આવશ્યકતા જ નહતી, છતાં સરકારે મર્જરનો આદેશ બહાર પાડ્યો હતોઃ આખરે એફટીના પક્ષે સત્યનો વિજય થયો

એનએસઈએલ-એફટીઆઇએલનું મર્જર રદ કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેના 133 પાનાંના આદેશમાં સંખ્યાબંધ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. એફટીના વકીલોએ કરેલી ઘણી મહત્ત્વપૂર્ણ દલીલોને તેણે માન્ય રાખી છે. તેમાંની એક આ રહીઃ કેન્દ્ર સરકારે આવો આદેશ જરૂરી છે કે કેમ એના વિશે પોતાનું મગજ વાપર્યું નથી. બીજું, કોઈ એક એક્સચેન્જના સભ્યોની કથિત લાયેબિલિટીઝ વિશે ખટલો ચાલી રહ્યો હોય ત્યારે કેન્દ્ર સરકારે જનહિતમાં આ બન્ને કંપનીઓનું મર્જર કરવાની જરૂર હોવાનું ભાગ્યે જ કહી શકાય. ખરેખર તો જનહિત સામાન્ય જનતાનું હોય અને તેમાં દેખીતી રીતે એફટીઆઇએલના 63,000 શેરધારકો પણ આવી જાય.
મર્જરના આદેશના પહેલા પાના પર મર્જરના ઉદ્દેશ્યો લખવામાં આવ્યા હતા. તેમાં કહેવાયું હતું કે બન્ને કંપનીઓની અસેટ્સ, મૂડી અને અનામત ભેગી કરવાથી તેનો ઉપયોગ કરી શકાશે, કામકાજ ઓછા ખર્ચે થઈ શકશે, વહીવટ વધુ કાર્યક્ષમ બનશે, સ્ટેકહોલ્ડરો અને ક્રેડિટરોના અધિકારો તથા લાયેબિલિટીઝનું લાભદાયક રીતે સેટલમેન્ટ કરી શકાશે, બિઝનેસનું કન્સોલિડેશન કરી શકાશે તથા સમન્વય અને નીતિનું કામકાજ શક્ય બનશે. અદાલતે આ કારણો સંપૂર્ણપણે સંદિગ્ધ (અસ્પષ્ટ) હોવાનું સ્વીકાર્યું છે.
અદાલતે એ પણ સ્વીકાર્યું છે કે ડિફોલ્ટરો પાસેથી નાણાં પાછાં મેળવવાની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે એવા સમયે મર્જર કરવાનું પગલું સંપૂર્ણપણે એકપક્ષી છે અને તેનાથી એફટીઆઇએલના શેરધારકો અને ક્રેડિટરોના અધિકારો પર તરાપ મરાય છે. વળી, આ શેરધારકો અને ક્રેડિટરોએ મર્જરની સામે ભારે બહુમતીથી મતદાન કર્યું છે. ખરેખર તો મર્જરનો આદેશ ‘શ્યામ’ એટલે કે 24 કથિત ડિફોલ્ટરોના દોષને બદલે ‘રામ’ એટલે કે એનએસઈએલ-એફટીઆઇએલને દંડિત કરવા માટે કંપની કાયદાની કલમ 396નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ પણ એવા સંજોગોમાં કરવામાં આવ્યો છે, જ્યારે એફટીઆઇએલ કે એનએસઈએલે નાગરી કે ફોજદારી ખોટું કામ કર્યાનું ક્યાંય જોવામાં આવ્યું નથી તથા તેમણે કોઈ ડિફોલ્ટ કર્યો નથી.
સરકારે જનહિતનું નામ આપીને મર્જરનો આદેશ બહાર પાડ્યો, પરંતુ તેની સામે એવી દલીલ થઈ હતી કે બન્ને કંપનીઓના સ્રોતો ભેગા કરીને ઉત્પાદન વધતું હોય અને રોજગારનું સર્જન થતું હોય અને એ રીતે સમુદાયને લાભ થતો હોય તેને જનહિત કહેવાય. જે કાર્યવાહીથી ઉદ્યોગનો વેગ અટકતો હોય તો તેને જનહિત કહી શકાય નહીં. આ રીતે સરકારની દલીલ સાવ પડી ભાંગી હતી, કારણ કે સર્વોચ્ચ અદાલતે દાખલા-દલીલો સાથે કહ્યું હતું કે આ કેસમાં ક્યાંય જનહિત દેખાતું નથી.
ફોરવર્ડ માર્કેટ્સ કમિશને જેને તાકીદની સ્થિતિ ગણાવી હતી એ સ્થિતિ મર્જરનો આખરી આદેશ બહાર પડાયો ત્યાર સુધી રહી ન હતી. આમ, ફરજિયાત મર્જરનું પગલું ભરવાની તાકીદની સ્થિતિનું અસ્તિત્વ જ રહ્યું ન હતું. આમ, કલમ 396નો ઉપયોગ કરવા પાછળનું કારણ જ સાવ દૂર થઈ ગયું છે. તેનું કારણ એ છે કે ડિફોલ્ટરો વિરુદ્ધ 3,365 કરોડ રૂપિયાની ડિક્રી/આદેશ મેળવવામાં આવ્યા છે અને વડી અદાલતે નીમેલી સમિતિએ 835.88 કરોડ રૂપિયાની જવાબદારી નિશ્ચિત કરી લીધી છે. આ બધું એફટીઆઇએલના સ્રોતોનો ઉપયોગ કર્યા વગર થયું છે. આથી જેને આવશ્યક બાબત ગણાવાઈ હતી એનો મહદ્ અંશે 2016માં મર્જરનો આદેશ બહાર પડાય તેની પહેલાં અંત આવી ગયો હતો. આ રીતે કેન્દ્ર સરકારે કલમ 396નો ઉપયોગ કરતી વખતે ‘આવશ્યકતા’ના પાસા બાબતે વગર વિચાર્યે પગલું ભર્યું છે.
————