
આશરે 90 દેશોમાં હાજરી ધરાવતી ચીનની જાયન્ટ મોબાઈલ ઉત્પાદક કંપની શાઓમીના સ્થાપક ભારત અને ચીન માટે શું કહે છે….
યુએસ-ચીન વેપારયુદ્ધ તાજેતરના સમયની સૌથી ચર્ચાસ્પદ અને ચિંતાજનક ઘટના છે. આની અસર વિશ્વભરમાં છે. ભારત માટે આ બે મહાસત્તા વચ્ચેનું વેપારયુદ્ધ વિશેષ મહત્ત્વનું છે, કેમ કે આમાંથી ભારત લાભ લઈ શકે, જો કે, ભારતે આ માટે સખત મહેનત કરી તેના ‘મેક ઈન ઈન્ડિયા’ પ્લાનને સફળ બનાવવો જોઈશે.
તાજેતરમાં ચીનની અગ્રણી મોબાઈલ ઉત્પાદક કંપની શાઓમીના સ્થાપક ભારત આવ્યા ત્યારે તેઓ ભારતને આ વિષયમાં કઈ રીતે જુએ છે અને શું માને છે તેની વાતો કરી હતી. આ વાતો જાણવા-સમજવા જેવી ખરી. નોંધનીય છે કે ભારતમાં એક ગુજરાતી સાહસિકની આશરે બે દાયકા પહેલાં શરૂ થયેલી ‘મેક ઈન ઈન્ડિયા’ની સફળ સ્ટોરીને એ સમયની કૉંગ્રેસ સરકારે સ્થાપિત હિતોના લાભ માટે ખતમ કરી નાખી. આમ કરીને તેમણે દેશને ભારે નુકશાન પહોંચાડ્યું છે.
ભારત સરકારે તેના મેક ઈન ઈન્ડિયા મિશનમાં સુધારા કરવાની જરૂર છે, જો ભારત આ ક્ષેત્રે કાર્યક્ષમતા વધારે તો તે ચીન કરતાં ઓછા ખર્ચે ઉત્પાદન કાર્ય કરી શકે. વર્તમાનમાં જ્યારે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલે છે ત્યારે ભારત અને ચીને તેમના વેપાર સંબંધોને વિકસાવવાની નવી અને મોટી તક ઊભી થઈ છે, જેનો લાભ લેવા બંનેએ સજ્જ અને સક્રિય થવું જોઈએ. આ વિચાર છે, લી જૂનનો. મોબાઈલના ઉત્પાદન ક્ષેત્રે ટોચની ચાઈનીઝ કંપની શાઓમીના સ્થાપક લી જૂન ચીનના સ્ટીવ જોબ્સ તરીકે જાણીતા છે. લી ભારતમાં શાઓમીનો વ્યાપ વિસ્તારવા ઉત્સુક છે.
ચીનને ભારતની જરૂર
ચીનને ભારતીય માર્કેટ અને ટેલેન્ટની ખાસ જરૂર છે. ભારત પાસે એવું ઘણું છે, જે ચીનને જોઈએ છે. ભારતની બજાર વિશાળ છે, અહીંનો વપરાશ ખૂબ જ વ્યાપક છે. જો મોબાઈલને બાદ કરીએ તો જૂજ ચાઈનીઝ કંપનીઓ ભારતમાં કાર્યરત છે. આ બંને દેશો વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા છે, જો તેઓ બન્ને એક થાય તો બંનેના પરસ્પર લાભમાં રહી શકે.
