સ્વતંત્ર ભારતના જાહેર જીવનમાં ભ્રષ્ટાચારની ગાથા 1948ના કૃષ્ણમૅનનના બહુચર્ચિત જીપ કૌભાંડથી શરૂ થઈ

લેખકઃ શૈલેષ પી. શેઠ
સ્વતંત્ર ભારતના છ દાયકાના ઈતિહાસ પર નજર નાખીએ અને ભ્રષ્ટાચારનાં મૂળ ક્યાં સુધી પહોંચે છે તથા એણે ધીરેધીરે કઈ રીતે સમાજને ભરડો લીધો છે એ જો સમજીએ તો જ અણ્ણા હજારેની લડતનાં મૂલ્ય અને મહત્ત્વ સમજાય. જો કે, એમ સમજતાં પહેલાં ચાલો આપણે ભ્રષ્ટાચારની વિભાવનાને ટૂંકમાં સમજી લઈએ.
“ભ્રષ્ટાચાર” એ એક અમૂર્ત સંક્લ્પના છે. એની સર્વગ્રાહી અને સર્વમાન્ય એવી ચોક્કસ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. 1997માં રજૂ થયેલા વર્લ્ડ બૅન્કના એક અહેવાલમાં “ભ્રષ્ટાચાર એટલે જાહેર સત્તાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ” એવી વ્યાખ્યા થઈ છે, પરંતુ “ભ્રષ્ટાચાર”ની આ અતિસરળ અને મર્યાદિત વ્યાપ ધરાવતી વ્યાખ્યા છે. 2008માં યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના નેજા હેઠળ “ભ્રષ્ટાચાર” પર એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત થયો છે. આ અહેવાલમાં “ભ્રષ્ટાચાર એટલે અંગત સ્વાર્થ માટે મળેલી સત્તાનો દુરુપયોગ” એવો અર્થ આપવામાં આવ્યો છે. આ વ્યાખ્યા થોડી વિસ્તૃત છે, કારણ કે એ કેવળ જાહેર ક્ષેત્ર જ નહીં, ખાનગી ક્ષેત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને પણ આવરી લે છે, પરંતુ આ વ્યાખ્યા પણ અપર્યાપ્ત છે, કારણ કે એના પરથી એમ અભિપ્રેત થાય છે કે જાણે ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટ અધિકારીઓના લોભમાંથી જન્મ લેતી એકમાર્ગી પ્રક્રિયા હોય. વાસ્તવમાં, ભ્રષ્ટાચારના કોઈ પણ વ્યવહારમાં બે વ્યક્તિનું હોવું અનિવાર્ય છે. વળી એ પણ જરૂરી નથી કે ભ્રષ્ટાચારમાં સત્તા ધરાવતી વ્યક્તિનું પલ્લું જ ભારે હોય, કારણ કે નબળા અને બિનકાર્યક્ષમ શાસન પર બાહ્ય પરિબળો પોતાનો પ્રભાવ પાથરીને પણ ભ્રષ્ટાચાર આદરી શકે છે.
“ભગવદ્ ગોમંડળકોશ” (ભાગ-7)માં “ભ્રષ્ટાચાર” એટલે આચારવિચાર વિનાનું જીવન, ચલિત આચાર, અશુદ્ધ આચરણ- જેવા અર્થો આપવામાં આવ્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં “ભ્રષ્ટાચાર એટલે અંગત સ્વાર્થ સાધવા માટેનું કોઈ પણ પ્રકારનું અનીતિમય આચરણ” એવી એક બૃહદ વ્યાખ્યા કરી શકાય. ભ્રષ્ટાચાર એ કેવળ અર્વાચીન સમાજનું જ અવિભાજ્ય અંગ છે એવું નથી. હજારો વર્ષ પૂર્વે પણ માનવસમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપ્ત હતો જ. “અર્થશાસ્ર”માં ચાણક્યે “ભ્રષ્ટાચાર” પર વિસ્તૃત છણાવટ કરી છે.
