સેબીને તેની ઍક્શન બદલ દસ સવાલો

બુધવારે મોટાભાગનાં અખબારોમાં નૅશનલ સ્ટોક એક્સચેન્જ વિશે મોટા સમાચાર પ્રસિદ્ધ થયા, કારણ કે નિયમનકાર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ પ્રથમવાર આ એક્સચેન્જ સામે ઍક્શન લીધી. જો કે, બહુ જ ગંભીર અપરાધ સામે સેબીની કાર્યવાહી હળવી કહી શકાય એવી છે. 50થી 60 હજાર કરોડના મૂલ્ય જેટલી ગરબડનો એનએસઈ પર આક્ષેપ હતો, જેણે કૉ-લૉકેશનના માધ્યમથી અમુક મોટા બ્રોકરોને સોદા કરવાની વહેલી તક આપી હતી. આ કોઈ સિસ્ટમ ફેઈલ્યોર નહોતી. સેબીના નિરીક્ષણ મુજબ એનએસઈ તેનું ડ્યુ ડિલિજન્સ કરવામાં (યોગ્ય તકેદારી રાખવામાં) નિષ્ફળ ગયું હતું. આ વહેલા સોદાની તક ભલે અમુક મિલિ સેકન્ડની, તેનો ઉપયોગ કરનારા બ્રોકરોએ અબજો રૂપિયાનો ગેરલાભ અન્ય ગ્રાહકો કે બ્રોકરોના ભોગે લીધો હોવાનું કહેવાય છે.
અલબત્ત, સેબીએ આ માટેની સજા રૂપે એક્સચેન્જની સામે 625 કરોડ જેવી રકમનો ડિસ્ગોર્જમેન્ટ ઓર્ડર બહાર પાડ્યો છે.
શરૂથી ફેવર મેળવીને આગળ વધ્યું
60 હજાર કરોડ રૂપિયાના ગેરલાભ સામે માત્ર 625 કરોડની પેનલ્ટી? ”બહુત નાઈન્સાફી હૈ”, સેબી. વાત જાણે એમ છે કે એનએસઈ જ્યારથી સ્થપાયું છે ત્યારથી તેને એક યા બીજા સ્વરૂપે સરકારી ફેવર મળતી રહી છે, જેને કારણે તેનો વિકાસ વધુ ઝડપથી થઈ શક્યો છે. અલબત્ત, તેમાં ક્યાંક એનએસઈના વહીવટની કેટલીક સારી બાજુ પણ ખરી. ખાસ કરીને એનએસઈના પ્રથમ મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. આર. એચ. પાટીલના નેતૃત્ત્વ હેઠળ એનએસઈ ઉત્તમ એક્સચેન્જ તરીકે ઉભર્યું હતું. એમના પછીના વહીવટમાં ફેવરટિઝમ શરૂ થઈને ફેલાતું ગયું હોવાની ચર્ચા થતી રહી હતી, જે કૉ-લૉકેશનના પ્રકરણ દ્વારા બહાર આવી અને પુરવાર થઈ. કૉ-લૉકેશન પણ એક પ્રકારનું ફેવરટિઝમ કહી શકાય. આ શબ્દ ટેક્નિકલ છે, કિંતુ બજારના ખેલાડીઓ તેનાથી સુપેરે વાકેફ છે.
સેબીએ એનએસઈ સામે ઍક્શન લઈને જાણે એવું જતાવ્યું છે કે તે ન્યાય કરવામાં કોઈને બાકાત રાખતું નથી, કિંતુ યાદ રહે, સેબીએ આ ઍક્શન લેવામાં બે વરસ કાઢી નાખ્યાં છે. એ પછી પણ સેબીની આ ઍક્શન સામે ઘણા સવાલો ઊઠી શકે છે.
રોકાણકારો અને સરકારે વિચારવા જેવા સેબી માટેના સવાલો
સવાલ 1
શું આ 625 કરોડની પેનલ્ટી પુરતી છે? એક્સચેન્જને આ પેનલ્ટી કરાઈ, કારણ કે તેણે ડ્યુ ડિલિજન્સ કર્યું ન હતું. પરંતુ જેઓ તેનો ગેરલાભ લઈ ગયા તે બ્રોકરોનું શું? તેમની સામે ઍક્શન કેમ નહીં? તેમની પાસેથી ગેરલાભની વસૂલી કેમ નહીં?
સવાલ 2
અગાઉ આઈપીઓ-ડિમેટ સ્કેમમાં બહુ લાંબા સમય બાદ સેબીએ ઍક્શન લીધી ત્યારે જેઓ એ કૌભાંડનો ગેરલાભ લઈ ગયા હતા તેમની પાસેથી પણ નાણાંની વસૂલી દંડ રૂપે કરાઈ હતી, તો આ કેસમાં કેમ નહીં?