મોબાઈલ માટે ભારતીયોની માનસિકતા
લીના અભ્યાસ મુજબ ચાઈનીઝ કરતાં ભારતીય લોકો વધુ સમય મોબાઈલનો ઉપયોગ કરે છે. ભારતીય લોકો વિડીયો જોવા, ગેમ રમવા, વગેરે માટે 280 મિનિટ મોબાઈલને આપે છે. આ માટે તેમને મોટી સ્ક્રીન જોઈએ છે, વધુ ચાલે એવી બેટરી જોઈએ છે. ભારતીયોની લાક્ષણિકતા વિશે લી જૂન કહે છે કે,” ભારતીયોને તેમનો ફોન જલદી ચાર્જ કરવો હોય છે, તેઓ સૂતી વખતે ફોન ચાર્જ કરવા માટે મૂકતા નથી, કેમ કે તેમને ભય હોય છે કે જો ફોન 100 ટકાથી વધુ ચાર્જ થશે તો તેની બેટરી નકામી થઈ જશે, જ્યારે કે હવે એવું રહ્યું નથી. આવું દસ વરસ પહેલાં હતું. હવે બેટરીમાં એવી ચિપ આવે છે, જે બેટરીની જાળવણી કરે છે.”
સાહસિકો માટે પ્રોત્સાહક માહોલ
ભારતમાં આન્ત્રપ્રેન્યોરશિપ (વેપાર સાહસિકતા) અંગે લીનું કહેવું છે કે ભારત સાહસિકતાને ભરપૂર પ્રોત્સાહિત કરે છે. સ્ટાર્ટઅપ માટે અહીં સારું કલ્ચર પ્રવર્તે છે, સમાજ પણ સાહસિકોને ઉત્તજેન આપે છે. આ માટેનો માહોલ પણ સાનુકૂળ છે. સરકાર પણ તેમાં સક્રિય રસ લેતી થઈ છે. જો કે સૌથી મોટો પડકાર એ છે કે ભારતમાં સ્ટાર્ટઅપને નફો કરતાં લાંબો સમય લાગે છે.
શાઓમી ભારતમાં શું કરે છે?
માત્ર નવ વરસ પહેલાં મોબાઈલ ફોનના ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશનાર શાઓમીના સ્થાપક કહે છે, અમારું લક્ષ્ય માત્ર સારો ફોન બનાવવાનું નથી, બલ્કે તેને એફોર્ડેબલ (પોષણક્ષમ) બનાવવાનું પણ રહ્યું છે. તેથી જ આજે શાઓમી 90 જેટલા દેશોમાં ફેલાયેલી છે. તેની 40 ટકા જેટલી આવક આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી આવે છે. શાઓમી સૌથી વધુ ગ્લોબલ કહી શકાય એવી ચાઈનીઝ કંપની છે. ભારતમાં તેની સાત ફેક્ટરી છે, જ્યાં બનાવેલા મોબાઈલમાંથી 99 ટકા મોબાઈલ તે ભારતમાં જ વેચે છે. આમ શાઓમી જે-જે દેશમાં છે ત્યાં તેને સ્થાનિક સ્તરે પોતાનું આગવું સ્થાન પણ બનાવવું છે.
ભારતમાં આઈપીઓ લાવવો છે
ગયા વરસે જ આ કંપનીએ તેના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) મારફત હોંગકોંગ માર્કેટમાંથી 4.7 અબજ ડૉલર ઊભા કર્યા હતા. આજની તારીખે શાઓમી 54 અબજ ડૉલરનું વેલ્યુએશન ધરાવતી કંપની છે. કંપની 100 અબજ ડૉલરનું મૂલ્ય વટાવી દેવાનું લક્ષ્ય ધરાવે છે અને તે દરેક માર્કેટમાં આઈપીઓ લાવવાની યોજના પણ ધરાવે છે. ભારતીય મૂડીબજારમાં પણ તેને આઈપીઓ લાવવો છે.
મોબાઈલ મારફત આવકના સ્રોત
મોબાઈલ મારફત ત્રણ માર્ગે આવકનું સર્જન થઈ શકે છે. એક, એડવર્ટાઈઝમેન્ટથી, બે, ગેમ્સથી અને ત્રણ, મનોરંજનથી. ભારત હજી એડવર્ટાઈઝમેન્ટની બાબતે ઘણું પાછળ છે. ચીન આ મામલે બહુ આગળ છે. ચીનમાં અલીબાબાનું ઈ-કોમર્સ મંચ સૌથી સફળ મંચ છે અને તે નફો કરી રહ્યું છે. આ બાબતમાં ભારતને ચીન સમાન બનતાં હજી વરસો લાગશે. જો કે ભારત આ ક્ષેત્રે તેનું પોતાનું સ્થાન મોટું બનાવશે એવું ચોક્કસ માની શકાય.
