એનએસઈ, કે. પી. કૃષ્ણન, પી. ચિદમ્બરમ, આઇએનએક્સ મીડિયા કૌભાંડ, એનએસઈ કૉ-લૉકેશન કૌભાંડ અને એમસીએક્સ કૉ-લૉકેશન કૌભાંડ એ બધાના છેડા કેવી રીતે અડી રહ્યા છે?

તાજેતરમાં એનએસઈના કૉ-લૉકેશન કેસ બાબતે સેબીએ અપનાવેલા ઢીલા વલણને જોઈને સહેજે કહી શકાય કે આ એક્સચેન્જ એકચક્રી શાસન ભોગવી રહ્યું છે. એક સમયે તેના કોમોડિટી વાયદા બજાર એનસીડેક્સ સામે એમસીએક્સને કારણે તીવ્ર સ્પર્ધા ઊભી થઈ ત્યારે પી. ચિદમ્બરમના ખાસ ગણાતા અમલદાર કે. પી. કૃષ્ણને ચિદમ્બરમ માટે એક ગોપનીય નોંધ તૈયાર કરી હતી. 2007ના ડિસેમ્બર મહિનાની 19મી તારીખે એ નોંધ લખાઈ હતી, જે 2011માં પ્રકાશમાં આવી હતી. ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં જણાવાયા મુજબ કૃષ્ણને ઉક્ત નોંધમાં કહ્યું હતું: ”એનસીડેક્સની કામગીરી છેલ્લા થોડા મહિનાઓમાં ઘણી ઘટી ગઈ છે અને પરિસ્થિતિ હજી બગડશે એવા સંકેતો છે. એનસીડેક્સને ફરીથી બેઠું કરવા માટે એનએસઈને તેમાં સૌથી મોટું શેરધારક બનાવવું જરૂરી છે. આથી એલઆઇસી અને નાબાર્ડ પોતાના હિસ્સામાંથી પાંચ-છ ટકા હિસ્સો એનએસઈને વેચી દે તો એ કામ સરળ બની શકે છે…..મેં સચિવ સાથે વાત કરી લીધી છે અને એનસીડેક્સ/એનએસઈ પણ આવશ્યકતા મુજબ પોતપોતાના નિયમનકાર પાસેથી જરૂરી મંજૂરી મેળવી લેશે.”

ચિદમ્બરમે એ સત્તાવાર નોંધ પર હસ્તાક્ષર કર્યા હતા. કૃષ્ણન નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગમાં મૂડી બજારનો અખત્યાર સંભાળતા હતા, છતાં તેમણે કોમોડિટી એક્સચેન્જ માટે નોંધ બનાવી એ આશ્ચર્યની વાત છે. આથી જ એ સમયે એફટીઆઇએલની પેટા કંપની તરીકે કાર્યરત એમસીએક્સે એ નોંધ વિશે કેન્દ્રીય દક્ષતા આયુક્તને ફરિયાદ કરી. દક્ષતા સમિતિએ એ બાબતે તપાસ કરીને કૃષ્ણનને એક વર્ષ માટે કર્ણાટકમાં મૂળ કેડરમાં ટ્રાન્સફર કર્યા. ‘ધ ટાર્ગેટ’માં શાંતનુ ગુહા રે કહે છે કે આ પગલાને કારણે કૃષ્ણને એફટીઆઇએલ સામે દાઝ કાઢી હોવાથી શક્યતા છે. આથી જ એનએસઈએલ સંબંધે એફટીઆઇએલ સામે જે ષડ્યંત્ર રચાયું તેમાં કૃષ્ણનનો હાથ હોવાની શંકા જાય છે. કાળક્રમે એ ષડ્યંત્રને પગલે એફટીઆઇએલ પાસે એમસીએક્સમાં પરાણે હિસ્સો વેચાવી દેવાયો અને હવે એનએસઈએ સીધેસીધું એમસીએક્સ સાથે મર્જર કરીને એક કાંકરે બે પક્ષી મારવાનો વિચાર કર્યો છે. જો કે, સેબીએ કૉ-લૉકેશનના પ્રકરણને અનુલક્ષીને એ મર્જર માટે પરવાનગી આપી નથી. એમસીએક્સ અત્યારે લિસ્ટેડ એક્સચેન્જ છે. તેની સાથે મર્જર કરી લેવાય તો એનએસઈને આઇપીઓ લાવવાની જરૂર પણ ન રહે. વળી, એ સ્ટૉક માર્કેટ ઉપરાંત કોમોડિટી માર્કેટમાં પણ પોતાનો પગદંડો જમાવી શકે.

અહીં ફરી એક વાર યાદ કરાવવું રહ્યું કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની ઈજારાશાહી ન રહે એ માટે સ્પર્ધા ઊભી કરવા એનએસઈની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એનએસઈએ ઈજારાશાહી વિકસાવવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી એવું જણાય છે. દેશમાં ઈક્વિટી કલ્ટ રચવાનું તો બાજુએ રહ્યું, તેણે શેરબજારને સંપૂર્ણપણે જાણે સટ્ટાબજાર બનાવી દીધું છે. એમાં એણે કૉ-લૉકેશનની ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો.

આમ, એનએસઈ, કે. પી. કૃષ્ણન, પી. ચિદમ્બરમ, આઇએનએક્સ મીડિયા કૌભાંડ, એનએસઈ કૉ-લૉકેશન કૌભાંડ અને એમસીએક્સ કૉ-લૉકેશન કૌભાંડ એ બધાના છેડા અડી રહ્યા હોવાનું આપણે જોઈ શકીએ છીએ.

ધ ટાર્ગેટમાં લેખકે કહ્યું છે કે એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહ સ્ટૉક માર્કેટમાં ઊતરે તો એનએસઈનું એકહથ્થુ શાસન તૂટી જાય એવું મનાવા લાગ્યું હતું. આથી જ તેમની સામે એનએસઈએલના કેસમાં કાવતરું ઘડાયું હોવાનું કહેવામાં આવ્યું છે.

સમગ્ર બજારમાં ખુલ્લેઆમ બોલાય છે કે એનએસઈમાં કૉ-લૉકેશનનું આવડું મોટું કૌભાંડ થવા છતાં તેની સામે કોઈ આકરું પગલું લેવાયું નહીં એ બાબત પરથી કહી શકાય કે પી. ચિદમ્બરમ આજે પણ નાણાં ખાતામાં તથા અમલદાર વર્ગમાં વગ ધરાવે છે.

———————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s