
માહિતી વિસ્ફોટના જગતમાં જો કોઈ એમ વિચારતું હોય કે પોતે જે કરે છે તેની કોઈને ખબર નહીં પડે, તો તે થાપ ખાય છે. ”યહ પબ્લિક હૈ, યહ સબ જાનતી હૈ” એ ગીત આજે પણ યથાર્થ છે; અને માહિતી પ્રાપ્તિના અધિકારના જમાનામાં એ વધુ સૂચક પણ છે.
હાલમાં આપણે જોયું કે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના કેસમાં નિયમનકાર સંસ્થા સેબીએ નબળો આદેશ બહાર પાડીને પોતાને નિયમનકાર તરીકે હાંસીપાત્ર ઠેરવી છે. હવે એ જ વાતનું પુનરાવર્તન એમસીએક્સ (MCX – મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ)ના કેસમાં થાય તો નવાઈ નહીં.
ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ એમસીએક્સનું ફોરેન્સિક ઑડિટ કર્યું છે અને તેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એમસીએક્સ પાસેથી ટ્રેડિંગ સંબંધિત ડેટા મેળવવા પાછળનો ઉદ્દેશ ઍલ્ગરિધમ સ્ટ્રેટેજી વિકસાવવાનો હોય એવું પ્રથમ દૃષ્ટિએ દેખાય છે.
આ મુસદ્દા અહેવાલ સેબીને સુપરત કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયા મુજબ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ (IGIDR)ના સંશોધક સુસાન થોમસની સૂચનાના આધારે એમસીએક્સે ટ્રેડિંગ ડેટા દિલ્હીના આનંદ ચિરાગને પહોંચાડ્યો હતો. આનંદ ચિરાગ ઍલ્ગરિધમ ટ્રેડિંગ સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે.
એમસીએક્સે ટ્રેડિંગ થવા પહેલાંના અર્થાત્ પેન્ડિંગ ઓર્ડરના ડેટા પણ ટ્રેડિંગ ડેટાના નામે આનંદને આપ્યા હતા. આ ડેટા સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ ડેટા ગણાય. આનંદ ચિરાગે જે ડેટા માગ્યો એ બધો પૂરો પાડવા માટે એમસીએક્સની રિસર્ચ ટીમે એક્સચેન્જની ટેક્નૉલૉજી ટીમની મદદ લીધી હતી. એક્સચેન્જનો એક વિભાગ બીજાની મદદ લે એમાં કંઈ અજુગતું ન કહેવાય, પરંતુ એ કામમાં ઓપરેશન્સ અને નિયમનપાલન વિભાગના લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહીં હોવાથી સંશોધનની બાબતે વિશ્વાસનો અભાવ દેખાય છે.
આ બાબતે એક્સચેન્જના અલગ અલગ લોકોએ અખબારી સંવાદદાતાને પોતપોતાની રીતે ચોખવટ કરતા જવાબ આપ્યા છે, પરંતુ નોંધનીય છે કે સુસાન થોમસે પોતાનાં બહેન સુનીતા થોમસની સોફ્ટવેર કંપની માટે એમસીએક્સની પાસે ડેટા માગ્યો હોવાનું દર્શાવતો ઈમેઇલ ઑડિટરોની પાસે છે.
કૉ-લૉકેશન અને ઍલ્ગરિધમિક ટ્રેડિંગની બાબતે ઉંડી ઊતરેલી વેબસાઇટ – https://www.pgurus.comના એક અહેવાલ અનુસાર સેબીએ આ ઑડિટ અહેવાલ સંબંધે એમસીએક્સના તત્કાલીન મૅનેજિંગ ડિરેક્ટર મૃગાંક પરાંજપેની પાસે જવાબ માગતી નોટિસ મોકલી હતી.
આ વેબસાઇટનું કહેવું છે, અને એ જાણવા માટે વધારે ઊંડા ઊતરવાની જરૂર પણ નથી, કે એમસીએક્સના ડેટા શૅરિંગ કૌભાંડમાં સંડોવાયેલી મુખ્ય વ્યક્તિઓ એનએસઈના કૉ-લૉકેશન કૌભાંડમાં પણ સંડોવાયેલી છે. વળી, તેમની કામ કરવાની પદ્ધતિ પણ સરખી જ છે. સુસાન થોમસ અને તેમના પતિ અજય શાહ વિશે હવે વિચારક્રાંતિના લોકો જાણે જ છે. તેઓ બન્ને એમસીએક્સના આ કૌભાંડમાં સંડોવાયેલા છે.
