નો વન કિલ્ડ જેસિકા! એનએસઈના કૉ-લૉકેશન સ્કેમમાં જવાબદાર કોણ?

થોડાં વરસ પહેલાં એક ફિલ્મ આવી હતીઃ ‘નો વન કિલ્ડ જેસિકા’. સસ્પેન્સ થ્રિલર હતી. એક યુવતીનું ખૂન થઈ જાય છે અને જાણે કોઈએ ખૂન જ કર્યું નથી એવો તાલ રચાય છે. હકીકતમાં જેસિકા નામની યુવતી મૃત્યુ પામી હોય છે.

આવું જ કંઈક હાલ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના કૉ-લૉકેશન કેસના ગોટાળામાં  ચાલી રહ્યું છે. સેબીએ તેનો નબળો ઍકશન ઓર્ડર આ કેસમાં બહાર પાડ્યો, પણ એ ઓર્ડર જ એટલો નબળો બહાર પડાયો હતો કે બે દિવસમાં તો એ ઓર્ડરમાં આરોપી બતાવાયેલા અમુક અધિકારીઓને ઍકશન સામે સ્ટે પણ મળી ગયો. વાહ વાહ સેબીજી!

સેબીનો નબળો ઓર્ડર ઇરાદાપૂર્વકનો? ઓર્ડર સામે સૅટનો સ્ટે દેખાવ પૂરતો? આટલા વિશાળ કૌભાંડની ગંભીર ચકાસણી થઈ રહી છે ખરી, કે પછી બધું પોલમપોલ?

કહેવાય છે કે સેબીએ ઈરાદાપૂર્વક ઓર્ડરમાં કચાશ કે નબળાઈ  રાખી હતી, જેથી એક તરફ તેણે ઍકશન લીધી એવું જગતને દેખાય અને બીજી તરફ  સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલ જેવી ઉપરી સંસ્થા એ ઓર્ડર સામે મનાઈહુકમ આપી દે, જેથી કહેવાતા આરોપીઓ લોકોને નિર્દોષ લાગવા માંડે.

એનએસઈના બે ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણ સામે ઓર્ડર હતો અને તેમને બે વરસ સુધી માર્કેટમાં કોઈપણ સ્વરૂપે ભાગ લેવાની મનાઈ ફરમાવાઈ હતી. આ જ ઓર્ડરમાં સેબીએ આખા ષડ્યંત્રના કહેવાતા સૂત્રધાર અજય શાહ નામની હસ્તી સામે પણ ઓર્ડર બહાર પાડ્યો હતો, વાહ, સૅટે તેમને પણ સ્ટે આપી દીધો. અજય શાહના કેસમાં તો સૅટનું નોંધવું છે કે છેલ્લાં દસ વરસમાં તેની સામે કોઈ ફરિયાદ થઈ નથી. આને જ તો ઈન્ટેલેક્ચ્યુઅલ સ્કેમ-વ્હાઈટ કોલર ક્રાઈમ કહેવાતા હોય છે.

રખે ને કોઈ સમજી લે કે આ લોકો કાયમ માટે નિર્દોષ જાહેર થઈ ગયા. તેમની સામે તપાસ ચાલશે અને એ તપાસમાં બારીકાઈ રખાશે એવી આશા રાખીએ. કારણ કે જો સેબી એમાં પણ ઢીલું વલણ રાખશે તો રેગ્યુલેટર તરીકે સેબી કેટલું બદનામ થઈ જશે.

આ કૉ-લૉકેશનનું કૌભાંડ એટલું ગંભીર છે કે અમુક વર્ગ તો તેને કોલસા કૌભાંડ સાથે પણ સરખાવે છે. તેમાં વડાપ્રધાન (ત્યારે મનમોહન સિંહ હતા)ને બધી જ ખબર હતી છતાં તેમણે ચૂપ રહેવું પસંદ કર્યું હતું કે પછી તેમને ચૂપ કરી દેવાયા હતા. વાહ વાહ મનમોહનજી!

સેબી હવે ટૂંક સમયમાં એનએસઈની અરજી પર સુનાવણી કરવાનું છે, જેમાં એનએસઈને 1,000 કરોડની પેનલ્ટીની વાત છે. સેબીએ એનએસઈના બે એમડીને તેમના ચોક્કસ વરસના પગારમાંથી 25 ટકા રકમ પણ પેનલ્ટી સ્વરૂપે જમા કરાવવાનું કહ્યું હતું. આ બાબતને પણ હાલ મનાઈહુકમ મળી ગયો છે. કરોડોનો લાભ ખાટી ગયેલા કેટલાક બ્રોકરોને તો હજી કોઈએ હાથ લગાડ્યો નથી. એમ તો તેમને (ગેર)લાભની પચાસ ટકા રકમ સિક્યૉરિટી તરીકે જમા કરવા કહેવાયું છે. આમ, આ કૌભાંડના સૂત્રધાર કહી શકાય એવી હસ્તીઓ હજી મુક્ત છે, અર્થાત્ સ્ટે પર છે.  

નિષ્ણાતો તો હાલ ત્યાં સુધી કહે છે કે સેબીએ 675 કરોડની પેનલ્ટી કરી એ પણ ઓછી છે. એનએસઈએ પોતે પણ 2,000 કરોડ રૂપિયાની પેનલ્ટીની ધારણા રાખી હતી. આશરે 50-60 હજાર કરોડના આ કૌભાંડને કેટલું ગંભીરતાથી લેવાઈ રહ્યું છે તે આ બધી ‘ઉદાર’ ઍક્શન પરથી સ્પષ્ટ થાય છે.

—————————————-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s