
સમગ્ર મુંબઈમાં 29મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન ચરમસીમાએ પહોંચી ગયાં છે.
સાર્વત્રિક ચૂંટણીને ‘દેશ કા મહા ત્યૌહાર’ તરીકે ઓળખાવનાર ચૂંટણી પંચે મતદાન કરાવવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. આવા સમયે મુંબઈગરાઓમાં પણ મતદાન માટેની જાગરૂકતા અત્યારે ઘણી વધી ગઈ છે.
વ્યાપારીઓ તરફથી ખરીદી પરની ઑફરો અને વ્યાવસાયીઓ તરફથી નિઃશુલ્ક કન્સલ્ટિંગ જેવી સંખ્યાબંધ ઑફરો વચ્ચે મુંબઈગરા સોમવારે મતદાન કરવા ઊતરશે.
હાથ નહીં હોવા છતાં મતદાન કરવા ગયેલી વ્યક્તિઓની તસવીરો વ્હોટ્સઍપ મેસેજ દ્વારા ફરતી થઈ છે. આ સંદેશ જોઈને મતદારો હાથે કરીને પગે કુહાડી મારવાનું ટાળશે એવી આશા જન્મી છે. મતદાન નહીં કરવું એ પોતાના હાથે પોતાના પગે કુહાડી મારવા સમાન પગલું છે.
આવા મેસેજીસ વચ્ચે મહત્ત્વપૂર્ણ સંદેશ એ છે કે મતદાન માટે બટન દબાવ્યા બાદ બાજુના વીવીપેટ મશીન પર તમે કોને મતદાન કર્યું છે એ કન્ફર્મ કરી શકાશે. મશીન પર સાત સેકંડ સુધી એક સ્લિપ દેખાશે, જેમાં તમારા મતદાનની માહિતી હશે. પછી એ સ્લિપ આપોઆપ બોક્સમાં ખરી પડશે. આમ, મશીનમાં કોઈ ગરબડ હોવાની શંકા દૂર થઈ જશે.
ચૂંટણી પંચે મતદાન કેટલું થયું તેની વિગતો પૂરી પાડનારી ઍપ પણ બનાવી છે. મતદાતાને પોતાનું નામ શોધવામાં મદદ કરનારી ઍપ પણ છે. ઘણા લોકોએ પોતપોતાની સોસાયટીમાં દરેક મતદાર સક્રિય થાય એ માટેની કેટલીક નવી પહેલ પણ કરી છે. હવે માત્ર મતદાન કરવા જવાની જ જરૂર છે.
————————–