પી. ચિદમ્બરમને આગોતરા જામીનની સિલ્વર જ્યુબિલીઃ શું આ જ કારણસર આપણે ‘મેરા ભારત મહાન’ કહીએ છીએ?

ઍરસેલ-મેક્સિસ કેસમાં ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને ધરપકડ સામે સતત મળી રહેલા કાનૂની રક્ષણનું આશ્ચર્ય

તસવીર સૌજન્યઃ https://www.newslaundry.com

પી. ચિદમ્બરમ શેરબજાર અને શેરબજારનાં કૌભાંડોમાં સંડોવાયેલા હોવા વિશે અનેક જગ્યાએ શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આપણે આ બ્લોગમાં જ જોયું કે આ ભૂતપૂર્વ નાણાપ્રધાનને જાહેર પડકાર ફેંકવામાં આવ્યો હોવા છતાં તેમના પેટનું પાણીય હલતું નથી. એ કેમ હલતું નથી તેનું એક કારણ ન્યાયતંત્ર પાસેથી તેમને વારંવાર મળી રહેલી સુવિધા છે. આથી જ કહેવું રહ્યું કે આટલી સુવિધા તો પતિ-પત્ની પણ એકબીજાને નથી આપતાં.

લગ્નની સિલ્વર જ્યુબિલી ઉજવાય એમ પી. ચિદમ્બરમને ધરપકડ સામે મળેલા રક્ષણની સિલ્વર જ્યુબિલી હાલ ઉજવાઈ છે. તેમને ઍરસેલ-મેક્સિસ કેસમાં સતત પચ્ચીસમી વખત આગોતરા જામીન મળી ગયા છે.

ચિદમ્બરમ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ મૂક્યો છે કે તેમણે કેન્દ્રીય નાણાપ્રધાનપદનો દુરુપયોગ કરીને વિદેશી રોકાણકારો સાથે મળીને કાવતરું રચ્યું અને પોતાના દીકરા કાર્તિની કંપનીને મદદ કરી. તેઓ 2006માં નાણાપ્રધાન હતા ત્યારે તેમણે મોરિશિયસસ્થિત કંપની ગ્લોબલ કોમ્યુનિકેશન હોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડને ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની ઍરસેલમાં રોકાણ કરવા માટે મંજૂરી આપી. તેમને માત્ર 600 કરોડ રૂપિયાનું રોકાણ મંજૂર કરવાની સત્તા હતી, પરંતુ તેમણે 3,500 કરોડ રૂપિયાના રોકાણ માટે મંજૂરી આપી. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ચલાવેલી સમાંતર તપાસમાં કહેવામાં આવ્યું છે કે ઍરસેલ-મેક્સિસ કેસમાં કાર્તિને કટકી મળી હોવાથી ચિદમ્બરમે સત્તાનો દુરુપયોગ કર્યો. આ કેસમાં કાર્તિની સાથે સંકળાયેલી કંપનીને 26 લાખ રૂપિયા મળ્યા હતા. બીજા આશરે 90 લાખ રૂપિયા કાર્તિ અને તેના કઝીન એ. પલાનીપ્પને પ્રમોટ કરેલી ચેસ મૅનેજમેન્ટ કંપનીને મળ્યા હતા.

અદાલતે અકળ કારણોસર પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને સતત ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. અત્યાર સુધીમાં ચિદમ્બરમને 2018ની 9 માર્ચ, 20 માર્ચ, 16 એપ્રિલ, 1 મે, 29 મે, 4 જૂન, 9 જુલાઈ, 6 ઑગસ્ટ, 9 સપ્ટેમબર, 24 સપ્ટેમ્બર, 7 ઑક્ટોબર, 1 નવેમ્બર, 17 ડિસેમ્બર તથા આ વર્ષની 11 જાન્યુઆરી, 28 જાન્યુઆરી, 18 ફેબ્રુઆરી, 8 માર્ચ, 25 માર્ચ, 26 એપ્રિલ અને છેલ્લે 6 મેના રોજ દિલ્હીની વિશેષ અદાલતે ધરપકડ સામે રક્ષણ આપ્યું છે.

