
NSELના કેસમાં આપણે જોયું કે સરકારની ઈચ્છાને માન આપીને એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યું, પરંતુ જ્યારે ડિફોલ્ટરો નાણાં ચૂકવવાની જવાબદારીમાંથી ફરી ગયા ત્યારે ઓળિયોઘોળિયો એક્સચેન્જની પ્રમોટર કંપની પર આવ્યો.
એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી બહાર આવી ત્યારે શરૂઆતમાં તો લાગ્યું કે લોકોનાં નાણાં પાછાં અપાવવા માટે કામ કરાશે, પરંતુ હકીકતમાં એક પછી એક તપાસ ઍજન્સી તેમાં તપાસ કરવા લાગી અને અત્યારે છ વર્ષ થવા આવ્યા હોવા છતાં કંઈ થયું નથી.
મનીલાઇફ સામયિકના ઓનલાઇનના અહેવાલમાં કહેવામાં આવ્યા મુજબ એનએસઈએલના શ્રીમંત ટ્રેડરોને છાવરવા માટે જ બધી તપાસ થઈ રહી છે કે કેમ એવો સવાલ ઊભો થાય છે.
આ સાથે જ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આ કેસ સંબંધે કરેલી વાત પણ નોંધનીય છે. તેમણે શરૂઆતમાં જ કહી દીધું હતું કે જેમણે પૈસા રોક્યા તેમને સારી રીતે ખબર હતી કે કેવી પ્રવૃત્તિમાં તેઓ નાણાં રોકી રહ્યા છે. નાણાં રોકનારાઓ કંઈ કીકલા ન હતા. એક્સચેન્જ કોઈ નિયમન હેઠળ નહીં હોવાનું તેમણે કહ્યું, પરંતુ એક્સચેન્જની પ્રમોટર કંપની – એફટીને ડિફોલ્ટરોએ જ્યારે સાપસીડીમાં સાપના મોં પાસે લાવી ત્યારે અચાનક જ નિયમનકાર તરીકે પ્રગટ થયેલા ફોરવર્ડ માર્કેટ્સ કમિશને એફટી પાસે તેનાં બીજાં બધાં એક્સચેન્જોમાંથી હિસ્સો વેચાવડાવી દીધો. તેના કહેવાથી જ કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે એફટીને કોઈ પણ એક્સચેન્જ ચલાવવા માટે અનફિટ જાહેર કરી.
સત્યમ કૌભાંડમાં જ્યારે પ્રમોટરોએ જ નાણાકીય ગેરરીતિ કરી ત્યારે તેને બચાવી લેવામાં આવી અને કંપનીને ટેક મહિન્દ્રાએ ટેક ઓવર કરી. આમ, કંપનીના શેરધારકોને કોઈ નુકસાન ન થયું. બીજી બાજુ, એફટીના શેરધારકોને નુકસાન થાય એવા ચુકાદામાં કંપનીની પાસે બધાં એક્સચેન્જો વેચાવડાવી દેવાયાં. પરિણામે, કંપનીના શેરનું મૂલ્ય સતત ઘટતું ગયું.
વળી, સત્યમમાં તો પ્રમોટરોએ ગોટાળા કર્યા હોવાનું સ્પષ્ટ હતું, જ્યારે એનએસઈએલના કેસમાં તો મુંબઈ વડી અદાલતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કેસનાં નાણાં પ્રમોટર કંપની કે સ્થાપકે લીધાં નથી. વળી, એફટીની સાથે એનએસઈએલનું મર્જર કરી લેવાનો આદેશ સરકારે બહાર પાડ્યો, પણ ડિફોલ્ટરોને ઉની આંચ પણ આવી નથી.
હાલમાં બ્રોકરોની ભૂમિકા વિશે પણ સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે પોતાના અહેવાલમાં સ્પષ્ટપણે કહ્યું કે એ લોકોએ ક્લાયન્ટ્સને ગેરમાર્ગે દોર્યા તથા કાળાં નાણાંને ધોળાં કરવા માટે એનએસઈએલના માધ્યમનો ઉપયોગ કર્યો. એફટીને તો એકપણ એક્સચેન્જ ચલાવી શકાય નહીં એ રીતે અનફિટ ઍન્ડ અનપ્રોપર જાહેર કરવામાં આવી, જ્યારે બ્રોકરોને ફક્ત કોમોડિટી સેગમેન્ટ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
એફટીની બાબતે એક માપદંડ અને બીજાઓ માટે બીજો, એવું અત્યાર સુધીની અનેક ઘટનાઓમાં સ્પષ્ટ થયું છે. દા.ત. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના અલ્ગો ટ્રેડિંગ કૌભાંડમાં એક્સચેન્જની વિરુદ્ધ હજી કોઈ કાર્યવાહી થઈ નથી. ઉલટાનું, એવું વાતાવરણ સર્જવામાં આવ્યું છે કે એક્સચેન્જ કન્સેન્ટ મિકેનિઝમ દ્વારા દંડ ભરીને છટકી જાય.
રોકાણકારોની સાથે ખરી છેતરપિંડી તો અલ્ગો ટ્રેડિંગમાં થઈ કહેવાય, કારણ કે તેમાં કેટલાક ખાસ બ્રોકરોને અલ્ગો ટ્રેડિંગની સુવિધા આપીને બીજાઓ કરતાં આગળ રખાયા અને તેને લીધે તેઓ મનફાવે તેમ બજારમાં ગેરરીતિ આચરતા રહ્યા.
હાલમાં પ્રગટ થયેલા બે અહેવાલોમાં અલ્ગો વિશે ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેના વિશે વાત કરીશું આગળની કડીમાં…..
—————————–