બીજાને દંડ કરનાર સેબીને જ જ્યારે દંડ થયો…!

ભારતમાં અનેક ક્ષેત્રોમાં નિયમનકારોની સ્થાપના થઈ છે. તેમનું મુખ્ય કામ સંબંધિત ક્ષેત્રમાં ક્યાંય અનિયમિતતા કે ગરબડ-ગોટાળા ન થાય તેનું ધ્યાન રાખવું અને ક્ષેત્રના વિકાસ માટે કામ કરવું. આવી જ એક નિયમનકાર સંસ્થા છે સેબી. સિક્યૉરિટીઝ માર્કેટની આ નિયમનકાર સંસ્થાની હાલત હાલ સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે.
સેબીએ વગરવિચાર્યે જેને દંડિત કરી એ વ્યક્તિને જ સેબીએ નુકસાની પેટે પૈસા ચૂકવવા પડે એવી સ્થિતિ હાલમાં સર્જાઈ હતી. સેટે સેબીનું ખાતું ‘લાસરિયું’ હોવાનું કહેવું પડ્યું હતું. એટલું જ નહીં, સેબીને તેણે દંડિત પણ કરી.
સેબીએ ભરેલા બેદરકારીભર્યા પગલાની વિગત એવી છે કે સેબીએ એક વ્યક્તિને દંડિત કરી, પણ સેટમાં થયેલી દલીલોમાં સેબીની કાર્યવાહી અનુચિત સાબિત થઈ અને તેથી સેટે તેને 50,000 રૂપિયાનો દંડ કર્યો.
લાઇવમિન્ટના અહેવાલ અનુસાર સેબીના હોલટાઇમ મેમ્બર માધવી પુરી બૂચે સુપ્રીમ ટેક્સ માર્ટ લિમિટેડ નામની કંપનીની વિરુદ્ધ નવેમ્બર 2017માં વચગાળાનો આદેશ બહાર પાડ્યો હતો. આદેશ મુજબ કંપનીના ડિરેક્ટરો તપાસ પૂરી થાય ત્યાં સુધી કૅપિટલ માર્કેટમાં કામકાજ કરવા ગેરલાયક ઠેરવાયા હતા. એ કેસમાં આખરી આદેશ માર્ચ 2019માં આવ્યો, જેમાં ગેરમાર્ગે કરેલી 18 કરોડની કમાણી રોકાણકારોને પાછી આપી દેવી એવો હુકમ સેબીએ કંપનીને તથા તેના ડિરેક્ટરોને કર્યો હતો.
સેબીનો આદેશ સંજય ગુપ્તા નામની વ્યક્તિને પણ લાગુ પડ્યો હતો, પરંતુ હકીકત એવી નીકળી કે જે ગુનાસર કંપનીને સજા કરાઈ હતી એ ગુનામાં સંજય ગુપ્તા સહભાગી ન હતા, કારણ કે તેની પહેલાં જ તેમણે કંપનીના ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું હતું.
ગુપ્તાએ કરેલી અરજી સંબંધે સેટે કહ્યું હતું કે સેબીએ બેદરકારીપૂર્વક અને પુરાવા ધ્યાનમાં લીધા વગર આદેશ આપ્યો હતો. વળી, વચગાળાના અને આખરી આદેશની વચ્ચે પણ વિનાકારણ લાંબો સમયગાળો હતો. આથી ગુપ્તા સેબી પાસેથી નુકસાની માગી શકે છે.
સેટે વચગાળાના આદેશ બહાર પાડવાની પ્રથા બાબતે પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે સેબીને ભલે આવા આદેશ બહાર પાડવાની સત્તા હોય, તેનો અર્થ એવો નથી થતો કે દરેક કેસમાં તેનો ઉપયોગ કરી શકાય.
સેટે સેબીને સખત ઠપકો આપતાં કહ્યું હતું કે વચગાળાના આદેશને કારણે કોઈ વ્યક્તિ કે હસ્તીને પોતાનો વેપાર/ધંધો કરવા દેવાય નહીં અને તેનાં એવાં ગંભીર પરિણામો આવી શકે છે, જેની ખોટ પૈસાથી પૂરી શકાતી નથી.
ઉક્ત કેસમાં સેબીનો આખરી આદેશ પણ સમજ્યા વગર અને સંબંધિત દસ્તાવેજો વિશે વિચાર કર્યા વગર જારી કરાયો હતો. હવે સેબી જ્યારે પણ વચગાળાનો આદેશ બહાર પાડે ત્યારે કેસનો નિકાલ શક્ય તેટલો વહેલો લાવી દેવો જોઈએ.
નિયમનકારનું પગલું સમજ્યા-વિચાર્યા વગરનું હતું એવું કહેવું પડે એ જ બાબત ગંભીર ગણાવી જોઈએ, પરંતુ સેબીએ અનેક કિસ્સાઓમાં કાચું કાપ્યું હોય એવું જોવા મળ્યું છે.
સેબીના જે આદેશોને પછીથી રદ કરવામાં આવ્યા કે જેમાં રાહત આપવામાં આવી તેમાં કૉ-લૉકેશન કેસ મુખ્ય છે. 50,000થી 60,000 કરોડ રૂપિયાનું નાણાકીય ક્ષેત્રનું આવડું મોટું કૌભાંડ હોવા છતાં સેબીએ એવાં કમજોર પગલાં લીધાં કે સેટે તેમાં બધા આરોપીઓને વચગાળાની રાહત આપી દીધી છે.
ભારતીય ન્યાયતંત્રમાં ઘણી વાર જોવા મળ્યું છે કે પોલીસનો કેસ કમજોર હોવાથી આરોપીને સજા થતી નથી. આવું જ હાલ સેબીએ કૉ-લૉકેશન કેસમાં કરેલી કાર્યવાહી બાબતે થયું. તેણે આ કેસમાં આપેલા આદેશમાં એટલા કમજોર આરોપો ઘડવામાં આવ્યા હતા કે સેટે તેમને માન્ય રાખ્યા નહીં.
સેબીએ હાલમાં લીધેલા અનેક નિર્ણયોને સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે (સેટ) બદલી નાખ્યા છે. તેના પરથી શું એવું પુરવાર થાય છે કે સેબી પોતાનું કામ બરોબર કરી રહી નથી? સિક્યૉરિટીઝ માર્કેટમાં આજે વિશ્વાસનો સદંતર અભાવ જણાય છે. બજાર મૂડીસર્જનને બદલે સટ્ટો ખેલવાનું સ્થળ બની ગયું હોય એવો ભાસ સામાન્ય માણસોને રોજેરોજ થઈ રહ્યો છે. એક નિયમનકારી સંસ્થા તરીકે પોતાના કામમાં નિષ્ફળ ગઈ હોય એવું જો જનતાને લાગી રહ્યું હોય તો તેના વિશે સરકારે ચોક્કસપણે વિચાર કરવો જોઈએ.
વર્તમાન ગતિશીલ આર્થિક જગતમાં સિક્યૉરિટીઝ માર્કેટની વધુ અસરદાર અને સતર્ક નિયમનકારી સંસ્થાની જરૂર છે, ‘લાસરિયું’ ખાતું ધરાવતી સંસ્થાની નહીં.
———————————————————————