

અંગ્રેજીમાં એ મતલબની કહેવત છે કે માણસની ઓળખ તેના મિત્રોથી થાય છે. લગ્નપ્રસંગ પણ એવો પ્રસંગ છે, જેમાં હાજરી આપનારાઓના આધારે માણસના સંબંધોની પરખ થાય છે.
આપણે હાલમાં જેમની વાત કરી રહ્યા છીએ એ રમેશ અભિષેક એટલે કે ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ ચૅરમૅનની દીકરીનાં લગ્નમાં અનેક કોમોડિટી બ્રોકરો, શંકાસ્પદ બિઝનેસમેનો તથા દિલ્હીમાં લાગવગ ધરાવતા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જાન્યુઆરી 2014માં જયપુરમાં લગ્નપ્રસંગ ઊજવાયો હતો. તેના માટે આખેઆખી ત્રણ હોટેલો બુક કરવામાં આવી હતી.
આપણે જેનો સંદર્ભ લઈને આગળ વધ્યા છીએ એ વેબસાઇટ (https://www.pgurus.com) અને વ્હીસલબ્લોઅરે જણાવ્યા મુજબ લગ્નમાં આશિષ દેવરા નામની વ્યક્તિ હાજર હતી. અગાઉ જણાવ્યા મુજબ આ એ જ દેવરા હતા, જે રમેશ અભિષેકનાં પત્ની સ્વપ્ના અભિષેકના ખાતામાં નિયમિતપણે નાણાં જમા કરાવે છે અને આ પરિવારના અનેક વિદેશપ્રવાસો માટે નાણાં આપી ચૂક્યા છે. તેમની સાથે સેબીની ઉપરની સંસ્થા સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલના નિવૃત્ત ન્યાયમૂર્તિ જોગ સિંહ પણ લગ્નમાં હતા. પ્રાપ્ત માહિતી મુજબ આશિષ દેવરાએ જોગ સિંહને એક વખત લાંચ આપવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધાયેલો છે.
લગ્નમાં જેની હાજરી નોંધપાત્ર હતી એ બીજી વ્યક્તિ હતી નરેન્દ્ર મુરકુંબી. તેઓ નૅશનલ કોમોડિટીઝ ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ)ના ભૂતપૂર્વ અધિકારી છે. રમેશ અભિષેકે જેમની સામે કાવતરું રચ્યું હોવાનું કહેવાય છે એ જિજ્ઞેશ શાહ સ્થાપિત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)નું હરીફ એક્સચેન્જ એટલે એનસીડેક્સ. આ વાત સૌ જાણે છે. આ એમસીએક્સની સામે સ્પર્ધા કરી શકે એ માટે એનસીડેક્સની તરફેણમાં પગલાં ભરવાનું રમેશ અભિષેકના સાથી હોવાનું મનાતા કે. પી. કૃષ્ણને સરકારને સૂચવ્યું હતું અને એમસીએક્સે તેમના વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ તેમની સામે પગલાં પણ ભરાયાં હતાં.

રમેશ અભિષેક, કે. પી. કૃષ્ણન અને પી. ચિદમ્બરમનાં નામ જિજ્ઞેશ શાહના સામ્રાજ્યને તારાજ કરવા માટે પંકાયેલાં છે. આ ભૂતપૂર્વ નાણાપ્રધાને કોમોડિટી વાયદા બજારની અમુક કોમોડિટીઝ પર કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ લાદ્યો. એનસીડેક્સનું હરીફ એમસીએક્સ જે કોમોડિટીઝમાં અગ્રસર હતું એ જ સોનું, બેઝ મેટલ, ક્રૂડ ઓઇલ અને પ્રોસેસ્ડ ફાર્મ આઇટમો પર કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ લાદવામાં આવ્યો હતો. આમ, એનસીડેક્સને મદદ કરવામાં આ ત્રિપુટીએ શું ભાગ ભજવ્યો હતો તેના વિશે લોકોને વધુ સમજાવવાની જરૂર નથી.
મુરકુમ્બીએ શ્રી રેણુકા સુગર્સની સ્થાપના કરી હતી. બૅન્કોએ એ કંપનીને નોન પરફોર્મિંગ ઍસેટ જાહેર કરી તેને પગલે મુરકુમ્બીએ એક્ઝિક્યુટિવ વાઇસ ચૅરમૅન તથા મૅનેજિંગ ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.
લગ્નમાં હાજર રહેલી બે વ્યક્તિઓના પરિચય પરથી આટલું કનેક્શન જોવા મળે છે તો બધાનાં નામ લઈએ તો શું થાય? વ્હીસલબ્લોઅર ફરિયાદ કરી ચૂક્યા છે. હવે તપાસનીશ સંસ્થાઓનું કામ છે કે તેઓ રમેશ અભિષેકનાં કનેક્શન તથા તેમની સામેની ફરિયાદ પર લક્ષ આપીને સત્ય બહાર લાવે.
આ જ રમેશ અભિષેકની ભલામણને પગલે કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે જિજ્ઞેશ શાહ સ્થાપિત એનએસઈએલ અને એફટીઆઇએલનું મર્જર કરવાનો આદેશ બહાર પાડ્યો હતો, જેને થોડા વખત પહેલાં સર્વોચ્ચ અદાલતે રદ કરી દીધો. ધડ-માથા વગરના તર્કના આધારે બહાર પડાયેલા આદેશને રદ કરતાં સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું હતું કે સરકારે વગર વિચાર્યે મર્જરનો આદેશ બહાર પાડ્યો હતો. ઉપરાંત, અભિષેકે જ એફટીઆઇએલ (જેનું નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ છે)ને એક્સચેન્જો ચલાવવા નૉટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરી. તેને પગલે એમસીએક્સ સહિતનાં એક્સચેન્જોમાંથી એફટીઆઇએલે ખસી જવું પડ્યું.
વિચારક શ્રી ઐયર કહે છે કે નૉટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર થયેલી એફટીઆઇએલની મહામૂલી કંપનીઓમાં જેમણે હિસ્સા ખરીદ્યા એ બાબતે પણ તપાસ થશે તો બીજાં અનેક કનેક્શનો બહાર આવશે.
———–