સવાલ 3
આ પ્રકરણમાં અન્ય અધિકારીઓ પણ પરોક્ષ રીતે સામેલ હોવાનું બહાર આવ્યું હતું. તેમને કેમ જતા કરાયા?
સવાલ 4
આ પ્રકરણમાં બહારના કેટલાક એનએસઈ પ્રેમીઓ અને તેનો ગેરલાભ લેનાર તત્ત્વો સમાન પ્રોફેસર અજય શાહ અને સુસાન થોમસ–રિસર્ચર સામે શા માટે કોઈ તપાસ કે ઍક્શન નહીં? આ હસ્તીઓનાં નામ પણ કૉ-લૉકેશન કેસમાં બોલાયાં-ચર્ચાયાં હતાં અને તેમની ભૂમિકા વિશે પણ સવાલ ઊઠ્યા હતા. જો તેઓ નિર્દોષ હોય તો સેબી કહી દે કે તેઓ નિર્દોષ છે. શું સેબી આ વિશે સ્પષ્ટ મત જાહેર કરવો જોઈએ નહીં?
સવાલ 5
આ કૉ-લૉકેશન સ્કેમ એ ટેક્નિકલ ગરબડ છે તેમ છતાં એક્સચેન્જના ચીફ ટેક્નોલોજી ઑફિસર સામે કેમ ઍક્શન નથી લેવાઈ?
સવાલ 6
સેબીએ આ ઍક્શન આટલા સમય બાદ લીધી યા લેવી પડી તે માટે દિલ્હી હાઈકોર્ટમાં ફાઈલ થયેલી જનહિતની અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) જવાબદાર ગણાય. આ ન હોત તો સેબીએ પોતાની ઍક્શન લીધી હોત ખરી? જો સેબી આવા ગંભીર અપરાધમાં પણ ઍક્શન લેતાં કે કાર્યવાહી કરતાં અચકાય તો તેનો એક અર્થ એ થઈ શકે કે તેને ઉપરથી દબાણ છે. શું જો એમ હોય તો સેબીની સ્વાયત્તતાનું શું?
સવાલ 7
સેબીએ આ મામલો – આ અપરાધ આટલો ગંભીર હોવા છતાં કેમ કોઈ ક્રિમિનલ ઍક્શન લીધી નથી? આ કિસ્સામાં સેબીને ફિટ ઍન્ડ પ્રૉપરનો વિચાર કેમ આવ્યો નહીં?
સવાલ 8
સેબીએ એનએસઈને છ મહિના માટે કેપિટલ માર્કેટમાં આઈપીઓ લાવવાની મનાઈ ફરમાવી એમાં વળી શું છે? આમ પણ આ એક્સચેન્જ છ મહિના સુધી આઈપીઓ લાવવાની સ્થિતિમાં હતું કે કેમ એ સવાલ છે? એક્સચેન્જ કેટલાય સમયથી આઈપીઓ લાવવાની વાતો કર્યા કરે છે. હવે તેના વર્તમાન મૅનેજિંગ ડિરેક્ટરે છ મહિના બાદ પ્રતિબંધ ઉઠી ગયા પછી આઈપીઓ લાવવાની વાત કરી છે.
સવાલ 9
શું આવું બીએસઈ કે અન્ય એક્સચેન્જમાં બન્યું હોત તો સેબી આટલું વિલંબિત કે હળવું વલણ અપનાવત? તેના ઉચ્ચ અધિકારીઓને માત્ર ફાઈનાન્શિયલ પેનલ્ટી કરીને જવા દેત?
સવાલ 10
આ કેસ ગંભીર છે, તેની ગંભીરતા ધ્યાનમાં રાખી સેબીએ આ કેસ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ, બ્રોકરો સામે ઍક્શન લેવી જોઈએ. લોકોના મગજમાં તો ભ્રમ છે કે એનએસઈ સરકારી એક્સચેન્જ છે, પણ નિયમનકાર તરીકે સેબીએ એનએસઈને સરકારી એક્સચેન્જ ‘માનવાની’ ભૂલ કરવી જોઈએ નહીં. એનએસઈમાં ખાનગી ઈક્વિટી હિસ્સો છે તેને ધ્યાનમાં રાખતાં એ ખાનગી એક્સચેન્જ હોવાનું સ્પષ્ટ છે, તો પછી તેને આટલું બધું સરકારી પ્રોટેક્શન શા માટે? શું ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના આશીર્વાદ હજી કામ કરી રહ્યા છે?
—————————–