
હિન્દી ઉક્તિ પ્રમાણે કહેવું હોય તો કહી શકાય કે રાજકારણીઓ અને સનદી અધિકારીઓ (આઇએએસ ઑફિસરો) વચ્ચે ‘ચોલી દામન કા સાથ’ હોય છે. આ અમલદારો રોબ સાથ કહેતા હોય છે, ”પ્રધાનો તો આજે છે અને કાલે નથી, પણ અમે તો અહીં જ રહેવાના છીએ.” તેમની વાત સાચી છે. આથી જ તેઓ સો ગુના કરે તોપણ તેમને રાજકારણીઓ માફ કરે છે. ઘણી વાર રાજકારણીઓ જ સો ગુના કરવા માટે તેમનો ઉપયોગ કરતા હોય છે. આથી જ કહેવું પડે છે કે તેમનો ચોલી દામનનો સાથ હોય છે.
આવા જ એક સનદી અધિકારી રમેશ અભિષેક દેશની સરકારી સેવામાં સર્વોચ્ચ ગણાતા કેબિનેટ સેક્રેટરીના પદ સુધી પહોંચવાની વેતરણમાં હતા, પણ એક વ્હીસલબ્લોઅરે કરેલી ફરિયાદનું જ કારણ હશે કે હવે આ પદ રાજીવ ગૌબા નામના વરિષ્ઠ અધિકારીને આપવામાં આવ્યું છે.
વ્હીસલબ્લોઅરે ચીફ વિજિલન્સ કમિશનર (મુખ્ય દક્ષતા આયુક્ત)ને ફરિયાદ મોકલી હતી અને તેની નકલ લોકપાલના કાર્યાલય ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) તથા અન્યોને મોકલવામાં આવી હતી. તેમાં રમેશ અભિષેકનાં અનેક કૃત્યો ઉજાગર કરવામાં આવ્યાં હતાં. તેઓ બિહારમાં કાર્યરત હતા એ સમયે તેમણે લાલુપ્રસાદ યાદવને કઈ રીતે મદદ કરીને પુષ્કળ સંપત્તિ ભેગી કરી હોવાની વિગતો આપવામાં આવી છે.
નોંધનીય છે કે રમેશ અભિષેકની સંપત્તિ તેમના માસિક સવા બે લાખ રૂપિયાના પગારની તુલનાએ અનેક ગણી વધારે હોવાનું કહેવાય છે. આથી જ વ્હીસલબ્લોઅરની ફરિયાદને વજન મળે છે. કહેવાય છે કે તેમની પાસે મુંબઈમાં ઑરમ વેન્ચર્સ પાસેથી લીધેલા ત્રણ અને એનડી ડેવલપર્સ પાસેથી લીધેલા ત્રણ બેનામી ફ્લેટ્સ છે. ઉપરાંત, દક્ષિણ દિલ્હીમાં તેમણે 8 કરોડ મૂલ્યની પ્રોપર્ટી માત્ર 2.67 કરોડમાં ખરીદી હતી. પોતે અગરવાલ હોવા છતાં પોતાની સાચી ઓળખ જાહેર થાય નહીં એ રીતે તેમણે રમેશ અભિષેક એવું જ નામ અપનાવી લીધું છે. અગરવાલ તરીકેની ઓળખ તેમણે ભાગ્યે જ આપી હશે. તેઓ ઓરિસામાં રાઇસ મિલ તથા અનેક મિલકતો અને રોહતકમાં કરોડોની બીજી સંપત્તે ધરાવતા હોવાનું કહેવાય છે. આટલું જ નહીં, તેઓ ગુડગાંવના મુનિરકા એન્ક્લેવમાં પણ તેમના ફ્લેટ્સ હોવાનું જાણવા મળ્યું છે.
બિહાર જેવાં રાજ્યોમાં આઇએએસ ઑફિસરો ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકે પણ સેવા બજાવતા હોય છે. રમેશ અભિષેક પટનામાં ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ હતા ત્યારે તેમણે લાલુપ્રસાદને શક્ય તેટલી બધી જ મદદ કરી હતી. લાલુજી જે વિસ્તારમાં ઈચ્છે ત્યાં કરફ્યુ લાગુ કરવાથી માંડીને મતદાનમાં તેમને ઉપયોગી થાય એ રીતે મતદાન બૂથની રચના કરાવવાનું કામ કરી આપતા. મધ્યમ વર્ગના માણસને મતદાન કરવા જવાનું મન જ ન થાય એ રીતે વસતિથી 1.5 કિલોમીટર દૂર મતદાન બૂથ રાખવાનું કામ તેમણે કર્યું હતું એવું બોલાય છે. તેમના આવા કૃત્ય બદલ તત્કાલીન ચૂંટણી પંચે તેમને ઠપકો પણ આપ્યો હતો. લાલુપ્રસાદ જ્યારે બિહારના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે અભિષેકના એક સગા એસ. પી. ટેકરીવાલને નાણાં મંત્રાલય સોંપ્યું હતું. તેમણે લાલુના ઘાસચારા કૌભાંડમાં પણ સાથ આપ્યો હોવાનો આક્ષેપ થયેલો છે. આથી જ તેઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર જઈ શક્યા નહીં. જો કે, તેમને તેનો પણ વાંધો આવ્યો નહીં. તેઓ લાલુના નિકટના મિત્ર કાંતિ સિંહના પર્સનલ સેક્રેટરી બની ગયા. થોડાં વર્ષો પછી તેઓ ગ્રાહકસંબંધી બાબતોના તત્કાલીન સચિવ રાજીવ અગરવાલ સાથેના સારા સંબંધોને લીધે ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ બની ગયા.
ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષપદે રહીને તેમણે એનએસઈએલ કેસમાં કેવી રીતે ભૂમિકા ભજવી અને પી. ચિદમ્બરમ તથા કે. પી. કૃષ્ણનના ષડ્યંત્રમાં કેવી રીતે સાથ આપ્યો તેના વિશેની વાતો આપણે અગાઉ કરી ગયા છીએ.
રમેશ અભિષેકે જે કંઈ કર્યું તેના વિશે ઘણું કહેવાનું બાકી છે. અત્યારે આટલેથી અટકીએ. આવતા વખતે મિલે જો કડી કડી એક જંજીર બને….એ ગીતને યાદ કરીને તેમની કડીઓ ક્યાં જોડાયેલી છે તેના વિશે વાતો કરીશું.
———————-