ભ્રષ્ટાચાર સામેનું ભારતનું અભિયાન

તસવીર સૌજન્યઃ http://www.theenglishmania.in

મોદી સરકારે જંગી બહુમતી મેળવીને ફરી સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યાં છે. નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા પર આવતી વખતે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર-કરપ્શન અને કાળાં નાણાંને ડામીને જ રહેશે, કાળાં નાણાંના કામકાજ કરનારને તેઓ શાંતિથી બેસવા નહીં દે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિદેશોમાં કાળાં નાણાં છુપાવી રાખનારાઓનાં નાણાં પણ તેઓ દેશમાં લાવીને જંપશે. આ માટે તેમણે નોટબંધી લાગુ કરી (અલબત્ત, તેની પાછળ બીજાં કારણો પણ હતાં). નોટબંધી દરમ્યાન જેમણે પોતાનાં કાળાં નાણાં બૅન્કોમાં જમા કરાવી દીધા, તેમને પણ સકંજામાં લેવાનું ચાલુ રાખ્યું છે. કેટલીય બોગસ-કાગળ પરની (શેલ)  કંપનીઓને બંધ કરાવી દીધી-ડિરજિસ્ટર્ડ કરાવી દીધી. તેમ જ કરચોરી ડામવા માટે જીએસટીનો અમલ શરૂ કરાવ્યો. આ ઉપરાંત ઈન્કમ ટૅક્સ ધારામાં સુધારા કરીને ટૅક્સ કમ્પ્લાયન્સ વધારાવાની નક્કર શરૂઆત કરાવી. આ બધાંનાં પરિણામ હવે દેખાવાનાં શરૂ થયાં છે, હવે પછી વધુ દેખાશે. કાળાં નાણાં ઉપરાંત કરપ્શનને ડામવા મોદી સરકારે ડિજિટલ ઈકોનોમીને વેગ આપવાનું શરૂ કર્યું છે. સરકારનાં મહત્તમ કામકાજ ઓનલાઈન અને પારદર્શકતાપૂર્વક થાય એના પર જોર અપાઈ રહ્યું છે. અહીં આ સમયે આ વાત કરવાનો ઉદ્દેશ એ જ છે કે  કરપ્શન (ભ્રષ્ટાચાર) અને કાળાં નાણાં વિશે જાણીતા ઍડ્વોકેટ શૈલેશ શેઠે સમયાંતરે લખેલા લેખો આજની તારીખમાં પણ પ્રસ્તુત છે. આ લેખો વિચારપ્રેરક હોવાથી તેમની શ્રેણી અહીં જાગ્રત વાચક-વિચારક પ્રજા માટે રજૂ કરાયા છે. આ લેખ સમય-સંજોગોને અનુલક્ષીને લખાયા હોવાથી તેમાં જૂના કિસ્સા અને જૂના રેફરન્સ પણ આવશે, પરંતુ તેનાં મૂળમાં રહેલાં મૂલ્યો આજે પણ પ્રસ્તુત છે. આજે તેના પ્રથમ ભાગથી આરંભ કરીએ. આ વાત-વિચારો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને આપણો દેશ વધુ સ્વચ્છ બને તથા ભ્રષ્ટાચાર તેમ જ કાળાં નાણાંનાં કાળાં કામોથી મુક્ત થતો જાય એ જ આ લેખશ્રેણીનો ઉદ્દેશ છે.

—————–

ભ્રષ્ટાચારઃ શું આપણે સૌ જવાબદાર નથી?

ભારતના જાહેરજીવનમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનો ઈતિહાસ (ભાગ-1)

લેખકઃ શૈલેષ પી. શેઠ

“કોઈ ગમે એટલો પ્રયત્ન કે ઢાંકપિછોડો કરે તો પણ એક દિવસ (સમાજમાં) ભ્રષ્ટાચાર ઉઘાડો પડશે જ અને પ્રજા પોતાના હક અને ફરજ અદા કરીને વાજબી શંકાના આધારે (પ્રજાના) સેવકો પાસેથી કડક હિસાબ માગશે, તેઓને (સત્તા પરથી) તગેડી મૂકશે, તેઓને અદાલતમાં પડકારશે અથવા મધ્યસ્થી કે નિરીક્ષકની નિમણૂક કરશે, જે યોગ્ય જણાય એ રીતે આ સેવકોની વર્તણૂકની તપાસ કરશે.”

