રમેશ અભિષેક નામના સનદી અધિકારીએ લાલુપ્રસાદને ગેરમાર્ગે સંપત્તિ ભેગી કરવામાં સાથ આપ્યો હોવાનો અહેવાલ અને વ્હીસલબ્લોઅરની ફરિયાદ

તાજેતરના બે સમાચારોએ ભારતીય જનતાનું ધ્યાન ખેંચ્યું હતું. એક સમાચાર આવક વેરા ખાતાના 12 અધિકારીઓને ફરજિયાત અપાવાયેલી નિવૃત્તિ હતી. તેમાંથી 11 અધિકારીઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપસર આ પગલું ભરવામાં આવ્યું હતું. બીજા સમાચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનોને આપેલી સૂચનાના હતા. તેમણે તમામ પ્રધાનોને સવારે 9.30 વાગ્યે પોતપોતાના કાર્યાલયમાં આવીને કામે લાગી જવાનું કહ્યું હતું. ઘરે બેસીને કામ કરવું નહીં એવી સ્પષ્ટ સૂચના તેમના આપવામાં આવી હતી.
આ બન્ને સમાચારો પરથી કહી શકાય છે કે વડા પ્રધાન કામકાજમાં કોઈ કચાશ રાખવા માગતા નથી અને કોઈ ભ્રષ્ટાચાર સહન કરવા તૈયાર નથી.
આવક વેરાના જે અધિકારીઓને તાબડતોબ રવાના કરી દેવાયા તેમાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા. હવે પ્રશ્ન એ જાગે છે કે શું વડા પ્રધાન ભ્રષ્ટ સનદી અધિકારીઓ (આઇએએસ ઑફિસરો)ની વિરુદ્ધ પણ આવી કાર્યવાહી કરશે?
આ સવાલ મનમાં જાગવાનું કારણ હાલ જેની ચર્ચા ચાલી રહી છે એવા રમેશ અભિષેકનાં કારનામાં વિશે 2017માં પ્રગટ થયેલો એક અહેવાલ છે. 28 સપ્ટેમ્બર, 2017ના રોજ TenNews.in પર પ્રગટ થયેલા એ અહેવાલ (https://tennews.in/ramesh-abhishek-lalus-ace-advisor-under-scanner/)માં રમેશ અભિષેક વિશે મોટા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવને ગેરમાર્ગે સંપત્તિ ભેગી કરવામાં રમેશ અભિષેકે સાથ આપ્યો હતો.
એ અહેવાલ મુજબ રમેશ અભિષેકને જ્યારથી બિહારમાં લવાયા ત્યારથી તેઓ લાલુપ્રસાદના નિકટના સલાહકાર તરીકે કામ કરતા હતા અને બેનામી સંપત્તિ ભેગી કરવામાં તેમને સાથ આપતા હતા.
રમેશ અભિષેક દિલ્હીમાં અનેક સનદી અધિકારીઓ સાથે સંબંધ ધરાવતા હોવાને લીધે લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધની સીબીઆઇની તપાસને લગતી ગોપનીય માહિતી લાલુપ્રસાદ સુધી પહોંચાડતા. ટેનન્યૂઝ કહે છે કે એક સમયે પટનામાં કાર્યરત સીબીઆઇના ટોચના અધિકારી પાસેથી આ બાબતનો ખુલાસો કરી શકાય છે.
રમેશ અભિષેકની વિરુદ્ધ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (કેન્દ્રીય દક્ષતા પંચ)ને ફરિયાદ કરનારા વ્હીસલબ્લોઅરે કહ્યું છે કે રમેશ અભિષેકે પોતાનાં દીકરીની કાનૂની પેઢી ‘થિંકિંગ લીગલ’માં નાણાં રોક્યાં છે. તેઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના વડા હોવાથી ઇન્ડિયન એન્જલ નેટવર્કને ‘થિંકિંગ લીગલ’ પાસે કાનૂની સલાહ લેવાનું કહેશે અને તેના બદલામાં ‘થિંકિંગ લીગલ’ સરકાર પાસેથી મેળવવાની મંજૂરીઓ અપાવવામાં મદદ કરશે. આવી સલાહ લેનારાં પાંચ સ્ટાર્ટઅપનાં નામ વ્હીસલબ્લોઅરે ફરિયાદમાં આપ્યા છે.
વ્હીસલબ્લોઅરે તો ત્યાં સુધી આરોપ મૂક્યો છે કે રમેશ અભિષેક ઓરિસાના રાયરંગપુરની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ‘જગદંબા રાઇસ મિલ’ નામે કંપની ધરાવે છે. તેઓ એ જ સ્થળે આવેલી ‘જગદંબા આયર્ન સ્ટીલ કંપની’માં પોતાના ભાઈ વિજયશંકર અગરવાલ મારફતે વિવિધ પ્રકારની લોખંડની વસ્તુઓનો બિઝનેસ કરે છે. ઉપરાંત, કોમોડિટીના સ્ટોરેજ માટેનું એક વેરહાઉસ પણ ધરાવે છે.