એમસીએક્સની સ્થાપના કરનાર એફટીઆઇએલ કંપનીની સામેના ષડ્યંત્ર વિશે ઘટસ્ફોટ કરનારા ‘ધ ટાર્ગેટ’ પુસ્તકનો અહીં ફરી ઉલ્લેખ કરવા જેવો છે. એ પુસ્તકના લેખક શાંતનુ ગુહા રેએ પી. ચિદમ્બરમ સામે આંગળી ચીંધી છે. આ એ જ ભૂતપૂર્વ નાણાપ્રધાન છે, જેમના કથિત ષડ્યંત્રને પગલે એફટીઆઇએલની પાસે એમસીએક્સમાં હિસ્સો વેચાવડાવી દેવાયો. એના વિશે ફરી ક્યારેક વાત કરીશું.
અત્યારે તો ખાસ નોંધવા જેવો મુદ્દો એ છે કે ચિદમ્બરમના વિરોધમાં શીના બોરા મર્ડર કેસનાં આરોપી ઇન્દ્રાણી મુખર્જી પણ પોલીસ સમક્ષ જુબાની આપવાનાં હોવાનું મનાય છે. પી. ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિની સંડોવણી ધરાવતા આઇએનએક્સ મીડિયા કેસમાં ઇન્દ્રાણી તાજના સાક્ષી બની ગયાં હોવાથી ચિદમ્બરમના પગ નીચે રેલો આવવાની શક્યતા છે.
ઇન્દ્રાણી પોતે એ કેસમાં આરોપી હોવાથી તાજના સાક્ષી બન્યાં છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને તેના માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દીધું છે. આ સાક્ષી તરીકે ઇન્દ્રાણીને દિલ્હીની અદાલત સમક્ષ 23મી મેએ હાજર થવા માટે મુંબઈ વડી અદાલતે પરવાનગી આપી છે.
ઇન્દ્રાણીએ આપેલાં નિવેદનો પરથી કેટલીક વાતો જાણવા મળી છે. એ મુજબ તેમણે 300 કરોડની આવક વેરા ખાતાની નોટિસને પગલે કાર્યવાહીથી બચવા ચિદમ્બરમની મદદ લીધી હોવાનું કહેવાય છે. તેના બદલામાં તેમણે ચિદમ્બરમને કઈ મદદ કરી તેની પોલ 23મી મેની જુબાનીમાં ખૂલી શકે છે.
પોતાની પ્રથમ લગ્નથી થયેલી દીકરીની હત્યાના કેસમાં હાલ ચુકાદાની રાહ જોઈ રહેલાં ઇન્દ્રાણી અને તેમના પતિ પીટર મુખર્જી પણ આઇએનએક્સ મીડિયા કેસમાં આરોપી છે. પીટર મુખર્જી ભારતમાં સ્ટાર ટીવીના પ્રમોટર હતા. ઇન્દ્રાણી અને પીટરની માલિકીની આઇએનએક્સ મીડિયા ટીવી ચેનલને વિદેશથી ફક્ત 5 કરોડ રૂપિયાનું રોકાણ લાવવાની મંજૂરી મળી હતી, પરંતુ તેઓ ગેરકાનૂની રીતે 305 કરોડનું ભંડોળ લાવ્યાં. આવક વેરા ખાતાએ 2008માં તેમને નોટિસ મોકલી. એ તબક્કે તેમણે ચિદમ્બરમની મદદ લીધી હોવાનું કહેવાય છે. તેના બદલામાં ચિદમ્બરમ અને તેમના દીકરાને કઈ કઈ મદદ કરવામાં આવી તેની વિગતો લોકસભાની ચૂંટણીના પરિણામના જ દિવસે દિલ્હી વડી અદાલતમાં બહાર આવશે.
ઉક્ત કેસમાં પી. ચિદમ્બરમ 25 વખત ધરપકડથી બચી ગયા છે. ધરપકડ સામે આટલી બધી વાર રક્ષણ મળ્યું હોય એવો કદાચ આ પહેલો કિસ્સો હશે.
હજી એમસીએક્સથી શરૂ થયેલી આપણી વાતો પૂરી થઈ નથી. મળીએ આગામી કડીમાં…..
——————-
માહિતી સંદર્ભઃ https://www.pgurus.com/mcx-data-scandal-tip-of-an-ice-berg-or-case-closed-for-sebi/