મેક ઈન ઈન્ડિયાની ભવ્ય સફળતાવાળી સ્ટોરી કેમ કરીને ખતમ થઈ?
અહીં એક વાત ખાસ યાદ કરવી જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા પર આવીને જે મેક ઈન ઈન્ડિયાની વાત કરી હતી અને દેશને મિશન આપ્યું હતું તેવું મિશન તેનાં દસ વરસ પહેલાં શરૂ કરાયું હતું, જે શરૂ કરનાર એક ગુજરાતી સાહસિક હતો, યસ, જિજ્ઞેશ શાહ. જેણે દસ વરસમાં નવ એક્સચેન્જની સ્થાપના કરી હતી. આમાંથી ચાર એક્સચેન્જ વિદેશોમાં સ્થપાયાં હતાં. એટલું જ નહીં, સફળતાપૂર્વક ચાલ્યાં પણ હતાં. તેમનાં પાંચ એક્સચેન્જીસે ભારતમાં પણ સફળતાની હરણફાળ ભરી હતી, કિંતુ બિન-તંદુરસ્ત હરીફાઈ કરીને સ્થાપિત હિતોએ એને ખતમ કરી દીધી. એ ષડ્યંત્રમાં એ સમયની કૉંગ્રેસ સરકારના નાણાપ્રધાન પી. ચિદમ્બરમનો હાથ હોવાનું અનેક ઠેકાણે કહેવાયું છે. માત્ર એક નૅશનલ સ્પોટ એક્સચેન્જની પૅમેન્ટ ક્રાઈસિસના નામે તેમણે જિજ્ઞેશ શાહનો ભોગ લીધો અને શાહને તેમનાં એક્સચેન્જ બિઝનેસમાંથી દૂર કરી દેવાયા હતા, એમ કહીને કે તેઓ ફિટ ઍન્ડ પ્રોપર નથી. શાહે જેનું સર્જન કર્યુ હતું એ એમસીએક્સ ક્યાંથી ક્યાં પહોંચી ગયું હતું. માત્ર એમસીએક્સ જ નહીં, તેમનું એકેએક સાહસ સફળ હતું. એમસીએક્સ આજે એક સમયની પૅરન્ટ કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડના નેતૃત્ત્વ વિના ક્યાંય પાછળ રહી ગયું છે. શાહના વિઝન વિના સ્ટોક એક્સચેન્જીસ પણ ક્યાં છે આજે? જે ઈક્વિટી કલ્ટનો તેમનો વિચાર હતો, તે હવે મહદ્અંશે કેસિનો કલ્ટ બની ગયો છે. તેમાં પણ એનએસઈ પર થયેલા કો-લોકેશન સ્કેમે તો કૌભાંડની તમામ હદ વટાવી દીધી છે. જેમાં આશરે પચાસ હજાર કરોડના લાભ સ્થાપિત હિતો દ્વારા લૂંટી લેવાયા છે. આ વાત આપણે અહીં અગાઉ પણ કરી છે, જેથી તેનું પુનરાવર્તન ટાળી શકાય.
મેક ઈન ઈન્ડિયાની એક ભવ્ય સક્સેસ સ્ટોરી કિલ થવાથી દેશે શું ગુમાવ્યું છે એ જાહેર છે. હવે નવી સરકાર તેની નવી ટર્મમાં નવેસરથી વિચાર કરીને સફળ મેક ઈન ઈન્ડિયા બનાવે તો વાત બને. તેમાં શાહ જેવા વિઝનરી સાહસિકનો સાથ લેવાય તો ચોક્કસ ફરક પડી શકે. બાકી, ભારતને ચીન સમકક્ષ થવા હજી લાંબો સમય લાગે એમ છે. એ થઈ શકશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. ભારતે સાહસિકતાને ખરા અર્થમાં નક્કર પ્રોત્સાહન આપવું જોઈશે.
—————————-