બિહાર કેડરના 1982 બૅચના આઇએએસ ઑફિસર રમેશ અભિષેક ડિસેમ્બર 2010માં ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)માં સભ્ય તરીકે જોડાયા તેના એક જ વર્ષની અંદર એટલે કે ઑગસ્ટ 2011માં તેમને કમિશનના ઍક્ટિંગ ચૅરમૅન બનાવાયા. ત્યાર બાદ બીજા એક વર્ષની અંદર અર્થાત્ 21 સપ્ટેમ્બર 2012ના રોજ તેમને ચૅરમૅન બનાવાયા.
રમેશ અભિષેક સનદી સેવાના નિયમોની વિરુદ્ધ રાજ્યની બહાર સર્વિસમાં રહ્યા હતા. માર્ચ/એપ્રિલ 2014માં એફએમસી ખાતેનો તેમનો કાર્યકાળ પૂરો થઈ જવો જોઈતો હતો. બિહારના તત્કાલીન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે તો રમેશ અભિષેકને અતિરિક્ત/મુખ્ય સચિવપદે બિહાર લાવવાની પેરવી કરી હતી. આમ છતાં પી. ચિદમ્બરમે પોતાની લાગવગનો ઉપયોગ કરીને રમેશ અભિષેકને બિહાર જવા દીધા નહીં. તેમણે રમેશ અભિષેકને પાંચ વખત એફએમસી ચૅરમૅન તરીકે એક્સટેન્શન અપાવ્યું. વ્હીસલબ્લોઅર કહે છે કે ભારતના સનદી સેવાના ઇતિહાસમાં અગાઉ આવું ક્યારેય બન્યું નથી.
પી. ચિદમ્બરમને રમેશ અભિષેક એફએમસી ચૅરમૅન તરીકે કેમ જોઈતા હતા એ આ બ્લોગના વાંચકો સારી પેઠે જાણી ગયા છે. શાંતનુ ગુહા રેના પુસ્તક ટાર્ગેટમાં તેના પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
જો કે, નોંધવા જેવી બાબત એ છે કે રમેશ અભિષેકને 10 જુલાઈ, 2014ની પહેલાં અર્થાત્ યુપીએ સરકારના કાળમાં અપાયેલાં એક્સટેન્શનની વિગતો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ ઍન્ડ ટ્રેનિંગની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી.
https://www.pgurus.com વેબસાઇટ પર મુકાયેલી યાદી (https://www.pgurus.com/p5-will-modi-clean-house-of-corrupt-ias-officers/) મુજબ એનડીએ સરકાર આવ્યા પછીનાં એક્સટેન્શનની જ વિગતો ઉપલબ્ધ છે. સનદી અધિકારીઓનાં કનેક્શન વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. સરકાર બદલાવા છતાં રમેશ અભિષેક જેવા અધિકારીને સતત મળેલું એક્સટેન્શન ધ્યાનાકર્ષક છે.
પી. ગુરુસ કહે છે કે એપ્રિલ 2014 સુધી રમેશ અભિષેકને તો એમ જ હતું કે યુપીએ સરકાર ફરીથી આવશે, પરંતુ એવું થયું નહીં. સપ્ટેમ્બર 2015માં તો એફએમસીનું સેબીમાં મર્જર થઈ ગયું અને ફરી એક વાર રમેશ અભિષેકે બિહાર કેડરમાં જવાનું ટાળ્યું. હાલ તેઓ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશનના સેક્રેટરી છે.
વ્હીસલબ્લોઅરની ઉક્ત ફરિયાદ કેન્દ્રીય દક્ષતા પંચની વેબસાઇટ પર ‘128896/2019/vigilance-6’ ક્રમાંક સાથે નોંધાઈ છે. હવે પંચ તથા અન્ય સરકારી સત્તાવાળાઓએ તેના વિશે તપાસ કરવી રહી.

એનએસઈનું કૉ-લૉકેશન કૌભાંડ એક વ્હીસલબ્લોઅરને લીધે પ્રકાશમાં આવ્યું. આગામી દિવસોમાં રમેશ અભિષેક વિરુદ્ધની ઉક્ત ફરિયાદને પગલે અનેક કૌભાંડો પ્રકાશમાં આવી શકે છે તથા અનેક મોટાં માથાંની પોલ ઉઘાડી પડી શકે છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં કહેવાય.
————————————