
લાખો લોકોને એમ લાગતું રહ્યું કે ક્રિકેટ મૅચ લાઇવ રમાઈ રહી છે, પરંતુ મૅચ તો પહેલાં જ રમાઈ ચૂકી હતી. આવું ક્રિકેટજગતની મૅચના પ્રસારણમાં નહીં, પણ સ્ટૉક માર્કેટમાં ચાલી રહેલી ઇન્વેસ્ટરો સાથેની રમતમાં બન્યું છે.
લાખો ઇન્વેસ્ટરો લાઇવ ભાવ જોઈને ટ્રેડિંગ કરી રહ્યા હોવાનું માની રહ્યા હતા, પરંતુ હકીકતમાં કેટલાક બ્રોકરોને બીજાઓની પહેલાં ભાવ જોવા મળી જતા હતા અને તેઓ ટ્રેડિંગ કરીને તેનો (ગેર)લાભ લઈ લેતા હતા.
હા, તમે બરોબર સમજી ગયા છો. આ વાત છે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના કૉ-લૉકેશન કૌભાંડની. અત્યારે નાણાકીય જગતમાં જેની ચર્ચા ચાલી રહી છે એવા અગત્યના પ્રશ્નોમાં કૉ-લૉકેશન કૌભાંડનો પણ સમાવેશ થાય છે. તેનું કારણ એ છે કે કૉ-લૉકેશન કૌભાંડ આશરે 50,000થી 60,000 કરોડ રૂપિયાનું હતું. આ બજારમાં સેકંડના અડધા ભાગનો તફાવત પણ ઘણો મોટો ગણાય છે. આથી તેમાં ગણતરીના બ્રોકરોએ લીધેલા ગેરલાભનું પ્રમાણ પણ ઘણું ઉંચું રહ્યું છે.
એનએસઈની બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગમાં નક્કી થયા મુજબ સેબીએ એક્સચેન્જની વિરુદ્ધ આપેલા આદેશને પડકારવામાં આવશે. સેબીએ કૉ-લૉકેશન કૌભાંડ સંબંધે આપેલા આ આદેશ મુજબ એનએસઈએ 624.89 કરોડ રૂપિયાનો દંડ અને તેના પર 12 ટકા લેખે વ્યાજ એ બધું મળીને આશરે કુલ 1,000 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો છે. તેણે એક્સચેન્જને આઇપીઓ લાવવા માટે છ મહિનાની મનાઈ પણ ફરમાવી છે.
સેબીએ એક્સચેન્જમાં કૉ-લૉકેશનના નામે કેટલાક બ્રોકરોને વિશિષ્ટ સુવિધા આપી એ બદલ દંડ કર્યો છે. ઉપરાંત, એક્સચેન્જના ગોપનીય ડેટાનો અનુચિત ઉપયોગ થવાને કારણે ઉઠેલા કૉર્પોરેટ ગવર્નન્સના પ્રશ્ને પણ એક્સચેન્જને દંડ કર્યો છે. એનએસઈના બૉર્ડે લીધેલા નિર્ણય મુજબ સેબીના આદેશને સૅટ (સિક્યૉરિટી ઍપેલેટ ટ્રિબ્યુનલ)માં પડકારવામાં આવશે, કારણ કે તેની પાસે પડકાર ફેંકવા માટે સબળ દલીલો છે.
અત્યાર સુધી આ કેસમાં અન્યો સામે અપાયેલા ચુકાદામાં પણ સૅટે ઢીલું વલણ અપનાવ્યું હોવાથી એક્સચેન્જ પણ તેનો લાભ ખાટી જાય એવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
સેબીએ પોતાના આદેશમાં કહ્યું છે કે એક્સચેન્જના ટિક બાય ટિક ડેટા ફીડ માટે સબસ્ક્રિપ્શન કરનારા બ્રોકરોને સમાન સ્તરે કાર્ય કરવા દેવાની ફરજ બજાવવામાં એક્સચેન્જ નિષ્ફળ ગયું છે. તેની ક્ષતિને લીધે કેટલાક બ્રોકરોને બીજાઓ કરતાં પહેલાં ભાવસંબંધી માહિતી મળી ગઈ હતી. ડાર્ક ફાઇબર નામની સુવિધા સંબંધે સેબીએ કહ્યું છે કે એક્સચેન્જ તથા તેના કેટલાક અધિકારીઓએ અમુક બ્રોકરોને બીજાઓ કરતાં વધારે સુવિધા આપી.
કૉર્પોરેટ ગવર્નન્સના કેસમાં સેબીએ કહ્યું છે કે એનએસઈ તથા તેના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણ બેદરકારી બદલ દોષિત છે. તેમણે ગોપનીય ડેટા ઇન્ફોટેક ફાઇનાન્શિયલ સર્વિસીસને આપતી વખતે હિતોના ટકરાવ તરફ ધ્યાન આપ્યું નહીં. આથી એ મામલે પણ તેઓ દોષિત છે.
નોંધનીય છે કે રવિ નારાયણને સૅટે મંગળવારે 14મી મેએ સ્ટેના સ્વરૂપે વચગાળાની રાહત આપી હતી. ચિત્રા રામકૃષ્ણને પણ આવી રાહત મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
તેની પહેલાં છઠ્ઠી મેએ સૅટે રવિ વારાણસી, નગેન્દ્રકુમાર તથા દેવીપ્રસાદ સિંહ નામના ત્રણ અધિકારીઓની સામેની કાર્યવાહીમાં પણ સ્ટે આપ્યો હતો. આ ત્રણે અધિકારીઓએ વેટુવેલ્થ બ્રોકર્સ અને જીકેએન સિક્યૉરિટીઝ નામના સ્ટૉક બ્રોકર્સની સાથે મળીને તેમને બીજાઓની તુલનાએ અનુચિત લાભ આપ્યો હોવાનો આરોપ સેબીએ 30મી એપ્રિલના તેના આદેશમાં મૂક્યો હતો. તેમને બે વર્ષ સુધી કોઈ પણ સ્ટૉક એક્સચેન્જમાં કોઇ પણ હોદ્દો લેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. સૅટે તેમની સામેના આદેશ બાબતે પણ સ્ટે આપ્યો હતો.
એનએસઈ ખાનગી એક્સચેન્જ છે, પરંતુ તેની સામાન્ય છાપ સરકારી એક્સચેન્જ તરીકે જ પાડવામાં આવી છે. સેબીએ અને સૅટે જે રીતે તેની સાથે વ્યવહાર કર્યો છે એ પણ જાણે સરકારી એક્સચેન્જ ગણીને જ કર્યો હોય એવી છાપ પડે છે.
એનએસઈની જેમ એમસીએક્સમાં પણ ડેટા શૅરિંગનું કૌભાંડ થયું હોવાનું બોલાઈ રહ્યું છે, પરંતુ એનએસઈના કેસની જેમ જ સેબી અને સૅટમાં લોકોની લાગણીઓ સાથે રમત થઈ શકે છે એવી વાતો પણ થઈ રહી છે.
એમસીએક્સના ડેટા શૅરિંગ કૌભાંડ વિશે આગામી કડીમાં વાત કરીશું.
—————-
—————-