છેક 1928માં ગાંધીજીએ ઉચ્ચારેલા આ શબ્દોમાં વ્યક્ત થતી ભવિષ્યવાણી આજે લગભગ આઠ દાયકા બાદ સાર્થક નીવડે એવા સંજોગો દેશમાં આકાર લઈ રહ્યા છે. 74 વર્ષના પણ દૃઢ મનોબળ અને સત્યનિષ્ઠ આચરણ ધરાવતા અકિંચન અણ્ણા હઝારેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને જનલોકપાલ બિલ મુદ્દે છેડેલા જંગે ઠંડીગાર રાખ થઈ ગયેલી જનચેતનામાં નવી ચિનગારી ફૂંકી છે. દેખીતો કશો કરિશ્મા ન ધરાવતા અણ્ણા હઝારે ભ્રષ્ટાચાર સામેના જંગમાં સમગ્ર રાષ્ટ્રને સંગઠિત કરી શક્યા એ ઘટના ચમત્કારથી ઓછી નથી. અણ્ણા હઝારે અને એની પડખે ઊભેલા સિવિલ સોસાયટીના સભ્ય સાથે યુપીએ સરકારે જે વલણ અખત્યાર કર્યું છે એ સરકારની શાસન કરવાની આવડતના અભાવનું અને લોકશાહીમાં ગેરવહીવટનું નક્કર ઉદાહરણ પૂરું પાડે છે. કદાચ મૅનેજમેન્ટ સંસ્થાઓ માટે ભવિષ્યમાં “શાસનમાં ગેરવહીવટ કોને કહેવાય” એના અભ્યાસ માટે એ એક ઉત્તમ કેસ સ્ટડી પણ બની શકે! સૌથી રસપ્રદ અને કુતૂહલપૂર્ણ બાબત એ હતી કે અણ્ણા સામે યુપીએ સરકારે ઊભા કરેલા સઘળા મહારથીઓ કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. જાણે કે, અણ્ણાની ભ્રષ્ટાચાર સામેની લડાઈ કૉંગ્રેસ પક્ષ સામેની લડાઈ ન હોય! કદાચ, આ મામલે સઘળો યશ ખાટી જવાની રાજકીય ગણતરી હશે. જોકે, સત્તાના મદમાં રાચતી યુપીએ સરકાર એટલી હદે આંધળી થઈ ગઈ હતી કે ભીંત પરનું સ્પષ્ટ લખાણ પણ ન વાંચી શકી. “ઘો મરવાની થાય ત્યારે વાડે જાય” એમ સરકાર અણ્ણાની ધરપકડ કરીને જ રહી અને અહીંથી સરકારને માથે પનોતી બેઠી. બે વખત જેને પુલિત્ઝર પારિતોષિક મળ્યું છે એ અમેરિકન લેખિકા બાર્બરા ટચમૅને, “ઍન ઈન્ક્વાયરી ઈન્ટુ ધ પરસિસ્ટન્સ ઑફ અનવિઝડમ ઈન ગવર્નમેન્ટ” શીર્ષક હેઠળના પોતાના નિબંધમાં લખ્યું છેઃ “સરકાર બિનડહાપણભરી રીતે વર્તે છે, કારણ કે રાજકારણીઓ કદી પોતાની ભૂલનો એકરાર કરી શકતા નથી, કારણ કે તેઓ સત્તાલાલસાથી પીડાતા હોય છે, તેઓમાં આત્મવિશ્વાસ અને ઉદારતાનો અભાવ હોય છે, તેઓને નક્કર સત્ત્વ કરતાં પોતાની (આભાસી) છબિ કે પ્રતિમામાં વધુ રસ હોય છે, સાચી માહિતી પર યોગ્ય પગલાં લેવાની વાત તો બાજુએ રહી, તેઓને ભાગ્યે જ સાચી માહિતી પણ મળતી હોય છે. “સરમુખત્યારશાહી ધરાવતા દેશોના વડા ક્યારેક મૂર્ખતાપૂર્વક અને બહુધા જોરજુલમથી જ વર્તતા હોય જે નવાઈની વાત નથી, પરંતુ પ્રજાના લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ રીતે વર્તવામાં પાછળ પડતા નથી, એ વાતનો ઈતિહાસ સાક્ષી છે. અણઘડ અને જક્કી વલણ એ કોઈ પણ સરકારની વિશિષ્ટતા હોય છે. આવી જડ મનોવૃત્તિ ધરાવતી સરકાર અગાઉથી બાંધેલા મત કે અભિપ્રાયને વળગી રહીને જ પ્રત્યેક પરિસ્થિતિને મૂલવતી હોય છે અને એ મત કે અભિપ્રાયની વિરુદ્ધના કોઈ પણ વિચાર કે અભિવ્યક્તિને કાં તો નકારતી હોય છે અથવા અવગણતી હોય છે.

