
ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ)ના સ્થાપક જિજ્ઞેશ શાહને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે અને એ ષડ્યંત્રમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ, નાણાં ખાતાના ભૂતપૂર્વ સચિવ કે. પી. કૃષ્ણન અને ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ ચેરમેન રમેશ અભિષેક સામેલ હોવાની શંકા છે એવું જણાવતું પુસ્તક 2016માં પ્રગટ થયું હતું. ખ્યાતનામ પત્રકાર-લેખક શાંતનુ ગુહા રેએ ‘ટાર્ગેટ’ નામે એ પુસ્તક લખ્યું હતું. અંગ્રેજી અને દેશની નવ અગ્રણી ભાષામાં અનુવાદ થયા બાદ એ પુસ્તક એમેઝોન પર અને ક્રોસવર્ડ પર એ દરેક ભાષામાં સતત બેસ્ટ સેલર બની રહ્યું હતું.
આપણો આજનો મુદ્દો એ છે કે પી. ચિદમ્બરમ સહિત ઉક્ત ત્રણે વ્યક્તિઓને જિજ્ઞેશ શાહે એક નહીં, પણ બે વખત મુક્ત ચર્ચા માટે આહ્વાન આપેલું છે, છતાં તેમાંથી કોઈએ એના વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. એટલું જ નહીં, છેલ્લે એફટીઆઇએલના ચેરમેન વેંકટ ચારીએ પત્રકાર પરિષદમા જાહેર કર્યું કે આ ત્રણે વ્યક્તિઓ વિરુદ્ધ કંપનીએ નુકસાન ભરપાઈનો 10 હજાર કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. ઉપરાંત, વ્યક્તિગત સ્વરૂપે પણ ત્રણેયની સામે સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર બદલ સીબીઆઇમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
જ્યારે જિજ્ઞેશ શાહે પત્રકાર પરિષદમાં ત્રણેયને ઓપન ડિબેટ માટે પડકાર ફેંક્યો અને એફટીઆઇએલે તેમની વિરુદ્ધ નુકસાન ભરપાઈનો દાવો માંડ્યાનું જાહેર કર્યું ત્યારે શાહે એક જ વાત દોહરાવી હતી કે તેમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે. ‘સત્યમેવ જયતે’ થશે એવું તેઓ દૃઢપણે માને છે. હાલમાં સર્વોચ્ચ અદાલતે એનએસઈએલ અને એફટીઆઇએલનું મર્જર કરવાના સરકારના આદેશને રદ કર્યો ત્યારે શાહની ન્યાયતંત્ર પરની શ્રદ્ધા ફરી એક વાર સિદ્ધ થઈ. કંપનીએ પત્રકારોને આપેલી પહેલી પ્રતિક્રિયામાં માત્ર એટલે જ કહ્યું હતું – સત્યમેવ જયતે.
નોંધનીય રીતે એ જ દિવસે સેબીએ એનએસઈ વિરુદ્ધના ઍલ્ગરિધમિક ટ્રેડિંગને લગતા કેસમાં એક્સચેન્જને 675 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો. સાથે સાથે ઍલ્ગરિધમિક ટ્રેડિંગ માટે એનએસઈના ડેટાનો દુરુપયોગ કરવા બદલ ઇન્ફોટેક ફાઈનાન્શિયલ સર્વિસીસ, તેના બે કંપનીના ડિરેક્ટર્સ અને અજય શાહ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાનું એક્સચેન્જને કહ્યું હતું.
સુનિતા થોમસ અને કૃષ્ણા ડગલી ઇન્ફોટેકના બે ડિરેક્ટર્સ છે જ્યારે અજય શાહ સુનિતા થોમસના પતિ છે. અજય શાહે ઇન્ફોટેક અને તેના બે ડિરેક્ટર્સની સાથે મળીને એક યોજના ઘડી હતી, જેને LIX પ્રોજેક્ટ એવું નામ આપવામાં આવ્યું હતું. તેમણે LIX વિકસાવવાના નામે એક્સચેન્જ પાસેથી ડેટા ટ્રાન્સમિશન સર્વિસ મેળવી, જેનો દુરુપયોગ તેમણે સિક્યૉરિટીઝ માર્કેટમાં વેચી શકાય એવી ઍલ્ગરિધમિક ટ્રેડિંગ પ્રૉડક્ટ્સ વિકસાવવા માટે કર્યો. આ પ્રૉડક્ટ્સ નાણાં કમાવાનું એક સાધન હતી, એમ સેબીના આદેશમાં કહેવામાં આવ્યું હતું.
આપણે અગાઉ આ બ્લોગમાં લખી ગયા છીએ કે અજય શાહ પી. ચિદમ્બરમના માનીતા છે. કે. પી. કૃષ્ણન પણ તેમાં કેવી રીતે સંડોવાયેલા હોઈ શકે તેની વાત પણ આપણે એ બ્લોગમાં કરી હતી (https://vicharkranti2019.wordpress.com/2019/04/26/ભારતીય-નિયમનકારોનું-વલણઃ/). હવે પાછા સર્વોચ્ચ અદાલતે રદ કરેલા મર્જરની વાત પર આવીએ. પોતે નિયમનકાર નથી એવું ગાણું ગાયે રાખનાર ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ચેરમેન રમેશ અભિષેકે મર્જર માટેની ભલામણ કરી હતી, જેને કંપનીસંબંધી બાબતોના ખાતાએ સ્વીકારીને મર્જરનો આદેશ બહાર પાડ્યો હતો.
આમ, પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકની ત્રિપુટી સામે વારંવાર આંગળી ચિંધાઈ છે અને તેમને ખુલ્લી ચર્ચા કરવા માટેનો પડકાર પણ ફેંકવામાં આવ્યો છે. આમ છતાં, તેમના તરફથી કોઈ ચૂં કે ચાં થયું નથી. આ બાબત ખરેખર રહસ્યમય છે અને જ્યાં સુધી ત્રિપુટી જાહેર ચર્ચા કરવા માટે તૈયાર નહીં થાય અથવા તો કોઈ અદાલતમાં તેમની વિરુદ્ધ પુરાવા જાહેર નહીં થાય કે પછી તેમની સંડોવણી જાહેર નહીં થાય ત્યાં સુધી એ રહસ્ય અકબંધ રહેશે. તેઓ બીજાં કેટલાંય રહસ્યો છુપાવીને બેઠા હશે એ તો રામ જ જાણે!
———————————