કાર્તિને પણ સતત ધરપકડ સામે રક્ષણ આપવા ઉપરાંત વિદેશ જવા માટે પરવાનગી આપવામાં આવતી રહી છે. આ જ કાર્તિ માટે મધરાતે 12 વાગ્યે અદાલતની કાર્યવાહી ચલાવવામાં આવી હતી, જેથી એ ભાઈ બીજા દિવસે પરોઢે પાંચ વાગ્યે ફ્લાઇટ પકડીને વિદેશ જઈ શકે. હાલમાં પાછો તેને 10 કરોડ રૂપિયાનો બોન્ડ આપીને વિદેશ જવાની પરવાનગી અપાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભારત, યુનાઇટેડ કિંગડમ અને સ્પેનમાં કાર્તિની 54 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિને ટાંચ મારી છે.

એનએસઈના કો-લોકેશન કેસમાં સંડોવાયેલા અજય શાહ પી. ચિદમ્બર સાથે સંકળાયેલા હોવાનું અનેક અહેવાલોમાં બહાર આવી ચૂક્યું છે અને આપણે પણ તેના વિશે વાત કરી છે.

હાલમાં એનએસઈના આ કૌભાંડ બાબતે એક મહત્ત્વપૂર્ણ વિડિયો પ્રસિદ્ધ થયો છે, જે ભારતીય રોકાણકારોની આંખ ઉઘાડનારો છે. (https://youtu.be/VxCSQETjYlg)

રોકાણકારોનાં નાણાં સાથે રમનારા લોકોને અદાલતોમાં ધરપકડ સામે 25-25 વખત રક્ષણ મળે છે એ આશ્ચર્યજનક બાબત છે. આ રીતે લોકોની ભાવનાઓની સાથે પણ રમત થાય છે. એનએસઈના કેસમાં પણ સેબીએ કરેલી કાર્યવાહીનો આદેશ નબળો હોવાથી ઍપલેટ ટ્રિબ્યુનલે તેની સામે સ્ટે આપી દીધો છે.

દેશના અગ્રણી ઉદ્યોગપતિએ પણ અમુક રકમ ચૂકવાય નહીં તો જેલમાં જવું પડે એવી સ્થિતિ હાલમાં ઊભી થઈ હતી. તેમના ભાઈએ સમયસર આર્થિક મદદ કરતાં તેઓ બચી ગયા. જો કાયદાની નજરમાં બધા સરખા હોય તો આ એક માણસને 25-25 વખત આગોતરા જામીન આપવા પાછળનું સ્પષ્ટ કારણ પણ દેખાવું જોઈએ, જે કમનસીબે અત્યાર સુધી ક્યાંય દેખાયું નથી.

શેરબજારનાં વર્તુળોમાં તો વર્ષોથી કહેવાતું આવ્યું છે કે આ પિતા-પુત્ર શેરબજારમાં મોટાપાયે સટ્ટો કરે છે અને તેઓ બજારને રમાડે છે. કો-લોકેશન દ્વારા અમુક ગણ્યાગાંઠ્યા લોકોને ગેરરીતિથી કમાણી કરી લેવાની તક આપવામાં આવે છે ત્યારે પોતાની મહેનતની કમાણી આ બજારમાં રોકીને પ્રામાણિકપણે વળતર મેળવવાની કોશિશ કરનાર રોકાણકારોને અન્યાય થાય છે.

બજારને રમાડનારાં આ તત્ત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય અથવા તો તેઓ કાર્યવાહીમાંથી આબાદ છટકી જાય ત્યારે ખરી ભાવનાથી નહીં, પણ મહેણા તરીકે કહેવાનું મન થાય કે ‘મેરા ભારત મહાન!’

———————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s