દેશના નજીકના ભૂતકાળની વાત કરીએ તો દેશ સ્વતંત્ર થયો એ પહેલાં પણ ભ્રષ્ટાચારથી મુક્ત નહોતો. 1935ના કાયદા હેઠળ 1937માં સ્થાપવામાં આવેલાં છ રાજ્યોના કૉંગ્રેસી પ્રધાનમંડળમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે આક્રોશ વ્યક્ત કરતાં ગાંઘીજીએ કહ્યું હતુંઃ “કૉંગ્રેસમાં આજે જે વ્યાપક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે એને સહન કરવાને બદલે કૉંગ્રેસને જ દફનાવી દેવાની હદ સુધી હું જઈ શકું છું અને એમાં મને કોઈ બાધ નહીં નડે.” (ગાંધીજી, 9 મે, 1939). પરંતુ કમનસીબે ગાંઘીજીના (કહેવાતા) અનુયાયીઓ સ્વતંત્રતા પછી સત્તા પર આવ્યા ત્યારે તેઓએ સ્વતંત્ર ભારતને ભરડો લઈ રહેલા ભ્રષ્ટાચાર પર ગાંધીજીએ વ્યક્ત કરેલી ચિંતાની સદંતર અવગણના જ કરી. સ્વતંત્ર ભારતના જાહેર જીવનમાં ભ્રષ્ટાચારની ગાથા 1948ના કૃષ્ણમૅનનના બહુચર્ચિત જીપ કૌભાંડથી શરૂ થઈ ગણાય. એ સમયે પંડિત નહેરુ દેશના પ્રથમ વડા પ્રધાન તરીકે સત્તા પર હતા. આ કૌભાંડ સામે જાગેલી કાગારોળને પગલે સરકારે અનન્તાસાયનમ્ આયગંરના વડપણ નીચે નીમેલી તપાસ સમિતિએ સમગ્ર મામલાની ન્યાયિક જાંચ કરવાની ભલામણ કરી હતી, પરંતુ આ ભલામણો ફગાવી દઈને સરકારે 30 સપ્ટેમ્બર, 1955ના રોજ જાહેર કર્યું કે “જીપ કૌભાંડનો આ કેસ બંધ કરવામાં આવે છે.” કેન્દ્રીય પ્રધાન જી. બી. પંતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુંઃ “જ્યાં સુધી સરકારને સંબંધ છે ત્યાં સુધી એણે આ પ્રકરણને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. જો વિરોધ પક્ષોને આનાથી સંતોષ ન હોય તેઓ એને ચૂંટણીનો મુદ્દો બનાવી શકે છે.” એ યાદ રહે કે તુરંત ત્યાર બાદ 3 ફેબ્રુઆરી, 1965ના રોજ નહેરુના પ્રધાનમંડળમાં કૃષ્ણમૅનનને “પોર્ટફોલિયો વગરના પ્રધાન” તરીકે સમાવવામાં આવ્યા હતા. પછીનાં વર્ષોમાં કૉંગ્રેસનું શાસક પક્ષ તરીકે ભ્રષ્ટાચાર તરફ જે વલણ જોવા મળ્યું છે એનાં બીજ કદાચ જી. બી. પંતના આ અત્યંત ઉદ્ધત અને નિર્લજ્જ ઉત્તરમાં રહેલાં છે. ભારત સરકારે 1950માં નામાંકિત દીવાની અધિકારી એ. ડી. ગોળવાલાને શાસનપદ્ધતિમાં સુધારણા માટે સૂચનો આપવા જણાવાયું હતું. ગોળવાલાએ 1951માં રજૂ કરેલા અહેવાલમાં બે ચોટદાર નિરીક્ષણ કરતાં કહ્યું હતું કેઃ “એક, નહેરુના પ્રધાનમંડળમાં અનેક પ્રધાનો ભ્રષ્ટ છે અને આ બાબતથી સૌ વાકેફ છે. બીજું, 1951માં જ અન્ય એક અતિ જવાબદાર દીવાની અધિકારીએ રજૂ કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પોતાના (ભ્રષ્ટ) પ્રધાનોને છાવરવા માટે સરકાર કંઈ પણ કરવા તૈયાર છે.” 1962માં સરકારે ભ્રષ્ટાચારના મુદ્દાની સમીક્ષા કરવા માટે સાન્થન સમિતિની રચના કરી હતી. 1964માં સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં આ નિરીક્ષણ હતુંઃ “(પ્રજામાં) એ એક સામાન્ય છાપ છે કે પ્રધાનોમાં પ્રામાણિકતાનો અભાવ એ કોઈ નવી બાબત નથી. પાછલાં 16 વર્ષથી સત્તા પર રહેલા અનેક પ્રધાનોએ અયોગ્ય માર્ગે સંપત્તિ એકઠી કરી છે, સગાવાદનો આશરો લઈને પોતાનાં સંતાનો કે સંબંધીઓને ઉચ્ચ નોકરી પર બેસાડ્યા છે અને જાહેર જીવનમાં શુદ્ધ આચરણ સાથે સાવ જ અસંગત હોય એવા અનેક લાભો (સત્તા દ્વારા) મેળવ્યા છે.” આ શબ્દોમાં શું વર્તમાનમાં જાહેર જીવનની જે સ્થિતિ છે એનો ચિતાર વ્યક્ત નથી થતો?
——————————-