એનએસઈએલ-એફટીઆઇએલ મર્જર કેસઃ સ્થાપિત હિતોને ‘જનહિત’નું નામ આપનાર સરકારને સર્વોચ્ચ અદાલતની લપડાક

સરકારના અવિચારી પગલાને લીધે માત્ર એક કંપની સમૂહને નહીં, દેશ આખાને ભયંકર નુકસાન થયું છે

એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહ. તસવીર સૌજન્યઃ મિન્ટ

આખરે સર્વોચ્ચ અદાલતે એનએસઈએલ-એફટીઆઇએલના મર્જરનો સરકારી આદેશ રદ કરી દીધો છે.

સરકારે બહાર પાડેલા આદેશને ત્રણ વર્ષ થયા બાદ ચુકાદો આવ્યો છે અને તેમાં સરકારનું તો કંઈ નથી ગયું પણ એનએસઈએલની પૅરન્ટ કંપની એફટીઆઇએલને જબ્બર મોટું નુકસાન થયું છે. કંપની કાનૂની લડતમાં જીતી ગઇ પરંતુ તેના શેરનું મૂલ્ય ઘણું ઘટી ગયું.

એનએસઈએલમાં ડિફોલ્ટરો નાણાં લઈ ગયા અને કંપનીના શેરધારકોને સરકારના પગલાને કારણે ધરખમ નુકસાન થયું. ઉપરાંત, દેશમાં નવસર્જન કરીને નાગરિકો માટે મૂલ્યસર્જન કરનારી એક નવી પેઢીની મેક ઇન ઇન્ડિયા કંપનીની મહેનત પર પાણી ફરી વળ્યું અને ભારતે ઘણું ગુમાવ્યું. આમ, આપણે અગાઉ કહ્યું તેમ આ કેસમાં માત્ર એફટીને નહીં, સમગ્ર દેશને ભયંકર નુકસાન થયું છે.

મર્જર કેસમાં થયેલી અનેક દલીલોમાં કંપનીના શેરધારકોના અધિકારો પ્રત્યે થયેલા દુર્લક્ષનો મુદ્દો પણ મહત્ત્વનો હતો.

એફટીના વકીલોએ કહ્યું હતું કે કંપનીઝ ઍક્ટની કલમ 396 હેઠળ મર્જરનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આ કલમનો ઉપયોગ સત્તા બહારનો હોવાનું દર્શાવતા અનેક મુદ્દાઓ છે.

મર્જરનો આદેશ બહાર પાડતાં પહેલાં એફટીના શેરધારકોને થનારા નુકસાનનો વિચાર કરવામાં આવ્યો ન હતો. મર્જર કરતી વખતે એફટીના શેરધારકોને નુકસાન ભરપાઈ કરવા વિશે વિચાર થવો જરૂરી હતો. કલમ 396નો ઉપયોગ થાય ત્યારે શેરધારકને અથવા ક્રેડિટરને શક્ય તેટલા સમાન ગણવા જોઈએ.

મર્જર થતાં પહેલાં 2,800 કરોડ રૂપિયાની પોઝિટિવ નેટવર્થ ધરાવતી કંપનીની નેટવર્થ મર્જરના પગલે શૂન્ય થઈ જાય અને એવા સમયે એ કંપની કોઈ પણ નુકસાન ભરપાઈ કરવાની સ્થિતિમાં રહે નહીં.

વળી, એનએસઈએલે ડિફોલ્ટરો વિરુદ્ધ ન્યાયિક પ્રક્રિયા દ્વારા મેળવેલી ડિક્રી અને આર્બિટ્રેશન ચુકાદાનું શું? મર્જરનો આદેશ એ ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરનારો છે. એ ઉપરાંત મુદ્દો એ પણ છે કે એનએસઈએલમાં ડિફોલ્ટ થયો હતો કે કેમ અને ડિફોલ્ટરોએ નાણાં ચૂકવવાનાં નીકળે છે કે કેમ તેને લગતી ન્યાયિક પ્રક્રિયા પણ ચાલી રહી છે. મર્જરના આદેશ દ્વારા એ પ્રક્રિયાનું મૂલ્ય પણ ઉતારી પડાયું છે.

વકીલોએ કરેલી દલીલો મુજબ કલમ 396નો ઉપયોગ કરતાં પહેલાં જે શરતો સંતોષવાની હોય એ સંતોષાઈ નથી. મર્જરનો આદેશ જરૂરી છે કે કેમ એના વિશે પણ સરકારે વિચાર કર્યો નથી, એવી દલીલને અદાલતે સ્વીકારી છે. તેણે એ પણ સ્વીકાર્યું છે કે એક એક્સચેન્જના સભ્યોની જવાબદારીઓને જનહિતનો પ્રશ્ન ગણી શકાય નહીં.

દેશની સર્વોપરી અદાલતે ખરા અર્થમાં સચોટ ચુકાદો આપ્યો છે, કારણ કે પોતાના સ્વાર્થ ખાતર ઉંચું વળતર મેળવવા આવેલા ટ્રેડરોના હિતને સાચવી લેવા માટે સરકારે એફટીઆઇએલના 63,000 શેરધારકોના હિતની ઉપેક્ષા કરી હતી. એ ટ્રેડરોનાં નાણાંનો સ્રોત પણ શંકાસ્પદ હોવાનું અહેવાલોમાં બહાર આવ્યું છે. એ બાબતે આવક વેરા ખાતું તપાસ કરી જ રહ્યું છે.

ફોરવર્ડ માર્કેટ્સ કમિશને ગ્રાન્ટ થોર્નટનના જે ઑડિટના અહેવાલના આધારે મર્જરની ભલામણ કરી હતી એ અહેવાલમાં પણ સ્પષ્ટ કહેવાયું હતું કે કોઈ પણ આખરી નિર્ણય માટે તેનો ઉપયોગ કરી શકાય નહીં. આટલું સ્પષ્ટ કહેવામાં આવ્યું હોવા છતાં સરકારે મર્જર જેવા માટે નિર્ણય માટે એ અહેવાલનો આધાર લીધો. આમ, તેણે વગર વિચાર્યે મર્જરનો આદેશ બહાર પાડ્યો હોવાની વકીલોની દલીલને અદાલતે માન્ય રાખી છે. સરકારનો આદેશ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરનારો હોવાનું પણ માન્ય રાખીને અદાલતે આદેશને રદ કરી દીધો છે.

દેશની ટોચની અદાલતે સ્વીકારેલી અનેક વાતો સામાન્ય જનતાની આંખ ઉઘાડનારી અને સરકારના પગલાનો દોષ ઉઘાડો પાડનારી છે, જેના વિશે આપણે આગામી કડીમાં વાત કરીશું….

————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s