આ સંજોગોમાં “વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક”નું મૂલ્ય અત્યંત વધી જાય છે. ભારતીય બંધારણની કલમ 19(1) (એ) આ હકની બાંયધરી આપે છે. અસહમતી કે એની વિરુદ્ધ મત વ્યક્ત કરવાનો હક  એ લોકશાહીનો પ્રાણ છે, જીવાદોરી છે. અણ્ણાની ધરપકડ એ લોકશાહીના પ્રાણનો ટૂંપો દેવાની ખતરનાક ચેષ્ટા હતી. એ જુદી વાત છે કે સરકાર એમાં સફળ ન થઈ, પણ જાગૃત નાગરિકોએ ભવિષ્ય માટે આની નોંધ લેવી જ રહી. અણ્ણાની ધરપકડ કરવાની સરકારની અહંકારયુક્ત ચેષ્ટા “બૂમરેંગ” થઈ. પ્રખ્યાત ઊર્દૂ શાયર નિદા ફાઝલીનો એક સુંદર શેર છેઃ “જિન ચરાગોં કો હવાઓ કા કોઈ ખૌફ નહીં, ઉન ચરાગોં કો હવાઓં સે બચાયા જાયે” સરકારે સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે એક અણ્ણાને બંદીવાન કરશું અને સમગ્ર રાષ્ટ્ર મુક્ત થશે! આ ધરપકડને પગલે સાવ ગણતરીની પળોમાં “અણ્ણાની આંધી” દેશને ઘેરી વળી. એ જુદી વાત એ છે કે “રેતીમાં મોં ખોસીને બેઠેલી શાહમૃગી સરકાર આ આંધીને હજુય “ધૂળની ડમરી” જ માનતી રહી. એક યા બે ટંકનું ભોજન અને થોડાક રૂપિયાની લાલચ આપી, લોકોને એકઠા કરીને “વિરાટ” સભા યોજવા ટેવાયેલા “વામણા” રાજકારણીઓ અણ્ણાના સમર્થનમાં જાગેલો લોકજુવાળ “સ્વયંભૂ” હોઈ શકે એ કઈ રીતે સમજી શકે? અને સમજે તો પણ સ્વીકારવાની તૈયારી ક્યાં? જોકે, ઠાગાઠૈયા કરી રહેલી સરકારે છેવટે નમતું જોખ્યું અને અણ્ણાના ઉપવાસનો અંત આવ્યો. દેશભરમાં જાણે કે ઉત્સવનો માહોલ રચાયો. અનેક અવરોધોને વટાવીને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ આજે જે પડાવ પર પહોંચી છે એનું મૂલ્ય અદકેરું છે, પરંતુ એ ન ભુલાય કે ખરું યુદ્ધ લડવાનું અને જીતવાનું હજુ બાકી છે. વાસ્તવમાં, આ જંગ આજે એના સૌથી નાજુક તબક્કામાં છે. આ લડાઈને અહીંથી આગળ ધપાવવાની અને “ભ્રષ્ટાચારમુક્ત ભારત”ના અંતિમ લક્ષ્યને હાંસલ કરવાની અતિકપરી જવાબદારી  આપણા સૌની છે. વધુ આગામી કડીમાં…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s