
એનએસઈ વિરુદ્ધના ગંભીર આરોપના કેસમાં બીજા દિવસે જ સ્ટે મારફત રાહત પણ અપાઈ ગઈ? જાણે ફ્રેન્ડલી મૅચ રમાઈ રહી છે!
ભારતીય મૂડીબજાર તેજીમાં ભલે રહે, કિંતુ તેની તંદુરસ્તી મોટેભાગે શંકાસ્પદ રહે છે. મૂડીબજારમાં મોટેભાગે અને મોટાભાગના લોકોને અવિશ્વાસ રહે છે અને એટલે જ આટલાં વરસો બાદ પણ અહીં ઈક્વિટી કલ્ટ ફેલાઈ શકતું નથી, સરકારે અને નિયમનકારી સંસ્થા – સેબીએ આજે પણ ઈક્વિટી કલ્ટ માટે ફાંફાં મારવા પડે છે. જાગૃતિ ઝુંબેશ ચલાવવી પડે છે. અહીં દર થોડા વરસે સ્કેમ થાય છે, બજાર પર અને લોકોના માનસ પર છવાઈ જાય છે, લોકો છેતરાય છે, લૂંટાય છે, નાણાં ગુમાવે છે, કિંતુ સ્કેમ કરનારને કંઈ જ થતું નથી. થોડી સજા દેખાવ પૂરતી થઈ જાય છે. એ પણ નહીંવત્ જેવી, કારણ કે સ્કેમ કરનારા વ્હાઈટ કોલર અપરાધી હોય છે. તેઓ પોતાની સર્વશ્રેષ્ઠ બુદ્ધિનો ઉપયોગ કરે છે અને સ્કેમ પણ અતિ કોમ્પ્લેક્સ ઢબે કરે છે, જેથી તેમની સામે પગલાં લેવામાં સમય લાગે છે અથવા કહો કે નિયમનકારી સંસ્થાને ધીમે-ધીમે પગલાં લેવાનું કારણ મળી જાય છે.
નિર્દોષને તરત સજા અને અપરાધીને તરત રાહત
ખૈર, તાજેતરમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના કૉ-લૉકેશન કૌભાંડમાં સેબીની ઍક્શન આવી, ઘણી મોડી અને મોળી આવી. એમાં પણ આ એક્સચેન્જના જવાબદાર ત્રણેક અધિકારીઓને – બ્રોકરોને તરત જ રાહત મળી ગઈ, અર્થાત્ આ મહાનુભાવોએ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં અપીલ કરી કે તરત સ્ટે મળી ગયો!
નિર્દોષ લોકોને જેલમાં ખોટી ખોટી સજા બાદ વરસો પછી નિર્દોષ જાહેર કરવામાં આવે છે, જ્યારે અહીં તો સીધા અપરાધી – જવાબદાર કહી શકાય એવા લોકોને બીજા – ત્રીજા દિવસે મનાઈહુકમની રાહત મળી જાય છે. સેબી જેને અપરાધી ગણીને ઍક્શન લે છે અને બે વરસ માટે તેમના પર મૂડીબજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકી દે છે, તેમની સામેની કાર્યવાહી સામે સેબીની ઉપર બેઠેલું તંત્ર – સેટ આસાનીથી મનાઈહુકમ આપી દે છે. વાહ રે વાહ, કયા ઈન્સાફી હૈ!
પચાસ હજાર કરોડ અને 5,600 કરોડ
પચાસ હજાર કરોડના સ્કેમ માટે જવાબદાર હસ્તીઓને આટલી સહેલાઈથી રાહત અને પચાસ રૂપિયાની ચોરી કરનાર પર તરત આફત! મેરા દેશ મહાન! સેબીના લાંબા રિપોર્ટમાં સ્કેમમાં જવાબદાર અને લાભ ખાટી જનાર એનએસઈના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટરો સામે ઍક્શન લેવાઈ, પણ એ ઍક્શન સામે સ્ટે આવી ગયો. જે બ્રોકરોએ સ્કેમનો મહત્તમ લાભ લીધો, જેમને કારણે લાખો રોકાણકારો સાથે અન્યાય થયો તેવા ચુનંદા બ્રોકરોને પણ રાહત મળી ગઈ. અલબત્ત, પછીથી ઍક્શન આવી શકે, કિંતુ આટલી જલ્દી રાહત માટેનું કારણ શું? ઉપરથી પ્રેશર? પ્રભાવ? કે પછી આ જ ન્યાપ્રક્રિયા છે?
એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ) કેસમાં તો રકમ પણ 5,600 કરોડની હતી, એ પણ ડિફોલ્ટરને કારણ હતી; સ્કેમ નહીં, પૅમેન્ટ ક્રાઈસિસ હતી. ડિફોલ્ટરોની સામે ઍક્શન તરત લેવાવી જોઈતી હતી. તેને બદલે જેની સામે કોઈ ગુનો પુરવાર થયો નથી એવી પ્રમોટર કંપની વિરુદ્ધ અન્યાયી ઍક્શન લેવામાં આવી. સવાલ એ થાય કે એનએસઈએલના કિસ્સામાં સેબીને અને તેની પહેલાંના રેગ્યુલેટર (એફએમસી)ને ફાઈનાન્શિયલ ટેક્નૉલૉજી (એફટી) અને તેના સ્થાપક પ્રમોટર જિજ્ઞેશ શાહ સામે ઍક્શન લેવાની શું ઉતાવળ હતી? અદાલતમાં ન્યાય કે સુનાવણી થાય એ પહેલાં જ એ કેસમાં પ્રમોટરને ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’ જાહેર કરી દીધા. તેમની પાસેથી બિઝનેસ છીનવી લીધો. જે બિઝનેસને લીધે ભારતનું સ્થાન અવ્વલ બન્યું હતું એ બિઝનેસ માટે તેમને બિરદાવવાને બદલે એ બિઝનેસ જ બંધ કરાવી દીધો. તેમને જ ન કરવા દીધો, જેમણે આ બિઝનેસની મજબૂત ઈમારત ઊભી કરી હતી.
એટલે જ વિશ્વાસ જાગતો નથી અને ટકતો નથી
હાલ એનએસઈના કેસમાં માજી એમડી રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણનને સ્ટે આપી રાહત આપી દીધી. પચાસ હજાર કરોડના કહેવાતા સ્કેમ સામે એક્સચેન્જને કંઈ જ ન કર્યું, માત્ર 675 કરોડ રૂપિયાનો દંડ કરી દીધો. આ આખા કૉ-લૉકેશન સ્કેમમાં સ્થાપિત હિતો એક્સચેન્જના અધિકારીઓ સાથે મળીને કરોડોનો લાભ લઈ ગયા. તેમની સામે આકરી ઍક્શનને બદલે માત્ર દેખાવ પૂરતી ઍક્શન લેવાય તો વિશાળ રોકાણકારોને મૂડીબજારમાં કેવી રીતે વિશ્વાસ બેસે? લાખો લોકોના ભોગે સ્થાપિત હિતો કરોડો રૂપિયાનો લાભ લઈ જાય એ કઈ રીતે હળવાશથી ચલાવી લેવાય છે? ગંભીર વિચારણા માગી લે છે. પ્રજાએ પણ સવાલ ઊઠાવવા જોઈએ…વિચારો, આપણે ફરી વાત કરીશું અન્યાય વિશે. જયાં-જયાં અન્યાય થશે અને સ્થાપિત હિતોની રક્ષા સત્તાવાળા કરશે ત્યારે આપણે પ્રજા તરીકે અવાજ ઊઠાવીશું.
—————————–