહેર ચર્ચા કરવા માટેનો પડકાર પણ ફેંક્યો છે, પરંતુ બે વખત જાહેરમાં કરાયેલા અને અખબારોમાં પ્રગટ થયેલા આહ્વાનનો ત્રણેમાંથી કોઈએ જવાબ આપ્યો નથી.
આ બધું ઓછું હોય એમ, ફર્સ્ટપોસ્ટમાં આવેલા ઉક્ત અહેવાલ જેવી બીજી અનેક કડીઓ પી. ચિદમ્બરમ સામે આંગળી ચિંધે છે અને છતાં તેમને ધરપકડ સામે રક્ષણ મળ્યે રાખે છે.
ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સ ધરાવતી નરેન્દ્ર મોદીની સરકાર સતત બીજી વાર ચૂંટાઈ આવી હોવા છતાં ચિદમ્બરમ પિતા-પુત્રનો વાળ વાંકો થયો નથી. આથી ફરીફરીને સવાલ એ જ ઊભો થાય છે કે શું સમગ્ર દેશનું નાણાકીય તંત્ર અને અમલદારો આ વ્યક્તિના તાબા હેઠળ છે?
————————————-