ભ્રષ્ટાચારીઓનું દુઃસાહસ, અદાલતના
સ્ટા ફને ફોડીને આદેશોમાં ફેરફાર કરાવે છે

એક તો લોકોની સાથે છેતરપિંડી કરવી છે અને અદાલત આદેશ આપે ત્યારે તેમાંય ભ્રષ્ટાચાર કરીને આદેશને બદલી નાખવાનું દુઃસાહસ કરવું છે! દેશની સર્વોપરી અદાલતને પણ આઘાત લાગે એવી ઘટના આ દેશમાં બની છે અને નાગરિકો માટે ભયંકર ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ફ્લેટ ખરીદનારાઓ સાથે મોટાપાયે છેતરપિંડી કરનારા આમ્રપાલી બિલ્ડર્સના કેસમાં કૉર્ટના સ્ટાફ સાથે મળીને આદેશમાં ચેડાં કરવાનું દુઃસાહસ કરવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે તેની સામે લાલ આંખ કરી છે.
અદાલતના રજિસ્ટ્રારના કર્મચારીઓ સાથે મળીને અમુક છૂટછાટો મેળવી લેવાનું વર્ષોથી ચાલી રહ્યું હોવાનું સંભળાયું છે, પરંતુ હવે તો અદાલતે પાસ કરેલા ઓર્ડરના લખાણમાં જ ફેરફાર કરવાની હિંમત થવા લાગી છે. તેના પરથી ખયાલ આવે છે કે સડો ઘણો ઉંડે સુધી પેસી ગયો છે.
કોઈને જામીન મળે ત્યારે સાંજે જેલ બંધ થવા પહેલાં જ જેલમાં અદાલતનો આદેશ પહોંચાડવામાં આવે એ માટે લોકો રજિસ્ટ્રારને પૈસા ખવડાવતા હોય એવું બનતું આવ્યું છે, પણ હવે છેક સર્વોચ્ચ અદાલત સુધી રેલો પહોંચી ગયો છે.
સર્વોચ્ચ અદાલતે આ બાબતની ગંભીર નોંધ લઈને કહ્યું છે કે આવી રીતે આદેશો સાથે ચેડાં કરનારાઓને સાંખી નહીં લેવાય. દોષિત કર્મચારીને દૂર કરવામાં આવશે.
આની પહેલાં ગત ફેબ્રુઆરીમાં અદાલતે તેના બે સ્ટાફને બરતરફ કર્યા હતા અને તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. એક ઉદ્યોગપતિએ વ્યક્તિગત રીતે અદાલતમાં હાજર રહેવું એવો આદેશ આપવામાં આવ્યો હતો, પણ કર્મચારીઓએ તેના લખાણમાં એવો ફેરફાર કરી દીધો કે એ ઉદ્યોગપતિને અદાલતમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આમ્રપાલી ગ્રુપના કેસમાં ન્યાયમૂર્તિ અરુણ મિશ્ર અને ન્યાયમૂર્તિ યુ. યુ. લલિતે આદેશ આપ્યો હતો કે ગ્રુપની સપ્લાયર કંપનીઓએ ફોરેન્સિક ઑડિટર પવન અગરવાલ સમક્ષ હાજર થવું. જ્યારે એ આદેશની નકલ બહાર પડી ત્યારે ફોરેન્સિક ઑડિટર તરીકે પવન અગરવાલને બદલે રવીન્દર ભાટિયાનું નામ આવી ગયું હતું.
આવી રીતે થયેલાં ચેડાં ગરબડ સંબંધે ન્યાયમૂર્તિઓએ કહેવું પડ્યું કે ફક્ત બે માણસોને કાઢી નાખવાથી ફરક પડ્યો નથી. આ રીતે તો સંસ્થાનો નાશ થઈ રહ્યો છે. આથી જેઓ તેના માટે જવાબદાર છે તેમને આકરો સંદેશ મળવો જોઈએ કે હવે આવું બધું નહીં ચલાવી લેવાય.
અદાલતે ખરું જ કહ્યું છે. આવાં તત્ત્વોને જરાપણ ચલાવી લેવાય નહીં. તેમની સામે આકરી કાર્યવાહી કરીને ધાક બેસાડવી જરૂરી છે.
સર્વોચ્ચ અદાલતના વહીવટી સ્તરે જે થઈ રહ્યું છે એ આઘાતજનક છે, એમ અદાલતે કહેવું પડ્યું છે.
આમ્રપાલી ગ્રુપે ઘર ખરીદનારાઓ પાસેથી નાણાં લઈને આશરે 400 કરોડ રૂપિયા ગેરમાર્ગે વાળ્યાં હતાં. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અખિલ સુરેકાએ આ દુષ્કૃત્ય કર્યું હતું. આથી અદાલતે સુરેકાની વિરુદ્ધ તપાસ માટે ફોરેન્સિક ઑડિટરની નિમણૂક કરી હતી.
વગદાર કૉર્પોરેટ હાઉસીસ ન્યાયતંત્ર સાથે ચેડાં કરી રહ્યાં છે અને કૉર્ટના સ્ટાફનો દુરુપયોગ કરવા લાગ્યા છે, એવું કહીને ન્યાયમૂર્તિ મિશ્રની બેન્ચે વચેટિયાઓ વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ઉક્ત ઘટના પરથી જોઈ શકાય છે કે ખોટાં કામ કરનારાઓને હવે કાયદાનો પણ ભય રહ્યો નથી. તેઓ સર્વોચ્ચ અદાલતના સ્ટાફને ફોડીને આદેશોમાં પોતાની સગવડ પ્રમાણેનો ફેરફાર કરાવવા લાગ્યા છે.
—————–